પરાવાણી

મુક્તોની દિવ્ય સમજણ - પૃથ્વી પર ભગવાનને મનુષ્યરૂપ ધરવાનું કારણ

ભગવાન આપણી સાથે છે, જીવમાં બેઠા છે, નેત્રમાં બેઠા છે. આપણા વિચારોમાં બેઠા છે. કુટુંબમાં બેઠા છે. સુખ-સંપત્તિ, સમૃદ્ધિ બધી ભગવાન લેખે છે. ભગવાન બધા સાધનો આપે છે. હાથ, પગ, નેત્રે, શરીર, સુખ- સાધન કેવા કેવા સારા આપ્યાં છે ? જેને અંગે જીવાત્મા સુખી થાય છે. સુખિયો જીવાત્મા ભગવાનનો મહિમા સમજે કે મને ઇન્દ્રિયો, અંતઃકરણ, શરીર, કુટુંબ, ઘરબાર, બંગલા, પરિવાર, નાણાં, ભોજન, દાણાં, સંપત્તિ અને આવરદા, એમાં ય માનવજન્મ વગેરે પ્રભુએ આપ્યા છે, તે સુખિયા થવાં આપ્યાં છે. ચોરાસી લાખ ખાણોમાં તો દુઃખિયા જ જાનવરો છે. ભગવાનને સેવતા આવડે તે સુખિયો થાય, કમાઇને વાપરતા આવડે તો સુખિયો થાય. લોભી, કલેશવાળો, અજ્ઞાની, ઉડાઉગીર, વિચાર વિનાનો માણસ, તોરી માણસ, એ અથડાયા કરે, ભટકાયા કરે પણ સુખિયો થાતો નથી. જાંજવાના જળમાં દોડ્યા કરે પણ પાણીનો ઘૂંટડો મળે નહીં. સમજણવાળો, સ્નેહી, આત્મનિવેદી, ભક્તરાજ, હેતવાળો, અંતિમ જન્મ સમજનારો એવો જીવાત્મા તે ભગવાનને ઓળખી લ્યે છે, ભગવાનની સેવા ચાકરીમાં વર્તે છે, ભગવાનનો રાજીપો મેળવે છે. ભગવાન રાજી જ છે. જેટલી સેવા કરે તેટલા વધારે રાજી.

ભગવાનમાં તન, મન, ધન, સમૃદ્ધિ, પરિવાર, કુળ, કુટુંબ, ખેતીવાડી જે કંઇ ભગવાને આપણને આપ્યું છે તે તેનું છે ને હુંય તેનો છું, આવી સમજણવાળો એ જરૂર ભગવાનને માટે આ લોકમાં બધી ભક્તિ કરે છે. ભગવાનના ધામમાં ભેગું રહેવાય, ચરણમાં ભેગું રહેવાય, સેવા ચાકરી ભગવાન અંગીકર કરે, ભેગો ને ભેગો રાખે એવી સ્થિતિનો ભક્ત અક્ષરધામનો મુક્ત થઇ જાય છે, તેને ને ભગવાનને કાંઇ પણ એક દોરાનો ય ફેરફાર, ફરક કે ભેદભાવ રહેતો નથી.

ભગવાન એમ કહે છે કે, જે મારા પ્રતિ જેવી ભાવનાથી આવે, તેવી ભાવના વડે હું, તેની સેવા ચાકરી અંગીકાર કરું છું, તેને હું તિરસ્કારતો નથી, તેને તેના દુર્ગુણ ટાળી અને તેને સદ્ગુણી બનાવું છું. તેની માયા મટાડી અને દિવ્ય બનાવું છું. તેના આ લોકના બંધનો છે તે તોડી અને નિર્બધન બનાવું છું. તેને દુઃખમાં વરતાવે એવા માયાના ગુણોને મટાડી અને સદ્ગુણી બનાવું છું, ભગવાન લેખે બન્યો પછી એના ઉપર કાળ, કર્મ, માયાનો કોઇનો ભાર નથી. સૂર્ય, ચંદ્ર, વરુણ, પ્રજાપતિ, મેઘ, પૃથ્વી, સાગર, ધ્રુવજી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ બધાય ભગવાનને પ્રગટને ભજી ભજી અને મોટા થયા છે. તેથી દેવતાઓ કહેવાય છે, ઇશ્વરો કહેવાય છે, અનંત સમૃદ્ધિવાળા છે અને કાયમ સુખિયા છે અને પોતાના બંગલાઓમાં ભગવાનની મૂર્તિ રાખી અને ઉત્સવો કરે છે, ભજે છે, જન્મજયંતીઓ સારી રીતે ઊજવે છે અને ભક્તિ કરે છે. એને ભુક્તિ ને મુક્તિ એની સ્થિતિના સુખ અને મોક્ષના સુખ બેય સુખને સ્વર્ગમાં, આલોકમાં, પૃથ્વીમાં, ભૂમિમાં, સત્સંગમાં, મંડળમાં, દરેક ઠેકાણે એ સુખિયા થાય છે, સુખ લ્યે છે. અને સુખ લેતા આવડે છે.

માટે જે ભગવાનનો ભક્ત થયો તેણે ભગવાન હારે કાગળ જેટલુંય પડ આડું ન રાખવું. ભગવાન છે તે સાકરના રસના નારિયેળની મૂર્તિ છે, એની મૂર્તિમાં માગ-ત્યાગનો ભાગ નથી. એની મૂર્તિ દિવ્ય છે, પવિત્ર છે, એમાં અપવિત્રપણું કાંઇ નથી. ભગવાનની મૂર્તિમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ વગેરે જે કાંઇ હાથ, પગ, મસ્તક, મુખ, ઉંદર, છાતી, આકૃતિ, ઇન્દ્રિયો, અંતઃકરણ દેખાય છે. એ ભગવાન ભક્તના શરીર એવા છે માટે એના સુખ એને આપવા સારું થઇને એના જેવા થઇ અને વર્તે છે પણ ભગવાન તો દિવ્ય છે. કુંતાજી પાસે સૂર્ય આવ્યા ત્યારે મનુષ્ય આદમી થઇને આવ્યા, એટલે કુંતાને સુખ મળ્યું. અક્ષરધામના અધિપતિ પ્રાણપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ કરોડો સૂર્યો રૂંવાડામાં સમાઇ જાય એવા તેજસ્વી છે, છતાંય છપૈયામાં પધાર્યા, તીર્થમાં આવ્યા તે તેની સેવા કરે એવા ગોપ-ગોપીઓ, તેના સુખને માટે, તેના જેવા થઇ અને તેના રમણમાં રમે, તેના જીવમાં ભેગા રહે, તેને પોતા ભેગા ભેળવે. તેના શાક, પાંદડા, રોટલા-રોટલી જમે, દૂધ-પાણી જમે, ગાયો ચારે, ભેગા ફરે, વિચરે, આનંદ કરે ત્યારે જીવને સુખ થાય છે.

રાજા પોતાના નોકર, ચાકર, ઘરબાર, કુટુંબ એની સાથે એના જેવો નાનો માણસ થઇ અને રહે તો બધાય માણસ એના સુખિયા વર્તે, પણ મોટો થાય ને હુકમ કરે, દંડ દે, આંખ્યું તાણે, વધારે સત્તા વાપરે, એમ વધારે જો પોતાનો રોફ લગાડ્યા રાખે તો એને સેવકવર્ગ કોઇ દિ’ સુખિયો થાય નહીં. રાજા પોતાની રાણી પાસે રાણી સુખી થાય એમ વર્તે. રાજા પોતાની દાસી પાસે, નોકર પાસે, એને સુખ મળે એમ વર્તે, રાજા પ્રજા પાસે પ્રજા સુખી થાય એમ વર્તે. એમ ભગવાન રાજાધિરાજ છે. સાર્વભૌમ છે, સમ્રાટ છે, આખા જગતના નેતા છે. સૂર્ય પાસે સૂર્ય જેવા, ચંદ્ર પાસે ચંદ્ર જેવા, ધ્રુવ પાસે ધ્રુવ જેવા, બાળક પાસે બાળક જેવા, ગોપી પાસે ગોપી જેવા, ભક્તાણી પાસે ભક્તાણી જેવા, સેવકો પાસે સેવક જેવા, ઉદ્ધવ અક્રૂરની પાસે એના જેવા, બલદેવજીની હારે એના જેવા, અર્જુન પાસે એના જેવા અને આત્મનિવેદી ભક્ત અંબરીષ જેવા હોય, દાદા ખાચર જેવા હોય, જીવુબા લાડુબા જેવા હોય, એવા ભક્તો હોય, સાંખ્યયોગી હોય તો એની સાથે ભગવાન એના પતિદેવ તરીકે એના જેવા થઇને વર્તે છે અને એને જે ઠેકાણે જ્યાં જેવું સુખ જોઇતું હોય તેવું સુખ આપે છે.

ભગવાન બધાયના સહિયારા છે, જેવું પાત્ર તે પ્રમાણે પોતે થાય છે. તેવા થઇને વર્તે છે, રંગે રમવું હોય તો ભગવાન રંગ રમનારા ભેગા રંગે રમવા માંડે, જમવાનું હોય તો ભેગા બેસીને જમવા મંડે, કોઇ ઉત્સવ, કિલ્લોલ, ગાયન, વાજિંત્ર વગેરે કરતા હોય તો એની ભેગા ગાવા લાગે. ગરબી ગાતા હોય તો ભેગા થઇને ગરબી લ્યે. ત્યાં બેસવું, ઊંઘવું, સૂવું- જાગવું, હરવું-ફરવું, બાગ-બગીચા, સુગંધ વગેરેમાં એની જેવા થાય તો જ ભગવાનથી ભક્ત સુખી થાય છે અને ભક્ત રમતે ચડ્યા હોય તો ભગવાન રમતે ચડે. અને ભગવાનના ઉપર બહું હેત વરસે તો પછી ભગવાનથી ભક્ત છેટે રહેતા નથી, પછી ભગવાન પાસે એટલા બધા રમૂજમાં અને સેવામાં વર્તે કે જાણે ભગવાનની આખી મૂર્તિ ને હું મારામાં લઇ લઉં, એમના સ્વરૂપને લઇ લઉં, એમના ગાલ, એમનું મુખારવિંદ, એમના હોઠ, એમના હાથ, એમની છાતી, એમના પગ, એમનું ઉદર વગેરે વગેરે મારી મૂર્તિમાં કઇ રીતે બેસી જાય ? એમ ભગવાન ભેગા રમવા માંડે, ત્યારે ભગવાન ભક્તની સાથે પણ એ જ રીતે રમવા માંડે. ચિંટીયો લે, બથ ભરે, રમાડે-રમે, નવરાવે-નાય, ખવડાવે-ખાય, રમૂજ કરે, તોફાન કરે, એમ બધી રીતે ભગવાન આ જગતના જીવને માટે એના જેવા થઇને એના પ્રાણપતિ વર્તે છે. આ સમજણ છે તે અક્ષરધામની છે, મુક્તોની છે, દિવ્યની છે, સંસારીની નથી. સંસારી સ્વાર્થી હોય છે અને ભગવાનની ભક્તિ કરનારો સ્વાર્થી નથી હોતો. એ ભગોદર્થી હોય છે, ભગવાનને માટે જે કાંઇ થાય, એ કરો. બીજું તો બધુંય થયા જ કરવાનું છે.

વરસાદ આવે તો ખેતીમાં પાકવાનું જ છે, મોલ થવાનો જ છે, દાણા થવાના જ છે, ખાવાનું જ છે, ઊંઘવાનું જ છે, ને ફરવાનું જ છે, રખડવાનું જ છે. આ દુનિયા ખેંચાઇ ગઇ જ છે. હાલીજ જાય છે બધેય. પ્રભુ મેળવી લીધા એટલે બધુંય મળી ગયું. મોક્ષ મેળવવાના સાધન કરવા માંડ્યો એટલે એ બધુંય કમાઇ ગયો, ભગવાને બહુ ગોઠવણી કરી છે, ઉદરનું સાધન, શરીરને પોષણનું સાધન, રહેવાનું સાધન, મૂંઝાણો હોય તો બે ઘડી ખુશીયાળીનું સાધન, સારી સુગંધીદાર ચીજો, રસદાર મિષ્ટ ચીજો, વાપરવાની ચીજો કુણી કુણી, કોમળ કોમળ, સારી સારી, સુંવાળી સુંવાળી બનાવી અને ખવાય-પીવાય એવી ચીજો આ બધુંય ભગવાને બનાવ્યું છે ઇ જીવને બે ઘડી શાંતિ થવા માટે. મૂંઝાણો હોય તો મૂંઝવણ ટાળનાર જોઇએ, એને માટે ભક્ત ને ભગવાન મૂંઝવણ ટાળનારા છે, એને મૂંઝવણ આવતી નથી, આવે તો ભગવાન હારે બેસે એટલે ટળી જાય. પણ એવો જીવ ના હોય તો ઘડીક બાળબચ્ચાં હારે બેસે, એમ વાતચીત કરનારા હારે બેસે તો મૂંઝવણ ટળે, કાયમી મૂંઝવણ ટાળવી ઇ તો ભગવાન સિવાય બીજો કોઇ ટાળનારો નથી. એને ઓળખ્યા એટલે બધું ઓળખાણું, એને ભજ્યા એટલે બધુંય ભજાણું, એને સેવ્યા એટલે બધુંય સેવાણું અને એને જે કંઇ આપ્યું એટલે સર્વસ્વ અપાઇ ગયું. પછી ક્યાં તમારે તમારા દેહને આ દુનિયામાં મેલવો છે ? રાખવો છે, ને દાટવો છે ને, થાપણ મેલવી છે. કંઇ કરવાનું નથી. કોઇ થાપણ રહેવાનીય નથી, ભગવાન પોતાની થાપણ ને હું એનું નાણું. એમ ભગવાન હારે તન્મય થઇ જાવું. આમ સમજણથી ભક્ત થઇ અને ભગવાનને ભજવા.