પ્રગટ ભગવાનનો રાજીપો એજ ભક્તો માટે પુણ્ય - પુણ્ય આપનાર - લેનાર અને ભોગવનારની વાત
પૃથ્વી ઉપર પરમેશ્વરના અવતારો હોય જ છે, તેને ઓળખવા માટે કંઇ ઐશ્વર્ય, સામર્થ્ય, મનોકામના પૂર્ણ કરો તો તમે ભગવાન. એમ એની વાંહે પડવા જેવું નથી. કોક વખતે ધારેલો મનોરથ પૂરો ન થાય ત્યારે એ લાલચુ માણસ પાછો પડી જાય અને ભગવાનને મેલ પડ્યા, પછી ઇનો મનોરથ તો ખાખી બાવા પૂરો કરે. ખાખી બાવા જેવો કોઇ મંત્ર તંતરિયો હોય તો એની વાંહે દોડે. એ સ્વાર્થી ભક્ત કહેવાય. સ્વાર્થી ભક્ત થયેલા ગુરુ કરીને પછી પડ્યા મેલે તો પછી એવો ભક્ત ન થાય તો શું ખોટું ? તો શું કરે એને આ દુનિયાની લાલસાઓ લાગી હોય કે ક્યાંથી મનોરથ પૂરો કરે ? તો મનોરથ પૂરો કરવા આવે. મનોરથમાં શું હોય ? કાં એમ કે સ્વામી બહુ વહેવારે તાણ પડે છે, તે થોડા ઘણાં કાંઇક મળી જાય એવા આશીર્વાદ આપો. આશીર્વાદ તો આપીએ પણ મારા પુણ્યને લઇને તમને ક્યાંથી મળે ? તમારામાં તો પુણ્ય હોય નહીં ને ? તો શાસ્ત્રો લખે છે કે સાધુ-પુરુષોની સેવા કરવી, ભગવાનની મૂર્તિ સંભારવી, માળાઓ કરવી, ભજન કરવું, દાન- પુણ્ય દેવું, સારા તીરથમાં જાવું. ઝાઝું કર્યુ હોય એના હજારો ગણા બદલાઓ મળે છે.
કોઇને થોડીક માંદગી હોય અને તમે અમથા ઘડીક જ એના પગ કળતા હોય ને દાબો તો એનો જીવ કેટલો રાજી થાય ? ઇ આશીર્વાદનું પુણ્ય થાય, પુણ્ય થાય એટલે સેવક છે ને ઇ સેવકને ઇનો બદલો ઓલો દિલમાંથી કાઢે એટલો બધો મળે. આ રાજીપાના બદલા છે. માટે જેણે છતે દેહે ભગવાનને રાજી કર્યા તેને બીજા પુણ્ય કરવા પડતાં નથી. શાસ્ત્રો લખે છે કે, ભગવાનનો રાજીપો ઇ ભક્તોનું પુણ્ય અને બીજા જીવને માટે શાસ્ત્રો લખે છે કે એને આ લોકના નાણાં, દાણા, કુટુંબ પરિવાર, બંગલા, કોઇ વાહન, સત્તા, રાજ, બીજું ત્રીજું બધુંય જોતું હોય છે એટલે એને મેળવવા સારું થઇ અને કરે છે તો ઇ કરવાનો બદલો તેને પુણ્ય મળે છે, ત્યાં રાજીપો આઘો રહે છે. ઇ જે કરેલું છે ઇનો બદલો મળે તો ખોરડા સારા થાય, બલૂન એકાદું મળે, મોટર મળે, કોટ પાટલૂન મળે. હવે દેશ-પરદેશ જાય તો માંગો ઇ મળે. પણ ઇ પુણ્યની ઘરે ને ઘરે સમાપ્તિ. ભેગું લઇને ન જાય. ભેગું લઇને જાય, ક્યું પુણ્ય ?
પુરાણમાં દાખલો આપ્યો છે. એક રાણી સ્વર્ગમાં ગઇ’તી. એનું પુણ્ય ખૂટી ગયું. દેવતાઓએ કહ્યું હવે તું હેઠી જા, પૃથ્વી પર જન્મ લે. ઓલી કહે મારે જન્મ તો નથી લેવો. તો દેવતાઓઅ કહ્યું કે, તારું પુણ્ય ખૂટી ગયું છે, લેવો પડશે. ઓલી કે પણ પુણ્ય બીજું નવું થાય તો શીખવાડો ને તો હું લઇને આવું, તો દેવોએ કહ્યું તું પૃથ્વી પર જા. પેલા સાંજ થયે રૂપાળી, અંજવાળા વાળી વહુ થઇને ફરજે ગામમાં, માણસોને ખબર પડી જાય કોક બહુ રૂપાળી બાઇ આવી છે, ત્યારે પૂછે કોઇ તો એમ કહેવું કે હું તો સ્વર્ગની દેવી છું, હરવા-ફરવા આવી છું. પછી ગામને પાદર જઇ અને થોડુંક પુણ્ય છે એનો બંગલો કરી લેવો અને બંગલાની અડખે-પડખે કોઇ ન દેખે એમ બંધ કરી દેવો અને એમ કરીને ઘરે બોર્ડ ચોડવું એમાં એમ લખવું કે, મને એકેય એકાદશીનું પુણ્ય જે આપે એને મારા દર્શન થાય બાકી કોઇને હું દર્શન ન દઉં. બોર્ડ લીધું, લખ્યું, ઇ બધાએ એમ નક્કી કર્યુ કે હું એક એકાદશીનું પુણ્ય આપું મને દર્શન દયો. એટલે ઓલું પુણ્ય છે ઇ આને મળવા માંડ્યું, અને ઓલા વ્રત કરવા લાગ્યા. ત્યાં આખા ગામના પાંચ દસ હજાર માણસ છે, એ બધાય આ રીતે પાંચ દિ’ સુધી આની વાંહે પડ્યા અને પુણ્ય આપતા ગયા. આના પાપ ધોવાઇ ગયા. આને દસ હજાર એકાદશીનું પુણ્ય મળ્યું અને દર્શનેય થઇ ગયા પછી ચાલતી થઇ ઇ પુણ્ય લઇને બંગલી ફંગલી બધી ઉડાડી દીધી અને સ્વર્ગમાં ગઇ ત્યાં તો પુણ્યનો હિસાબ નહીં. સામા વિમાન આવે, દેવી-દેવતાઓ સત્કાર કરવા માંડ્યા અને એનું પાછું હતું સ્થાન ઇ એને મળ્યું.
વ્યાસજીએ લખ્યું છે, આવી રીતે જે પુણ્ય આપે છે તો પુણ્ય લેનાર પણ જોઇએ અને એને ભોગવનારો પણ જોઇએ. પણ એ સ્વર્ગમાં રહું, દેવતા થાઉં, રાજા થાઉં, કંઇ ને કંઇ થાઉં એવી આશાવાળાને માટે છે. પણ જેને એમ જ છે કે મારે અક્ષરધામમાં જાવું છે ને બ્રહ્મલોકમાં રહેવું છે, એને ત્યાં મારે પ્રગટ ભગવાનના પગ દાબવા છે, તેને જમાડવા છે અને નવરાવવા છે, ખવારવું છે, પીવારવું છે અને સેવા કરવી છે અને ત્યાંનો આનંદ લેવો છે પછી આ માયાના લોકમાં ક્યાંય રોકાવું નથી. આ બધા જુદા પડી જાય છે, જેવું જેનું કર્મ કર્તવ્ય હોય ઇ પ્રમાણે આઘા પાછા જાય છે, કાંઇ પાંચ- દસ માણસ ભેગા ક્યાંય જાતા નથી. તો જે પચ્ચીસ-પચાસ વર્ષે છૂટું જ પડવાનું છે તે ઝાઝું ભેગું રાખીનેય શું કરવું ? દેડકાની પાનશેરી કરી અને કાંઇક તોળવા માંડ્યા ત્યાં ભેગા થાય જ નહીં. મેલે માંલિકોર અને કૂદી પડે બહાર. એમ આ જગતના પુણ્ય છે ઇ એવા જ છે. ભેગા થતાં નથી, અને કૂદીને બહાર પડે અને તમે એને ખાય-પી લ્યો એટલે ત્યાંથી એને પડવું પડે અને બીજે ઠેકાણે જાવું પડે. આમ ને આમ આવા-ગમન એટલે સંસારમાં રખડવાનું. સારું પુણ્ય હોય તો સારો માણસ થાય, વધારે કાંઇ ખાવું-પીવું તો ઇ ને ઇ શાક પાંદડા, ગલકાને, ઘીસોડા છે પણ એમ કહેવાય કે હું બહુ મોટો માણસ છું. એમ કહેવાય કે ઘરે કોથળો પાથર્યો છે, ગોદડું પાથર્યુ છે, હોય તો રૂંનું. મારા જેવા ગાલીચો પાથરીને બેસે છે, મારે ત્યાં પાંચસો રૂપિયાનો ગાલીચો છે, પણ છે તો ઇ નું ઇ બે, આમ આખા સંસારને સરખું છે એમાં કાંઇ આઘું પાછું નથી. તમામને શરીર તો છે અને ખાવા પીવાના વિકારો છે અને પછી વધારે હોય તો ઇ બીજાને દેવાનું, આપવાનું અને આપવાનો બદલો પુણ્ય જોતું હોય તો પુણ્ય વાપરવાનું અને ઇ પુણ્યને પોતે ભોગવવાનું. માટે ધર્મ એટલે પુણ્ય ઇ આ લોકનું સાધન છે, મોક્ષનું સાધન નથી.
ભગવાનને રાજી કરવા હોય તો સત્કર્મ કરે એટલે જોઇ અને રાજીપો થાય જ. દાન કરો, પુણ્ય કરો, સત્કર્મ કરો, જાત્રા કરો, કોઇ પરોપકાર કરો, ઇ બધુંય છે કમાણીનું. એને ભેગુ કરવાનું તો છે જ. કમાવ છો અને ખાવ છો, પણ ભગવાન જેવી મૂર્તિ પધરાવીને રાજી થઇ ગયા તો પડખે આપી દીધો અરબસ્તાન. ઘરમાં, સીમાડામાં ઇ સોનાની લગડીઓ આપી. એમ કોઇ આપે ? ઇ તો ઇ રાજી થાય તો આપે, માટે પોતાના સેવકોને સાવ પાસે કમાણી આપી દીધી. ઇ આમ જગજાહેર કરીને દેખાડી. જાવ, કમાવ, સારી પેઠે વાપરો, ખાવ, શરીર સાજા નરવા રાખો, માંદા ન પડો, કામકાજ કરો, રાતપાળીઓ કરો, ખૂબ કમાવ, ભેગા થાવ. પચી પચાસ હજાર, સો હજાર ભેગા થઇ જાય તો કુળ-કુટુંબ રૂપિયા પૈસાવાળું થાય ઇ ધ્યાન રાખવું અને ફાળા કરનારા તો વાંહે પડ્યા જ છે જ્યાં જોવો ત્યાં ઉગમણાથી ને આથમણાથી, અડખેથી ને પડખેથી, જે જૂનો ગુરુ ને નવો ગુરુ ને, હું તારો ગુરુ અને હું તારા ગામનો ને હું તારા ફલાણાનો, હું તારા બાપનો ને એમ કરતાં કરતાં આ દસ, વીસ, પચ્ચીસ ફાળા તો વર્ષ દિવસમાં કાગળિયા આવે, આવે ને આવે, મને આટલું આપજે જ, તું આટલું આપજે જ. તને મેં આશીર્વાદ આપ્યા, તને મેં આટલું કર્યુ તું.
આમ સેવકો માટે બધાં એ આ ધ્યાન રાખવાનું છે કે, બે ચાર વર્ષ કમાણી આવે છે એ લાખ લાખ રૂપિયો ભેગો કરી લેવો. પછી તમારા છોકરાવ ખાધા કરે એના વ્યાજમાંથી ને મહિને મહિને હજાર હજાર, બબ્બે હજાર રૂપિયા આવ્યા કરે, લ્હેર કરો. ખેતરમાં બહુ પાકે તોય કણબી ફુલાય, તે આ હેઠા બેઠા હોય ત્યાંથી હવે જૂની જાર આપવા માંડો, ડૂંડા આપવા માંડો, કોઇ આવે એને આપવા માંડો, ખાવા માંડો, ખવારવા માંડો, દિવાળીએ તો અન્નકૂટ કરવા છે, ઓણ તો આમ કરવું છે, ઓણ છોકરાના વિવાહ કરવા છે, છોડિયું પરણાવવી છે, બે ખોરડા જૂના થઇ ગયા છે, તો નવા બંગલા બે કરી લેવા છે, ગામને ઝાંપે આમ પટલાઇ દેખી આપણે પટલાઇ લેશું. થોડાક રુપિયા વાપરીએ, વોટ લઇએ, સરખું ખાઇએ, ઓલું ખેતર દેખાઇ છે ને એટલે આ બધું ધાર્યુ છે. એની વંડી ચણાવા માંડે અને પછી રૂપિયા વાપરે અને વીસ પચ્ચીસ હજાર કાઢી નાખે, સૌને દઇ દેય, વાહેથી વોટિંગ ઓછા થાય એટલે ઘેરે સાહેબ આવે, હતું ઇ લાલચમાં ગયું. નવું આવ્યું નહીં એટલે પુણ્ય ખૂટી ગયું. બાકી એવું પુણ્ય ખૂટવા ન દઇએ. બહું વધે એવું ન થાય કે ખૂબ વાપરી નાખવું. હમણાં ખૂબ આવે છે, ખૂબ કરી નાખું. મારી તો ઇચ્છા છે ગરીબડા સેવકો હતા ઇ બધાને પચાસ પચાસ હજાર ઉપર મૂડી હાથમાં આવી જાય. એટલે એને હજાર રૂપિયો ક્યાંયથી આવ્યો છે, ગરીબોને છોકરા પરણવવા હોય, કોઇ રોટલા ખવરાવવા હોય, કોઇ દુકાળ પડે તો ખેતરવાડી ઢંકાય તો તમે બધાય સો બસો પાંચસો જેટલા મારા શરણાગતિ મંડળના સેવકો છો તો અમારી સામાં ફેણ ચડાવીને ઊભા છો.
ઇ બધાને હું આ આશીર્વાદ આપું કે તમને સોનાની લગડીઓ આવે, તમારી બે પેઢી ત્રણ પેઢી ખાય એટલું કમાઓ અને વાપરતા જાવ, ભગવાન લેખે વાપરતા જાવ. અડબંગા જેટલા ઘરે છે એને અડખે-પડખે લઇ કાગળ મોકલે, ઓલો મને દે, મને દે, મારે આ કરવું છે, આ કરીશ, આ એમ ને એમ દઇ. ઇ તો તમારા બાર મહિનાની કમાણી ચારેકોર વય જાય ઇ નો અર્થ નહીં. ગામનો કે નાતીલો કે મારે ધર્મશાળા કરવી છે. કાં કે મારે નાતની જગ્યા કરવી છે, કોક ગરીબડી છે એને પરણાવી છે, કાંકે આ ખેતર લેવું છે, કાંકે ઓલો દુઃખી છે એને આ કામ કરવું છે, એમ તો અડખે પડખેના આખો દેશ વાંહે પડશે. એનું કારણ શું ? વાહ દુબઇ જાય તે બહુ કમાઇ છે, પેલા મુંબઇ જતાં કમાઇ છે, પેલા મુંબઇ જાતા બહુ કમાતા. એની વાંહે પડતા ને હવે મુંબઇ કૂમબઇ ફરી ગયું. હવે પરદેશ વાંહે જશે, એની વાંહે પડશે, આફ્રિકા જાય એની વાંહે પડશે ખૂબ. ત્યાં હજીય ગાલા પાટોળિયા, સાચી રીતે કમાણીઓવાળા લઇ જાય અને કચ્છમાં લ્હેરોય કરે છે અને હજુ ઘણા જાય છે પણ એવી રીતે હું તો એવું દેખું કે તમારે ત્યાં એવડો ઢગલો હોય કોક દિ’ક એવું બોલું આમાંથી ખોબો આપી દે ને. ત્યારે ભક્તને એમ થાય કે એક ખોબો શું ? બે ખોબા લઇ જાવ. એવી છોળો ઊડતી હોય ઘરમાં. એવું દેખીને તે દિ’ ખુશી થાય. અત્યારે આશીર્વાદ આપ્યા કરું. સૌને કહ્યા કરું જાવ, જાવ. ખાજો, પીજો, સુખી રહેજો. દેશકાળ પ્રમાણે વરતજો અને કામકાજ સારી પેઠે કરજો, સોનાની લગડીઓ મેળવજો અને પાછા બેંકોમાં જમા કરતા રહેજો, વાંહે સાડી ફાટી ગયેલી હોય એને ન મળે અને ત્યાં ઓલા કાગળિયાઓમાં મેલ્યા કરે. લે આ ફલાણા લખ્યા. તાં ઓલો અહીંથી લખેલો તું બહુ સારો ચેલો હો તને બહુ આશીર્વાદ આપું છું, બહુ સુખી થઇશ. આંયા ઓલી ઘરવાળીની તો સાડી ફાટી ગઇ છે, ઇ પહેરતી નથી ને આવડો આ સાળો ત્યાંથી પરબારો લઇ ગયો. માટે બહુ ધ્યાન રાખીને કમાજો, ખાજો, લહેર કરજો. બાકી નવું મંડળ ખરેખરું છે, એને આશીર્વાદ આપ્યા, બાકી તો ઓળખો છો ને જાણો છો એમાં આગળ ઓળખવું વધુ પણ અડખે પડખે ધોકા મરનારા મારે એને કહીએ આઘો રે બાપા, તારો ધોકો મારે નથી ખમાતો. જે ગુરુ જે ભગવાન જે પ્રભુ જે ઇશ્વર જેને જે લગની લાગી તે લાગી પછી એમાં વળી પાછું કોઇની પડખે ચડે, તે ચડનારા ચડે, બળ હોય એટલું ચડે પણ તમારું બળ ઝાઝું દેખાય એટલે એની મેળે પાછા પડી જાય. હવે તમારે જુદો માર્ગ કરે બીજે કે મસકતમાં કે જ્યાં જ્યાં તમે છૂટા છવાયેલા છો તે બધે ઠેકાણે એક બીજા શુક્રવારે મળો છો, કોઇ સમૈયામાં મળો છો, ક્યાંક ભેગા થઇ જાવ છો, પણ ઉપાસનાનું બળ સારી રીતે રાખજો.
‘સલ્પ મધ્યસતે ધર્મષ્ય ત્રાયતેમહતે’, શ્રીકૃષ્ણ બોલે છે હો ‘સલ્પ મતિ અત્યધ્યાયત્ય’ આ શ્રીકૃષ્ણ ભગવાનનો સલપ્મ એટલે જરાક એટલે થોડોક એવો પણ તમે ધર્મ એટલે ભાગવત ધર્મ ભેળો કરી રાજીપો ઇ લીધો હોય તો ત્રાયત એટલે રક્ષા કરે, કેનાથી ? તો કે મહત્વની રક્ષા, બહુ મોટા મોટા ભય આવ્યા હોય તોય એને આડા થઇને કાઢી મેલે છે. આ લોક તે રાખવા પૂજન કરજો, હવે જાજુ એમાં શું કહેવાનું હોય ? સમજે તે સમજે છે, એમાં સમજણમાં કાંઇ વધારે એમ ધાબો દેવો કે સાંબેલા પરાણે મારવા હોય ? ઇ તો કાચા ને મરવા પડે પાકા ધાબાને શું છે ? સમજતા જજો ને ભજન કરતાં જાજો. કેટલાકને ગમે અને કેટલાકને ન ગમે, હવે દુનિયાનું કરવું શું ? ન ગમે કાંય નહીં. ગમે ત્યાં ઘણાય વયા ગયા, ઘણાય છૂટા પડી ગયા, ઘણાય ન લખે ને ઘણાય લખે ને ઘણાંય ગુરુમાને ને ઘણાય ન માને અને ઘણાય ને સદે નહીં. ન સદે તો ઓછું લખે આપણે શું ગયું ?
હમણાં ફૂલવાડીનો સાડાસાત હજારનો ફાળો આવ્યો. કૂવામાં ભોયતળામાં પાણી તો બહુ છે, ભવિષ્યમાં સારડો નખાવશો તો ઉછળીને પાણી જાશે, એવી પાણીની સગવડ કરવી. વંડી પણ થઇ જશે. પછી તો ધજા ફરકશે. ફરકાવવી એ તો તમારા હાથની વાત છે. મારે તો માથા પર ચોટલી છે એ ય ધોળી થઇ ગઇ છે. માટે એક લક્ષ્ય, એક ભગવાન, એક ઇષ્ટદેવ, એકની પ્રસન્નતા એમાં બધુંય આવી ગયું.