પરાવાણી ૫૦

દ્રોહના વચનો ન બોલવા - કૃતઘ્નીનો સંગ ન કરવો

સ્વામિનારાયણ ભગવાન કહે છે, જે મારો આશ્રિત થયો, જેના દિલમાં પાપનો ભય છે, મારાથી પાપ કેમ થાય, મારા થી ભક્તિ જ થાય, મારા દેહ ઇન્દ્રિયોને અવળે રસ્તે કેમ મોકલાય ? મારે સત્ય ધર્મમાં રહેવું જોઇએ. આવી રીતની સ્મૃતિવાળો ભક્ત તે ભક્ત આત્માના કલ્યાણ માટે જે રિતીને બતાવે તે રિતીને અંગીકાર કરવી. ખંડન કરવાના વચનો એ વચનો ન બોલવા. વચન સાચું હોય પણ દ્રોહ થઇ જતો હોય. દ્રોહનો અર્થ એ જે મૂર્તિની સ્થાપના કરીએ તે વખતે બ્રાહ્મણદેવ મંત્રો બોલે છે. મૂર્તિને “આમાં દેવ પધારો” એમ કહે છે. આપણે પણ એવું તો બોલી શકીએ છીએ. માટે બ્રાહ્મણ બોલે તો જ આમા દેવ આવે અને હું બોલું તો ન આવે ? મને ય આવડે છે બોલતા. હું ય એના એ મંત્રો બોલી શકું છું. એ વચન સાચું છે. પણ ધ્યાન કરવું, દેવની પ્રતિષ્ઠા કરવી, પ્રતિષ્ઠા કરનાર જે પ્રતિષ્ઠીત થયેલો બ્રાહ્મણદેવ તે વૈદિક રિતીથી શ્રુતિવાળો, મંત્રવાળો, તેના કર્મકાંડ જાણનારો તે ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવે તે એ પ્રતિષ્ઠાના રીતરીવાજ ન જાણતો હોય અને જેમતેમ પ્રતિષ્ઠા કરનારો હોય ત્યારે બોલવું પડે કે ભાઇ મને આવડતું નથી તો તું રહેવા દે, બીજાને કરવા દે કામ. ત્યારે ઓલો બ્રાહ્મણ બોલી ઉઠે કે, એને આવડે છે તો શું મને નથી આવડતું ? આ ત્યાં દ્રોહનું શિખર ઊભું થાય છે. એવી રીતે ઘણાં કાર્યોમાં સાચું વચન, જેમ અત્યારે લાખોની મેદની બેઠી છે, ચારેય કોર સભાઓ બેઠી છે, મર્યાદાથી બેઠી છે, કથા વાંચનાર આચાર્ય બ્રાહ્મણ બેઠા છે. એના નેત્રની વૃત્તિ સભામાં લાંબી જાય એ રીતે નેત્રને ગ્રંથ વાંચવાથી થયેલો થાક ન લાગે માટે એના નેત્રની દૂર દૂર વૃત્તિ ચાલી જાય એમ ફેરવવી તો પડે. ત્યારે કોઇ દ્વેષી વ્યક્તિ હોય તો એ જોઇ લે કે આ પુરુષ વર્ગની સભાને દેખે છે. પણ નારી વર્ગની સભા સામે પણ આંખ કરીને ત્યાં પણ દેખે છે. વાત તો એની બોલવાની સાચી રહી. પણ તે મહાપુરુષની નેત્રની દૃષ્ટિ થાકી ગઇ છે માટે તે લાંબી દૃષ્ટિ કરીને જુએ છે. પણ એનો લક્ષ્ય એવો નથી કે જે નિષેધ વસ્તુ છે તેને જુએ છે એવું નથી. પણ બોલનારો તો બોલે. એ બીજાને કેય કે, જોયું જોયું એણે બાયુની સભા સામે જોયું. સત્યં વાક્યં - ઇ બેય જણા બોલે તો સાચું. પણ જોવાની એ વૃત્તિ નથી કે દુર્ગુણ, વાસનાઓ અને કોઇ પ્રકૃત્તિ નો ઉપજી જાય. એટલે શ્રદ્ધા તોડી નાખી. આ સત્ય વચન તો છે પણ દ્રોહ થયો કહેવાય. આવી જાતના વચનો તો અનેક છે.

સ્વામિનારાયણ ભગવાન કહે છે, આવા દ્રોહના વચનો ક્યારેય બોલવા નહીં. કૃતઘ્નીનો સંગ ન કરવો. પરમેશ્વરની ભક્તિ બજાવનારા ગુરુ છે, બતાવનારા ગુરુ છે, પાંચ માળા ફેરવીને પુણ્ય આપનારા પણ ગુરુદેવ છે. સંપ્રદાયના કેટલાય કામકાજ કરનારા ગુરુદેવ છે. રાજ્ય ધર્મકાર્ય ભલે કરે પણ ધર્મકાર્ય સંત કરી શકે તેટલું કોઇ ન કરી શકે. મહાપુરુષ બધું કરી શકે છે કારણ કે એનામા સામર્થ્ય છે. એવા સંતપુરુષોએ ભગવાનની ભક્તિનો માર્ગ પ્રવર્તાવ્યો. પ્રવૃત્ત થયેલા માર્ગને કોઇ એમ કહી દેય કે, તે શું સારું કર્યુ ? માણસોને અવળે રવાડે ચડાવી દીધા. કોઇ એમ કહેશે કે મારો છોકરો માંડ કમાતોતો, ખેતી-વાડી કરતોતો, વેપારધંધા કરતોતો, સારે રસ્તે ચાલતોતો, કહ્યું કરતોતો, સવારે વહેલો ઊઠીને હાતિ જોડતોતો, દુકાન ઊઘાડતોતો, બધું જ કામ કરતો હતો પણ આ સ્વામિનારાયણના બાવા મળ્યા તો એણે સવારમાં ન્હાતો કરી દીધો, પૂજા કરતો કરી દીધો. પહેલા તો દૂધ અને સાકર રોજ જમી લેતો પણ હવે તો ભગવાનને પાંચ મિનિટ ધરે પછી જમે. સાધુ તો કામકાજ કરનારાને ધર્મના કામકાજ કરાવી અકર્મી બનાવી દેય છે.

છોકરો કમાણી આપતો હતો તેમાંથી ભગવાનની કમાણી થાવા લાગી એ કમાણીમાં ઓલી ઘરની કમાણીને આડી રાખી અને પછી સાધુએ સારો રસ્તો બતાવ્યો. છતાં પણ એણે આણી નાખે એવા શબ્દો વપરાણા. માટે આવું કૃતઘ્નીપણું અને એવા કૃતઘ્નીનો સંગ ન કરવો. તો હવે શું કરવું ? ઘર મેલીને વયું તો જવાય નહીં, અને કુળ-કુટુંબ છે એનો દ્રોહ થાય નહીં. માટે પરમેશ્વરની ભક્તિ હું કરું છું અને એ કહ્યા કરે છે, એ રીતના એમના વચનો દિલમાં ન ધારી ભગવદ્ભક્તિ કર્યા કરવી અને સાથે ઘરના કામકાજ પણ કર્યા કરવા. સંગનો અર્થ એવો છે કે, એવા વચનોના ખરાબ પરિણામ આવી જાય એવો ધંધો ન કરવો.

એક છોકરો ભગવાનનો ભક્ત તો હતો. એને સ્વામિનારાયણના સાધુએ સ્વામિનારાયણનું નામ આપ્યું, મંત્ર આપ્યો. એને કહ્યું તું ડુંગળી ખાઇશ નહીં, લસણ ખાઇશ નહીં, ગાળીને પાણી પીજે, ભગવાનની ભક્તિ કરજે. છોકરો મંડ્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા. ધર્મ પાળવા મંડ્યો, ન્હાવા મંડ્યો, પૂજા કરવા મંડ્યો. બાપ તેને કહે, આ તે શું ધંધો માંડ્યો ? આ તો પાંખડ છે. બધું પડ્યું મેલી દે. આપણે ખેડુને આ નો પોષાય. આપણો તો ધર્મ છે સવારમાં ઉઠતાવેત પાણીનો ગ્લાસ લઇ, મોઢું ધોઇ, કોગળો કરી અને બાજરાનો રોટલો અને દહીં ચટકારી હાતિ જોડીને ખેતરમાં વયું જાવું. આવું ન્હાવા ધોવાનું વળી કયાં ધંધો કરવા માંડ્યો ? છોકરો કહે, બાપા શાસ્ત્રોમાં લખ્યું છે કે, સવારમાં ન્હાવું ધોવું અને પછી કામકાજે જાવું. ન્હાયા પછી દેવપૂજન કરવું. શાસ્ત્રો બરાબર લખે છે કે, ન્હાવું ધોવું દેવની પૂજા કરવી પછી શરીરને પોષણ આપવું પછી સારા કામકાજ કરવા જવું. ઉદ્યમ કરવો. છોકરો કહે, આટલું તો લખ્યું છે. સાધુએ મને જે કહ્યું છે એ તો મારે કરવું જ છે નહિતર આ દેહ યમપુરીમાં પડવાનો જ છે. મારો આત્મા યમપુરીમાં જાય એવું મારે કરવું નથી. બાપ બહુ ખીજાણો, સ્વામિનારાયણનો પંથ મેલી દે હો. દિકરો તો એક જ હતો. થોડું થોડું કહેતા કહેતા છોકરાએ જોર પકડ્યું કે મારે તો ધર્મ પાળવો જ છે. બાપ કહે, બીજો ધર્મ પાળવા માંડે એ છોકરો મારે જોતો જ નથી, એ મારો દિકરો જ નથી માટે તને મારી નાખીશ. તો છોકરો કહે, ધર્મ પાળતા-પાળતા મરી જાઉં તો મારી સદ્ગતિ થાશે. પણ ધર્મ પાળવામાં મને શું કામ રોકો છો ? તો બાપ કહે, તને છેલ્લીવાર કહું છું તું ધર્મ પાળવાનું મેલી દે. કંઠી તોડી નાખ ને સ્વામિનારાયણનું નામ લેમા. તારે તો આપણો પંથ એટલે ગ્રહણ. ગ્રહણ આવે એટલે ન્હાવું જોઇએ. એ સિવાય વળી ન્હાવાની શી જરૂર છે ? તો છોકરો કહે, હવે બધી સમજણ પડી છે એટલે હું કાંઇ નહીં કરું. મારે તો દરરોજ ન્હાવું ધોવું જોશે. તો બાપ કહે, આ પંથ-ધર્મ મેલી દે નહિતર તને મારી નાખીશ.

આ છોકરાએ ધર્મને માટે, પોતાના જીવના મોક્ષને માટે ખૂબ જ દૃઢતા રાખી. બાપાને હવે ખીજ ચડી. હળ ભરેલો હતો ગાડાનો. તેમાં બળદના ગળાનું જે જોતર છોડેલું તે જોતર છોકરાના ગળામાં બાંધ્યું અને કહ્યું, બોલ ધર્મ છોડે છે કે નહીં ? છોકરો કહે, હું જીવતો છું ત્યાં સુધી ધર્મ નહીં છોડું. એમ કહી હે સ્વામિનારાયણ પરમાત્મા મારી સંભાળ લેજો એમ જ્યાં છોકરો બોલતો હતો ત્યાં સગા બાપે જોતર છોડી ગાડું કર્યુ ઉંચુ અને છોકરાને લટકાવી મેલ્યો. ત્યાં તો થોડી જ વારમાં છોકરાએ જીવ છોડી દીધો.

ધર્મ પાળવામાં આવી રીતના માણસો ધર્મનો નાશ કરી નાખે એવા પણ હોય છે. એની કૃતઘ્નીમાં ગણતરી કરી છે. પરમાત્માએ શરીર આપ્યું એ ધર્મ પાળવા આપ્યું છે છતાં પણ ધર્મ ન પાળવા દેય તો શાસ્ત્રમાં લખ્યું છે કે એ સંબંધી શાના ? તે મનુષ્ય જન્મમાં જન્મ પામેલા હોય છે પણ પરમાત્માને માટે મોક્ષને શું કામમાં આવ્યા ? એટલા વાસ્તે જીવને ઓળખાણ આપી કે ધર્મના કાર્યને ન ગણકારે તેમણે શું કરી લીધું ? આખું જીવન પાલન કર્યુ હોય તો કે ભાઇ આટલા કામ કર ને. પણ તે શું પાળ્યું છે ? મારી તકદીરમાં હતું એટલું હું જીવ્યો. આ તને ભણાવ્યો, પરણાવ્યો તેનું શું ? તો કે, આ તો તમારી ફરજ હતી એ તમે કર્યુ, એ તમારો ધર્મ છે. પણ પોતે નથી સમજતો કે મારો સાચો ધર્મ શું છે ત્યાં કૃતઘ્નીપણું એમાં આવી ગયું.

આખી જીંદગી તૈયાર કર્યો હોય અને કો’ક ને ત્યાં જઇને બેસી જાય એ એનો કૃતઘ્ની ગણાય. આવી રીતે કૃતઘ્નપણું હોય છે પણ દુનિયા એવી આંધળી હોય છે જે કંઇ ન ગણકારે.

શાસ્ત્રો એમ લખે છે, મિતાક્ષરી ટીકા એમ લખે છે કે, મિત્રને સહાય આપી અને જો એનો તિરસ્કાર કરે, ગઢપણમાં માવતરોને તગડી મેલે, ખાવા-પીવા ન દે, ખાટલે બેઠો-બેઠો બાપા પાણી પી લેજો માટલી મેલી છે અને રોટલો તો ઘડશે ત્યારે દેશે. અને બાપા એમ કહે, છાશ હોય તો આપો ને. તો છોકરો કહે, ઘરમાં ક્યાં પૈસા છે, છાશ ક્યાંથી લાવવી ? ખવાય-ચવાય તો ખાવ નહિતર કાંઇ નહીં. આ બધા કૃતઘ્નના પ્રવેશો છે. માટે શાસ્ત્ર લખે છે કે, એવા કૃતઘ્ની જોડે વાત કરે તો પણ શ્વાસમાં પાપ ચોંટી જાય. પડખે બેસો તો પણ પાપ ચોંટી જાય. સામું મોઢું રાખીને વાતચીત કરવા બેસો તો પણ આપણા કાનમાંથી એની શ્વાસની ફણગી માલિકોર વહી જાય. કૃતઘ્નની સાથે પાંચ-પચ્ચીસ ડગલાં ચાલો તો પણ કાનમાં એવું રેડી દેય કે આમ નહીં ને આમ કરી નાખજો. ભોજન એક થાળીમાં રાખ્યું હોય ને જમવા બેસો અથવા એકબીજાનું ભોજન લેવા માંડો એ ભોજન સાથે લેય તોય પણ કૃતઘ્નીનું પાતક ચોંટી જાય છે.

ભણવા-ભણાવવામાં પણ એવા પ્રસંગો બની જાય, યજ્ઞ-યાગમાં પણ એવા પ્રસંગો બની જાય, ગુરુ થવામાં એવા પ્રસંગો બની જાય છે કે, એકને આમ સમજાવો ને એકને આમ સમજાવો. દરેક જાતનું કૃતઘ્નીપણું રહ્યું જ છે. મનુષ્યના દેહનું કૃતઘ્નીપણું, ધર્મનું કૃતઘ્નીપણું, પરમેશ્વરની ઇચ્છાનું કૃતઘ્નીપણું, આવા કૃતઘ્નીપણા રહ્યાં છે. કોઇની સાથે હાલે-ચાલે, ખાઇ- પીએ તેને પણ કૃતઘ્નીપણાના પાતકો ચોંટી જાય છે.

સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે, કોઇની લાંચ ખાશોમા. લાંચ લઇને કોઇનું કામ કરવું નહીં. કામકાજ કરવા માટે તો પગાર મળતો હોય છે છતાં પણ હમણાં કાગળીયું કામ કરતું નથી, હમણાં સાહેબ નથી, હમણાં બરોબર ઠીક નથી, કાલ સાંજે ઘરે આવજો અને જલ્દી આવજો. આ લાલચ માણસને મારી દેય છે જે ધર્મમાં નથી. લાંચ એ અધર્મ છે જે ખાનારાને શાંતિ આપતી નથી. માટે કોઇની લાંચ લેવી નહીં.

સ્વામિનારાયણ ભગવાન કહે છે, ચોર-પાપી-વ્યસની અને પાખંડીનો સંગ ન કરતા. માણસોની છેતરામણી કરે તેવા માણસોનો સંગ ન કરતા. આ બધા અસંત છે. અસત્ માણસોમાં તેનો સમાવેશ થાય છે. હંસ ગીતામાં લખ્યું છે કે, સાચાં થાવું પણ ખોટાં ન થાવું.

સંગ કરનારો ધોળું કપડું જેવા રંગમાં રંગે તેવા રંગવાળું થઇ જાય છે. ચોખ્ખો માણસ કુળ-કપટવાળાના સંગમાં રહે તો તેવા રંગે રંગાઇ જાય. ભગવાન કહે છે, અમારો અને સાધુનો સંગ કરજો પણ અસત્ નો સંગ કરશો નહીં. નહિતર અસંત થઇ જશો. સંગ બહું મોટી વાત છે માટે સારો સંગ કરવો પણ નરશો નહીં. સંગ કરનારને જો ભક્તિવાનનો સંગ થાય તો ભક્તિ વધે, જ્ઞાનીનો સંગ થાય તો જ્ઞાન વધે, જ્ઞાન-ભક્તિ બંનેનો સંગ થાય તો જ્ઞાન-ભક્તિ વધે અને રાગરહિતપણાનો સંગ થાય તો વૈરાગ્ય વધે અને પરમેશ્વરમાં સાધ્ય ભક્તિવાળાનો સંગ થાય તો અર્જુનની પેઠે હે કૃષ્ણ હું કાંઇ કરતો નથી તમે કરો છો એવી જેદીથી મને સમજણ થઇ માટે હવે તમે જેમ કહો તેમ કરી દઉં. આમ સાધ્ય એવા ભગવાન તેની પ્રવૃત્તિમાં તલ્લીન થયો થકો ભક્તિવાળો ભક્ત, જ્ઞાનવાળો ભક્ત, વૈરાગ્યવાળો ભક્ત, ધર્મવાળો ભક્ત એ ભગવાનની ભેગો હેળમેળ કરીને તમામ કાર્યો કરનારો થાય છે. તેને ત્યાં કોઇ દિવસ ધર્મનો કાયદો ભંગ થતો નથી. પરમેશ્વરની ભક્તિમાં વાંધો આવતો નથી. વૈરાગ્યની સાથે રાગના પ્રસંગ તેના વળગાડ લાગતાં નથી અને મોક્ષમાર્ગમાં ચાલ્યો જાય છે. આખું જીવન સુખી રહેવાય એવું કમાવું. એવી કમાણી કઇ તો ધર્મ ને ભક્તિ. શાસ્ત્રો લખે છે કે, ભગવાનના નામનું રટણ કરવું.