પરાવાણી ૧૧

માનવજન્મમાં પ્રત્યક્ષ ભગવાનની શરણાગતિથી લાભ - નાનપણથી જ ભગવાન માટે જન્મ સુધારવો

માનવ જન્મ ભગવાન ભજવા માટે છે, અનેક જન્મના પુણ્યો ભેગા થયા હોય ત્યારે માનવ જન્મમાં ભગવાન એને જન્મ અપાવી અને સુખી કરે છે. બધાં પ્રાણ વાયુ કરતાં માનવજન્મમાં સમજણ, જ્ઞાન વગેરે વધારે છે. પૂર્વનો અભ્યાસ માનવજન્મમાં થાય છે. મનુષ્ય જન્મ્યા પછી તેને ભગવાન પોતે મંત્ર અને કંઠી અપાવે છે. કંઠી છે તો ભગવાનનું ચિહ્ન છે, કંઠમાં રહેનારી બે સરો એટલે ભગવાન અને ભગવાનની પત્ની. એ બંનેનું સ્વરુપ કંઠમાં પહેરેલું છે. માટે ભગવાન અને ભગવાનની પત્ની તેને ગ્રહણ કરનારી હોય, તે ભક્ત તે પણ એનો શરણાગત બાળક કહેવાય છે, આમ માનવ જન્મ મળે એક બે મહિના થયા તે તરત જ જન્મ સફળ થવા લાગે છે, તેને ભગવાનના નામ સંભળાય, ભગવાનની કીર્તિ સંભળાય, પ્રભુનાં દર્શન થાય, દેવ મંદિરમાં જવાય, સંત પુરુષના ચરણને અડાય, આશીર્વાદ મળે, ભોજન, પાણી, પ્રસાદી વગેરે મળે એટલે રગેરગમાં એ બાળક પવિત્ર થઇ ગયું કહેવાય છે.

પુરાણમાં એક કથા છે. એક સંઘ મથુરા જતો હતો ત્યારે વચ્ચે એક સન્યાસી મળ્યા. એ એના કમંડળમાં પ્રત્યક્ષ ભગવાનના પ્રસાદના જળ લઇ અને દ્વારિકાથી આવતા હતાં. ખીંજરાળો દેશ એટલે મારવાડ દેશ હતો. ત્યાં ઓલો સંઘ હતો તેના માથામાંથી કાળા કાળા કાગડા ઉડી ઉડીને ભાગ્યા. સંઘે પૂછ્યું કે, તમે કોણ છો ? તો કહે, તમારા પાપ છીએ. તમે ઉડીને ભાગી કેમ જાવ છો, તો કે ઓલો સાધુ આવે છે એના હાથમાં કમંડળ છે એમાં ગોમતીજીનું પાણી છે. ભગવાનને નવડાવેલું છે. તમે ભક્ત સંઘ છો કદાચ તમને એકાદી અંજલિ જો નાખે સંઘ ઉપર તો અમે બધાય બળીને મરી જાઇયે. માટે મરીએ નહીં અને જીવતા ને જીવતા ઉડીને વયા જાઇએ, અને તમે જાત્રા કરીને આવશો એમાં જેમાં તૃટી હશે ને એને અમે પાછા વળગશું. ત્યારે ઇ સંઘ સમજી ગયો કે મથુરાનું તીર્થ ગંગાજીનું તીર્થ એવા પાણીના તીર્થ, પથ્થરના તીર્થ, સ્વરૂપ વગેરે બીજા બીજા તીર્થ એ કરતાં પ્રત્યક્ષ ભગવાન એ બધા પાપને બાળનારા અને સમર્થ છે અને મોક્ષમાં લઇ જનારા છે.

માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ મળ્યા એના જેવો મહિમા કોઇનો નથી. પ્રત્યક્ષના ચરણને ધોઇને પીવા, પ્રત્યક્ષના પ્રસાદી જળ પીવા, પ્રત્યક્ષને કપડાં ઓઢાડીને સેવા કરવી, પ્રત્યક્ષને જમાડીને સેવા કરવી, તેમને ફળ ફૂલની વિગેરેથી સેવા કરવી, દંડવત્ પ્રદક્ષિણા, નમસ્કાર સ્તુતિ વગેરેથી સેવા કરવી અને રાજી કરવા. એને બાળકને કંઠી આપી ત્યારથી આશીર્વાદ છે. કાળ, માયા, પાપ, કર્મ, યમરાજાના દૂતના ભય, એ કોઇ મને ન આવે. હું એનાથી તમારે શરણે આવ્યો છું. તે મારું રક્ષણ કરો. આમ ભગવાનની પાસે શરણાગતિનો મંત્ર લેવાય છે. શરણાગતિના મંત્ર વડે ભગવાન પોતે એનામાં જઇને વસે છે, તે બાળકથી લઇને આખું જીવન ભગવાનની કંઠી રાખવી. સવારે ભગવાનની માળા ફેરવવી. દિવસે કમાણી કરવી. સાયંકાળે ભગવાનનું ભજન કરવું, પછી સૂવું. આમ તમામને આજ્ઞા છે.

માટે મનુષ્યએ પળાય એટલું પાળવું, પુન્ય થાય તેટલું કરવું, સુખી થવાય તેટલો ઉદ્યમ કરવો. અને મોક્ષ મળી જાય તેવું નાણું કમાવું. રાજીપાનું નાણું છે તે મોક્ષ આપે છે. સેવા-ચાકરી છે તે ધામમાં પહોંચાડે છે. વસ્તુની ચીજો છે તે રાજીપો આપે છે અને પોતે તન વડે, મન વડે, ધન વડે, ખેતી વડે, વેપાર વડે, બધી ચીજો વડે, કુટુંબ વડે સેવા-ચાકરી, છોકરા-છાબરા વડે, મંદિરમાં વસનારા એવા જે ભગવાન તેની અનુવૃત્તિ પાળવી, એ કહે તેમ કરવું, એવી રીતે જે કાંઇ ક્રિયાઓ કરવી તે નિષ્કામ કર્મ અક્ષરધામમાં પહોંચાડનારું છે. અહિંયા જેવી સેવા કરશે. તેવી સેવાઓ ત્યાં મળશે. અહિંયા ભગવાન અને સાધુને રાજી કરશે તો આગલા લોક જેટલા છે એને ઉલ્લંઘીને એની ઓની કોર છે તેવા અક્ષરધામમાં જઇ અને ભગવાનના ખોળામાં બેસશે, ભગવાનના ચરણની સેવા કરશે.

આ લોકમાં શરીર છે તે કાં નરનું કે કાં નારીનું. શરીરમાં ભોજન પાણી સરખા છે. ભાવના, પ્રેમ, હેત, સ્નેહનો પ્રવાહ એ સૌનો જેવો ભક્ત તેવો હોય છે. માટે હેતમાં હેત ઝાઝું. શાસ્ત્રમાં લખ્યું છે કે, લક્ષ્મીજીનું હેત ઝાઝું. લક્ષ્મીજી ભગવાનના હૃદયમાં તલ્લીન થઇને બેઠા છે. માટે લક્ષ્મીજી ભગવાનના હૃદયમાં રહેનારા થયા અને રાધિકાજીને ડાબે પડખે ઊભા રહેનારા કર્યા કારણ કે ચિંટિયો ભરે, ઠોઠ મારે, કોણિયું મારે, ઝઘડા કરે, કોક દિ’ રાંધે ન રાંધે, ભૂખી રહે, રિહાય ઇ બધુંય પડખે હોય એને થાય. હૃદયમાં બેઠા હોય એને ન થાય. તમે તેમ ભગવાન વાપરે, સેવા કરે, પણ ઇ તો ભગવાનના જીવમાં ચોંટી ગયા માટે લક્ષ્મીજી, રમા, રૂકમીણિ, ઇ બધા ભગવાન સાથે જીવમાં ચોંટી ગયેલા છે. ભગવાનના ભક્તે ભગવાનની સેવા- ચાકરી આત્મનિવેદીપણે રૂકમીણિ રૂપે કરવી. નારદજીની પેટે ભજન કરાવવું. નર નારાયણ ભગવાનમાં નર છે ઇ નારાયણના ભક્ત છે એવી ભક્તિ કરવી અને ભગવાનની સાથે એકમેક થઇ જાય આવી જાતનો ભક્ત છે તે જરૂર બ્રહ્મલોકમાં જાય છે.

આ લોકમાં ઘણી જાતના લીસરડા છે. પણ આંખ વડે, કાન વડે, જીભ વડે, હાથ વડે, કોઇનું સારું-નરસું કરાઇ ગયું હોય ઇ બધા કાળા લીટા. ઇ કાળા લીસરડા. જો નેત્ર ભગવાન માટે, કાન ભગવાન માટે, જીભ ભગવાન માટે, શરીર ભગવાન માટે, એમ જો ભગવાન વાસ્તે કરી રાખે તો કાળા લીસરડા ભૂંસાઇ જાય છે અને એ ઠેકાણે ધોળા લીટા ધામમાં જવાનો મોટો માર્ગ હોય તે થઇ જાય છે અને તે માર્ગમાં ચાલ્યો થકો ધામમાં પહોંચી જાય છે એને કોઇ ભેગો ભોમિયો જોતો નથી. ઇ લીટો જ્યાં જઇને ઊભો રહે ભગવાનના પગમાં ત્યાં જઇને ઊભો એટલે ભગવાન હાજર થઇ જાય છે. તું મારે શરણે આવ્યો ? તો કહે હા. તો તે કે કેડો કોને બતાવ્યો ? તો કે તમે. પછી કે હવે મારે શું કરવું ? ભગવાન કહે હવે મારી સેવા કર. તને ઠીક પડે એમ છૂટ. કંઇ તને તાળું આડું નથી. આવી રીતે ભગવાનનો ભક્ત ભગવાનની પાસે તન, મન, ધન વડે સેવનારો તે ધામમાં પણ તન, મન, ધન વડે સેવનારો થાય છે. અને ભગવાનની બધી સંપત્તિ એને મળે છે. માટે જીવાત્મા એમ માની બેઠો હોય કે આ મારું નર શરીર છે કે નારી શરીર છે. ઇ તો આ લોકમાં એક બીજાના ભોજન પાણી, કમાવું, રહેવું, સાચવવું, એવા નિર્વાહ માટે કર્યા છે પણ ભગવાન તો બેયને પોતાને ખોળે બેસાડે છે કે તમે અમારા છો અને બહુ હેત થાય ત્યારે ભગવાન પોતાના રૂપ જેવું રૂપ આપે છે. પોતાની મૂર્તિના ઐશ્વર્યો બધા આપે છે. એના લોકમાં રહેવા માટે બંગલાઓ કરી આપે છે. આ જેટલા જેટલા એ દેશ પરદેશથી રૂપિયા કમાઇ કમાઇને મોકલ્યા તેણે અક્ષરધામને વિશે પોતાને રહેવાના બંગલા ચાલુ કરી દીધા. અને ભગવાનની સેવા કરી, ભગવાનને થાળ કર્યા, ભગવાનને જમાડ્યા, ભગવાનને માટે જે જે કામ કર્યા છે તે બધાય ત્યાં હાજરો હાજર તમને મળશે. આમ ભગવાન પોતાના ભક્તને દિવ્ય વિમાન, દિવ્ય દેહ, દિવ્ય બંગલા, દિવ્ય ભોજન પાણી અને અનેક પ્રકારના પોતાની મૂર્તિના દિવ્ય આનંદ ભરેલા સુખ એ આપે છે. એને એમ જ થાય કે ભગવાન મારે ત્યાં જ રાજી છે. બીજે ઠેકાણે જાતા કે ન જાતા હોય મારે શું જાણવું ? મારે બધુંય પૂર્ણ, પરિપૂર્ણ થયું છે. આમ જે ભક્ત એકાગ્ર એકાત્મતા, ઐક્ય તેને પામેલો થાય છે, ભગવાનને મરજી આવે તો પોતાની મૂર્તિમાં બેસાડી દે છે અને મરજી થાય તો જુદો પાડી અને સામે સેવા કરે એવો કરી દે છે. આ રીતે ભગવાન પોતાના સુખે સુખિયા કરી દે છે.

માટે બાળપણથી આરંભીને ભણવું તો ય ભગવાન વાસ્તે, કામકાજ કરવું ભગવાન વાસ્તે, વરવું-પરણવું ભગવાન વાસ્તે, કમાવું ભગવાન વાસ્તે, સેવા-ચાકરી કરવી ભગવાન વાસ્તે અને આંહિથી જવું ત્યારે આકાશમાંથી વિમાન આવ્યું, ભગવાન બેસાડીને લઇ જાય. ત્યાં સુધીનું બધું ભગવાન વાસ્તે કરી રાખવું. પોતાને પોતાના શરીરના ભાન ભૂલી જાવા. અને શરીરના ભાન રહેશે ત્યાં સુધી આ દુનિયાની માયા તો વળગેલી છે. એમ જાણવું કે હું તો કોઇ બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું અથવા હું બ્રાહ્મણી છું, ક્ષત્રિયાણી છું, એવા શરીરના ભાન છે ઇ ભગવાન પાસે ન રાખવા. ભગવાનને તો બધુંય પ્રિય છે, વહાલું છે, ચોખ્ખું છે, પવિત્ર છે અને પોતાની ભેગું ઘેરે મોકલેલ દિવ્ય છે. આમ સમજી અને મૂર્તિની પૂજા કરવી, નમસ્કાર કરવા, દર્શન કરવા, કહ્યું માનવું અને ઓહોહો એમ માનવું કે આપણો જન્મ સુધરી ગયો. મનુષ્યનો જન્મ છે તે અંતકાળે સુધારવા જાય તે પરવશ થાય તો કેદિ’ સુધરે ? પરવશમાં કોઇ પાણી નહીં પાઇ દે, કોઇ ટાંગો ય દાબે નહી અને થઇ જાય પરાધીન ને ઓય મા - ઓય બાપ કરવા માંડે. ઇ કરતાં નાનપણથી ભગવાન માટે જેણે જન્મ સુધાર્યો એ સુધરી ગયો અને મોક્ષમાં ગયો.