પરાવાણી ૧૮

ભક્તે ભગવાન પ્રત્યે રાખવાની સમજણ - સખીપણે પુરુષોત્તમ નારાયણને સેવવા-ભજવા

હે ભગવાન, વરસાદ વરસાવો તો પાણી ભેગા થાઇએ. કંઇક થોડું ઘણું ઉપજાવો, તો ભોજન ભેગા થાઇએ, નહિતર મરી જઇશું. પછી ભગવાનને ખૂબ સંભારે, એવા સંભારે સંભારે, ઓલા બ્રાહ્મણો નથી સાંભરતા એ એય જગન કરાવવા માંડે અને મંડે લાડુ બટકાવવા. માટે દુઃખમાં ભગવાન સાંભરે એમ કહેવત થઇ. શરીરમાં સાજો હોય પણ જ્યાં ન ધારેલું દુઃખ આવી પડે અને એમાં જો સાજો ભગવાન રાખી દે તો ભગવાનની કિંમત ખરેખરી થાય કે ભગવાને મને બચાવ્યો. કોઇ પાલખથી પડે, કોઇ લપટીને પડે, કોઇ ખોરડેથી પડે, કોઇ માંદો પડે એવી રીતે પડતી દશામાં જો બચી જાય, દુઃખ ઊભા ન થાય ત્યારે એમ થાય કે હું જાત હો, સાવ જાત, જીવથી જાત, મરી જાત, કાંઇનું કંઇ થઇ જાત, હાડકાં ભાંગી જાત, મારું શું થાત ? પાછલાનું શું થાત ? પણ મને ભગવાને બચાવ્યો. પછી ભક્તિ કરે. ખૂબ તાવ આવે ને કંઇ ન પચતું હોય, સાવ પરાધીન થઇ જાય, ખાટલેથી ઉઠાય નહીં. તો એમ કહે કે, હે ભગવાન હવે મારો છેડો લાવો. ત્યારે ભક્તિ કરે. પણ ખરેખરો લાડવો પચાવે એવો હોય, પાંચ પગથિયાં કૂદકો મારે એવો હોય, રૂપિયા પૈસા સારી પેઠે ગાંઠે થઇ ગયા હોય, રાજસત્તા થોડી આવી હોય તો ભગવાનને અહીંથી હજારો જોજનો આઘો મેલી આવે, જાવ અરબી સમુદ્રની ઓલિકોર, ભગવાન ન્યાં ભલે રહ્યા. અહિંયા અમારે હમણાં નથી જોતાં, કોક દિ’ વાત. આ જીવ એવો છે. અવળે રસ્તે ચડી જાય.

ઘરે માણસો કુળ કુટુંબ બધા સારા હોય, ખાધા, પીધાની ચીજો હોય, ખેતર વાડી સારા હોય, દુકાન સારી દૂજતી હોય, આવક બધી હોય, દૂધ-પાણી-સાકર, ઘી, ગોળ, અન્ન, શાક તમામ ચીજો અનુકૂળ હોય તો જીવાત્મા સાંજે અડધો કલાક કે કલાક ભગવાન વાસ્તે માળા ફેરવવી કે પ્રભુ ભજન કરવું કે ભગવાનના પગ દાબવા કે ભગવાનની સેવા કરવી, ભગવાનનું મંદિર વાળવું કે ધૂન ભજન કરવું એ કાંઇ કરી શકે નહીં. કેમ એમ ? તો કે એને માયા નડી. સારાવાના થઇ ગયા ઇ નડે છે. નરસા વાના હોય, ગરીબાઇ હોય તો સુદામાની પેઠે ન નડે, તો જાય કૃષ્ણ પાસે દોડતો દોડતો. પણ જેને સારાવાના નથી, કામકાજ મળતા નથી, હેરાન થવાય છે, દુબઇ જવાતું નથી, આઠ દસ હજાર માંગે છે પછી કાંઇ કોઇ મદદ કરે નહીં. હરેરી જાય પછી કેય, હે મહારાજ ! મા બાપ જલ્દી કરો ને હું જાઉં, કમાતો થાઉં, લે ભઇ, જા ને હવે, કૃપા કરી છે. તાં માળો પહોંચી જાય પછી જે કમાવા માંડે. કમાતા કમાતા ખૂબ કમાઇ, બધાને આપેય ખરો, લેય ખરો, ભગવાનને સંભારેય ખરો, પણ નો’તું ને સંભારતો’તો તો ય એટલું ન સંભારે, ઓછો સંભારે, માટે ભક્તોના લક્ષણ એ છે કાંઇ નો હોય તો ય બહું સાંભરે ભગવાન. મધ્યમ રીતે મળ્યું હોય તો ય ભગવાન બહુ સાંભરે અને ખૂબ રાજ સંપત્તિ મળી ગઇ હોય તોય ભગવાન તો બહું જ સાંભરે.

સમૃદ્ધિઓ છે ઈ તો બધી જીવવા વાસ્તે છે અને ભગવાન છે ઈ નિત્ય સુખનો આનંદ દેવા માટે છે, આ લોકના સંબંધો બધાય છે તે બંધનમાં નાખે એવા છે અને ભગવાન છે તે સંબંધોમાંથી ઉપાડીને પોતાના ધામમાં, પોતાના બંગલાઓમાં પોતાના ભક્તને પોતાની સેવામાં રાખે એવા છે. એ સેવા શાશ્વત છે, સુખમય છે, આનંદમય છે, ભરપૂર છે, રસબસ રસિયા છે. સાચી સગાઇ એ અક્ષરધામના અધિપતિ, પ્રાણપતિ ભગવાનની છે. જીવપતિ, આત્માપતિ, દેહપતિ, ઇન્દ્રિયોપતિ, મનપતિ, બુદ્ધિપતિ, શરીરપતિ, ઘરપતિ, ખેતીપતિ, પ્રજાપતિ, રાજપતિ, દેવપતિ, ઋષિપતિ, ઇશ્વરપતિ, બ્રહ્મપતિ, મુક્તપતિ, માયાપતિ, સર્વપતિ પરમેશ્વર છે, ઈ બધાનું પાલન કરે છે, બધાને પોષે છે, બધાને જીવાડે છે, બધાને કરે એવું આપે છે, સર્જે છે, રક્ષણ કરે છે, ખાવાનું આપે છે, લાડ લડાવે છે અને ભગવાનને જો રમાડે તો ભગવાન એને પોતાના ધામમાં રમાડે છે, બહુ સુખ આપે છે, અહીંનું સુખ જીભમાં સાકરનો ગાંગડો ચગળ્યો ત્યાં સુધી ગળ્યો લાગે, પણ ભગવાનની મૂર્તિમાં સુખ છે ઈ શાશ્વત ભર્યુ લાગે. અહીંના ગોદડા, ગાદલાં, રીત-રિવાજ પાથરવાના, બેસવાના જો અનુકૂળ હોય તો સારા લાગે. શિયાળો ટાઢમાં ગરમ કપડાં સારા લાગે, ઉનાળામાં જીણા સારા લાગે. પાણીનું ય એવું છે, ખાવા-પીવાની ચીજોનું ય એવું છે. શિયાળે અડદિયા સારા લાગે, ઉનાળે શરબત સારા લાગે અને મધ્ય અવસ્થામાં ઘરબાર, નારી, છોકરા, પતિ ઇ બધા સારા લાગે. પણ એંશી ઉપર જાય પછી બધાય કડવા લાગે. એ સારા લાગે એ વખતે જો ભગવાન ભજ્યા હોય તો એંશી વર્ષે પણ ભગવાન ભજાય. ને ઇ થી ઉપર જાય તો ય ભજાય. અને ભજતાં ભજતાં સુખિયા થઇને ભગવાનના ધામમાં જાય.

માટે જીવે સમજવું કે, આ લોકમાં ભગવાન અને ભગવાનના સંત તે જરૂર વિચરતા હોય છે. તેમાં જો આ જીવને જોગ થઇ જાય, ઓળખાણ થઇ જાય, ભૂલેચૂકે પણ ભગવાનના સંગમાં આવી જાય તો પૂર્વ જન્મના, અનંત જન્મના પાપો હોય છે એ બધાય બળી જાય છે અને જીવ ચોખ્ખો થઇને ભગવાનના ધામનો મુક્ત થઇને સેવામાં જાય છે. માટે પૃથ્વીમાં વિચરતા એવા ભગવાન એ પ્રભુને, પરમાત્માને પોતાના જેવા હોય તોય ઓળખી તો લેવા. એના સામર્થ્ય વડે, એના ચિહ્નો વડે, એની મોટાઇ વડે, એના ઐશ્વર્યો વડે એને ઓળખાય. એને ઓળખ્યા થકા સેવાય. અને સેવ્યા થકા રાજી કરાય અને રાજી થયા થકા પોતે ભગવાન આપણને આઘા ન રાખે, પોતાની સોઢમાં ભેગા ભેળવી દે. પોતાના સિંઘાસનમાં ભેળવી દે. પોતાના શરીરમાં ભેળવી દે. પોતાની સાથે જમાડે, સાથે રમાડે, સાથે ફેરવે, પોતાથી જુદાઇ ન જણાવે, આવો આનંદ ભગવાનનો જે જીવને મળી જાય તેને જાણવું કે મારો જન્મારો સુધરી ગયો.

શરીર તો બે છે નર અને નારી. ભગવાન તો એક છે પુરુષ રૂપે. નારી ભગવાનમાં પુરુષમાં પતિ તરીકે હેત કરે અને નર વર્ગ છે ઈ ભગવાનમાં દાસ, ભાઇ, નોકર, ચાકર, પત્ની જેમ વળે એમ વાળ્યો વળે એવું હેત કરે. એ પુરુષ નર, બાળક, યુવાન, નર-નારી બધા તરી જાય છે. ભગવાન કેમ રાજી થાય એ કરતાં તો આવડવું જોઇએ ? ન આવડે તો રાજી ક્યાંથી થાય ? દેહદર્શી છે ઈ પોતાના જેવા સંસારી ભગવાનને પણ સંભારી જ દેખે, તો ઈ લાભ ન લઇ શકે. પણ ભગવાનને એમ સમજે કે ભગવાનની ક્રિયા બધી મોક્ષ આપનારી છે, ભગવાનનું જળ પીવું, ભગવાનનું ભોજન ખાવું, ભગવાનનું રમવું, ભગવાનનું ભેંટવું, ભગવાનનું સૂવું, બેઠવું, ઊંઘ લેવી, બોલવું, જે કાંઈ સ્પર્શ કરવા તે ભગવાનના બધાય અક્ષરધામ આપે એવા છે. દિવ્ય છે, ચમત્કારી છે, સાકરનો ગાંગડો બધી રીતે ગળ્યો જ છે. આમ ભગવાનના પ્રત્યે પોતાના ભક્તે સમજવું.

ભક્ત કેવા કેવા સ્વામિનારાયણ પ્રભુ પાસે થઇ ગયા ? પ્રેમાનંદ સ્વામી પુરુષ હતા. છતાં પ્રેમસખી. સખીપણે એમણે પુરુષોત્તમ નારાયણને સેવ્યા. આ જીવ બધા જ સખી જ છે. માયા માટે જ આવે છે માટે માયાની સખીઓ, એનું નામ જીવ. એ સખીઓ બધીયું જો ભગવાનને મુક્ત તરીકે ભજવા માંડે તો એ બ્રહ્મધામના વતની થાય છે. થોડી ચીજ વડે કરીને મોટો લોક જીતી જાય. રાજાને તરસ લાગી, કોઇ પાણી પાવા ગયો, ગ્લાસ પાણી પીધું તો આખું ગામડું આપ્યું. એમ રાજાધિરાજ એવા ભગવાન તેને જે મરજી થઇ એણે જરાક એક આની, બે આની પણ આપી તો ઈ ભગવાન પોતાનું અક્ષરધામ એને આપે છે કારણ કે આ ભક્ત મારું કહ્યું કરે એવો છે, ત્યાં મારે સેવાની જરૂર છે, સેવા સેવકો કરે છે એમ કરશે. એવા ભક્તને સાથે રાખે છે. માટે બાળક, યુવાન, વૃદ્ધ, નર-નારી, કુમાર-કુમારી, ભણેલા, અભણ, ધનાઢ્ય, અધનાઢ્ય, કમાતા મજૂર, સારાવાના, ખેતીવાડી, વેપારી, તમામે એમ સમજવું કે ભગવાન આપણાં પ્રાણપતિ છે, આત્મપતિ છે, દેહપતિ છે, સર્વ રીતે આપણા પતિ છે, તે આપણને પાળે છે, આપણે એની સેવા કરવી છે. તે ભગવાન જે રીતે રાજી થાય ઈ રીતે સેવા કરતી રહેવી અને ભગવાનને ઓળખવા, ભજવા અને બ્રહ્મલોકમાં જાવાની તૈયારી રાખવી. જે દિ’ લઇ જાય તે દિ’ વયું જાવું. આ લોકનું બધું ય ખોટું છે એમ સમજી રાખવું.