ભગવાનના સંતોનો મહિમા - સંતની સેવાની રીત
પરમેશ્વરે ધર્મનો કાયદો માણસને માટે બાંધ્યો છે. મનુષ્યની સૃષ્ટિ પરમેશ્વરે બીજી સૃષ્ટિઓ કરતાં ઉત્તમ માની છે. ઉત્તમ સૃષ્ટિઓમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો પણ વધારે ઉત્તમ ગણાય. એમાં ય ભગવાનનો ભક્ત થયો હોય તે સર્વોત્કૃષ્ટ ગણાય, કારણ કે ભક્ત છે તે પરમેશ્વરને ઠેકાણે છે. પરમેશ્વરના એકાંતિકને ઠેકાણે છે. સૂર્ય, ચંદ્ર, વરૂણ, ઇન્દ્ર વગેરે જે મોટા દેવતાઓ તેને ઠેકાણે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણ દેવતાઓને ઠેકાણે છે. સર્વેના માવતરમાં બધા દેવતાઓ રહેલા છે. ગાયમાં દેવતા રહ્યા છે, તીર્થોમાં રહ્યા છે. એ તમામ નમસ્કાર કરવા યોગ્ય છે, ભજવા યોગ્ય છે, સેવવા યોગ્ય છે. એમાં પણ જે મનુષ્ય જન્મ લઇ અને ભગવાનની કંઠીવાળો વૈષ્ણવ ભક્ત થયો એને એ બધાયની સેવા જો સંતની સેવા કરી તો પૂરી કરી કહેવાય છે. માટે સંત પુરુષ પરમેશ્વરના અવતારો છે. પરમેશ્વરની માલિકોર નિરંતર રહીને પરમેશ્વર આપે છે. પરમેશ્વરને ભજાવે છે. પરમેશ્વર તરફ વાળે છે. પરમેશ્વરના ગુણ સંતમાં છે. માટે સંત પુરુષોની સેવા એ પરમેશ્વરની સેવા છે. પૃથ્વી ઉપર પીપળાને પણ પૂજે છે. તુલસીને પૂજે છે. ગાયમાતાને પણ પૂજે છે. ગુરુને પૂજે છે. ક્યાંય મૂર્તિ પધરાવવી હોય તેને પણ પૂજે છે. એ બધાંયની પૂજા સંત પુરુષોમાં આવી જાય છે. કારણ કે સંત છે એ મોક્ષને માટે તૈયાર છે અને ભગવાનના ધામમાં મોકલે છે.
સંત પુરુષોની સેવા આ દુનિયામાં એનો જોટો કોઇ થતો નથી એવી છે. સંતમાં ભગવાન વસ્યા છે માટે આ જગતમાં જેણે જન્મ લીધા એવા જે નર અને નારીઓ તેમણે ભગવાનના સંતને પૂજવા, સેવવા, તેના આશીર્વાદ લેવા, તેને જમાડવા, રમાડવા, એને દંડવત્ કરવા, એને પગે લાગવું. તેને કાંઇક વસ્તુ આપવી, આપીને પણ રાજી થાવું. આમ ભગવાનને માટે શાસ્ત્રો, વેદ, પુરાણો, ઇતિહાસો, આચાર્યો અને દેવ મોટા મોટા બોલનારા હોય તે બધાય પણ એ રીતે કહે છે કે તમે સાધુને પૂજો, સાધુનો આવકાર લ્યો. સાધુમાં ભગવાનની મૂર્તિ છે માટે એનાં જ્યાં ચરણ પગલાં થાય, ત્યાં પરમેશ્વરની મૂર્તિ આવે છે, વસે છે, સાંભળે છે, બેસે છે, બોલે છે, સંતમાં રહ્યા થકા ભગવાન સર્વત્ર રહ્યા છે. માટે સંતના સ્વરૂપના દર્શન કરવા, સંતના સ્વરૂપને સેવવું, સંતની મૂર્તિને જમાડવી, તેની મૂર્તિના આશીર્વાદ લેવા, મૂર્તિના નવારેલા જળ છે એ અશ્વમેઘ યજ્ઞના પુણ્ય આપનારા છે. ભગવાનને નવારીને જે પાણી પાટોત્સવનું થાય છે એ દસ અશ્વમેઘ કરતાં પણ વધારે પવિત્ર છે. તે પ્રસાદીના જળનું પાન કરવું.