પરાવાણી ૧૯

ભગવાનની અકળ કળા અને પ્રતાપ - શરીરરૂપી બ્રહ્માંડનું ભગવાનનું અદ્ભુત સર્જન

ભગવાને સુખિયા કરવા માટે જીવાત્માઓને પોતાના જેવી મૂર્તિઓ ઘડીને આપી, એ મૂર્તિઓ છે મનુષ્ય સ્વરૂપ, દેવ સ્વરૂપ, ઋષિમુનિ પિતૃ સ્વરૂપ, ઇશ્વર સ્વરૂપ, મુક્ત સ્વરૂપ અને પાતાળ આદિકના દૈત્યો, દાનવો, રાક્ષસો વગેરે પણ માણસ જેવા આકાર, આ આકાર ઠેઠ પરબ્રહ્મથી આરંભી અને છેવટની નાની સૃષ્ટિ સુધી બધી ભાષા બોલી શકે, બધી શાસ્ત્ર પદ્ધતિ ચાલુ રાખે, પરંપરાઓમાં પણ અવતરે અને એકબીજાને મોક્ષમાર્ગ આપે. એ મોક્ષ આપવા વાસ્તે અહીં ચોર્યાશી લાખ જાતની સૃષ્ટિઓ છે તેમાં માનવ સૃષ્ટિ ઉત્તમ મોક્ષ માર્ગે લઇ જનારી લખી છે ને કરી છે. ભગવાન પોતે અવતરે તો પણ મનુષ્યની સાથે જેટલી વાતચીત કરે એટલી જ વાતચીત મનુષ્ય કરી શકે. બીજા કોઇ પ્રાણી એટલી વાતચીત કરી શકતા નથી. માટે ભગવાન કહે છે કે, હું દેવોમાં, ઇશ્વરોમાં, ઋષિમુનિઓમાં, પિતૃઓમાં, માનવોમાં અને પાતાળવાસીઓમાં જ્યાં ક્યાંય પ્રગટ થાઉં છું ત્યાં બધી ભાષા બોલી શકે એવો પ્રગટ થાવ છું. નાનપણથી બાળક રવ, થોડું ઘણું શીખવું હોય તો શીખી લવ, નહીંતર મને બધુંય આવડે છે. ઇ આવડેલી ભાષાઓમાં પેલેથી સૃષ્ટિઓમાં મેં મારા પ્રાપ્તિના રસ્તાઓ મેલ્યા છે તેના અભ્યાસ વડે કરીને મારી જેવા મુખારવિંદની આકૃતિ બોલી શકે એવા લોકો મારી ભક્તિ વડે મારી પાસે આવે છે. માટે સૂર્યના એક દિવસમાં કરોડો સૃષ્ટિઓ મારે ત્યાં આવે છે અને જાય છે. દરેકને મેં આપ્યું છે. પોતે માનવી એક છે પણ તે કરોડો તારોડિયાને દેખે છે. પૃથ્વી ઉપર અબજો પ્રાણીને દેખે છે અને સ્વર્ગને અને પૃથ્વીને બેયને દેખ્યા તો મારું કહેલું સ્વર્ગથી ઉપલા સ્વર્ગ એટલે વૈરાટના લોક અને મનુષ્યથી નાના સ્વર્ગ એટલે દૈત્ય, દાનવ, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ એ બધી તમોગુણી સૃષ્ટિઓના લોક, એ તમામને માટે હું ઇશ્વર, પરમેશ્વર એક જ છું. પણ એની ભક્તિ પ્રમાણે તેને ત્યાં હાજર થાવ છું, તેને જોઇએ તેવા સ્વરૂપે તેની સાથે રહીને તેના જીવાત્માને રાજસભાવ વડે તામસભાવ વડે વાળીને મારા ચરણની સેવામાં લવ છું અને મોક્ષ માર્ગે એની પ્રજાને મોકલું છું.

બ્રહ્માના એકાવનમાં વર્ષમાં એક દિવસ હતો એનું નામ વરાહ કલ્પ હતું. સવારના પહોરમાં વરાહ ભગવાન ઉત્પન્ન થયા, વરાહને પૃથ્વી વરી, પૃથ્વીનો દીકરો થયો. એ ભોમાસુર થયો. તેને શ્રીકૃષ્ણ ભગવાને માર્યો. એવા લાખો ભોમાસુરને માર્યા. એ બધાં હતા આપણી સાથે બોલે, ચાલે, ખાય, પીએ, રહે, બંગલા લઇ જાય, બધું લૂંટી જાય, ઘરબાર તમામ સરખું. પણ મારા ભક્તની રક્ષા કરીને એને હું મારે ત્યાં લઇ જાવ છું અને બીજાનો સંહાર કરીને હિમાચલ જેવા પર્વતને ડુંગરાઓમાં સુખિયા કરીને રાખું છું. કારણ કે એ ભક્ત નથી માટે એને હું મારે ત્યાં ક્યાં રાખું ? ઘરમાં રેય એટલે ત્યાં બધાં ઝઘડા કરે મને સરખે રહેવા દેય નહીં, સુખે સુવા દેય નહીં, સુખે ખાવા દેય નહીં, સુખે ભક્તની ભક્તિ ન કરવા દે, આડા ને આડા ફરતા હોય. પછી પ્રભુ એમ કહે છે, વરાહ ભગવાનને પૃથ્વીને ડૂબેલી હતી તે તારી અને વરાહ ભગવાનનો દિવસ આવ્યો. ઇ દિવસમાં વરાહ ભગવાનની પૂજા થતી હોય અને જગન્નાથ પૂરીનું મંદિર વરાહનું હતું. એ મંદિરને કાળે કરીને ડૂબાડી દીધું અને બીજું મંદિર થયું સમુદ્રને કાંઠે. એમાં નરસિંહ ભગવાન આવ્યા. વળી એનાય યુગાંતર ચાલ્યા ગયા. ઇ મંદિર ડૂબી ગયું. નરસિંહ પછી માતાજીનું મંદિર આવ્યું, દેવીનું મંદિર. એ પણ વયુ ગયું, ડૂબી ગયું અને દેવીના પંથ રહી ગયા અને એ મંદિર ડૂબ્યા પછી સાત મનવંતર વયા ગયા ત્યારે શ્રીકૃષ્ણ નામના એક પરમપુરુષ પૃથ્વીમાં ચારેકોર આવ્યા. એનું મંદિર થયું એ આ જગન્નાથપુરી કહેવાય છે. ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ એ મંદિર બનાવ્યું. સૌરાષ્ટ્ર દેશમાં ભગવાને પોતાના શરીરને તજ્યું. ત્યાંથી સમુદ્ર ઉપાડીને તે મંદિર સુધી લઇ આવ્યો અને મંદિરમાં શ્રીકૃષ્ણ, બલદેવ અને રેવતીજીના શરીરને સ્થાપ્યા. ઇ મૂર્તિઓ ઠૂંઠા-બૂંઠા હાથની, પગની રહી. છ મહિનાનો અવધિ કહ્યો હતો પણ રાજાએ ઉતાવળા થઇને બે-ચાર દિવસ વહેલી પેટીઓ ખોલી. હાથ-પગ અધૂરા હતા એ પછી એમના એમ રહી ગયા તે અત્યાર સુધી ચાલુ છે. પરમેશ્વરનો પ્રતાપ કેવો એ તો જુઓ. ક્યાં કાઠિયાવાડમાં સળગ્યા ને બળ્યા ને ક્યાં ઠેઠ જગન્નાથપૂરીમાં નીકળ્યા. માટે પરમેશ્વર અહીં ડૂબકી મારે અને બીજે નીકળે. એક બ્રહ્માંડમાં ડૂબકી મારે ને બીજા બ્રહ્માંડમાં નીકળે. એક ભગવાને એવી ડૂબકી મારી સ્વર્ગમાં ને ત્યાંથી નીકળ્યા ઇન્દ્રના ભાઇ થઇને વામનજી થઇને બલી રાજાને ત્યાં આવી દર્શન દીધા ને ઇ આ છોકરા જેવડા હતા નાના ઠીંગણા અને જૂનાગઢનાં ગિરનારને પડખે બલીરાજાના જગનમાં આવીને ઊભા રહ્યા.

બલીરાજા દૈત્ય હતો, પૃથ્વી ઉપર દૈત્યનું રાજ હતું. સ્વર્ગના તારોડિયાની ઉપર દૈત્યો રાજ કરતાં હતાં. ભગવાનને દેવતાઓએ સ્તુતિ કરી કે હવે તો અમને આપો, ઘણુંય ખાધું આણે. તો કહે, ભલે બહું સારું હું આવું છું. એમ કરી આકાશમાંથી ઉતર્યા. એવા વામનજી આકાશમાર્ગે દર્શન દઇને કહે છે કે, ચાલો મારે જવું છે. અહીં ઊભું નથી રહેવું. મારે એક કામ છે જમીન ઉપર, અહીંયા આવ્યા તો બલીરાજાનો જગન ચાલુ હતો છેવટનો દિવસ હતો, આવીને ઊભા રહ્યા ત્યાં માંગ્યું કંઇક આપ, હું બ્રાહ્મણ છું. બલી કહે, તમે જોઇ ઇ માંગો તો આપી દઉં. વામન કહે, તો પૃથ્વી આપને થોડીક ઝુંપડી કરવા. બલી કહે, ભલે જોઇએ એટલી લઇ લ્યો, માપી જુઓ. વામન ત્રણ ડગલાં માપવા ગયા ત્યાં તો બે ડગલામાં આખી પૃથ્વી ત્રિલોકી માપી લીધી. એક ડગલું બાકી રહ્યું તો વામન કહે, હજુ મારે ત્રીજું ડગલું જોઇએ છે. તો બલી કહે, ત્રીજું ડગલું હવે બીજી પૃથ્વી બાકી નથી, આ મારો વાહો છે, માટે ખંભે પગ મેલી દો અને મનેય લઇ લ્યો. તો વામન કહે, શાબાશ, તું દૈત્ય છો પણ મારો ખરો ભક્ત છો. આમ સૃષ્ટિમાં દૈત્ય, દાનવ, રાક્ષસ, યક્ષ, રાવણનો ભાઇ વિભિષણ રામનો ભક્ત, પ્રહલાદ હિરણ્યકશિપુનો દિકરો છતાંય ભગવાનનો ભક્ત. આ ઘેટાં- બકરા ખાનારા મુસલા છતાંય અલ્લાહના ભક્ત, માછલાં ખાનારા અંગ્રેજો અને બીજા દેશો છતાંય એના જે સમુદાયે મળીને કબુલ કર્યો હોય કે, આ ખ્રિસ્તો નામનો સાધુ ઇ અમારો ગુરુ ભગવાન. તો એને માને એને માછલીયું ખવડાવે અને પોતેય ખાય. આ દુનિયામાં શું શું નથી, એ બધાયને ત્યાં ભગવાન પહોંચે છે. રજોગુણીઓને પણ ભક્ત કરે છે. તમોગુણીઓને પણ ભક્ત કરે છે.

અશ્વસ્થામા બ્રાહ્મણ હતો, તમોગુણી હતો, તેણે બધુંય મારી નાખવું હતું. તો પૃથ્વી ઉપર બધાય રાજાઓને મરાવી નાખ્યા. અર્જુન ભક્ત હતો, સાત્ત્વિક હતો છતાંય કે તારે ધનુષ તો ધારવું પડશે, હથિયાર ધારણ કરવા પડશે. હું કહું એમ કર, નહીં તો અધોગતિમાં જઇશ માટે મારે તારી ભાઇબંધાઇ કરવી છે. ઇ નર ને નારાયણ હતા. આખી પૃથ્વીનો ભાર ઉપાડ્યો. બલદેવજીને કહે છે કે, તમે અમારી ભેગા તો રહો તો કે હું આવી રંઝાડમાં ન રહું એ મને ન ફાવે. હું આકરો થાવ તે ’દી હળ ઉપાડું. આખી પૃથ્વીને એક હળ દવ ત્યાં આખી પૃથ્વીને પાથરી દઉં. એ મને ન ફાવે. ઇ કરતાં તો હું આઘો સારો, મારું બળ કોઇ જીરવી શકે તેમ નથી. એમ બલદેવજી ખસી ગયાં. ઇના ઇ ભગવાન પછી હવે કોઇ ન રહે ત્યાં આપણે સમુદ્રમાં જઇને રહેવું છે તો અહીં આવીને રહ્યા કાઠિયાવાડમાં. કેવી ભગવાનની અકળ કળા છે. એના મા-બાપ જેલમાં રહ્યા ને પોતે અહીં આવીને રહ્યા. રામના મા-બાપ સરયુને કાંઠે રહ્યા અને દશરથ રાજા મરી ગયા અને રામ છેક દક્ષિણમાં ક્યાં રામેશ્વર ? બે પાંચ હજાર ગાવ આઘા ગયાને ત્યાં રખડ્યા અને ત્યાં રાક્ષસો માર્યા, વાંદરાઓને ભેગાં લીધા અને કાંઇની કાંઇ લીલા કરી અને જગતનો મોટો વાંદરો ઠીક પડ્યો ઇ કોણ ? તો કે હનુમાન. એ એક જ બસ છે મારે, મોટો યોદ્ધો. આ રીતે રામચંદ્રજીએ કામ કર્યુ અને દુનિયામાં જ્યાં જુઓ ત્યાં હનુમાન ગામડે ગામડે, માણસે માણસે પૂજાય છે.

એમ ભગવાનના ભક્ત છે એ કામે ય એવું કરે છે રજોગુણ, તમોગુણનું. પણ પાછી ભક્તિ એય એવી કરે છે કે ભગવાનની પાસે રહે છે. સનકાદિક સાધુ હતા છતાં પણ એમને વૈકુંઠના દરવાજે રાખ્યા. જય- વિજય પાર્ષદ હતા તો એને રાક્ષસ બનાવ્યા. રાવણ અને કુંભકર્ણ, એને મારીને પાછા ગોલોકમાં ચાલ્યા ગયા. આ કેવા કેવા કામ કરે છે ભગવાન. બીજાને એમ થાય કે આ શું હશે ? આમાં ભગવાનપણું હશે કે નહીં હોય ? પણ મારે રાવણને કુંભકર્ણ જોતાં હોય તો હું નાખું ક્યાં ? અને રાવણ અને કુંભકર્ણ વિના તમે આટલી મહેનત કરી શકો મારા માટે ? રાત’દાડો ઊંઘતા ન હોય ને આને કેદી મારીયે ? ક્યાં મારીયે ? શું કરીયે ? એમ વિચાર કર્યા જ કરે. અહીંયા મારી પ્રજા હેરાન થાય, ભક્તજન તે કેટલુંક કરશે ? એને બે-ચાર જણાં દબાવનારા મળશે તો એમ થાય ને ઓલો તો સામો થાય લશ્કર લઇને મારે મારવો છે કેને ? તો કે કૃષ્ણ કાનુડાને. ક્યાં રાખવો છે ? ક્યાંથી ક્યાં કોણ ક્યાંથી ક્યાં શું થાય છે ? માટે ભગવાનને ઓળખે એને કોઇ નહીં. એ કંઇ કંઇ જાતના કામ કરે છે ને કામ કર્યા પછી પૂરે પૂરા બધાં સ્થાપન કરીને વયા જાય છે.

તઇ દેવશીભાઇને એમ ખબર પડે કે, ઓહોહો આ તો કોઇ અલૌકિક પુરુષ હતા પણ આપણે મોટા ભેગાં રહ્યા તોય ઓળખ્યા નહીં. ચાખડી ચાખડી કરતાં જાય, ચાખડી પહેરતા જાય, ડંડીકો હાથમાં રાખતા જાય. કે’દી ચાખડિયું થાય ને કે’દી હાથમાં ડંડીકો આવે ? અને આવરદા તો વઇ ગઇ ને ઓળખાણ તો થઇ ગઇ અને લાલ કપડું તો પહેરી લીધું અને લહેર કરે. આવી ભગવાનની કૃપા અને કળા. માટે ઓળખવા શીખે તો ક્ષણમાં ઓળખી લ્યે.

ભીલડી બોર વીણતી ને રામ આવીને ઊભા રહી ગયા ને કહે, મને ઓલા બોર દે મીઠા. શબરી કહે, ઇ તો નો દવ, ઇ તો મેં મારા પરમેશ્વર માટે વિણ્યા છે. રામ કહે, દેતી નથી તો લઇ લવ. શબરીએ જાણ્યું કે આવડો આ પરાણે લઇ લેશે. તો આમ કરીને ઉલાળ્યા આકાશમાં લઇ લેજે હજાર હાથવાળા આજે મારું પરાધીન ખાતું થઇ ગયું છે. ત્યાં તો હજાર હાથ કરીને પ્રભુએ બધાંય વીણી લીધા. આ જોઇ ભીલડી પગમાં પડી. આ તમે કોણ ? તો કે બોર ખનારો હું પરીક્ષા કરવા આવ્યો તો કે તારી કેટલી ભક્તિ છે ? માટે તારી પરીક્ષા કરી છે. તો ભીલડી કહે, ભગવાન પરીક્ષા કરવા આવે તો રોટલો ખાઇને રાજી થઇને આશીર્વાદ દઇને વયા જાય, બીજું શું કરું ? માટે ભગવાનની અકળ કળા છે. એને કોઇ ઓળખી શકતા નથી, તો ઓળખાણ વાળિયું ઓળખે ને ઓળખાણ વાળા ઓળખે અને એના સમુદાયો કાંઇ ટોળાં નથી હોતા. થોડાં થોડાં ભક્તો હોય. શ્રીકૃષ્ણ ભગવાનને ત્યાં તો બે જ ભક્ત હતાં, અક્રૂર અને ઉદ્ધવ. ત્રીજો કોઇ લખ્યો નથી. રામચંદ્રજીને એક લક્ષ્મણ અને વિભીષણ, ચોથો કોણ લખાણો ? તો કે એક હનુમાનજી એને પોતાની પાસે રાખ્યો. આ મારો ભક્ત ખરેખરો છે.

એમ અનાદિશ્રીકૃષ્ણનારાયણને એકાદો જોતો હોય તો પાસે રાખે કે આ ઠીક છે, કામ કરી દેય તેમ છે. વાતચીત કરવી, મુંઝવણ ટાળવી. શું કરવું ? માટે પોતે બંધાતા નથી પણ જેને ઓળખાણ થાય એને મેલતા પણ નથી અને ઓળખાણ કરનારો જો મેલી દે તો પછી એને હજાર વર્ષે પણ ભેગા થતાં નથી. આ ભગવાન આ રીતે પૃથ્વીમાં વિચરે છે, હવે એની તો શું વાત કરવી ? કેટલાય આવ્યા ને કેટલાય વયા ગયા ? ભગવાનને શું લેવા-દેવા ? માટે ભજન થયા કરે છે. નર-નારીના જન્મને અવતાર હોય તો એ જન્મમાં ને જન્મમાં સુખી થાય છે, ઓળખી જાય છે. એક જન્મે અક્ષરધામમાં જાય છે અને જો ન ઓળખે તો હાલ્યું જ આવે છે. સાત મનુ વયા ગયા અને હજુ સાત બાકી છે. ક્યાં કાળ છે ? દુકાળ ક્યાં છે ? હજુ ધ્રુવનો તારોડિયો અડધોય નથી ઘસાણો. ઇ જે ’દી બહાર આવશે ત્યારપછી તો ભગવાન કેટલીય જગ્યાએ જઇ આવશે, કામ કરી આવશે. પરમેશ્વરને કોઇ જાતનો અફસોસ નથી. એને કોઇનો ડર નથી, કોઇનો ભય નથી, કારણ કે આખી સૃષ્ટિ એની મૂઠ્ઠીમાં છે, ચપટી વગાડે ત્યાં રાખ થઇને ઊડી જાય એવા પરમેશ્વરને ભય શેનો હોય ? કોઇનો ભય નથી હોતો. માટે ઓળખ્યા એના ભગવાન અને ન ઓળખે એને મંદિર માયલો પથ્થર. પ્રભુ જાણે તો દંડવત્ કરે અને પ્રભુ નો જાણે તો કાંઇ ન કરે.

આમ ભગવાનના ભક્તો છે ઇ ભગવાનને ઓળખીને ભક્તિ કર્યા કરે છે. અને પરમેશ્વર છે ઇ અદૃશ્ય રહ્યા થકા અર્પણ કરેલી ભાવનાને ગ્રહણ કરે છે. ભગવાનને શું જોઇયે છે ? એને તો આ દુનિયા કેવી બનાવી ? એક એક દાખલો જુઓ તો કોઇ દુનિયાનો સર્જનહારો એવો નથી જે એના જેવું કરી શકે. ભોજન પાણી વૃક્ષમાં બને, જમવાનું મોઢામાં ન રે ઉદરમાં જાય શેકાય. તેના રસ, હાથ ને પગને બધેય ચડે અને જે ઠેકાણે જેવો જોઇએ એવો રસ થાય. કોઇ ડૉક્ટરે થોડાં મશીન મેલ્યા છે અહીં નખ પાસે. કે અહીં સુધી લીલું લીલું ને પછી આવીને થઇ ગયું સૂકું. આને પકાવવા ક્યું મશીન મેલ્યું ? ઇ કોઇને આવડે નહીં. અત્યારે આ બધું સુંદર કેવું મજાનું છે. નાવું ને ધોવુંને માલિકોર જોવો તો આમ સમાય નહીં એટલું બધું છે. ભાગી જાય છે પણ ઇ બધાયને આ ચામડી આમ રાખી મેલે છે તમે બધુંય અંદર રેજો હો ઉપર ઠીક છે અને એમ કરતાં કરતાં ટાણું થાય ત્યાં માંડે કૂટવા. અહીં કોને મશીન મેલ્યા આહીં માલીકોર. આવા ઝીણા ઝીણા ધરુંના ગૂંમડા થઇ નીકળવા માંડે છે. માટે એની સૃષ્ટિને કોઇ પહોંચી શકે એમ નથી. આમ પરમેશ્વરે આ બધું બનાવ્યું છે.

એક હકિકત એવી તો જુઓ. કપાસનો કપાસિયો ઇ ભોમાં પડે પાણી દેય, એમાંથી કોટા થાય. ઇ જમીનમાંથી સાંઠી થઇ એમાંથી જીંડવું થયું, એમાં કપાસ થયો, ઇ કપાસ કોણે કેવી રીતે પકાવ્યો કે સો વર્ષ, પાંચસો વર્ષ વયા જાય તોય પણ ઇ એવો ને એવો. એને ગમે તેવો તડકામાં સુકવી નાખો ને તોય આ તૂટે નહીં. આવો ને આવો કૂણો. હવે આ કળા કેવી મેલી છે જે દુનિયામાં હાથમાં ન આવે, માટે એની ગોઠવણનો કોઇ પાર નથી કે આ બધુંય ગોઠવ્યું પણ બધાયને ખાવા માટે, ચાવવા માટે દાંત મેલ્યા, બોલો આંય માલિકોર મેલ્યા નડે જ નઇ, ગોખલો બનાવ્યો. ખાધે રાખે. ગાયું ને ભેંસુ ને મોટા લાંબા મોઢાવાળા હાથી જેવા, ડાળ ભાંગીને મોઢામાં લેય. ડાળ આખી હલતી હોય એ બધીએય ખાઇ જાઇ બધીએય પચી જાય અને એય જીવે. પરમેશ્વરે કેવું બનાવ્યું છે ઇ તો જુવો. એક જીણી એવી નાની ચીજ છે એનો કોઇ પાર આવી શકે એમ નથી માટે મનુષ્યનું રૂપ બનાવ્યું છે. એ પરમેશ્વરને ત્યાં એની સમીપે એના જેવા રેવા માટે. ગમે તે દેશનો માણસ આવે પણ માણસને ત્યાં મહેમાન થાય તો એને પાણી પાવું, બેસવું, એના સુવાણ થાય. એમ ગમે તે દુનિયાનો કોઇપણ બે આયખું ને, બે કાન, નાક ને, એક મોઢું, માથું ને, બે હાથ ને, બે પગ ને એવો કોઇ પણ આવે અને ભગવાનને ત્યાં જઇને ઊભો રહે તો એવડા ઇ ને ખાવું ને પીવું ને રહેવું ને બધું હેળભેળ થઇ જાય. ખબરેય ન હોય. કરોડો ગાવ તારોડિયો આઘો છે પણ ભગવાન જઇને ઊભા રહે તો ઇવડા ઇ બે બોલવા માંડે. એની નિશાળું ક્યાં રાખી હશે ? ઇ સ્કૂલ ક્યાં ગોઠવી ? ઇ ભાષા બોલવા ને જાણવા ને આવડવું ને એકબીજાનું ઇ ક્યાંથી આવ્યું બધુંય ? માટે એની સૃષ્ટિનો હિસાબ જ નથી બોલો. વર્ણન કરીને કહે છે કે, એના શરીરમાં જેટલું સમાઇ ગયું છે. એ સમાઇ ગયેલું એના કરતાં તો દુનિયા અનંતગણી છે તોય સમાઇ જાય છે માટે એને આવડે. ઇ મહિમા સમજવા શીખે તો ભગવાનને ભજવા શીખે. મહિમામાં સમજણ ઓછી રહી ગઇ તો મારા જેવા તમે ને તમારા જેવો હું. બેયની જિંદગી વઇ જાય. નરસિંહ મહેતો જૂનાગઢમાં વયા ગયા ને શ્રીકૃષ્ણ જૂનાગઢમાં વયા ગયા. નો ઓળખે તો કાંઇ નહીં અને ઓળખે તો પરમેશ્વર મોક્ષમાં લઇ જાય છે.

માટે સમજનારાએ સમજી લેવું કે, જરૂર સૃષ્ટિમાં ભગવાન આવે છે, પ્રભુનાં ગુણ થોડાં ઘણાં વાપરે છે. વાપરીને ચાલતી પ્રજાઓની પરંપરાને થોડું થોડું આપતાં જાય છે. અહીંયા થોડું ઘણું શિખંડને પૂરી ખાઇ લે ને તો એનો દિવસ વયો જાય. ઇ ભગવાનના સદ્ગુણોને થોડાંઘણાં ગ્રહણ કરી લે તો મોક્ષમાં વયો જાય. એ કાંઇ એમ નથી કે’તા કે જાજું લે જે ને, જાજું કરજે ને, મારા સારું આમ ને તેમ ને ઇ તો બહુ આળસુ હોય ને એને માટે છે. વધારે ન ખમે એવો હોય ને એને માટે થોડું સવારે ઉઠતાંવેંત મને સંભારજે, થાકી જા તો સૂઇ જજે મને સંભારતો. તારું કામકાજ કર્યા કરને, તું તારું પૂરું કરીશ તો માવતરે જાણ્યું કે, છોકરો કમાઇ છે ને ખાય છે. એને આપણી તો ઉપાધી મટી. એમ પરમેશ્વરને આખી દુનિયાની ઉપાધી નથી. સૌને બનાવી દીધા કે ખળમાંથી થોડું વીણી ખાવ. જીવન કાઢો અને પાછા ઇનાઇ જાડવા, વૃક્ષ, વેલી, પાન, જળ, તેજ, વાયુને એમાં ને એમાં સમાઇ જાવ. માટે જીવાત્માને મારે શરણે રાખશો તો હું લઇ જઇશ. મેલી દેશો તો પડ્યો રહેશે. નહીં સમજો તો ગયું અને સમજાણું તો તમારે માટે બલૂન હાજર છે, તૈયાર છે. આમ પરમેશ્વરને આમ સમજી અને આખી સૃષ્ટિમાં એને પોતાના જેવા બીબા બનાવ્યા. ઇ બધાય બીબા સૌ સૌની સૃષ્ટિમાં ઉતારી અને પરમેશ્વરને ભજે છે અને એના જેવા થઇને બેસે છે. આમ ભગવાને ઇ એક જાતિની જેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, મનુષ્ય એમ નથી. ચોર્યાશી લાખો ખાણો કરી છે. અત્યારે હવે આકાશમાં જુઓ તો ખબર પડે કેટલી ખાણું છે. ચારેય કોર ગોળા મેલી દીધા છે. ઇ સૃષ્ટિમાંથી મંડ્યા ઉપાડવા. જ્યાં એને મોક્ષ દેવો હોય તો મોક્ષ આપે ને ન દેવો હોય તો મુઠ્ઠી ભરીને નાખે આઘો, એમ ચાલ્યા જ કરે છે. માટે સમજી ઓળખીને પોતાનો જન્મ નિષ્ફળ ન જાય એમ સમજણથી ભજતાં રહેવા અને પ્રભુને મેળવી લેવા.