પરાવાણી ૩૫

કુંકાવાવ તીર્થમાં મૂર્તિ પધરાવ્યાનું ભક્તોને ફળ - પ્રગટ ભગવાનની સેવાથી ભક્તો વિશેષ સુખી થયા

ભગવાને ભક્તોને કૃપા કરીને સુખિયા કરી દીધા છે. કામના ઢસરડાં ઝાઝા, ઉપાધિ, સુખ-દુઃખ, માંદા વગેરે વાળું જીવન અને એવા જીવનવાળા ભક્તોને ભગવાન પાસે જરૂર એવી પ્રાર્થના થાય કે, મહારાજ બાર મહિના અમારા રોટલા પાણી સુખેથી જાય એટલો તો આશીર્વાદ દેજો. તંઇ ભગવાનને એમ થાય કે મારા ભક્તોના ઘરમાં કાંઇ ન હોય તો મને ક્યાંથી રોટલાનો સાંધો કરી દેય માટે એની પાસે હોય તો કંઇક સેવા ચાકરી તો કરી શકે. ઘણાં વર્ષો એમને એમ વીત્યા, જીવ્યા, ભક્તજનોને જોતાં ગયા. ઉત્સાહ સેવાનો જબરો, પણ જ્યારે દર્શન કરે ને ત્યારે ખીસામાંથી કાઢે તો આખો રૂપિયો એ પણ માંડ નીકળી શકે. સો રૂપિયા વપરાણા અને મનમાં રાજીપો એવો થયો કે ભગવાને બહુ સારો યોગ આપ્યો પણ મારા સેવકો પાસે જો નાણાં હોય તો એ બધાં બહુ સેવાઓ કરી શકે. એમાં કોઇ પુણ્યનો એવો પ્રવાહ ઊગમણી દિશા તરફ ગિરનારને વળોટી અને ફેંક્યો કે જન્મ સ્થાનમાં ત્યાંના માણસો, સરપંચો, તેમણે એવો વિચાર કર્યો કે શાસ્ત્રીજીને મૂર્તિમાન અહીંયા બેસાડ્યા હોય તો આપણે પણ વફાદાર અને ભગવાનની ભક્તિના સહાયપણા કહેવાઇ. તો ઇ લોકોએ એવું ધાર્યુ કે અહિંયા આપણે શાસ્ત્રીજીનું સ્વરૂપ પધરાવીએ તો મારા ગરીબ સેવકો છે એમણે વચન એવું ઝીલી લીધું કે ઇ તો અમે જેટલું બનશે એટલું અમારી કમાણીમાંથી કરી અને શાસ્ત્રીજી મહારાજને સરકારી મકાન કરી તેમાં અમે બેસાડી દેશું. એટલે ભગવાન એવા રાજી થઇ ગયા પ્રત્યક્ષ ભગવાન તો અઢળક ઢળી ગયા. એને એમ થઇ ગયું કે આનું ફળ આ બસો પાંચસો આપનારા સેવકોને ખૂબ મળો, બીજા તો હજારો છે. ઠેકઠેકાણે સેવકો કમાય છે, ખાય છે, પણ આ નાના નાના ગરીબડાઓને ક્યાંથી મળશે ? તો આ શુભ સંકલ્પ, સત્ય સંકલ્પ એટલો બધો ફળીભૂત થઇ ગયો કે અડખાં-પડખાના દેશમાંથી મકાનોનાં કારીગરોને બોલાવવા આવવા અને મોકલવા એવી બધી પ્રક્રિયાઓ થવા લાગી. ત્યારે ગુરુજી પ્રત્યક્ષ ભગવાનને એમ થઇ ગયું કે હવે આ બધાને રજા આપું ત્યારે પરદેશ જાવા માંડે, નામ લેવા માંડે અને દેશકાળ પ્રમાણે રહેવા માંડે અને કમાવા માંડે. ભગવાને એવું પાંસરુ પાડી દીધું કે, સત્સંગીઓ બધા જ્યાં ગયા ત્યાં આગળ આગળ મળતા ગયા, સાઇડ છૂટી થતી ગઇ, કમાણીઓ પણ બબે, અઢી, ત્રણ, ચાર, પાંચ સુધી હજારો હજારની મહિનામાં દેખાવા લાગી. અને ઉપરા ઉપર તમામ મારા સેવકોને મોકલાવી દીધા. કોઇ એમ પૂછે મારે જાવું છે, તરત જ આશીર્વાદ દઉં કે તું રવાના થા, ટિકિટ લઇ લે, ટિકિટ મળે એટલે બેસીને વયો જજે અને ત્યાં જઇને પછી તારું સરનામું લખજે ને મને પૂછવા રહે તો નહીં ને અંહિયા દર્શન કરવાય આવતો નહીં, પરબારો વયો જાજે.

આમ બધાને મોકલી દીધા. એક વર્ષની અંદર તો બધા કમાતા થઇ ગયા. અત્યારે વાહ વાહ એટલું બધું હૃદય રાજી થાય છે સારી કમાણીઓ દેખીને. તમે ભક્તજનો ઊંચે દરજ્જે ચડ્યા અને ચડશો, મુંઝાવું નહીં, પરદેશ છે, ભક્તિ કરવી, ઘરબાર છોકરા-છાબરા દેશમાં બધા સુખિયા છે. તમે કમાવ તો ઇ કમાણીમાંથી તમારા છોકરાવ ખાઇ પીવે અને લ્હેર કરે છે, આનંદમાં છે અને તમે બધા પાસે જ છો, બે કલાકનો રસ્તો છે, બહું આઘું નથી. સાવ પડખાનો દેશ છે. આવી સોનાની કમાણીઓ આપી છે માટે ભજન-ભક્તિ થાય એટલી કરજો, બે-પાંચ માળાઓ ફેરવજો, જરીક બેસીને ભગવાનનું સ્વરૂપ જોવું. વાર-તહેવાર આવે તે દિ’ વળી જેટલું ભેગું થવાય તેટલું થવું. વળી બાર મહિને એકાદું ભોજન સમુદાય કે ઉત્સવ સમૈયો કરવો અને સુખી રહેવું. ખૂબ કમાવ અને ભગવાનનો રાજીપો છે એથી વધારે વધારે તે રાજીપો લેતો રહેવો. તમારા સમાચાર લખતા રહેવા અને સૌ કોઇએ આળશ ન કરવી. પોત પોતાને કાગળ આવે તો મને એમ થાય કે આ અમુકનો કાગળ, આ અમુકનું એડ્રેસ આવ્યું. માટે એણે સ્વતંત્ર જવાબ લખવો. ઝાઝા ભેગા મળીને કાગળો આવે છે એમાં ભેગા મળીને નામ લખું છું, એકનું આવે તો એકનું ને ચાર લખ્યા હોય તો ચારને અને દસનો આવે તો દસને અને કાંય ન હોય તો દોઢસોને. એ આમ બધું લખીને મોકલું છું. કેટલાય વાંચે છે. તમારી સંભાળ એવી રાખું છું અને તમે મને સંભારીને રાજી રહેજો.

શાસ્ત્રોમાં હકીકતો છે, જે મળ્યા એવા ભગવાન એમને રાજી કર્યા તેની માથે કાળ, કર્મ, માયા, સ્વભાવનો ભાર નથી, એના પ્રારબ્ધ ભગવાનના હાથમાં છે. એણે સારા સમય આપ્યા છે, કમાવ છો, આનંદ કરો, માંદા સાજા તો તમારા ભાગ્યમાં હોય અને એવું થવાનું હોય તોય ન થાય. ઝાઝું હોય તો ટૂંકમાં પતી જાય. થોડુંક વેઠીને પણ મૂંઝાવું નહીં અને ભજન-ભક્તિ વધારે કરવી. બાકી દેશ પ્રમાણે ધર્મ, કર્મ એ બધું જેટલું સદે એટલું કરવાનું હોય ત્યાં પરદેશમાં બધોય ભાર નથી. પણ એ ગુરુ તો જબ્બર સમર્થ હોય તો ઇ જે દિ’ ચરણજળ પાય તે દિ’ બધુંય જે કાય કસૂર છે એ મટી જાય. આવું બળ રાખવું. આ ભગવાન તમારી નજર રાખે છે માટે દુબઇ, સાઉદી અરેબિયા, મસ્કત, સલાલા, બહુદી, કતાર, દોહાકતાર અને કુવૈત, ઇરાક ઘણા ઘણા સ્થાનો છે બધેય ઠેકાણેથી અમારે પાસે એડ્રેસો છે, આવી ગયા છે અને બધા પત્રો લખે છે, આશીર્વાદ દેજો. હું આશીર્વાદ દઉં છું તમે સુખી રહો. પોતાના સેવકોને, છોકરાઓને, બગીચાઓને, ફળ-ફૂલને સારા દેખે એટલે માવતર રાજી થાય. એમ હું તમારો માવતર રાજી થાઉં છું, બધા સુખી રહો, આશીર્વાદ દઉં છું, સારાવાના હો અને વારંવાર બીજું પૂરતું કઇ વધારે હવે તમને કહેવું પડે એમ નથી. તમે તમારી મેળે બધું સમજી લીધું છે એટલે મારે કહેવું પડે એમ નથી કે હવે મને ભજો ને આને ભજો ઓને ભજો ને. માટે તમને છૂટ છે સુખી થાઓ. જય સ્વામિનારાયણ...

બીજું તો આ વર્ષ જામવણથલીનું ફૂલવાડી માટે બધાયે સમજી અને સ્લેબ ભરીને એક મોટો વંડો કરી લેવો છે. હજાર હજાર પાંચસો પાંચસોથી વધારે પચાસ સો જણા આપશો તંઇ મોટું કામ થઇ જશે, ટાણું છે અને પછી વચ્ચે બીજું ત્રીજું જે કરશે ઇ બધું થાશે. શ્રીહરિ શરણાગતિ મંડળની જય.

ચાવડા, જામવણથલી ત્યાં ભગવાન બહુ ફર્યા છે, ડગલે ડગલે પવિત્ર કર્યુ છે, ભગવાનને તમે ઓળખ્યા છે, ભગવાનનાં દર્શન કર્યા છે, જમાડ્યા છે, બધું સારાવાના છે, વળી છોકરાવ પરદેશ છે એની નજર રાખે છે, તમને સેવે છે, તમારે ત્યાં નાણાં આવે છે અને આવશેય. જમીનો પણ મળશે, વરસાદ પાણી પણ સારા થશે. ભગવાનની નજર અને સત્ય સંકલ્પ ઇ બધું કામ કરશે માટે બળમાં રહેવું, ભજન કરવું અને કોઇને કલેશ ન થાય એમ સત્સંગ રાખવો, એમ રહેજો. એવી અમારી ભલામણ છે.