પરાવાણી ૩૨

ભગવાન ભક્તને માટે બધું જ કરે - ગરીબ કુટુંબને ભગવાન પ્રત્યેનો પ્રગટભાવ અને શ્રદ્ધા

અમદાવાદ સાબરમતી નદી છે, ત્યાં બઉં વરસાદ પડ્યો, પાણીના પૂર આવ્યા, બેય કાંઠે ફેલાઇ ગયા. નદીના કાંઠે માઇલ માઇલ જે લોકો રહેતા હોય ને ઝુંપડામાં. એ ઝુંપડા સુધી પાણી ફરી વળ્યા. પછી લોકો એવો આપત્તકાળ હોય ત્યારે ભગવાનને સંભારે. પણ પોતાના રક્ષણ વાસ્તે ઝાડવાના ડાળોના બેલાખળામાં માળા બાંધી રાખ્યા હોય એમાં ઉપર ચડી જાય. ખાવા-પીવાનું એવું રાંધેને સાથવો, શેકેલા દાણા એવું ખાય ને એક બે દી’ કાઢે ત્યાં પૂર ઉતરી જાય.

એક લાકડા કાપીને વેચનારું કુટુંબ હતું. એને પરમેશ્વરની ઉપાસના બહુ હતી. એ કુટુંબને આવું પાણી આવ્યું એટલે ઝાડવા ઉપર ચડી ગયા. એ કુટુંબને પૂર્વે કોઇ સાધુ મળ્યા, એની જ્ઞાતિના. સાધુ એટલે રોટલે પાણીએ ખપે, એ સાધુનો ઉપદેશ કે, અમે આ રખડપાટમાં પડીએ છીએ અને દુઃખી છીએ, હલકું વરણ છીએ. માટે અમારો મોક્ષ કઇ રીતે થાય ? અમને પરમેશ્વર કઇ રીતે મળે ? સંત કહે, અહીંયા તમે કાય મંદિર, મૂર્તિ સેવા એ તો કરી શકો નહીં. ત્યારે તમને પ્રભુ ક્યાંથી અહીં સવારે, બપોરે, સાંજે રોજ દર્શન દેય ? પણ આવું અરણ્ય જંગલ છે એમાં તમારે એવું કરી રાખવું કે, ઝુંપડીમાં એક ખૂણે ધૂળનો ઢેફો થોડોક રાખવો અને ઇ ઢેફા ઉપર ગારાના નાના નારાયણનું પૂતળું કરીને મેલવું. એ લોકોને આવડશે, બે પગ, બે હાથ, માથું એમાં ચણોઠિયું બે ચોડે એટલે આયખું થઇ જાય. ફૂલ મળતા હોય એનો હાર કરીને પહેરાવે, પગે લાગે, રાંધતા હોય એ જમાડે, સેવા કરે. સાધુએ ઉપદેશ આપ્યો હતો કે, તમારે આ પૂજાપાઠ કરવા. એને કરીને ભગવાન તમારું કલ્યાણ કરશે, તમારે એમ જાણવું કે, આ ભગવાન છે.

હવે આવું પૂર આવ્યું. એટલે ઓલી ઠાકોરજીની મૂર્તિ હતી ને એ લઇને ઠેઠ ઝાડવા ઉપર એ લોકોએ ચડાવી દીધી. એની શ્રદ્ધા કેટલી ? અને ત્યાં જે કંઇ સૂકા ચણા બધા ઠાકોરજીને ધરીને ખાધા હશે. ઠાકોરજીને ધરીને ખાતા હતા. એમાં ક્યારેક પૂર એવાય આવે કે મૂળિયાં ખોદી નાખે, ઝાડવાના મૂળ ખોદી નાખ્યા તે ઝાડવું પડ્યું ઊંધુ. ભારે કરી, હવે શું થાશે ? આ છોકરાને છાબળા, ખાવાની ચીજ અને ઝાડવું તો તણાય જાય પછી. બે દીકરીયું ને એક દિકરો અને બે માવતર, પાંચ જણાં હતાં, છોકરો ડાળે ચડી ગયો ઊંચો. દીકરી એના મેડામાં બેઠી’તી. મા બાપ ડાળું પકડીને બેઠા’તા, પણ ઓલું પૂર હતું ને એમાં ઓલો બેસવાનો મેળો જે હતો ને દીકરીઓ વાળો, ઇ પાણીમાં ડૂબી ગયો. મા બાપ પડખાની ડાળુંમાં ડાળું પકડીને બેઠા રહ્યા, છોકરો ઊંચો ચડી ગયો. ઓલી છોડીયુંએ મૂર્તિ પકડીને પોતા પાસે રાખી પણ ગારાની મૂર્તિ તૂટી ધોવાઇ ગઇ. પછી ગમે એમ થાય પણ પકડી રાખી પાણીમાં પણ એમ નમ નો રેય ને, બધુંય નો રેય ને ધ્યાન, માટે આકળા બાંકળા થઇ જાય. હવે આ સંતાનોને માવતરનો ઉપદેશ હતો કે, ઝાડવાની મોટી ડાળ હોય, એ ઊંધી પડીને આડી આવે તો એની પડખે થઇને પાણી પડે તો બે હાથ આઘું પડે અને વચ્ચે છે ને એમાં તાણ નો હોય, ડાળને ઓથે રહી જવાય. દીકરીઓ બે છે એ ડાળને ઓથે રહી ગઇ. એમાં ઠૂંઠા હતા એક બે એ પકડી રાખ્યા, પાણીની અડખે પડખે થઇને ઊંચું વયું જાય અને આ બેયની ઓલા પાણીના ખાડામાં વચ્ચે ડાળની આડું મોઢાબાર રહ્યા.

મોટીબહેન નાનીબહેનને કહે છે કે, આપણાં ભગવાન ક્યાં ? તો કહે, મેં પકડી રાખ્યા છે. એને એ ખબર નથી કે એ પલળીને ભાંગી ગયા છે, એને એમ કે મેં આયા ભગવાન પકડી રાખ્યા છે, મારી પાસે છે, તો સારું એને આ પાણી ઉતરી જાય ધીરે ધીરે અમને તાણે નહીં, એમ ભગવાનને કહ્યું. પાણી ઉતરી જાય મહારાજ અમને તાણી નો જાય, મેં તો ભગવાનને કહ્યું છે. પાણી સૂકાવા માંડ્યું. એના ઉપદેશમાં લખ્યું છે, ભગવાનને રાંધેલું જમાડીને પછી જમવું. એને પાણી પાઇને પછી ખાવું-પીવું, એને ખંભે કપડું નાખીને પછી પહેરવું, શાકભાજી, ફળ, ફૂલ જે કાંઇ મળે એ ભગવાનની મૂર્તિને આપીને પછી જમવું. હવે ત્યાં પાણીમાં ચણાની પોટલી તણાઇ જાય, ક્યાંથી આવે ? એણે ભગવાનને કહ્યું, મારી બા પાસે પોટલી છે, હું માંગી લવ. તમને ભૂખ લાગી હશે, જમાડવા હશે કઠણ ચણાના ડાળીયા, એ બા પાસે માંગ્યા. ઓલી પોટલી તણાઇ ગઇ’તી. નાની દીકરીએ માંગ્યા કે બા ઓલા ચણા આપો, ઠાકોરજી ભૂખ્યા થયા છે. મારે એને જમાડવા છે. બા એ કાંખમાં પોટલી રાખી’તી. જ્યાં હાથ નાખ્યો ત્યાં તો પોટલી તણાઇ ગઇ’તી એ ઠેકાણે બીજી પોટલી આવી. ભગવાને ચણા કરી દીધા શેકેલા. કે લે બાપા, ઓલી દીકરીયુંને આપ્યા કે આલ્યો. એણે લઇ લીધા. પણ પાણીમાં છોડવા ક્યાં ? છોડે તો વયા જાય બધાય. એટલે ભગવાનની મૂર્તિ હતી એ તો તણાઇ ગઇ તી અહીં તો બીજી મૂર્તિ થઇ ગઇ કે લ્યો આ. આ તમે જમી લ્યો પછી અમે મુઠી મુઠી ખાશું. પછી પોટલી આપી. ભગવાન થ્યાં લાંબા. આમ લાંબા થયા ત્યારે ડાળ હારે માથું ઠેઠ હાથ એક ઊંચું થઇ ગયું. પાણીથી, ડાળની વાહે પાણી હોયને, રેલો આવે તો ડાળમાં એક વેંત એક ઊંચું ચડી જાય પછી પડખે પડે. એ ખાડામાં બે બહેનો બેઠી’તી ને પાણી છે એના કરતાં ઉપરવટ માથું. ભગવાન કેમ જાણે ઊભા હોય ? લ્યો મહારાજ આ પોટલી. નઇતર તણાઇ જાશે. પેલા તમે ખાઇ લ્યો, પછી અમે ખાશું. અમને આપજો મુઠી મુઠી, પોટલી તમે સાચવજો. ભગવાનને આપી.

ભગવાને ઊભા ઊભા પોટલીને એમનમ બાંધી લઇ, ચાર છેડા ભેગા કરીને પછી એક ગાંઠ વાળે એમ પોટલી વાળી દીધી એને એક ખૂણો છે ને આંગળી અંગૂઠો આવે એમ એક ભાગવાળો જરાક ખેંચીને ચણા હાથમાં આવે એવું કર્યુ. પછી એને ત્રાંસી કરી એટલે માલિકોર સાંથળીમાં પોટલી પડી. ચણો એકેય પલળ્યો નહીં. ભગવાને ફાકડો નાયખો મોઢામાં, એક ફાકડો ખાધો કે મને ભૂખ બહુ લાગી’તી તમે ચણા લાવ્યા ઠીક કર્યુ. બીજો ફાકડો પણ ખાઇ લવ. બીજો ફાકડો લઇ મોઢામાં નાખ્યો, આંહિ હોઠે ચણા પેલા વેલા નાખે ને દાંતે આડા આવેને, પણ બેય બેનું એ એમાંથી દાણા લઇ લીધા લાંબો હાથ ધરીને. નાખો તમે મોઢામાં. બેયે ખાધા, માળી હોશિયાર છે. પ્રસાદીના ખાધા ઇ ઓલામાં નો લ્યે ? પ્રસાદીના ખાધા. પછીના ઉપદેશો પુરાણમાં લખ્યા છે કે, ભગવાન છે ઇ જ મા બાપ, જો એ ન હોય તો આ પાણીમાં ક્યાંથી તરીયે ? ભગવાન છે એ જ આપણું ઘર, ભગવાન છે એ ઘરધણી, ભગવાન છે એની પાસેથી જ આપણને ખાવાનું મળે, જે કાય કામકાજ કરો એ ભગવાનને સંભારીને કરો. ભગવાન ઊભા છે હો ચણા ખાય છે હજી.

પછી દીકરીયું કહે, હે પ્રભુ ! આ પાણી ક્યાં સુધી રહેશે ? તો કે હું ચણા ખાવ ત્યાં સુધી, બધાં દઇ દે. એક તમે ખાવ. ખાધા હશે બે ફાકડા વધારે. ઓલું પછી આડું કોઇ સેલું બેલું હશે ને ઇ ધોવાણું અને પાણીનો પ્રવાહ ઓલિકોર વળી ગ્યો ઉપરવાહેથી. હેઠવાહ જમીન હતી અને વયો ગયો પ્રવાહ. અહીંથી ગયો હેઠો પ્રવાહ. કારણ કે કાંઠો હતો આ કાંઠો. ઓલા કાંઠામાં ગમે એમ થાવ પણ આ કાંઠો જ્યાં ભક્તોનું રક્ષણ કરવું છે. એ કાંઠાનું પાણી ઉપરવાહથી સેલું ધોવાય, લહેર જેવું થઇ ગયું અને પાણી એનીકોર વળી ગયું. પછી મૂળિયાં થ્યા ખાલી. ઓલિકોર પાણી દેખાય સામે કાંઠે. નદી ભરપૂર હાલી જાય છે, આ પાણી આમ વયું ગયું. અહીં માવતર દેખે, છોકરો દેખે કે પાણી આમ વયું ગયું. ભગવાન કહે, હું બેઠો છું હો તમે ડરશોમાં. નીચે પાછા ઉતરી કે તમે પછી જ્યાં જે ખાવાનું કરશો એ હું ખાઇને પછી જાઇશ. ભગવાન રહ્યા ત્યાં રોકાયા, પણ એ ડાળમાં લાંબા થતા’તા ને બે-અઢી હાથ. ઇ મૂર્તિ રોકાણી. ઓલા તો ક્યાં હતાં ? ગારાના તો વયા ગયા’તા. પણ આને એટલી બધી ભક્તિ, ભગવાન મારી ભેગા છે, તે એને ભગવાન દેખાણા, ચણા ખાધા, ભગવાને પછી મૂઠી મૂઠી આપ્યા, બધાને દીધા, માવતરને આપ્યા, દીકરીઓને આપ્યા, છોકરો એક ઊંચો હતો, હાથ નો આંબે એમ, થયા લાંબા, હાથ કર્યો આમ, સરખાં અપાય એમ આપ્યા. લે આ લે ખા બેઠો બેઠો, એણે ત્યાં ખાધા. પાણીનું તો ચોમાસું ભરપૂર હતું. એટલે તરસ કાય એવી હોય નહીં. પીવું હોય તો ક્યાં થોડું હતું પાણી ઘણુંય હતું. વયું ગયું બધુંય, ક્યાંક કાદવ જામે ને ક્યાંક કાદવ ધોવાઇ જાય. ત્યાં ઝાડવું ઊખડ્યું ત્યાં કાદવ ધોવાઇ ગ્યો’તો, એના મૂળિયાના પડખામાં જ ટાશ નીકળી ગઇ એટલે કાંઇ ચોખ્ખું કરવું પડ્યું નહીં, તો પાણી ઉતરી ગયું. નદીનુંય ઉતરવા માંડ્યું ને ઓલુંય ઉતરવા માંડ્યું. ચારેકોરથી વહી ગયું.

આમ ભક્તિ કરતા કરતા ભગવાન રક્ષા કરે પછી એને પાણીના પૂર હતા તે કોરું તો કાય મળે નહીં રાંધે શેમાં ? અને ઝાડવું તણાયું નોતું. એમને એમ આડું ઊભું રહ્યું. એમાં ઉપલી ડાળ છે ને ઇ સુકાયેલી દેખી. છોકરો બેઠો’તો એણે એની ડાંડલિયું ભાંગી, પાંદડા ભાંગી હેઠા નાખ્યાં. સૂકા સાવ. તા ટાશ હતી તે ઢેફાં કર્યા પણ ત્યાં મળે શું ? તાવડી વીના એને શેકે શું ? ને ખાય શું ? પણ એક ઘડો તણાતો આવે. ઇવડો ઇ ઓલા તાશના ઠેકાણે આવીને પડ્યો તો. એમાં જ્યાં જોયું ને તો માલિકોર ચોખા. એલાં કેય આમાં તો ચોખા છે ખાવાના. કરંટ આવી ગયો. કાઢ્યા. એને જોઇ એટલા લીધા છ જણા ખાય એટલા. કપડામાં કાઢ્યા. કાઢીને ઘડો મેલ્યો ઊંધો તન ધફા વચ્ચે. અને એમાં મેલ્યા પાંદડા ઓલી ડાંડલિયુ. હવે દિવાસળી ક્યાંથી લાવવી ? તો ભગવાન કે’ય ઇ તો મારી પાસે છે. આ રહી મારી પાસે. કોરી રહી ગઇ છે જો. મેં બાંધ્યું એવું કંઇક બાંધ્યું ઇ જ્યાં ખોલ્યું માલિકોર ડાબલી નીકળી. હવે તરત પાંદડાને અડાડી. તાપ થઇ ગ્યો. ઘડામાં તાપ થાય ને ઇ તાપ એને બહુ લાગે. પડખેથી પવન જાય. માલિકોર તાપ જાઇ ઇ બહુ બમણો થાય. ઇ બમણો મેલ્યો. ઓલા ચોખા સાફ કર્યા. ઠીકરાની થાયળી દેખાણી. કે ઓલું શું પડ્યું છે ? લઇ આવો તો તરત. આમ ગોળ થાયળી ઠીકરાની એની માથે મેલી. ઓલો અગ્નિ છે ઇ ઘડામાં ભરાય જાય પછી અંદર ન જાય પછી બારથી જાળ આવે. એમ બાર જાળ નીકળીને ઠીકરાને લાગી. એમાં આવડું આ ડોળું પાણી છે ઇ મેલ્યું માલી કોર એટલે ડોર મટી ગયો. ઇ પાણીમાં ચોખા ચડી ગયા. પછી તો ઓલી ટેવ હોય ને મોળું ખાવાની ને જેવું મળ્યું ઇ ખાવાની, ચોખા ચડી ગયા એટલે ભગવાનને કહે, હવે તમે જમો. તો કહે ભલે જમું, બેઠાં જમવા. ઇ થાયળીમાં જેટલા ચોખા હતા ને ઇ બધુંય જમી ગયા.

આવડા વિચારે કે ભગવાન બહુ ભૂખ્યા છે હો. બહું ભૂખ્યા છે હો. હવે કાંઇક બીજું હોય તો ખવાડીએ. ત્યાં તો ભો ધોવાઇ ગયેલી એમાં આવડા આ ઓલા શક્કરચંદ ને ગાજર ને એવા દેખાણા મૂળ ઇ કાઢ્યા. કાઢીને ધોઇને ભગવાન પાસે મેલ્યા. ઇ એય જમી ગયા, તો ઓડકાર ખાધો હાશ હવે તૃપ્તિ થઇ પણ તોઇ આયા કોઇએ એમ ન કહ્યું કે, અમે ભૂખ્યા છીએ હો આપશો ? પછી મા અને દીકરીનો સંવાદ છે ત્યાં. દીકરી કહે, મા હવે આ ભગવાન છે એને અહીંથી જવા નથી દેવા આપણે. ઇ હોય તો ખાવાનું મળે, આપણી રક્ષા કરે. જોવો આજે કેવું ભોજન પાણી બધુંય મળ્યું. બધુંય એના માટે છે હવે આપણને કાય ભૂખબુખ લાગવાની નથી. ભગવાન કેય એમ હાલે ? મારે તમને ખવડાવવું જોઇએને. કંઇક તો દેવું જોઇએને. ઓલી જે થાયળી ભરી તી ને ઇ આખી ખાય ગયા તા ઇ આખી પાછી ભરાઇ ગઇ ચોખાની. મહારાજ તમે ખાધા નથી ? મેં તો ખાધા પણ આ ચોખા વધતાં જાય છે માલિકોરથી. તો કે ક્યાંથી વળી આવ્યા ? તો કે તમારા દિલનું જે હેત છે ઇ હેતરૂપી જે ક્ષેત્ર છે ઇ ક્ષેત્રમાંથી ચોખા નવા પેદા થાય છે ને સીધા થાયળીમાં આવે છે, અને એને હું જમું છું. જો ઇ હેતના ચોખા નીકળ્યા, જમ્યા.

પછી છોકરાને કહ્યું, હેઠો આવ. તે હેઠો આવ્યો, એને ખવાડ્યા, માવતરને ખવાડ્યા, ઇ તૃપ્ત થઇ ગયા. તોઇ ચોખા થાયળીમાં ખૂટ્યા નહીં એટલાને એટલા જ રહ્યા. થર જામતો જાય. છોડીયુંએ છેવટે ખાધું બેયએ. ભગવાન હવે તૃપ્તિ થઇ ગઇ, ખૂબ તૃપ્તિ થઇ ગઇ. તે કહે, ભગવાન છોડીયું મોટી થાય છે. હવે એનું ક્યાંક કોઇ સારું ઠેકાણું ખોળી દેશો ? ભગવાન કહે, ઇ તો તમારે ખોળવું જોઇએ કે મારે ખોળવું જોઇએ ? માવતર ખોળે. હું તો રક્ષા કરવા આવ્યો તો, રક્ષા કરી દીધી. તો છોડિયું કહે, હું વરરાજાને મોઢામાં કોળિયો આપીશ. કન્યાને કોળિયો આપે વરરાજો. થાય ને માંડવામાં એમ. ત્યાં આણે અમને ચોખા જમાડ્યા અને અમે એને જમાડ્યા. હવે ઇ કેય છે તમે વરરાજાને ખોળવા જાવ. શું કામ ખોળવા જાવ ? આ સારો વરરાજો છે અમને બેયને આપી દ્યો. આવો વરરાજો ક્યાંથી મળવાનો છે ? આ ઇ ભગવાનને કન્યા અપાઇ ગઇ. એનો જન્મ સુધરી ગયોને પછી પુરાણોમાં કથા લખી છે. ભક્તિ હતી તો એને ભગવાન મળી ગયાં, રક્ષા કરી એને જમાડ્યા. પણ ભાવના કેવી કે, અમે કલવો જમી લીધો અને ભગવાને હાથ પકડી લીધો તે હવે અમે બીજો વરરાજો શું કામ ખોળીયે ? આ વરરાજો ઠીક છે. આવો વરરાજો ક્યાંથી મળવાનો છે ? ઇ બેય કન્યાઓ એને પરણી.

પછી ત્યાં ભક્તિનું પ્રકરણ બહું લખ્યું છે કે, આત્મનિવેદી થાવું તો આવા આત્મનિવેદી થાવું કે, આપણે તો ભગવાન પાસે નો પહોંચી શકીએ પણ ભગવાન આપણી પાસે પહોંચી શકે. આપણી પાસે આવે, આપણી રક્ષા કરે, ટાણે ટાણે ચિંતા કરવી ઇ ભગવાન ઉપર કરવી. ભગવાન ઉપર ચિંતા નાખવી, તમે રક્ષક છો, તમે ઘરધણી છો, તમે અમને સુખ-દુઃખે જોવો છો. જ્યાં નો’તું ત્યાં તમે આ વસ્તુ લાવ્યા માટે પ્રભુ તમારા ઘરમાં બધુંય છે, તો પછી હવે અમારા જેવા ભગત તમારા ઘરમાં ન હોય તો જાય ક્યાં ? કેની સેવા કરે ? માટે અમે તો તમારા ઘરમાં રહેશું. ભગવાન કહે, આ એક ભાઇને પડ્યા મેલીને તમે મારા ઘરમાં રહેશો તો આ માવતરને ભાઇ ઇ બધાંય તલખશે, દુઃખી થશે. તો કે ભગવાન આ મારા ભાઇને લઇએ ભેગા ને આ અમારા માવતર છે એને તમે ધામમાં લઇ જાવ એટલે દુઃખી થાતાં મટે. ઓહોહો ઓને પૂછ્યું તમારે કેમ છે ? તો કે હાલો તમારી હારે જ આવવું છે. દીકરીઓ તમને આપી અમને બેયને તમે ધામમાં લઇ જાવ. આને તો તમારે સાચવવા છે ને છોકરો છે ઇ ભેગો આવશે. ઓલા બેયને ધામમાં લઇ ગયા, હવામાં પૂરને વેગે. ઓલા છોકરાને કેય તું બહેનું ભેગો રેજે, એને ઉપાડ્યો અને બેનુને લઇને હાલ્યા, ભગવાન આકાશમાં ગયા, એમ ઇ ને ઇ દેહે લઇ ગયા. એક સુવર્ણમુખડી એવા નામની નદી છે એના કાંઠે ગયાં. શ્રી શૈલ એવા નામનો ડુંગરો છે, ઇ ડુંગરા ઉપર ગ્યાં તો ત્યાં મોટો જબરો બંગલો, ને મંદિર ને શિખર ને બગીચાને બધું દેખાડ્યું. ભગવાન કેય હમણાં આપણે અહીં રહેવું છે પછી છેટે જાશું. એને શ્રીરંગક્ષેત્ર કેવાઇ છે દક્ષિણમાં. આવું મોટું ભગવાને એનું રક્ષણ કર્યુ. એને પત્નીઓ કરી. દિકરાને ઘરનો સેવક કર્યો અને માવતરને ધામમાં લઇ ગયા. ભક્તિ હતી તો પાણીના પૂરમાંથી તાર્યા અને પોતાનું ઘર વસાવ્યું અને ભગવાને ઇ ભક્તોને ભેગા રાખ્યા. બોલો ભગવાન ભગતને માટે આટલું બધું કરે છે.