પરાવાણી ૧૭

ભગવાન જેમાં રાજી એવી સેવા કરે તો રાજીપો વર્તે - પ્રગટ ભગવાન અને સંતની સેવાથી ધામની પ્રાપ્તિ

પ્રગટ ભગવાન અને પ્રગટ સંતને પૂર્વેના કોઇ પણ જીવાત્માઓએ રાજી કર્યા છે ત્યારે તેને સૂર્યના ને ચંદ્રના અવતારો મળ્યા છે. ભગવાનના, સંતના આશીર્વાદ વડે કરીને ગાદી ઉપર બેસનારા ઇન્દ્રો સ્વર્ગના રાજાઓ થાય છે. પ્રભુની મહેરબાની માંગી મળતી નથી, રાજીપાથી મળે છે. તો રાજીપો લેતા ભક્તને આવડવું જોઇએ, પ્રભુ જેમાં રાજી એવી સેવા કરવી એટલે રાજીપો વર્તે. ભગવાન બ્રહ્મલોકના વતની છે. એમની મૂર્તિ સાકરના રસનું બનાવેલું નારિયેળ, એમાં બીજી ચીજ હોય જ નહીં, એમ ભગવાનની મૂર્તિ સચ્ચિદાનંદ આનંદઘન મૂર્તિ છે અને સર્વજ્ઞ છે, એની મૂર્તિમાં કોઇ જુદા જુદા તત્ત્વો નથી.

સ્વામિનારાયણ ભગવાને કહ્યું, અહિંયા ને અક્ષરધામમાં. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, અક્ષરધામમાં ને અહીંયા રહેનારા એવા એ ભગવાન આ છે તે તે છે, તે છે તે આ છે. આ અને તે એક છે. માટે એમાં ભાગ ત્યાગનો માર્ગ નથી. અહીં દેખાઇ આપણાં જેવા શું કામ ? તો કે આપણી જેવા થાય તો આપણે સેવા કરી શકીએ, કોઇને દાબવાનું મન થાય તો પગ હોય તો દાબે. જમાડવાનું મન થાય તો મુખ ને ઉદર હોય તો જમાડે, નવારવાનું મન થાય તો શરીરને કોઇ ટાઢ-તડકા લાગતાં હોય તો ઉને ગરમ નવારે. એમ જે જે ભક્તને જે જે સેવામાં ઘણી ઘણી વૃત્તિ નિર્વિઘ્ન ધારા પ્રવાહની પેઠે લાગી જ રહેતી હોય તો તે ભક્તને કોઇ સેવા આપ્યા વિના છૂટકો જ નહીં અને સેવા વડે જ બ્રહ્મધામમાં ચરણની સેવામાં રહેવાશે. સ્વામિનારાયણ ભગવાને તો કહ્યું કે, મારું અક્ષરધામ, ત્યાં મૂર્તિઓ મારી ને તમારી સરખી છે, પણ મારી સેવા કરવા વાસ્તે જે મુક્તને જે વખતે જેવું સ્વરૂપ ધારણ કરીને મારી સેવા કરવી હોય તેવું રૂપ ધારણ કરી અને મારી સેવા કરે છે. અક્ષરધામમાં અનંત મુક્તો છે, તે મને મારી આકૃતિ પ્રમાણે મારા જેવા થઇને મને સેવે છે. મારા રાધા-લક્ષ્મી સ્વરૂપની આકૃતિઓ ધારણ કરીને મને સેવે છે. માટે ત્યાં અનંત મુક્તો, મુક્તાણીઓ, ભગવાન, ભક્તાણીઓ વસે છે, સેવે છે, જમે-જમાડે છે, રમાડે છે, નવારે છે, ફળ-ફૂલ વૃક્ષ-બાગ- બગીચા, પ્રેમની નદીઓ, સ્નેહના સરોવરો, હેતના સાગરો અને પ્રેમરત્ન પ્રવાહો ઇ ભગવાનની મૂર્તિમાં અખૂટ છે અને ભક્તને આપે છે અને એ ભક્તો સેવા કર્યા કરે છે. કોઇ મુક્તને અધુરાપણું નથી. જેટલા મુક્ત એટલા ભગવાન. એની મરજી થાય એમ સેવે અને સેવા મુક્તિ ઇ અક્ષરધામની મુક્તિ છે. ત્યાં સોળ વર્ષની અવસ્થા બધાને માટે છે, અખૂટ અવસ્થા છે. રૂપ રૂપના ઢગલા છે, સુખ સુખના ઢગલા છે અને કોઇ ચીજ એવી નથી ભગવાનમાં ને મુક્તોમાં કે ખૂટી જાય, ખૂટતી જ નથી માટે એના આકર્ષણોના આનંદ અખૂટ છે.

આવી જાતનું પોતાને રહેવાનું બ્રહ્મલોકનું સ્થાન અક્ષરધામ તેમાં અહિંયા પૃથ્વી ઉપર રહેલા ભક્તોએ રહેવા માટે અહિંયા રાજીપો લઇ લેવો. ભગવાન ને ભગવાનના સંત પ્રગટ જરૂર પૃથ્વીમાં વિચરતા હોય છે. તેને ભાવના વડે કરીને એકાદવાર પણ સેવી લીધા તે અક્ષરધામના વતની થાય છે અને મહારાજના કુટુંબી થાય છે. માટે તેને માટે અક્ષરબ્રહ્મ ધામ છે અને તે ભક્ત અને ભક્તો તેને માટે ભગવાન એના સ્વામી, ઇ સદાને માટે હાજર રહે છે, માટે મુક્તોની વસ્તીમાં રહેવું. ત્યાંની મૂર્તિની સેવા કરવી અને અહીંની સેવા દ્વારા ત્યાં સેવા મળશે અને અહીંયા લોકમાં પણ ભગવાનના રાજીપાથી ઘણી કમાણી મળશે. માટે કમાવું, સેવવા, ભજવા, આનંદમાં રહેવું અને ધામમાં જાવું.