પરાવાણી ૨૫

ગુરુ મહિમા - સાચાં ગુરુ ભગવાન

માનવ જન્મમાં મોક્ષ માટે ગુરુ કરવા પડે છે. તે સિવાયના જન્મમાં મોક્ષ માટે ગુરુ નથી હોતા. દેવતાઓમાં ગુરુ છે, દૈત્યોમાં છે, ઋષિ પિતૃઓમાં છે, પણ એ ગુરુઓ એના વ્યવહારિક કામકાજમાં હાજરી દઇ અને કાર્ય પતાવવા પૂરતા. એ ગુરુ એમ નથી કે’તા કે હાલ મારી હારે હું તેને મોક્ષમાં ઉપાડી જાઉં. મનુષ્યજન્મમાં શાસ્ત્રો પોતે લખે છે, મનુષ્યો એથી ઉપર ભૂત, પ્રેત, પિશાચ વિગેરેની પલટન, સ્વર્ગના દેવતાઓ, ત્રણ લોક પછી મહર- જન-તપ એ ઋષિમુનિઓ અને પિતૃઓ અને સત્યલોક બ્રહ્માદિક દેવતાઓનો. ત્યાં સુધી બધાને ગુરુ કરવા પડે છે. ગુરુ હોય એ ભલે બે અક્ષર આપે - હરિ, ત્રણ આપે - શ્રીહરિ, પાંચ આપે - શ્રીહરિ નમઃ, છ આપે - સ્વામિનારાયણ. આઠ આપે - શ્રીહરિ શરણં મમ, બાર અક્ષર આપે - ૐ નમઃ ભગવતે વાસુદેવાય. નારદપુરાણમાં એક હજાર મંત્રો આવા લખ્યા છે, એમાંથી જેને જે ઠીક પડે એ ગુરુમંત્ર લઇ લે. ગુરુ મંત્ર લીધો ત્યારે કાનમાં, જીવમાં ઇ શબ્દનો અર્થ પેઠો કે હું નગરો મટ્યો, ગુરુવાળો થયો. બીજા પ્રાણીમાં એ જરૂર નથી. ત્યારે ગુરુનો અર્થ એને જીવમાં શું પેઠો ?

‘‘ગકારસ્ત અંધકારસ્યાત રકારસ્ત નિરોધકઃ વિકારસ્ત નિરોધકીય, અંધકાર નિરોધિત્વા ગુરુહિત્ય વિધિયતે’’ ‘ગ’ નો અર્થ છે અંધારું, ‘ક’નો અર્થ છે ઉકરડો, અંધારાને ટાળે. ‘ર’ એટલે નિરોધ, અંધારાને રોકે, ઉકરડાને કાઢે. અંધારું એટલે અજ્ઞાન, અણસમજણ એને કાઢે, ઉકરડાને ફેંકી દે. એટલે મારૂં ને તારું ને કાકો ને મામો, ભાભી ને કાકી ને મામી ને, આ મારું ઘર, મારી ઘોડી, મારી ગાય, મારું મારું ને મારું એ બધાય ઉકરડા. ઇ ઉકરડાને ફેંકી દઇને ફૂલના ગુલાબના સારા બગીચા બનાવી દે., ઇ ‘ર’નો અર્થ ઉકરડાને કાઢી અને ‘ર’ સંપત્તિ, ‘ર’ એટલે રાજાપણું અને ‘ગ’ એટલે ગધેડાપણું. ગધેડાપણું કાઢી અને રાજાપણું આપે. પશુપણું કાઢી અને અંજવાળું આપે, દારિદ્રય કાઢી અને રૈ એટલે સંપત, એ ઉપરથી રાજ સંપત્તિવાળો કરે. જીવને ભોગવવાના ઘણાય દુઃખ હોય એને ઓછા કરી, ટાળી અને એ ઠેકાણે સુખના બી રોપી દે. આવા અર્થ ગુરુ શબ્દના છે, ઇ અંધકારનો નિરોધી માટે ગુરુ.

પતંજલિ ઋષિએ એક સૂત્ર લખ્યું છે એમાં લખ્યું છે કે, બધાઇનો ગુરુ કોણ ? તો કે તે ત્યાંનો આહીં. ત્યાંનો ભગવાન અહીં પધારે ત્યારે અહીં આપણી જેવા થઇ ને રહે છે ને એ ઉપદેશ આપે એ ગુરુ. ‘‘સ એષઃ તે આ. પૂર્વે સામપિ ગુરુઃ’’ આપણી પેલાના, એની પેલાના એની પેલાના યુગના, એની પેલાના સત્યુગના, એની આગલા બ્રહ્માંડના, એની આગળના... હાલ્યા જ જાવ, હજારો બ્રહ્માંડ સુધી જઇ થાકી જાવ, પછી એમ થાય કે હવે ન્યાં ઊભા રહો ને, તો કે ઇ પૂર્વેસમ. સૌથી પહેલાં નંબરનો. એના બધાયનો ગુરુ, કેમ એમ એને ગણ્યો ? આ બીજા નહીં ? તો કે “કાલેન અન્વછેદાત્” મહાકાળને કોળિયો નથી કરી જાતો, બાકી કાયમી છે અને બીજા બધાય કાળથી મરી જાય. કાળથી મરી જાય ઇ અધૂરા ગુરુ કાળથી ન મરે તે પૂરા ગુરુ. માટે ગુરુનું નામ, ગુરુની મૂર્તિ, ગુરુનું પૂજન-પાઠ, ગુરુનું ધ્યાન, ગુરુને જમાડવા, ગુરુને અર્પણ ઇ સાચો ગુરુ. એ ગુરુની સેવા-ચાકરીરૂપી સત્સંગ, ધ્યાન, એ મોક્ષમાં લઇ જાય છે. કારણ કે એનું સિંહાસન બહુ ઊંચુ છે. એની વાંહે કોઇ પહોંચતું નથી, એને કોઇ દિ’ કાળ અડતો નથી અને ઇ કોઇ દિ’ કાંય ભૂલતા નથી. જીવ એકવાર શરણે આવ્યો હોય તોય પણ એને ભૂલતા નથી. એને ચોપડે જમા થઇ જાય છે કે આ ફલાણો, ફલાણો, ફલાણો પૃથ્વીમાં આવ્યો ને તે મારે શરણે આવ્યો. આ ગુરુ. તે ભગવાન એનો વાચક એટલે વાણીમાં બોલાય એવું નામ પ્રણવ ૐૐૐૐૐૐ પેલા એ ખોળ્યું. બ્રહ્માએ પહેલું ૐૐૐૐૐૐ એમ કર્યુ એટલે ભગવાને એ કહ્યું કે, ઇ મારું નામ છે. પછી ? અ ઉ મ ત્રણ છૂટા પડ્યા. અ ઉ મ. અ ઉ નો ઓ અને મ. ઓમ. તો પહેલો અક્ષર ઇ મારું નામ છે. અ. અકારો વાસુદેવસ્યાત્. બધાઇ અક્ષરમાં અકાર પેસે, બારખડીમાં. માટે હું સર્વત્ર વ્યાપક છું. એવો વાસુદેવ, એ હું પરબ્રહ્મ પુરુષોત્તમ ગુરુ છું, એ એનું નામ. અને એ નામને અનુસારે તો બીજા હજારો નામ છે.

શ્રીકૃષ્ણઃ શ્રીવાસુદેવ, નરનારાયણઃ પ્રભુ, સ્વામિનારાયણ સ્વામિ કાળદોષનિવારક. આ બધાય નામ. આપણે ગાય એમ નામ લઇએ ત્યાં તમને બધાય ને ગાય હજાર થઇ જાય. અહીં આવી જાય ને. એમ ગુરુ. એમ જ્યાં નામ લ્યો ત્યાં પરમેશ્વરની મૂર્તિ આખી દેખાઇ આવે. ઘણુંય મન થાય આંખું વીંચીને માળા ફેરવું ને ભગવાન દેખાશે. ઇ એનો અર્થ. નામ નામનો અર્થ, એમાં ભાવનાથી હેત કરવું અને ઇ હેત કરતાં કરતાં જે દિ’ ભક્તિ વધી જાય અને આવરદા પૂરી થઇ જાય, એટલે ભગવાનનાં ધામમાં જવાય. ગાય ભેંસ કામમાં આવે ? ઝાડવા, વૃક્ષ-વેલી કાં કેળ્યું આવે કામમાં ? કાંઇ ન આવે, ગામ આવે ? ઇ તો નાખી આવો બહાર મહાણખળીમાં. બળ્યા ભેગા થઇ જાય, અહીંથી વયો જા, સગા સંબંધી આવે ? ઓ ઓ ઓ ક્યાં ગ્યો ? વ્યો ગ્યો ? અરે ભાઇ ગ્યો. અરે હાલ તો ખરો. ત્યાં તો બીજો વળી કહે, ઓ ના ના ના. આ આખી દુનિયામાં આમ જ છે. માટે સાચા ગુરુ ભગવાન. એને જોવા, એને પૂજવા, એને સંભારવા, એનું નામ લેવું, એનું બધું કરવું, એની માળા કરવી અને એની ભક્તિ કરવી.