પરાવાણી

એકાંતિક ભક્તના લક્ષણો - મુક્ત ભક્તોને પ્રગટ ભગવાનના અંતરના આશિર્વાદ

ભગવાન ભક્તપતિ છે, જગતપતિ છે, મુક્તપતિ છે, સર્વપતિ છે. માટે ભગવાન બધાનું પોષણ પાલન રક્ષણ કર્યા કરે છે. ત્યારે ભક્ત છે એ ભગવાનના સેવક છે, દાસ છે, રાજીપો લેવા ઇચ્છે છે અને ભગવાને જે જે સંપત આપી તેને વાપરવા ઇચ્છે છે; વાપરીને પણ મન, ઇન્દ્રિયો, અંતઃકરણ માયાના છે તો પણ તેણે કરીને જીવાત્મા ચેતન છે તે ભગવાનને અર્પ્યો એટલે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તો અર્પ્યા છે. અને એ અર્પ્યા થકા દિવ્ય થાય છે. ભગવાનની ભક્તિ તો થઇ શકે છે. સ્નેહભક્તિ, પ્રેમભક્તિ, પ્રેમની સેવા તે દેહ વડે, ઇન્દ્રિયો વડે, અંતઃકરણ વડે, પ્રાણ વડે અને જીવ વડે થાય.

ભક્તનું સર્વસ્વ ભગવાનમાં છે અને ભગવાનનું સર્વસ્વ ભક્તમાં છે. માટે ભક્ત અને ભગવાન એકમેક તાદામ્ત્ય વર્તવા માંડે તો એને અક્ષરધામનું સુખ આવે. પણ જો ભક્ત ખોંચો કાઢવા માંડે તો એનો છેડો આવતો નથી અને ભગવાન મળ્યા છે તેનો લ્હાવો લેવાતો નથી અને ભગવાનને રાજી કરી શકાતા નથી. માટે ભક્ત તે ભક્ત. પણ કેવો ભક્ત ? તો કે એકાંતિક. એકાંતિક કેવો ? જેનામાં ભાગવતધર્મ વસ્યો છે, ભગવાન કહે એમ કરવું. જેનામાં સમજણ વસેલી છે કે, ભગવાન દિવ્ય છે એને સેવવાથી પુણ્ય થાય છે, પ્રસન્નતા થાય છે, મોક્ષ મળે છે પણ આ લોકના રીત-રિવાજ આડા ન રાખવા. વૈરાગ્ય, ભગવાનમાં હેત કરવું અને બીજેથી હેત તોડવું, એનું નામ વૈરાગ્ય. ભગવાનમાં ગમે એટલો રાગ થાય તો પણ ઇ વૈરાગ્ય જ છે કારણ કે પ્રભુને નખ શિખા પર્યત સેવીને રાજી થવાય છે, મોક્ષ મેળવાય છે. ભક્તિ એટલે પ્રેમપૂર્વક સેવા, પ્રેમથી સેવા કરો એનું નામ ભક્તિ. પ્રેમથી બધુંય થાય.

ભગવાન દિવ્યમૂર્તિ છે. સાકરનું નાળિયેર, સાકરના રસનું નાળિયેર એટલે ડાંડલો સાકર, છોતલા સાકર, ટોપરું સાકર, કાચલી સાકર, જળ સાકર, બધુંય સાકર. ઇ સાકર, સાકર ને સાકર. એમ ભગવાનની મૂર્તિ છે, ભગવાનની ચોટલી, ભગવાનના નેત્રો, તેના કાન, તેના હોઠ, તેના ગાલ, તેના પગ, તેનું ઉદર, તેની છાતી, તેના પગ, તેના અવયવો બધાં ભગવાન જ છે. મૂર્તિમાં ને મૂર્તિના અવયવોમાં ભેદ નથી. એકરસ ચૈતન્ય મૂર્તિ છે માટે ભગવાનને જે રીતે સેવો તેમાં આ પ્રભુ જ છે, ભગવાનની મૂર્તિમાં એક ઠેકાણે સેવો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બધાય સુખ આવે. એવા મોટામાં મોટા સુખ લેવા શીખવું. મૂર્તિને અડો, દર્શન કરો, મૂર્તિનો રસ લ્યો, મૂર્તિની સુગંધ લ્યો, મૂર્તિ તમારી સેવા ગ્રહણ કરવા માટે જ ધારણ કરેલી છે. જ્યારે આ જગતના જીવ ભગવાનને નથી ઓળખતા તો તેને કંઇ ફળ મળતું નથી. પણ જો ભગવાનને ઓળખતા શીખ્યા તો તેને બ્રહ્મલોકનું સુખ આવે છે, જેણે જેણે ઓળખ્યા તેને પછી બીજા કાંઇ સાધન કરવા બાકી રહેતા નથી.

ભગવાનની આગળ તન, મન, ધન અર્પણ કર્યા, સેવા-ચાકરી કરી, એટલું જ સાચું નાણું કમાણાં. પ્રભુ તો પૃથ્વીમાં છે એટલે તમારા જેવા થઇને તમારી ભેગા ભળે છે, તમારી સેવાઓ અંગીકાર કરે છે. જે કંઇ ગ્રહણ કરે છે તે તમારા કલ્યાણને વાસ્તે ગ્રહણ કરે છે. ગ્રહણ કરવાની ચીજ ભલે માયિક રહી પણ ભગવાનના સંબંધ વડે કરીને અમાયિક થઇ ગઇ. તમારું શરીર ભલે માયિક રહ્યું પણ ભગવાનનો સંબંધ થયો એટલે અમાયિક થયું. તમને ભગવાને તમારા જેવા થઇ અને સેવા આપી. તીર્થમાં ભગવાનને વસાવ્યા, ધામધૂમ કર્યા, સમૈયા કર્યા, અનેક માણસોએ દર્શન કર્યા, જોયા, એ તમામના કલ્યાણ થઇ ચૂક્યા. એવું એકાંતિક ભક્ત હોય તે કરી બતાવે, બીજાથી ન થાય. બીજાને આ લોક આડું આવે છે, જેને લોક આડું આવ્યું તે સેવા ન કરી શકે. પણ ભગવાન અલૌકિક છે, તો એને લોકની રીતિ આડી રાખવાની જરૂર રહેતી નથી. પણ ભગવાન એટલું ધારે કે મારો ભક્ત સુખી કઇ રીતે રહે ? અને બીજા કોઇ આપણો અભાવ કેમ ન લ્યે ? એમ ભગવાને રહેવું ઘટે છે. ભક્તે પણ એમ જ રહેવું ઘટે છે.

ધર્મ પાળવો, જ્ઞાન કરવું, રાગ ન કરવો, ભજન ભક્તિ કર્યા કરવા અને જેવું ટાણું, જેવો સમય, જેવી સ્થિતિ તે પ્રમાણે સેવવા. નાણાં ખૂબ હોય તો નાણાંથી, દાણા અને ઘઉં ખૂબ હોય દાણા અને ઘઉંથી, શરીરનું બળ ખૂબ હોય તો શરીરથી દાબવા, સેવવા, રાજી કરવા. કારણ કે રાજીપા સિવાય બીજો કોઇ માર્ગ કલ્યાણનો છે નહીં. જે કંઇ કરો તે રાજીપા માટે થાય છે. માટે દેશમાં હોય કે પરદેશમાં હોય પણ હું અને મારા ભગવાન. આવી ધૂન લાગી હોય તો ભગવાનને પણ એમ રહે કે, મારા ભક્તો પરદેશ છે તોય પણ મને સંભાર્યા કરે છે. મારે માટે તન, મન, ધન અર્પણ કરી અને કમાય છે. મારૂં રાત-દિવસ ભજન કરે છ, સંભારણું રાખે છે. માટે એવા ભક્તને મારે સંભારવા જોઇએ તો સંભાળ લેતા રહે છે. ભગવાનને કાંઇ આઘું નથી. જેને જળના ને, પૃથ્વીના આવરણ હોય તેને આઘું છે, ભગવાનને કંઇ આઘું નથી, એને કોઇ આવરણ નથી પણ લોકમર્યાદામાં ઠીક રહેવાય એમ બધું સાચવે, ચલાવે, નભાવે. માટે જલ્દી અવાય-જવાય અને રૂપિયાવાળા થવાય. આ ભગવાનની કરામત છે.

જે ઠેકાણે વરસાદ નો પડે, ખબરે’ય ન પડે કે વરસાદ કેવા આવે છે ? ત્યાં વરસાદ વરસાવ્યા અને ત્યાંના આરબો ને ફકીરો એ વરસાદમાં દોડી દોડીને નહાવા માંડ્યા, ઓહોહોહો અલ્હા એ અચ્છું કર્યુ, અલ્હાએ વરસાદ વરસાવ્યો. પણ ઇ અલ્હા બેઠા છે અહિંયા. ઇ આ અલ્હાએ ભક્તો વાસ્તે કર્યુ છે. ભક્તો સુખી થાય, વરસાદ પડે, શાંતિ થાય, જ્યાં ભગવાનના ભગત હોય ત્યાં વરસાદ શું કામ ના પડે ? ખૂબ પડે. ભક્તોને પાણી મળે, પીવાનું મળે, જેને પરચાની ખબર નથી તેને પરચો પણ જણાય કે આ તો ભગવાને આપણાં સારું કર્યુ છે, બીજા સારું નથી કર્યુ. બીજા તો વચ્ચે વચ્ચે લાભ લઇ લે. પાણી પીવે, ન્હાય-ધોવે અને લહેર કરે. પણ નામ તો લ્યે ભગવાનનું કે ભગવાન અચ્છું કર્યુ, સારું કર્યુ, ઠીક કર્યુ, આટલો ગુણ લે તોય પણ તેની મોક્ષ ગતિ થાય.

તમે ધર્મવાળા છો, ધર્મ પાળો છો, નાહીં-ધોઇને પૂજા-પાઠ કરો છો તો બીજાને તમારો ભાર પડે કે આ માણસો સારા છે અને એટલો ગુણ લ્યે એટલામાં તો એનો મોક્ષ થઇ જાય. માટે પ્રભુ જેના થયા એને ભગવાન ગરુડ પર બેસારે, વિમાનમાં બેસારે, ધામમાં લઇ જાય, ભેગા બેસારે, ભેગા રમાડે, ભેગા આનંદ કરે, ખાય-પીએ, લહેર કરે. આપણે એમ સમજવું કે આપણા ધન્ય ભાગ્ય છે કે આપણો અવતાર છે મનુષ્યનો, તેમાં ભગવાન મળ્યા છે માટે બધા પુરણકામ થઇ ગયા છીએ. આમ સમજી સમજી અને સેવવા, ભગવાનનો ભેટો ન થાય તોય પણ અંતઃકરણમાં તો સંભારવા, જોયા કરવા, મૂર્તિમાં જોવા, ઇ સાક્ષાત ભગવાનને જોયા કહેવાય. મૂર્તિ રાખો, મૂર્તિની પૂજા કરો, આનંદ કરો. એમ ભગવાનને મળ્યા કહેવાય. માટે ભગવાન મૂર્તિ દ્વારા મળે છે, પ્રસાદી દ્વારા મળે છે, નેત્રો દ્વારા મળે છે, અંતઃકરણથી મળે છે, લોકમર્યાદા પૂર્વક મળે એટલે બધાયને સુખ. એમ ભક્તજનોએ મર્યાદા સાચવવી અને ભગવાનને સેવવા.

તમે પરદેશ રહ્યા છો, બધા સુખી થાવ, વધારે નાણાં મળો, હજુ આશીર્વાદ આપીયે છીએ, બે પાંચ વર્ષ સારા વયા જાય તો બધાયને હું સોનાની વિંટીયું પેરતા દેખું, સોનાનાં સાંકળા પેરતા દેખું. તમે મંદિરો કરો, સેવા કરો, તમારા માટે બધુંય તૈયાર છે. ભગવાન ચિંતવ્યા જ કરે છે કેમ કરવું, સારું થાશે કામકાજ મળ્યા કરશે, નિરોગી રહેશો, શરીરે સાજા રહેશો, તમારા છોકરા-છાબરાની સંભાળ રાખનારા મોટા છે, ધણી મોટા છે માટે ફિકર તો કરવી નહીં. એનું ધાર્યુ થશે અને સારાવાના થાશે. ભગવાને બહું સારું ધાર્યુ છે માટે સારાવાના થાશે આમ બધાને આશીર્વાદ આપું છું. તમે મૂંઝવણ થવા દેવી નહીં એમ વરતજો. દેશ-કાળ પ્રમાણે વર્તવું. દેશકાળમાં તો ભોજન, પાણી, રહેણીકહેણી, થોડુંક બીજા ભેગું ભળવું પડે તો ઇ દેશકાળને અનુસારે ભળાય પણ પછી જ્યારે સ્વદેશમાં કે ભગવાનની પાસે કે સ્વગામમાં કે સ્વકુટુંબમાં આવો ત્યારે પાછા જે કાંઇ થોડા ઘણાં રીત-રિવાજો મેલી દીધા હોય તે પાછા લઇ લ્યે અને ભગવાન ભજે તો ઇ નિર્દોષ છે. અને પરદેશ છે એમાં પરાધીન થવું જ પડે. બધું પોતાનું ધાર્યુ થાતું નથી. પણ ભગવાન જબરા છે તે તમારી નજર રાખશે, એટલે બધા સુખી રહો, લહેર કરો, સેવાઓ કરો, સારાવાના થાય.