સર્વસ્વ ભગવાન લેખે કરવું - જીવાત્મા ભગવાનનો થાય તો ભગવાન એની સંભાળ રાખે
ભગવાન આપણી ભેગા છે, આપણે ભૂલવા નહીં. દેખાય, ન દેખાય ઇ તો એની ઇચ્છાની વાત છે. દેખાણા તો ભાગ્યનો પાર નથી, ન દેખાય તો તો બહુ ઝાઝા ભાગ્યા છે. કારણ કે વધારે સાંભરે, ક્યારે દેખાશે ? ક્યારે સેવા થશે ? ક્યારે આનંદ મળશે ? ક્યારે સુખી થવાશે ? ક્યારે કમાણી વપરાશે ? ક્યારે કુળ કુટુંબને લાભ મળશે ? ક્યારે આ બધુય જગત છે આપણામાંથી છૂટશે અને બ્રહ્મલોકના વતની થવાશે ? આમ સમજણમાં પ્રત્યક્ષ ભગવાનના યોગ વડે કરીને મોક્ષમાં, અક્ષરધામમાં, બ્રહ્મલોકમાં, ભગવાનના ચરણમાં, સેવા-ચાકરીમાં બેઠેલો આત્મા છે એમ સમજી લેવું. એને કાંઇ નવો મોક્ષ મેળવવો બાકી રહેતો નથી.
પહેલા બાળક કંઠી બંધાવે. બાળકને કાનમાં મંત્ર અપાય, બાળકને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સાંભળવાનું થાય, અનાદિશ્રીકૃષ્ણનારાયણને ઓળખતો થાય, સંતમાં હેત થાય, સત્સંગ ખરેખરો થાય. પછી ભગવાનની ભક્તિ વધે અને વધતાં વધતાં ચિત્તવૃત્તિ પવિત્ર થઇ જાય પછી ભગવાનમાં ને સંતમાં લીલાચરિત્ર ભાસે, બધા કામ છે ઇ દિવ્ય દેખાય. જમવું, હરવું- ફરવું, નવારવું, ધોવારવું, રમવું, રમૂજ કરવી, ચરણ દાબવા, શરીરે સેવા કરવી. ઇન્દ્રિયો, અંતઃકરણ, આત્મા, જીવ, બુદ્ધિ, મન બધા પાવન થઇ જાય ત્યારે ભગવાનના ભક્તને પાંચ તત્ત્વની પૃથ્વી ઇ પણ પાવન થઇ જાય, જળ પાવન થઇ જાય. તેજ પાવન થઇ જાય. વાયુ પાવન થઇ જાય. અગ્નિ પાવન થઇ જાય. આકાશ પાવન થઇ જાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ ઇ પાંચભૂતનું શરીર પાવન થઇ જાય. શરીર વડે સેવા-ચાકરી પાવન થઇ જાય. શરીરના ઇન્દ્રિયો, અંતઃકરણ છે ઇ ભગવાનને લેખે થઇ જાય, કમાણી સંપત્તિ ભગવાન લેખે થઇ જાય. ઘરબાર કુટુંબ, પરિવાર બધું ભગવાન લેખે કરી રાખે, ભગવાનને લેખે કામ આવ્યું તે કામનું, ભગવાન લેખે કામ ન આવ્યું તે નકામું. કારણ કે આપણે ભગવાન પાસે જાવું છે. આપણા જોગમાં આવેલા જે હોય તેને સત્સંગ ખરેખરો થઇ જાય તો ભગવાન પાસે જાવાને લાયક થઇ જાય. માટે એને પણ ભગવાન પાસે મોકલવો છે, ભગવાનનો થાય તો ભગવાન રાખે અને ભગવાનનો ન થાય તો ભગવાન ન સંભાળ લે.
અનંતકોટિ બ્રહ્માંડો થયા, ઘણી સૃષ્ટિઓ થઇ, ઘણું જગત ચાલ્યું જાય છે, ઘણાં ભક્તો થાય છે, બધા ય ભક્તોએ ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દીધું છે, બધું ય તમારું. મારા છોકરા, છાબરા, ઘરવાળી, કુટુંબ પરિવાર, લક્ષ્મી બધું ય તમારું. ભગવાનનું આપેલું છે. માટે ભગવાનને આપ્યું પણ આ તો ભગવાને ઉછીનું આપ્યું છે તે ભોગવી લઇ લેવાના. ત્યારે આપણે પહેલેથી સમજીએ કે એનું છે ઇ લઇ લ્યે, એમાં મારું શું હતું ? માટે એની કૃપા છે કે આટલું બધું આપ્યું. ભગવાને જીવને સુખી થવા માટે ઇ બધું આપ્યું છે, સળી જેવું છે, આગળના ભક્તો થયા એ તમામના હજારો નામ શાસ્ત્રોમાં છે, એ ભક્તો એવું ભગવાનને સમર્પણ કરતાં શીખી ગયા, તેણે માયાને માયા માની નહીં. માયા પણ ભગવાનની પત્ની થઇ ગઇ એટલી બધી આપી દીધી.
ઘરબાર, કુટુંબ, પરિવાર, નાત-જાત બધું ભગવાનનું છે, આપણું કાંઇ નથી એમ ભગવાનને આપી દીધું. એમાં ભગવાન રહે છે, ફરે છે, ખોળે છે, સંભારે ત્યારે આવેય છે, જમવા બેસાડે ને જમાડે તો જમેય છે, પાણી આપો તો પાણી પીએય છે, એમ ભગવાનની સેવા-ચાકરી કરનારો ભક્ત, તે ભક્ત ભલે બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, નારી હોય, કન્યા હોય, વૃદ્ધા હોય, કોઇપણ હોય પણ ભગવાન ઇ એને પોતાના અંગ તરીકે પોતાને રહેવાનું સ્થાન તરીકે, પોતાના દાસદાસી તરીકે ભગવાન એને અંગીકાર કરે છે. પોતાને ત્યાં રાખે છે. પોતાની પાસે મુક્ત મંડળમાં બેસાડે છે અને પોતાની જેવા એને ઐશ્વર્યો આપે છે, એવા સમર્થ બનાવી અને અક્ષરધામની સ્થિતિનાં આનંદ અને સુખ આપે છે.
નાના મોટાં તેમને આ લોકની રીત પ્રમાણે ખાવું-પીવું, બેસવું, ઊઠવું, હરવું-ફરવું, ઓઢવું, પહેરવું, કમાવું, લઇ જાવું, આ લોકની રીતમાં રહેવું. સવારે શીરો-પૂરી ખાવા, બપોરે દૂધ પાણી ખાવા, દાળ, ભાત, શાક રોટલી ખાવા, મિષ્ટાન્ન ખાવા. સારું જીવન વીતાવો, સુખી રહો અને ભગવાનમાં સુખ છે એમ માનવું. જો આવી રીતે ભગવાનમાં સુખ માનીએ તો એનું બધુંય ભગવાન લેખે છે, આ લોકનું તમામ ભગવાન લેખે થઇ ચૂક્યું છે, હવે મારું કાંઇ નથી, પરમેશ્વરનું છે માટે હે ભગવાન તમે સંભાળજો.