પરાવાણી ૨૭

નિષ્કામભાવે ભક્તિ કરવી - સત્સંગમાં માન-અપમાન સહન કરીને નિર્માની થઇને રહેવું

આ પૃથ્વીમાં વિચરવામાં ધ્યેય તો ઇ જ કે મારે મારા ધામમાં લઇ જાવા છે, ભગવાન કોઇના બંધનમાં આવતા નથી પણ ભક્તના બંધનમાં આવી જાય. દાદા ખાચર એવા ભક્ત કે એમના બંધનમાં આવ્યા, જીવુબા લાડુબા એવા ભક્ત તે ભગવાન ત્યાં રોકાણાં. બીજા ઘણાંય ભક્તો હતા પણ ક્યાંય રોકાણા તો નહીં. માટે એકાંતિક ભગવાનના ભક્તો ઇ ભગવાનને એકાંતિક સેવવા માટે જ ભજે છે. જ્યાં જ્યાં શ્રીજી મહારાજ પૃથ્વીમાં વિચર્યા ત્યાં એકાંતિક ભક્તો થયા એને મહારાજે કહ્યું, બહું સારું તમે કહેશો એમ કરશું. જૂનાગઢમાં ઝીણાભાઇએ કહ્યું, મંદિર કરો તો કહે બહુ સારું. મંદિર કર્યુ. ઘોલેરાના દરબારોએ કહ્યું, મહારાજ મંદિર કરો. તો કે બહુ સારું. મંદિર કર્યુ. ગઢપુરમાં કહે આંહી મંદિર કરો તો એ બહુ સારું મંદિર કર્યુ. જોબનપગીએ કહ્યું આંહી મંદિર કરો. તો મહારાજ કહે, બહુ સારું આંહી મંદિર કરશું. આવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તોને એકાંતિક જાણીને ત્યાં મંદિર કરીને રોકાણાં. એમ તમે બધા વંથલી ગામના છો, વંથલીમાં રહો છો તમારી ભક્તિ સારી છે અને તમે મંદિર કર્યુ છે અને કરો તો ભગવાન મંદિરમાં વાસ કરીને રહેશે, રહેલા છે અને વધારે રહેશે. પણ આપણે મંદિર તો કરવું જોઇએ.

મોટી મૂર્તિઓ જૂનાગઢના વચલા ડેરામાં છે એ લેવા ગયા ત્યારે શિલ્પીએ કહ્યું હતું કે, આવી મોટી મૂર્તિઓ ક્યાં પધરાવશો ? એનું મંદિર તો લાખો રૂપિયાનું જોઇએ. તો કહે, હવે મંદિર જેવું છે એ એવડી જ એના માપની જ આ મૂર્તિઓ અમે લેવા આવ્યા છીએ. માટે આપણાં હૃદયને મંદિર બનાવવું, એમાં ભગવાન રાખવા. જીવને શાંતિ થઇ જાય એમ કરવું. થોડાં વર્ષ રોકાય ઝાઝા રોકાય, સાજા રહે કે માંદા રહે, સેવા થઇ શકે કે નાં થઇ શકે પણ ઓળખાણની વાત છે એ બહુ જબરી છે. ઓળખાણ છે એ છેવટે કામ આવે અને આ લોકના રીત-રિવાજ છે એ તો થોડા ઘણાં કામ આવે અને વળી મટી જાય. માટે ભગવાન ઇ ભગવાન અને હું ભક્ત ઇ ભક્ત. મારે ને ભગવાનને થોડુંકે’ય છેટું નથી. એમ ભગવાનમાં હેત બાંધી અને કામકાજ કર્યા કરવા. આ જગતમાં તો જન્મ્યો, થોડાંક વર્ષો રહ્યો અને ચાલતો થઇ જાય. ત્યારે જનમ પહેલાં’ય ભગવાન હતા, અહીં રહ્યા તોય ભગવાન હતા અને ચાલતો થશે ત્યારે ભગવાન ભેગા આવશે. એ સમર્થ છે માટે સંભાળ લેશે. આખું જગત માયાનું છે એમાંથી બહાર કાઢવો એ તો ખરું કહ્યું કરનારો હોય એને બહાર કાઢે, પોતાનું ધાર્યુ કરાવે ભગવાન પાસે તો ભગવાન કંટાળી જાય કે હવે એનું ને એનું ધાર્યુ કરાવે છે, વારંવાર વાંહે પડ્યા છે. કાય નહીં, મેલો ને પડ્યું. એમ કંટાળો’ય આવી જાય.

શ્રીજી મહારાજ બધે ફરતા, કાઠી અસવારો હારે રાખતા, સાધુ- સંતો પોતાના જ હતા. જ્યાં જ્યાં જાય ત્યાં મૂળજી બ્રહ્મચારીને ભેગા રાખે. મહારાજને એ ગમ્યા હતા કે આપણું કહ્યું કરે છે. મહારાજ એકવાર થોડાક ઉદાસ થઇને કહે કે, અમારે ગુજરાત ફરવા જાવું છે. વડનગર, વિસનગરનો ને ખેડા જિલ્લાનો સૂબો છે, ઇવડો ઇ આડો ફરે છે, અવળો હાલે છે માટે એને પ્રતાપ દેખાડીને સત્સંગી કરાવો છે. પછી રાતે એકલા ઊઠીને હાલતા થઇ ગયા. મૂળજી બ્રહ્મચારી એ સૂતા રહ્યા. અરે મહારાજ તો વયા ગયા ને હું એકલો થઇ રહ્યો. હવે બધાય મને ઠપકો દેશે. મહારાજ ઉદાસ થઇને ક્યાંય વયા ન જાય. મૂળજી બ્રહ્મચારી કહે ન જાવા દઉં. પછી બ્રહ્મચારી ઊઠીને ગયા રાધાવાવે. મહારાજ ત્યાં હશે, મળ્યા. મહારાજ કહે, પાછો ભાગી જા, મારે ભેગો નથી લઇ જવો. બ્રહ્મચારી કહે, મહારાજ પણ હું તમારા વિના જીવતો ન રહું ને ? મારે શું કરવું આંહી ? તમે જ્યાં લઇ જાવ ત્યાં હું હારે આવું. મહારાજ કહે, મારે નથી લઇ જવો. મારે એકલું જાવું છે. બ્રહ્મચારી કહે, કોની કોર જાવું છે ? મહારાજ કહે, અમારે ઓલા સૂબાને મળવા જવું છે. તો બ્રહ્મચારી કહે, ઇ તો તમારો વિરોધી છે. ઇ તો તમને કેદમાં નાખશે. મહારાજ કહે, તને આ હું પાછો વાળું છું ને નથી જાતા, તમે શું સમજીને નથી જાતા ? તો બ્રહ્મચારી કહે, તમે ભગવાન છો. મહારાજ કહે, હું ભગવાન હોઉં એમ તમે જાણો છો તો પછી સૂબો તો માણસ છે. ત્યાં ધાર્યુ તો મારું થાશે ને ? બ્રહ્મચારી કહે, મહારાજ કેમ નથી હારે લઇ જાતા ? મહારાજ કહે, તો ચાલ, તુંયે. મૂળજી બ્રહ્મચારી કહે, મારા જેવો સેવક નહીં મળે માટે હું હારે આવું. પછી મહારાજ લઇ ગયા. એમ ભગવાનને પણ ગમી જાય એવો ભક્ત હોય કે ક્યારેય મન ઉદાસીન ન થવા દે. ભક્તિ તો આવી કરવી. આવી ભક્તિ કરતાં કરતાં ધામમાં જવાશે. પછી આ ઘર-કુટુંબ, પરિવાર ઇ કાંઇ ભેગું નહીં આવે. આ વંથલીના ખોરડાને ઇ બધું’ય પડ્યું રહેશે. આ ગામ ને, ગામનો ટીંબો ને, નાણાં બધું’ય પડ્યું રહેશે. કંઇ ભેગું આવવાનું નથી. ખેતર વાડીએ’ય પડ્યા રહેશે. ભગવાન હારે આવે અને ભગવાન ભેગા જાવ અને ધામમાં મોજ કરો. આવી ઇચ્છાથી ભગવાનને ભજવા.

શ્રીજી મહારાજ પોતે ઉપદેશ આપતા ફરતા કે, મોટા મંદિરો કર્યા શું કામ ? તો આ ઘણાંય જીવોનો સમાસ થાય. મૂર્તિઓને અંગે ભગવાનનું ભજન થાય અને ધામમાં જવાય. જો ઉદાસપણું રાખ્યું હોત કે સન્યાસીપણું રાખ્યું હોત તો કોઇ ને રોટલો’ય ખાવા ન મળત. પણ આ સહેજે સહેજે હરિભક્તો કમાય છે, ધર્માદા કર્યા કરે છે, રોટલા, નાણાં, દાણાં પાણાં આવ્યા કરે છે. સંતો ભજન કરે છે, ભગવાનની આરતીઓ વગેરે થાય છે. દેશ-દેશાંતરમાં ઠેકઠેકાણે સાંજે સવારે અમારું ભજન થાય છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એવું ભજન કરનારાને આ જગતમાંથી મન શાંતિવાળું થઇ અને ધામ તરફ વળી જાય છે. એને બંધન રહેતું નથી. માટે કોઇપણ પ્રકારનું બંધન ન રહે એવી રીતે ભગવાનની ભક્તિ તો કર્યા કરવી.

ભગવાન તો જીવમાં બેઠા છે, આપણાં નેત્રોમાં બેઠા છે, હાથ-પગ વગેરેમાં બેઠા છે, વૃક્ષ-વેલીમાંય બેઠા છે. જેને ભગવાનમાં હેત છે એને ભગવાન સંભાર્યા કરે છે. ભગતને એમ થાય કે, કેમ મારી સામું ભગવાન જોતાં નથી. મને ભગવાન બોલાવતા નથી. શ્રીજી મહારાજ કહે, ઇ એના રૂડા સારું હું નહીં બોલાવતો હોઉં. મારે તો એનું ભલું જ કરવું છે. માટે ભક્તોનું ભલું કરવા ભગવાન વિચરે છે, જગતના સુખ-દુઃખ વેઠે છે, ભક્તોની સારું થઇને તપ કરે છે અને છપૈયામાં જોયું’તું કે સૌરાષ્ટ્રમાં મારા ભક્તો ખરેખરા છે માટે ત્યાં જાવું છે. એટલે આખું દક્ષિણ મેલી દીધું. નર્મદા મેલી દીધી, તાપી નદી મેલી દીધી. મોટી મોટી જગ્યાઓની મહંતાઇ મેલી દીધી. ક્યાંય ન રોકાણાં, ગુજરાત કેવો દેશ છે મજાનો, રળિયામણો ! પણ ત્યાં ન રોકાણાં અને હાલી નીકળ્યા. મારે તો રામાનંદસ્વામી પાસે પહોંચવું છે. સુખાનંદ સ્વામી ને બીજા બીજા સાધુઓ છે ત્યાં જઇને ઊભું રહેવું છે. તે ઉના, દેલાવાડાથી આરંભીને આનીકોર ગર્ય આવી તે, ગરના ગામડાંઓમાં હાલતાં હાલતાં પહોંચી ગયા અને લોજ, માંગરોળ આવીને રોકાઇ ગયા. ભગવાને કહ્યું એમ બધાએ કર્યુ, માટે રોકાણાં. રામાનંદ સ્વામીમાં વગર દેખે હેત હતું. તો સ્વામીની વાટ જોઇને રોકાણા.

રામાનંદ સ્વામી કહે, ભગવાનને કાંઇ નડતર ન કરે. તે તમે સોનાનાં સાંકળા પહેરજો, વિંટીયું પહેરજો, મુગટ માથે ધારણ કરજો, કાનમાં કુંડળ પહેરજો, કંઠમાં સોનાની માળા પહેરજો અને બાઇઓને પણ ઉપદેશ દેજો. ભક્તજનોની સેવા-ચાકરી અંગીકાર કરજો. તમને કાંઇ પણ બંધન નહીં કરે. તમે નિર્લેપ છો, અક્ષરધામના ધામી છો. તમારી મૂર્તિ પાંચ ફૂટની બીજા દેખે છે પણ અમે તો ઠેઠ અક્ષરધામમાં બેઠેલી મૂર્તિ દેખીએ છીએ. તમે કંઇ કોઇને લઇને નાના થઇ ગયા એમ નથી. તેમ તમે આ લોકને લઇ અને માયામાં લપટાઇ ગયા એમે’ય નથી, માયા તો બધી તમારા ચરણમાં દાસીઓની પેઠે ફરે છે અને માયા પણ જો ભગવાનના જોગમાં આવે તો માયા છે એ અક્ષરધામરૂપ થઇ જાય. પછી માયાપણું રહેતું નથી. માટે રામાનંદ સ્વામીના કહ્યા પ્રમાણે અમને આજ્ઞા થઇ એટલે વસ્ત્રો, ઘરેણાં વગેરે પહેરીએ છીએ. પણ સ્વામીએ કહ્યું કે, સત્સંગમાં રહેવું હોય તો થાંભલાને બાથ ભરીને રહેવું પડશે. એટલે અમે તરત થાંભલાને બાથ ભરી. મુક્તાનંદ સ્વામી કહે એમ નહીં, એનો અર્થ ઇ કે થાંભલા જેવા જડ માણસો હોય એની હારે પણ તમારે મેળ કરીને રહેવું પડશે, થાંભલો ખેસવ્યો ન ખસે પણ માણસને ખસવું પડશે, તેમ અડબંગ હોય એણે હઠ કર્યો હોય તો ઇ હઠ ન મેલે પણ ગુરુ હોય એણે હઠ મેલીને એની હારે રહેવું પડે. માટે સત્સંગમાં જે માન-અપમાન સહન કરશે તે જીતી જશે અને સામો થશે તે પડી જશે. માટે નિર્માની થઇ અને સત્સંગમાં જીવન કાઢવું.

સત્સંગ ઓળખાણો એ બહુ મોટી વાત છે. ભજન, પૂજન, કથા- વાર્તા, ધ્યાન, સ્મરણ જેટલું થાય એટલું કરતા જ રહેવું. કમાવું, ઉદ્યમ કરવો, પ્રભુ ભજવા અને સારી અવસ્થાઓ ગાળવી. થોડું જીવવું અને બહુ ઝાઝી ઉપાધી કરવી ઇ તો અજ્ઞાની માણસો કરે છે. છતાંય કંઇક લક્ષ્મી અને સંપત્તિ એવું બધું જોઇતું હોય તો ઉદ્યમ કરવો પછી મનને પૂર્તિ થઇ જાય કે હવે ઘણું થયું. એટલે ઉદ્યમ ઓછો કરી નાખવો, તો સત્સંગનું સુખ લઇ શકાય. શ્રીજી મહારાજ કહે મંદિર ઘણાંય થયા, સાધુ ઘણાંય થયા, આચાર્ય સ્થાપ્યા. બધુંય થઇ ગયું. હવે આયા રહેવું નથી, વયું જાવું છે. શું કામ ? તો કહે, હવે આપણે આપણું કામ નથી અહીંયા. અરે મહારાજ વયા જાવ તો આ બધું નોંધારું થઇ જાય ને ? ઉદાસ થઇ જાય. તંયે શું કરશો ? તો કે જળમાં કમળ નિર્લેપ રહે એમ રહેવું. ભક્તોને સુખ દેવું, આનંદ દેવો, દર્શન દેવા, બીજો શું તમને વાંધો છે ? મહારાજ કહે, ઇ ખરું પણ આ ઉપાધિ અમને ગમતી નથી. બધાયના ઝઘડા અમારી પાસે આવે એ અમને કાંઇ ઠીક પડતું નથી. તો કહે, મહારાજ ઝઘડા પતાવે એવા ચાર સદ્ગુરુ બનાવો. પછી નિત્યાનંદ સ્વામી વગેરે ચાર જણાંને તકિયા આપ્યા કે આ સદ્ગુરુ અમારે ઠેકાણે છે. હવે તમારે જે કંઇ કામ પડે ઇ એને ત્યાં જજો. એમ બધા ઝઘડા પતાવવા સારું થઇને અને સારા સારા ભક્તજનોને સેવકોને આગળ કર્યા હોય તો એની પાસે ઝઘડા પત્યા કરે.

ભગવાન અલખ નિરંજન ઓલિયા છે. એને કોઇનીય પરવા નથી, કોઇને દુઃખ દેવાના નથી, પાછા સુખિયા છે, પોતાના સુખે સુખિયા બીજાને રાખે’ય છે. માટે તમે કમાવ, ખાવ લ્હેર કરો, વાપરો, મંદિર કરો, ઉત્સવ- સમૈયા કરો અને એમ માનો કે આ બધું ભગવાન લેખે કરીએ છીએ. અક્ષરધામને માટે ઓરડા તૈયાર કરી રાખવા આ લોકમાં. એટલે ત્યાં સુખી થવાય. અને નિષ્કામવૃત્તિ રાખવી. મહારાજ આટલું મને આ કરી દો તો ઠીક. આટલું સિદ્ધ થઇ જાય તો ઠીક. એમ કર્યા કરે એને તો આખી જિંદગી વઇ જાય છે. કોઇ દહાડો એને શાંતિનો વખત મળતો નથી. કારણ કે ટેવ પડી ગઇ. કેવી ટેવ પડી ? તો ઓણ શિયાળે ચણિયાબોર આપણા ખેતરમાં સારા આવે ભગવાન કરે તો ઠીક. અહીં મોટી બોરડી છે એમાં સારા બોર ભગવાન આપે તો ઠીક, આંબલીને સારા કાતરા આપે તો ઠીક, ગાય વિંયાય તો સારી પેઠે દૂધ થાય તો ઠીક. આ ત્રણેય બેનું જ આપી છે ને દીકરો થાય તો ઠીક. ખેતીમાં વાવ્યું છે ને જો સારું પાકે તો ઠીક અને આ ગૂમડું થયું છે મટી જાય તો ઠીક અને આ ભાવ વધી જાયને તો ઠીક અને પેટમાં પચી જાય તો વળી વધારે ઠીક અને આ ખોરડા ઉપર નળિયાં દેશી છે તો સારા નળિયાં થાય તો ઠીક, બે માળ થઇ જાય તો બસ. ઇ તો બધુંય થવાનું જ છે. ભગવાન રાજી થયા તો એને બધુંય થવાનું જ છે. આ લોકના શેઢા સીમાડા ઇ તો પરાણે સારા થાવાના જ છે.

વરસાદ વરસે ત્યારે મોલ થાય. ભગવાનનો રાજીપો થાય ત્યારે સુખિયા થઇ જવાય, સંપત વધે, મેડિયું થાય, કુળ કુટુંબ સારું થાય, ભણ્યા પછી પણ સારું થાય. આમ ભગવાનને આધારે બધુંય થાય છે પણ એમાં સકામ ભાવના કાયમ કર્યા કરે અને નિષ્કામ ભાવના કોઇ દિ’ ના કરે. ભગવાન જાણે માળો આ તો એકલો સકામ ને સકામ. મને આપો, મને આપો એમ જ કર્યા કરે. અરે ભાઇ, ભગવાન રાજી થઇને તમને અપાઇ ગયા હવે બીજું શું જોઇએ છે ? માટે તન, મન, ધન વડે ભગવાનને સેવી લેવા, સેવવાનું ટાણું છે. ઓળખી લેવા, ઓળખવાનું ટાણું છે. ભક્તિ આદિ કરી અને ધામમાં જાવાની લાયકાત મેળવી લેવી એનુંય ટાણું છે, પછી ભાતભાતના કલેશ અને ઝઘડા થતાં હોય ઇ કાંઇ આડા આવવા દેવા નહીં. ભગવાન સારું કરશે. વધારે તો બીજું શું ? કાઠિયાવાડમાં રહે તો ધરમ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય બધુંય મળે અને ક્યાંક બંગાળ જેવામાં જાય તો બધું ધરમ બરમ ઓછો થઇ જાય. ને વિલાયત જેવામાં જાય તો તો વળી કાંઇનું કાંઇ થઇ જાય. એમ જેવો દેશ એના રીત-રિવાજમાં ભળે ત્યારે એને સુખ થાય. ભળે નહીં તો કેટલાંક દુઃખ ઊભા થાય.

ભગવાન ઓળખાણા, ભજન થાય છે, શરણાગતિ લીધી છે, શ્રીહરિ શરણાગતિ મંડળ મજબૂતાઇથી ભક્તિ કરે છે. એમ મજબૂતાઇથી ભક્તિ કરે તો એને મૂંઝવણ ના થાય. રાજા કોઇ રૂઠ્યો અને ક્યાંક કેદમાં નાખ્યા તો શ્રીજી મહારાજ કહે, મૂંઝાઇ ન રહેવું. ભગવાનને જેમ ગમતું હશે તેમ થયું હશે. એની મેળે રોટલા ઇ આપશે. કેદમાં પડ્યા પડ્યા માળા ફેરવવી, મારું ભજન કરવું, ત્યાં પૂજા-પાઠ ના સંભારવા. એમ જેવા દેશ જેવા સમય ઇ પ્રમાણે રહેવું, ઇ પ્રમાણે ભજન કરવું. જેવી પોતાની સ્થિતિ ઇ પ્રમાણે આનંદમાં રહેવું. થોડી કમાણી, ઝાઝી કમાણી, એમાં સંતોષ માનવો.

મનુષ્યને તો જીવન છે ઇ જીવવું જ ઇ જ પેલો હીરો. પછી જીવનમાં સાધન દાણા-પાણીના, ઇ બીજો રત્ન અને પછી કુટુંબને અડખે-પડખેની બધી ભલાઇ હોય તો ત્રીજું રત્ન, કામકાજ થતું હોય મજૂરી આવતી હોય તો ઇ ચોથું રત્ન, ઊંઘ નિરાંતે આવી જાય, ખાઇ પીએ આનંદ કરે અને કુટુંબમાં કલેશ ન થવા દે, આ બધા રત્નો છે. સમજીને રહે ઇ સુખિયો. એમ કરતા વર્ષ વીતી જાશે અને આવરદા’ય વીતી જાશે. તેમ ભગવાને’ય બધુંય એક કોર મેલાવીને કહેશે હવે હાલને, આમાં શું બંધાણો છો ? મંડ, ઉપડ. તો કહે, તંયે બહુ સારું ઉપડો. પણ આ આનું ને આનું હજી આ બધું’ય થોડું ઘણું દેવું-લેવું છે ઇ ? તો કહે, એ અમે કરી લેશું. મેલ ને તારું પડ્યું. શું લેવા-દેવાનું હતું ? બે સૂંડલા હોય બહુ તો સાંઠીયુંના વિણેલાં. એકાદો કોથળો રાખ્યો હોય પાથરવાનો, બીજું શું હોય ? બે પાટિયા હોય ઘરમાં. કદાચ હોય થાળી, વાટકો કે તપેલું ને એમાં ય જીવ શું રાખવાનો ? ભગવાન કહે, હવે અમારે ત્યાં કેટલાંય ગણું છે. અમે ક્યાંય જીવ રાખતા નથી. માટે કોઇ જીવને ક્યાંય રહેવા દેતા નથી. અસદ્વાસના હોય તો ટાળી નાખીએ છીએ. સદ્વાસના ઉપજાવીએ છીએ. અમારામાં હેત ઉપજાવીએ છીએ અને લઇ જઇએ છીએ. આમ ભગવાનમાં એકાંતિકપણું રાખી અને ભજ્યા કરજો. સમય આવ્યે ઉત્સવ આવ્યે ફંડફાળા, શક્તિ પ્રમાણે રૂપિયો રળો પણ મેલી અને ઉત્સવ સારા કરવા અને આનંદ માનવો. આપણો આત્મા છે ઇ સુખી રહે, ભગવાન સાંભર્યા કરે. અને ભગવાનને બહુ મહારાજ તમે રોજ દર્શન દેજો, રોજ મને મારું ધાર્યુ તમે કરજો. ઇ તો ઠીક ભગવાન તો દયાળુ છે પણ એટલું બધું જો ભગવાન કરવા બેસે તો આ જીવને પછી ગરજ મટી જાય, કે મારે ઘેરે તો રોજ ભગવાન આવીને બેસે છે. અરે ! રોજ આવીને બેસે છે પણ તને ભક્તિ મટી ગઇ ઇ ! એટલે કાયમ સાંભરે, સ્નેહ રહે, પ્રભુ ભજાય એમ ભજવું, સુખિયા રહેવું, આત્માને બ્રહ્મરૂપ માનવો. ભગવાન ભજવા, ભગવાન લેખે કરવું, ભગવાનને માટે છીએ, ભગવાન ભેગું રહેવું છે, ભગવાનના બ્રહ્મમહોલમાં આનંદ કરવા છે અને ભગવાનને હાથે બધી સિદ્ધિઓ છે, ભગવાન બધું પૂરું પાડે છે. જમીનમાંથી દાણા બનાવે છે, વૃક્ષ-વેલીઓમાંથી ભોજન બનાવે છે. ગાય-ભેંસમાં દૂધ બનાવ્યા. પણ ઇ આ બધું પાંચ ભૂતની સૃષ્ટિમાંથી ઊગી આવે છે અને એમાંથી બધી સારી ચીજો ઉપજાવે અને ઉપયોગમાં આવે છે.