સંતરૂપે ભગવાન મળે એ જરૂર તારે - ભગવાનના ધામમાં જવાય એ જ સાચી કમાણી
ઘણાં ભક્તોએ આશીર્વાદ લીધેલા હોય છે અને ઘણું પરમાર્થથી ધન ભેગું કરેલું હોય છે. એવા જીવાત્માઓ જ્યારે કોઇ નિમિત્તને અનુસારે ક્યાંક જન્મ લઇને અને મનુષ્યોમાં પુણ્યભૂમિમાં હાજર હોય અને ભગવાન કોઇ તેવા બહુ પુણ્યશાળીને ભગવાન પ્રગટ મળી જાય છે. પ્રગટને ઓળખવાના સાધનો ઘણાં છે. શાસ્ત્રોએ લખ્યું, ચમત્કારો વડે તો માણસો દોડે. પણ ચમત્કાર ન હોય અને ભગવાનપણું જણાઇ આવે એ તો એના એકાંતિકોને માલુમ પડી જાય છે. એકાંતિક ભક્તો છે એ ભગવાનની મૂર્તિમાં ભગવાનના શાસ્ત્રોએ વર્ણન કરેલા એના ચિન્હો, સ્વરૂપો, સ્વભાવ વગેરે જોઇ અને નક્કી કરે છે કે, આ મારા ભગવાન અને હું એનો ભક્ત.
ધર્મદેવ વર્ધમાન નગરની ધર્મારણ્યની ભૂમિમાં તપ કરતાં હતાં ત્યારે ભક્તિદેવી ધર્મદેવને કહે છે કે, તમે આખી જિંદગી આવું તપ શા માટે કરો છો ? તો ધર્મદેવ કહે, લોકના કલ્યાણ માટે. તો ભક્તિદેવી કહે, તપ કરતાં રહેશો તો હું સેવા ક્યારે કરીશ ? તમારે બદલે તપ કરે એવા સંતાન પુત્ર પ્રગટ કરો. ધર્મદેવ કહે, તમે સંકલ્પ કરો અને પુત્ર જોઇએ એટલા ચિંતવો એટલે હમણાં હાજર થાય. ભક્તિદેવીએ પુત્રો ચિંતવ્યા અને ધર્મદેવે સંકલ્પ કર્યો એવામાં બેયનું માનસ એક થવાથી ચાર પુત્રો એમની સમીપે સરખી ઉંમરના હાજર થયા. છોકરાઓ બોલ્યા, પિતાજી અમને શા માટે પ્રગટ કર્યા ? તો ધર્મદેવને એમ વિચાર આવ્યો કે, તમે આ માતાજીને પૂછો. ભક્તિદેવીને પૂછ્યું. તો ભક્તિદેવી કહે, ધર્મદેવ તપ કરે છે એને બદલે તમે તપ કરો. કંઇક કામ કરો તો અમે નવરા તો રહીએ. તો ભલે આજ્ઞા આપો એમ કરીએ. પછી ધર્મદેવે તેમના નાના છોકરાઓ નર અને નારાયણ એ બેયને તપ કરવાનું સોંપ્યું. કૃષ્ણ નામના છોકરાને અસૂરોનો સંહાર કરવા માટે અને ધર્મનું પાલન કરાવવા માટે તેમજ વિરોધી, તામસીઓને ઠેકાણે કરવા માટે આ જગત ઉપર નિરીક્ષણ કરવાનું સોંપ્યું અને હરિ નામના દિકરા એમને સાધુતા સોંપી એટલે સદ્ગુણો બધા. આચાર્યપણું સોંપ્યું, મોક્ષ સોંપ્યો, ઉપદેશ સોંપ્યો, શાસ્ત્રો સોંપ્યા. એ હરિને સોંપ્યા.
સૃષ્ટિમાં ચતુરવ્યૂહ ચાર ભાઇઓ એમ ભગવાન પ્રગટ થતાં આવે છે. સનાત, સનંદન, સનાતન અને સનત ઇ ચાર ભાઇઓ ચાર સંતાન છે. શ્રીકૃષ્ણ, બલદેવજી, અર્જુન અને એમના ભક્ત ઉદ્ધવજી એમ કરીને ચાર સ્વરૂપ થયા. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એ ચાર સ્વરૂપ થયા. કૃષ્ણ, હરિ, નર અને નારાયણ એ ચાર સ્વરૂપ થયા. એ ચારેય સ્વરૂપ, ચાર દેવ, ચાર વર્ણ, ચાર આશ્રમ, ચાર સાધન- ધર્મ, જ્ઞાન, અને વૈરાગ્ય, ભક્તિ. એવા ચાર ચારના સમુદાયોમાં એ પરમેશ્વરો પ્રગટ થાતાં આવે છે, પ્રગટ થાય છે, ધર્મ અને ભક્તિને માટે તપ પણ કરે છે. ભક્તિ પ્રવર્તાવે છે, ધર્મ પ્રવર્તાવે છે, લોકનું રક્ષણ કરે છે અને ચાર યુગમાં એ ચારેય હોય છે. ત્યારે ક્યારેક સાધુરૂપે હોય છે, ક્યારેક રાજારૂપે હોય છે, ક્યારેક તપસ્વીવેશે હોય છે અને ક્યારેક ત્યાગી મુનિ થઇ જાય છે. એમને ઠીક પડે એમ કરે છે. પણ એમનું કાર્ય સિદ્ધ કરવું હોય કે આ લોકમાં કોઇ વિઘ્ન ન આવે, આમનમ ચાલ્યા કરે અને એનું રૂડું થાય અને ભગવાન મળ્યા કરે.
સંતરૂપે ભગવાન મળે ઇ જરૂર તારે, તરે છે અને તારે છે. રાજારૂપે ભગવાન મળે તો દોષ ટળાવે, દંડ કરે, કબ્જે રાખે, પરાણે ભક્તિ કરાવે, ભક્ત હોય તો તો બ્રહ્મલોકમાં જાય પણ ભક્ત ન હોય તો પરાણે ઉહુહુ કરતાં પણ જાય અને નારાયણ ભગવાન છે તે જ્યાં જ્યાં પ્રગટ થાય છે તે મંત્ર દાન આપે છે, વૈષ્ણવ બનાવે છે, પ્રભુની કથા સંભળાવે છે, બદ્રિકાશ્રમમાં વિચરે છે, ક્યાંક શેષ નારાયણમાં પ્રવેશ હોય, ક્યાંક નર-નારાયણમાં પ્રવેશ હોય, ક્યાંક વૈરાટ નારાયણમાં પ્રવેશ હોય, ક્યાંક શ્રીકૃષ્ણનારાયણની સાથે હોય એવી રીતે નારાયણો ઘણે ઠેકાણે છે.
બ્રહ્માની સાથે વિષ્ણુ એને પણ નારાયણ કહેવાય છે, નર ભગવાન છે એ જ્યારે જ્યારે ભગવાનને પોતાને પડખે બીજા યોદ્ધાની જરૂર પડે ત્યારે એ યોદ્ધા તરીકે પ્રગટ થાય છે, ક્યાંય ભાઇ તરીકે જરૂર પડે તો ભાઇ તરીકે પ્રગટ થાય છે, શ્રીકૃષ્ણ ભગવાનની સાથે બળદેવજી હતા તો એ ભાઇ તરીકે ગણાયા. રામચંદ્રજી સાથે લક્ષ્મણજી હતા ભાઇ તરીકે. એમ સ્વામિનારાયણ ભગવાનની સાથે રામપ્રતાપભાઇ હતા તે ભાઇ તરીકે ગણાયા, પણ સાધુ થાય ત્યારે સાધુને તો બધાય ભાઇ, આખું જગત કુટુંબ, માટે એને તો એની સેવાચાકરી કરી અને સાથે ને સાથે તન, મન, ધન વડે સેવક થઇને રહે એને ભાઇ તરીકે, શિષ્ય તરીકે જે કાય ભગવાન અપનાવે છે અને એને સાથે ને સાથે રાખે છે એટલે એ કામ બહું સારા કરે છે, મોક્ષમાર્ગમાં ટેકો આપે છે, સાવ એકલા ભગવાનને વિચરવું પડે તેને બદલે એક ભક્ત જોઇએ, એમ આ એક ભક્તને સાથે રાખે. વધારે જરૂર પડે તો વધારે સાધુઓ રાખે પણ જરૂર પડે તો.
આ લોક એવું છે, અમથું રક્ષણ કરવા બે આંખ, બે પગ, બે હાથ એમ બધું જોઇએ. એમ આ સાથે હોય એ બીજો નંબર કામ કરે. માટે ભગવાન પૃથ્વીમાં વિચરતા હોય ત્યારે એને મોક્ષને માટે તો કોઇની જરૂર જ નથી. જેને ચરણમાં લે એનો મોક્ષ, જેની ઉપર કૃપા કરે એનો મોક્ષ, જેની સેવા અંગીકાર કરે એનો મોક્ષ, નર-નારીઓ ભગવાનને ભજે એટલે ભક્તિ વડે એનો મોક્ષ. એમનો પ્રતાપ બહુ જબરો છે, આખા બ્રહ્માંડોને બ્રહ્મલોકમાં મોકલી દે એવો પ્રતાપ છે.
ભગવાન પોતે પોતાના બધા સામર્થ્યો ઢાંકી અને માણસ જેવા થાય છે અને મનુષ્ય ભેગા રહે છે અને મનુષ્યોને બ્રહ્મલોકમાં મોકલે છે. પોતે બેઠા હોય અને તેડવા જાય, ધામમાં મોકલી આવે અને અહીં બેઠાં જ હોય, એ ભગવાનનું મોટામાં મોટું સ્વરૂપ, ઐશ્વર્ય, સામર્થ્ય, બધુંય જે કાંઇ ગણીએ એ રીતે વાપરે છે. અદૃશ્ય થઇ ગયા, બીજે દેખાયા અને આગળ બીજાને ખબર પડી, અહીં ખબર પડી એવું કાંઇ જાજું કરતાં નથી. એવું બહુ કરવા માંડે તો જે ખરો લાભ લેનારો હોય ઇ રહી જાય અને ડોળીયા છે ને એ ટોળાંને ટોળાં આને ઘેરવા માંડે, જાણે અહીંથી કંઇક મળી જશે, અહીંથી કંઇક લઇ લેશું, પણ પુણ્ય તો છે નહીં અને હેરાન કરે એટલે ભગવાન એનાથી આઘા રહે છે. માટે ભગવાન ખરા સેવકોને ખોળી લે છે, ખરા સેવકોના મનોરથો પૂરા કરે છે અને ખરો સેવક છે ઇ ભગવાનને ખોળે બેસી જ ગયો છે, ભગવાનથી જુદો રહેતો જ નથી. માટે ભગવાનને માટે તન, મન, ધન, સુખ, સંપત્તિ, પરિવાર બધું ભગવાન લેખે જ છે, નિર્વાહ કરવા જોઇએ તેટલા નિર્વાહ કરે છે બાકી પ્રભુ લેખે કમાય છે. સાચી કમાણી ધામમાં જવાય, ભગવાન ભેગું રહેવાય, ભગવાનના થવાય અને ત્યાં આનંદ મનાય. એ રીતે કર્યા કરવું એનું નામ સાચું નાણું એ કમાવું.