પરાવાણી

આત્મનિવેદી ભક્તિની સમજણ - ભક્ત નર-નારીઓએ જાણવા જેવો ઉપદેશ

માનવ જન્મ મોક્ષને માટે છે, મોક્ષ દેવા માટે ભગવાન અને મુક્ત લોકો પૃથ્વીમાં આવે છે. પૃથ્વીમાં સાત્ત્વિક, રાજસ અને તામસ એવા ત્રણ પ્રકારના મનુષ્યો હોય જ છે. ભગવાન સાત્ત્વિકને ગમે છે, સંત પુરુષો પણ સાત્ત્વિકને ગમે છે. ધર્મ પાળવો સાત્ત્વિકને ગમે છે. શાસ્ત્રનું જ્ઞાન ભક્તિ, એ સાત્ત્વિક ભક્તોને ગમે છે. સાત્ત્વિક કુટુંબો ઘણાં છે. જે કુટુંબો ન્હાવા, ધોવા, પૂજા-પાઠ કરવા, ભોજન પાણીમાં પવિત્રતા રાખવી, દેવ મંદિરે જવું, દર્શન કરવા, ભક્તિ કરવી. એ આસ્તિકપણું છે. પરમેશ્વરને માટે થોડું ઘણું કાંઇ પણ કરી ચૂકે છે, વ્રત, નિયમ પાળે છે, દેવમંદિરના તીર્થો કરે છે, ત્યાં જાય છે, સાધુની સેવા કરે છે. કમાણીમાંથી પ્રભુને માટે કંઇ વાપરે છે. એવા ભક્તો છે તે હેતવાળા સાત્ત્વિક ભક્તો છે અને એવા સાત્ત્વિક ભક્તો સેવા કરતાં કરતાં દિવ્ય થઇ જાય છે. કારણ કે ભગવાન અને સંત એની મૂર્તિઓ દિવ્ય છે, એની ક્રિયા દિવ્ય છે, તેના કામકાજ બધા દિવ્ય છે. એનું બોલવું, હસવું, રહેવું, ફરવું, બેસવું, મળવું એ દિવ્ય છે, કારણ કે ભગવાન અને સંત એ દિવ્ય બ્રહ્મલોકના વતની છે. ભગવાન દિવ્ય છે, માટે એના સાધુ પુરુષો ભગવાન જેવા છે અને એમાં જો હેત થઇ ગયું તો ભગવાન પોતે કહે છે, જેવું સ્ત્રીમાં હેત છે, જેવું પુત્રમાં હેત છે, જેવું સગા-સંબંધીમાં હેત છે, જેવું દ્રવ્યમાં હેત છે એવું હેત ભગવાનના સંતમાં કરવું, ભગવાનમાં કરવું. ભગવાન વાસ્તે તન, મન, ધન, ઘર, કુટુંબ પરિવાર એ બધું કરી રાખવું, પ્રભુ આ તમારું છે, મારું કંઇ નથી, તમારું આપેલું છે એ તો મારે સાચવવા પૂરતું છે. એટલે હું સેવા કરું અને તમે રાજી રહો. આ રીતે ભગવાન માટે તન, મન, ધન, અર્પણ કરીને જે રહે છે અને ભક્તિ કરે છે, સત્સંગ રાખે છે, તે બ્રહ્મલોકનો અધિકારી છે, મોક્ષનો ભાગીદાર છે, જરૂર તેને મોક્ષ મળે છે, મોક્ષમાં જાય છે. તેને કાંઇ ઝાઝું સાધન કરવું પડતું નથી.

શ્રીજી મહારાજ કહે, ધર્મ આ દુનિયામાં સુખી રહેવાનું સાધન છે અને સમજણ તે મનના ઉદ્વેગો ટાળવાનું કારણ છે, અને વૈરાગ્ય એટલે ક્યાંય બંધાય ન જવાય એટલા માટે બંધન તોડવાનું સાધન છે અને ભક્તિ એ પ્રેમ, પ્રીતિ, સેવા, રસબસપણું, એકાત્મપણું, તાદાત્મ્યપણું, આત્મનિવેદીપણું. મહારાજ, આ મારું શરીર તમારું છે.ઇન્દ્રિય અંતઃકરણ તમારા છે, મારું ધન તમારું છે, મારા ભોજન-પાણી તમારા છે, મારું ઘર- કુટુંબ તમારું છે, આ બધું તમારું છે ને હું વાપરું છું. આવી રીતે જે પરમેશ્વરની ભક્તિ કરવી એ ભક્તિ આત્મનિવેદી ભક્તિ કહેવાય, માટે આત્મનિવેદી ભક્તિ કરનારા છે તેની પછી ભગવાન સંભાળ લે છે કે, આ ભક્ત છે તે મારે માટે મંડ્યો છે તેને હું જરૂર મારી સેવામાં રાખીશ, મારે ત્યાં લઇ જઇશ. આમ, સાત્ત્વિક કુટુંબ, પ્રભુની ભક્તિ કરનારા ભક્તજનો પરમેશ્વર વાસ્તે તન, મન, ધન અર્પણ કરી અને જન્મનો સુધારો કરી લ્યે છે. બીજાને તો કે’દિ ટાણું આવે ને કે’દિ કરે ? ઇ તો રખડુંરામ છે, તે માયામાં રખડ્યા કરે છે.

પરમેશ્વરના ભક્તે એટલું જાણવું કે, ધન્ય છે આપણને કે ભગવાન ઓળખાણા, ધન્ય છે આપણને કે પ્રભુના સાધુની સેવા-ચાકરી મળી, ધન્ય છે આપણને કે પરમેશ્વરના આશીર્વાદ અને સંતના આશીર્વાદથી દાણા અને નાણાં મળ્યા છે, ધન્ય છે આપણને સાજા-નરવા રાખે છે અને આપણી સંભાળ રાખે છે. આપણને કોઇ જાતનો વાંધો આવવા દેતા નથી. પ્રભુનો આશ્રય થયો તેને કાળ નથી નડતો, કર્મ નથી નડતા, માયાં નથી નડતી અને તેનું કોઇ પ્રારબ્ધ ખરાબ હોય તો સારું થઇ જાય છે, એમ ભગવાનની ભક્તિ કરનાર નર-નારી તેણે એમ જ સમજવું કે આ જગતના બગીચામાં આવ્યા છીએ એટલે માળીની પેઠે બગીચો સાચવી અને પછી ફળ-ફૂલ, બીજું-ત્રીજું જે કંઇ આવે તે પ્રભુ લેખે વાપરી અને પોતાનો જન્મારો સુધારી લેવો. આ કામ મોટું છે, વિશ્વાસ પ્રભુનો રાખવો, વરવું પણ પ્રભુને. ભગવાનને ઠીક પડે એમ વર્તવું અને ભગવાનની આજ્ઞા માનવી. એ આજ્ઞા આપણો ધર્મ છે, જીવ જગતના એવા છે રજોગુણી, તમોગુણી અને પોતાનાં કંઇક સમજણની, ગર્વ અભિમાનવાળા. એને પરમેશ્વર લેખે જે બધું કરી છુટવું જોઇએ. એમાં કાંઇક આડું રહે અને કરી શકતા નથી, તો જેટલું નથી કરતા તેટલું ભોગવવું પડે છે. દુનિયાના દુઃખ તો ઊભા થાય જ છે, તે’દિ સંભારે પછી એમ સમજવું કે, આમાં આપણો જ વાંક હતો, તે નડ્યો. તે નડે જ છે, તેમાં કોઇ વાંધો નથી. પરમેશ્વર પોતાના જીવને ઉગારે છે અને અવળો હાલે તેને ખસેડે છે. એમ નર-નારીઓએ જાણી રાખ્યું હોય તો એ પ્રભુનું ભજન કરી શકે છે.