પરાવાણી ૨૯

સૃષ્ટિ રચવા પાછળ ભગવાનનો હેતુ - ભગવાનની મૂર્તિમાં ઘણુંય રહ્યું છે

મનુષ્ય જન્મમાં આ ભગવાન, આ સંત, આ અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ, અક્ષરધામના મુક્તો અને આપણું કલ્યાણ કરે એવા બ્રહ્મચારી, સાધુઓ, પાળાઓ વગેરે સત્સંગ તથા હરિભક્તો, એ બધા દિવ્ય છે, ધામમાં બેઠા છે, શ્રીજી મહારાજની મૂર્તિમાંથી સુખ અને આનંદના ફૂવારા પીએ છે, ભગવાનની મૂર્તિના સુખે સુખિયા છે, અક્ષરધામમાં અનંતકોટી ગણું સુખ મેળવે છે. હરેક ઇન્દ્રિયોના આનંદો મૂર્તિમાંથી મળે છે, ભગવાનની મૂર્તિ રેલમછેલ આનંદ વરસાવે છે અને આપે છે. જે ભક્તને જેવી ઇચ્છા થાય, દર્શન વડે, મુખ વડે, છાતી ભીડીને મળવા વડે, શયનમાં સુવા વડે, હાથ- પગ દાબવા વડે, જ્યાં હેત હોય મૂર્તિમાં તે તે સ્થળે પોતે દાસ-દાસી થઇને ભગવાનને લપેટીને જેટલું કાંઇ સુખ લેવું ઘટે તે બધુંય સુખ લ્યે છે. ભગવાનના ધામમાં, મૂર્તિમાં જે મહાઆનંદ ભર્યો છે, જેની જરમરો આખી દુનિયામાં જરા જરા આપી છે તોય આખી દુનિયા સુખી થઇ ગઇ છે, એવા સુખ તો એની મૂર્તિના એક રોમને અડવા વડે મળે છે. આવા સુખે સુખિયા થયેલા મુક્ત પુરુષો તેને ભગવાન આજ્ઞા કરે છે કે પૃથ્વીમાં જાવ મારે આવવું છે. ત્યારે થોડાં ઘણાં મુક્તો સાથે લાવે છે. તે મુક્તો ભગવાનની ઓળખાણ કરાવે છે. બીજા જીવ તે ભગવાનને સેવી ધામમાં જાય છે. જેમાં જેને ઝાઝી પ્રીતિ તેમાં તેને ઝાઝી સેવા મળે. કોઇને જમાડવામાં, કોઇને હેત-પ્રીતમાં, કોઇને ભોગવિલાસમાં, કોઇને ભગવાન ભેગું ફરવામાં, કોઇને ભગવાનને રાજી કરવામાં, કોઇને સેવા-ચાકરી કરવામાં, વસ્ત્ર, દાન, દંડવત્, પ્રણામ, સ્તુતિ, પૂજાપાઠ, દૂધ પાવા, જમાડવા, દર્શન કરવા અને મૂર્તિના રસ લેવા. આમ જેને જેને જેવી ઇચ્છા તે ભગવાનમાં જે જે આનંદ ઉપજાવવો ઘટે, તે તે આનંદ ઉપજાવી ઉપજાવીને ભગવાનને કહે છે કે, મને ભરપૂર રાખો. મારી મૂર્તિ તમારી મૂર્તિમાં તન્મય રાખો એટલે તમારી મૂર્તિના સુખ બધા મને મળે, એમાં જે જે કાંઇ મોટામાં મોટા આનંદો છે, તે બધાય આનંદોની ભગવાને છૂટ મેલી છે અને ભગવાન પોતાના ભક્તોને આનંદથી સાગરની પેઠે છલકાવી દે છે. એ ભક્તજનો પોતાની ભક્તિ કરવાનું જો જાણતા હોય, તો તે ભગવાન મળ્યા ત્યારપછી તેના જીવનનો સમય ખાલી નકામો જાવા દેતા નથી. સુખની મૂર્તિ એનું સુખ લ્યે છે. સુખ આપવા ભગવાન આવ્યા હોય છે, સુખ લેવા માટે ભક્તજનો હોય છે, પણ જેના ભાગ્યમાં ફેરફાર પડી ગયો હોય તેને સુખ લેવાનું સૂઝતું નથી, સુખ મળતાં નથી અને લેવા જાય તો ય મેળ ખાતો નથી.

માટે આ ભગવાન, આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ, આ શ્રીજી મહારાજ, આ શ્રીહરિ, આ અક્ષરધામના અધિપતિ, આ પ્રાણપતિ, આત્મપતિ, જીવપતિ, દેહપતિ, સર્વપતિ, સર્વ રીતે પાલન પોષણ કરનારા એવા આ ભગવાન તેનું એક અણુ માત્ર પણ સુખનું પરમાણું મળી ગયું તો કલ્યાણમાં કાંઇ ફેર નથી. ભગવાનના ચરણ દાબવા, સેવા કરવી, રાજી કરવા, તન વડે, મન વડે, ધન વડે, સંપત્તિ વડે, સ્ત્રી પુત્ર પરિવાર વડે ભગવાનને રાજી કરવા. પોતે પોતાના દેહ વડે પણ ભગવાનને રાજી કરવા. આખી સૃષ્ટિ રચવાનો ભગવાનનો આ હેતુ છે મને રાજી કરીને મારા બ્રહ્મલોકમાં આવે એટલે માયામાં રખડતાં જીવો મટી જાય. ભગવાન હોય મનુષ્ય જેવા પણ ઓળખવાની તાકાત, શક્તિ ભક્તમાં હોય છે અને ભક્ત ઓળખે ને પછી કહે કે આ ભગવાન છે એટલે એમાં વિશ્વાસ રાખે ત્યારે એને ભગવાનપણું દેખાય અને એને લાભ થાય.

ભગવાનની મૂર્તિમાં અનંત ચિન્હો છે, ભગવાનની મૂર્તિમાં ચંદ્ર જેવા અજવાળા છે, ભગવાનનાં નેત્રમાં સૂર્ય-ચંદ્ર જેવા તો તેજ છે. ભગવાનના મુખારવિંદમાં બધી સરસ્વતીઓ અને વેદો રહ્યા છે, ભગવાનના હાથમાં ધારણ શક્તિ છે. ભગવાનના પગમાં બહુ બળની શક્તિઓ છે, ભગવાનના હૃદયમાં બધા ભક્તોને સમાવી લ્યે એટલા બધા હેતના સાગરો ભર્યા છે, જેટલા ભક્તો આવે તેટલાને છાતીમાં સમાવી લ્યે. લક્ષ્મીજી ભગવાનના સાથળમાં રહ્યા છે, કેડે રહ્યાં છે, અડખે-પડખે રહ્યા છે, મૂર્તિમાન થઇને ભગવાનને ટાણે ટાણે સેવે છે, તે અદ્રશ્ય રૂપે સેવે છે, કેટલીક લક્ષ્મી છે તે જન્મ લઇને અને જ્યાં ત્યાં રહીને પણ ભગવાનનો ભેંટો કેમ થાય એ રીતે રાધિકાજીની પેઠે સેવે છે. આ બધી લક્ષ્મીઓ ભગવાનની મૂર્તિની શક્તિઓ છે, અક્ષરધામની સેવિકાઓ છે અને બ્રહ્મલોકમાં મહારાજની સાથે રહે છે.