પરાવાણી ૫૨

ભગવાનનું સર્વ પ્રકારે સ્વામીપણું - ભક્તોને આનંદ આપવા માટે ભગવાનનું મનુષ્યરૂપ

ૐ શ્રીસ્વામિનારાયણાય નમો નમઃ, શ્રીહરિકૃષ્ણાય નમો નમઃ

શ્રીપૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ, શ્રીરાધારમણદેવને નમો નમઃ

સંતપુરુષોને નમો નમઃ, ભક્તોને નમો નમઃ

બ્રહ્મચારીઓને નમો નમઃ, સત્સંગીઓને નમો નમઃ

સત્સંગના અંગોને નમો નમઃ

શિક્ષાપત્રીરૂપી શ્રીસ્વામિનારાયણ ભગવાનને નમો નમઃ

ભગવાન પોતે કહે છે, હું સ્વામી છું. સીધો અર્થ સાધુ છું. એની સાથે મોટો જોઇન્ટ અર્થ તમામ સૃષ્ટિઓનો સત્તા ધરાવનારો એવો સ્વામી છું. સર્વનું નિયામકપણું તેને ધારણ કરનારો છું, હું એક છું. બે જણા હોય તો જ્ઞાતિભાઇ કહેવાય. માટે સ્વામી છું. સ્વામીને સેવકપણું અઇચ્છીત હોય છે. સેવકના સેવક ભગવાન. મુક્તોના ભક્તોના સેવક ભગવાન. સેવા કરે તે સેવક. ભગવાન કહે તમને હું ધામ આપું, મારી ભક્તિ કરો એ હું તમને શીખવાડું. એ સેવા કરો માટે તમારો ભક્ત. ભગવાન આપણી સેવા શું કરે છે ? સેવકે એમ માનવું કે આ મારા છે. એના પ્રતિ અનુકૂળ વર્તવારૂપી સેવકપણું. માટે તમારો સેવક છું, ભક્તનો ભક્ત છું પણ મારું સ્વામીપણું કાયમી છે. ભક્તપણું તો ઘડીક છે. ભક્તને એમ હોય કે, ભગવાન આટલું મારું કામ કરી દે તો ઠીક. તો આપણે સકામ ભક્તો તો છીએ. કોઇને નાણાં જોઇએ, દાણાં જોઇએ, બાળ-બચ્ચા જોઇએ, સંપત્તિ જોઇએ, રાજ્ય જોઇએ, આરોગ્ય તો પેલું જોઇએ. ઉદરમાં ભૂખ મટે અને ખાવાનું ઘરમાં ખૂબ મળે માટે તો સૂર્ય ઊગે તેની સાથે આરાધના થાય. એ બધું તમે આપો. તમારી પાસેથી લઇએ. ભગાવન કહે છે, મારા ભક્તને હું આપું તે સેવા કરું. પોતે થાળ જમીને પ્રસાદી તમને આપે એ સેવા, એ ન આપે તો આપણે કંઇ ન જમી શકીયે. માટે એ આપે છે અને આપણે જમીએ છીએ. માટે સ્વામી છું, પરતંત્ર નથી, પરઆધિનતા નથી. અને ભક્તની ઇચ્છાને અનુસાર રહું છું. છતાં રાજાસાહેબને દીવાન ગમે. એ એવી આકાંક્ષા રાખે કે, દીવાન કેય એમ કરું. પણ દીવાનજીની સાથે હું મારી બૃદ્ધિ, મતિ, અનુમતિ મેળવું તો દીવાનજી કરી શકે. આપણે બધા એના દીવાનજી છીએ, રાજીપાના ભાગી છીએ, સાચાં સંબંધવાળા છીએ. ઇ એમ ધારે કે આ ભક્ત જેમ ધારે તેમ હું ધારું, તો એની મતિ પ્રમાણે મારી મતિ રાખું.

ભગવાન પોતાની મરજીને આપણી મરજી ભેગી ભેળવી અને વાટ જુએ છે. માટે એમનું ઇચ્છીત એ ખંડિત થતું નથી, છે છે અને છે. પણ આપણું ઇચ્છીત એને અખંડિત કરવા માટે આપણી ભેગા મળે છે. માટે હું સ્વામી તો છું પણ સેવક પણ છું. ઐશ્વર્ય, જ્ઞાન, શક્તિ, બળ, તેજ, વીર્ય, તે બધા એમના જ છે. એને યુક્ત એવો સ્વામી છું. વૃદ્ધ થતો નથી. મને સુષુપ્તિ આવતી નથી, ભૂલકણો નથી. સંસ્કારની જરૂર પડે અને જાગરણ થાય તેવો હું નથી. નિત્ય જ્ઞાની છું.

જીવાત્મા પોતે દૃષ્ટિવાળો છે, જ્ઞાની છે, એનામાં અંતરની આંખો છે. ઇ આંખોથી દેખે છે. ઇ આંખ મનને આપી. મન આંખોથી દેખે છે. મન વડે ચક્ષુના ગોલકને આંખો અપાણી એટલે ચક્ષુ એના ગોલકોને દેખે છે. અને ગોલોક તેમને કિરણોએ આંખો આપી, સૂર્યના કિરણોએ. એટલે કિરણો દેખતા થયા ત્યારે આપણે દેખતા થયા. આપણા બધાયના પ્રતિબિંબો સૂર્ય સુધી પહોંચી જાય છે. આખી સૃષ્ટિને સૂર્ય દેખે છે. સૂર્યને જે આંખ આપી એ એનો સૂર્ય, એનો સૂર્ય, એનો સૂર્ય એમ આગળ જતા જતા પુરૂષોત્તમ નારાયણ એ બધાના સૂર્ય છે. માટે અજવાળું આપનારા સૂર્ય એવા સ્વામી. અંતર્યામી શક્તિ આપનારા સૂર્ય માટે સ્વામી. પોતાનું સ્વતંત્રપણું પણ કોઇને આપે છે, બહુ રાજી થઇ જાય તો તેને આપે. જાવ ઘડીક મારા બદલે કામ કરી આવો. માટે પુરૂષોત્તમ નારાયણ કહે છે, મારા ભક્તો માટે હું ભજન કરું છું. જો ભક્તો માળા ફેરવું છું, તમારા માટે. હું તમારો સ્વામી છું. ઘણી વસ્તુ છે સ્વામીમાં. એનો સ્વામી છું. અર્થના વિકારો એનો સ્વામી છું. વિકારના ભાવ એનો સ્વામી છું અને ફળ જે મારામાં અર્પણ કરે એનો સ્વામી છું. માટે અર્પણનો સ્વામી છું એ સાચી વાત, બીજે ઠેકાણે થોડો ઘણો સ્વામી છું. સેવક સાચવવો એ બહુ મોટી મહેનત છે. સેવક તો ભગવાનને આખી સૃષ્ટિ છે પણ એને સાચવવા બહુ મોટી મહેનત છે. લાખ સેવક છે એ જુદી જુદી ચીજ માંગે, તે પ્રભુ ઘરમાં બધી ચીજ હોય તો આપી દેય, લે લઇ જા. ઇ સેવકો સચવાઇ જાય. એક કેશે આ ચીજ મને નો મળી માટે હું તમારો સેવક નહીં રહું. માટે ઇ હાલતો થાય. ભગવાનમાં આનંદ ભર્યા છે માટે આપણને મળે છે. તમને એમ થાય કે ભગવાન મારામાંથી આનંદ લેય છે. પણ હું તમને આનંદ દઉં છું. હું મૂર્તિ જ આનંદની છું. પરમાત્મા પોતે આનંદની અખંડ મૂર્તિ છે. માખણના પીંડાની મૂર્તિ બનાવી હોય તો માખણઘન કહેવાય. ઘણી જગ્યાએ એવી મૂર્તિઓ બને છે, હેત-પ્રીતની. દર્શન આંખોને થાય એમ આનંદ મૂર્તિ ભગવાન છે.

માટે આનંદઘન પુરુષોત્તમ નારાયણ છે. એમાંથી આનંદ લીધે રાખો. હું જ્યારે આનંદ આપું ત્યારે તમને આનંદ ઉત્પન્ન થાય, એમ થાય મને ભગવાને આનંદ આપ્યો. ઘરમાં સાકરની કોઠી મેલી હોય તો બાર મહિને મહેમાન ગમે તેટલા આવે તો પણ એમ ન થાય કે આપણે ત્યાં કાંઇક ખામી આવશે. જે કોઇ ભક્ત, જે રીતનો આવશે તેને તે રીતનો હું આનંદ આપીશ. મારા ભક્તજનો વાહ વાહ કરે, પ્રભુ ઘણો આનંદ આપ્યો. આવા સમૈયા ઉત્સવો વડતાલ થઇ ગયા. જૂનાગઢ થાય છે. એ સમૈયાનો કેટલો આનંદ છે. સવારમાં નાસ્તો કરવા બેસો તોય અડધો તો આનંદ ભરાઇ જાય પેટમાં. એમ ભગવાનની મૂર્તિમાં આપણે ધારીએ છીએ કે, પ્રભુનું મને દર્શન થાય. સ્વામિનારાયણ ભગવાનના સંતોનું દર્શન થાય, ગુરૂદેવનું દર્શન થાય, મંદિરનું દર્શન થાય, રાધા-રમણદેવનું દર્શન થાય, મહારાજનું થાય, ગોપીનાથ દેવનું દર્શન થાય, લક્ષ્મીનારાયણ ભગવાનનું દર્શન થાય, નરનારાયણ ભગવાનનું દર્શન થાય. આ રીતે દર્શન થાય એટલે આનંદના ફૂવારા. ભગવાન એમ નથી કે’તા આ હાથમાં ફળ છે, આ ફળ લઇ જા. હું બહુ રાજી થયો છું. એમ ન કહે. પણ એનો આનંદ છે એ હજારોગણો આપે. આ પુરુષોત્તમ ભગવાન એવો આનંદ આપે છે. પચ્ચીસ હજાર શું ? પચ્ચાસ લાખ, પચાસ કરોડ, અનંતગણું આપે છે. આપણી જ્યારે ભગવાન સંભાળ લ્યે છે ત્યારે આનંદનો કોઇ પાર રહેતો નથી. ભગવાન ભક્તને આનંદ આપવા વાસ્તે ભક્તના સમાનરૂપ વાળા થાય છે અને ભક્ત તે આનંદને લ્યે છે.