પરાવાણી ૧૨

માનવસૃષ્ટિમાં સમય-સમય પર ભગવાનનું પ્રાગટ્ય - મનુષ્યરૂપે રહેલા ભગવાનને ચિહ્નોથી પણ ઓળખી ભજી લેવા

ભગવાને સૃષ્ટિ રચી, રચ્યા પછી ઋષિઓ, મુનિઓ, દેવતાઓ, ઇશ્વરો, માનવો એક બીજા બોલી શકે, સમજી શકે પોતાની ભેગા રહી શકે એવા રચ્યા. મનુષ્યોએ માંગ્યું કે, દેવતાઓમાં સામર્થ્ય છે. પણ અમારામાં સામર્થ્ય બહુ નથી તો અમને કંઇક આપો. ભગવાન કહે, હું તમને આપ્યો. એટલે ભગવાન મનુષ્યોમાં જન્મે છે. માનવ સૃષ્ટિમાં કોઇ વર્ષો કે યુગ એવો ખાલી નથી કે જેમાં ભગવાન ન હોય. ભગવાને કહ્યું છે કે, હું તો યુગે યુગમાં, દિવસે દિવસમાં, મહિને મહિને, ઠેક ઠેકાણે જ્યાં મનુષ્યોને ભજન કરાવવાનું ટાણું આવે ત્યાં પ્રગટ થાઉં છું અને ભજન કરાવું છું, મારા ઘણાં ધામ છે, મારા ઘણાં લોક છે, મારી લાંબી સૃષ્ટિ છે પણ મારા ભક્તો એક મૂઠી જેટલા હોય તોય ત્યાં જાઉં છું પણ બીજો સમુદ્ર ભરાય એટલા હોય તોય ત્યાં જતો નથી. કારણ કે રજોગુણ અને તમોગુણ વાળા ઝાઝા. સત્ત્વગુણ વાળા અને ભક્તિ કરે એવા થોડા, તો ભક્તિ કરે એને ત્યાં ભોજન, પાણી સાથે રહેવું, વિચરવું, એના જેવા થવું, એની સેવા અંગીકાર કરવી વગેરે મને ગમે છે અને અસૂરો તો બહુ જાજા ભેગા થાય ત્યારે મને મારવા આવે છે પણ હું એનો સંહાર હું કરી નાખું છું. સંહાર કર્યા પછી ભક્તો સુખી થાય છે અને મને પણ નિરાંત, શાંતિ થાય છે. એવો હું ભગવાન તે જરૂર પૃથ્વીમાં હોઉં છું. સંત અને ભગવાન જરૂર પૃથ્વીમાં વિચરે છે, રહે છે, પૃથ્વીના કેટલાક દેશો સાવ આસુરી દેશો છે, જે મદ્ય-માંસને મદિરા અને અવળા રસ્તા એમાં ને એમાં જિંદગી કાઢી નાખે છે પણ થોડાક દેશ એવા છે જેમાં ભગવાન ભજાય છે અને એ ભગવાન ભજનારી તમામ જ્ઞાતિઓ એમાં ભગવાનના ભક્તો પ્રગટ થાય છે, એ ભક્તો શુદ્ધ રહે છે અને ભગવાનની શુદ્ધ સેવાઓ કરી લહેર કરે છે, ચાકરી કરે છે, સેવાઓ કરે છે, ભગવાનને રાજી કરે છે અને આ લોકમાં મનુષ્ય જન્મ સુધારી અને બ્રહ્મલોકમાં, મોક્ષમાર્ગમાં જાય છે. એ ભગવાન અહિંયા છે, માણસ જેવા છે, આંખ્યું જેવી આંખ્યું, મસ્તક જેવું મસ્તક, હાથ-પગ જેવા હાથ-પગ, આપણી જેવડા હોય, સત્યુગમાં બહુ લાંબા માણસો તો એવડા થાય. આ યુગ બહુ ટૂંકો છે તો એના જેવડા થાય. પણ એની ઓળખાણ ક્યાંથી પડે ? તો જીવ પ્રાણીમાત્ર શરણે આવે એના દુઃખ ટાળે ઇ ભગવાન. એના દર્શનેય થાય. ઇ ભગવાનના ચિહ્નો શાસ્ત્રમાં લખ્યા છે ઇ માંઇલા બે, ચાર, પાંચ, દસ પણ ચિહ્ન હાથ પગમાં હોય તો એ ભગવાન. શાસ્ત્ર એમ કહે છે કે, જો ચિહ્નો દેખો તો પછી એમાં કાંઇ ચમત્કારની જરૂર જ રહેતી નથી. ચિહ્નો દેખો એટલે ભગવાન નક્કી જ લખાયેલ છે.

આ રીતે ભગવાનને ઓળખી ભજવા, સંભારવા અને સમય સમય પ્રમાણે પ્રાર્થના કરવી, હે પ્રભુ ! હું તમારો દાસ છું, મારી રક્ષા કરતાં રહેજો. દેશ અને પરદેશમાં અનાડી જીવની હારે રહેવાનું થાય એટલે અરણ્યોમાં સાવજની હારે, ખરાબ દેશોમાં મલેચ્છો હારે, અરણ્યોમાં ક્યાંય ડાકુઓ સાથે, કોઇ કામકાજમાં અને વનમાં ને ક્યાંય નદીઓના કાંઠામાં, ને ક્યાંક તામસી માણસો સાથે એમ બધાની સાથે જીવન તો ગાળવું પડે છે. પણ ત્યાં મારી રક્ષા કરજો, આમ સાંજે સવારે ભગવાન પાસે માંગવું. દેશ- પરદેશ કમાવું, વાપરવું, પ્રભુ રાજી કરવા, માવતર રાજી કરવા, કુટુંબનું પોષણ કરવું અને પોતે કોઇ દિ’ મુંઝાવું નહીં. મારી જીવનનાડી ભગવાનના હાથમાં છે, માટે આપણને તારાનારા એ છે, દેખનારા એ છે, સંભાળનારા એ છે અને આપણી પ્રાર્થના વડે રાજી થઇને આપણાં ધાર્યા પ્રમાણે કામ પણ કરી દે છે, તેવા ભગવાન તે અમારી રક્ષા કાયમ કરતાં રહેજો.