પૃથ્વીમાં સમય-સમય પર ભગવાનનું કાર્ય - શ્રીકૃષ્ણએ ભોમાસુરનો મોક્ષ કરી 16,108 પટરાણીઓ પ્રાપ્ત કરી
ભગવાનને અનેક રૂપ ધારણ કરવા પડે છે, પોતે એક છે પણ ભક્ત અનેક છે માટે. અવતારો ઘણાય થાય છે અને એનો મેળ નથી. સાત્ત્વિકમાંથી ભગવાનની ભક્તિ કરનારો જીવાત્મા ક્યાંક વધારે જો પવિત્ર થાય, પાત્ર થાય, તો ભગવાન એની પાછળ ફરે છે. છપૈયાથી પરબારા અહિંયા કેમ ન આવ્યા ? અને ક્યાંક અરણ્યોમાં ફરવા ગયા એવી શી જરૂર પડી ? તો આપણે તો દોઢસો બસો વરસો થયા અને એમાં ક્યાંય તપ કરવાનો તો મોકોય નથી મળતો. નવ લાખ જોગી નવલખા ડુંગરામાં કેટલાય યુગથી તપ કરતાં હતાં. નવ લાખ તો કુંડ હતા પાણીના. બીજા નવ લાખ પાણીના ટાઢા ને ઉના. ત્રીજા નવ લાખ કુંડ અગ્નિ દેવના એની મેળે પ્રગટ થયા કરે, લાકડું ય ના નાખવું પડે. એમાં જેવી રુચિવાળો જોગી એવી રુચિવાળો તપ કરે. કોઇ ઊંધે માથે લટકે ટાંગા બાંધીને, કોઇ ઊના પાણીમાં બેઠો રેય, કોઇ ઠંડામાં બેઠો રેય. ઝાઝામાં ઝાઝી જે માગણી કરે ઈ ઉદર તો અડખાં પડખાનાં ઝાડવાના કૂંપળા ખાઇ ખાઇ જેટલો વખત નીકળે એટલો જાવા દે. તે દિ’ લખેલું કે એક કૂંપણ ખાય તો એક વર્ષ વયું જાય, તો ય ભૂખ ન લાગે. અહીં દસ રીંગણાના શાક ખાઇ જાવ તો ય સાંજે ઓળો જોઇએ. ઓના તપને અને આના તપને કેટલો ફેર ? ઇ નવ લાખ યોગી આગળ થયેલા અવતારો એને ઓળખતા હતા.
સત્યુગમાં તો ઠીક હતું પણ ત્રેતાયુગમાં તપશ્ચર્યા છે ને એનાથી ભગવાન રાજી થાય. માટે એ લોકો તપશ્ચર્યાને રસ્તે ચડ્યા હતા. ક્યાંના હતા ? અને કેદિ’ના હતા ? એ તો હવે સૃષ્ટિઓમાં લખાયેલા છે. કોઇ બ્રહ્માના પદ્મ દિવસના સાથે વરાહ દિવસના. એક દિવસમાં એકોતેર ઇન્દ્ર મરી જાય એવડા લાંબા દિવસ અને દિવસનું નામ કલ્પ. સોમ, રવિ, મંગળ એમ પાંચ-સાત દિવસ કલ્પ્યા એના નામ પાડ્યા, એના બે જુદા જુદા નામ હતા ઇ જુદા, એવા એકોતેર ઇન્દ્ર મરે ત્યારે દિવસ થાય. એક દિવસમાં ભગવાન સવારના પહોરમાં પ્રગટ થયા હોય ઈ એનું નામ દિવસનું. આ દિવસ થયો આ ચાલુ. ત્યારે પૃથ્વી દેવી પાણીમાં આવ્યા તો ખરા પણ ડૂબ્યા એટલે ભગવાને વરાહ રૂપ લીધું અને પૃથ્વીને ઊંચી ઉપાડી એટલે પૃથ્વી કન્યારૂપે થઇ ગઇ. પછી પૃથ્વી કહે, મારી રક્ષા તમે કરી તો હવે કાયમ રક્ષા કરજો. પછી પૃથ્વી ભગવાનને વર્યા, વરાહ ભગવાનને વિવાહ કર્યા પૃથ્વીને. પૃથ્વી થઇ પત્ની. એને સાત મનવંતર વયા ગયા, આપણે બેઠા છીએ ઈ વખતે. સાત મનવંતર એટલે સીતેર સત્તા સત્યુ સત્યુ ઓગણપચાસ. ચારસો ને નેવું, એટલા યુગ ગયા, ચારસોને નેવું યુગ. વરાહ ભગવાન પરણ્યા એને. અને વરાહ ભગવાનનો દીકરો પૃથ્વીનો દીકરો થયો ભોમાસુર. ભૂમિ એટલે પૃથ્વી. ભૂમિનો દીકરો ભોમ. અને ભોમ એટલે મંગળ, લાલ તારોળિયો. ઈ પૃથ્વીનો દીકરો છે. આનો કટકો. આનો દીકરો, અને જન્મ્યો પૃથ્વી ઉપર ત્યારે એનું નામ પડ્યું ભોમાસુર. અસુર કેમ ? તો કે જ્યાં કણે ભગવાન હોય ત્યાં કણે આડો હાલે. બધે આડો હાલે. એને ત્યાં મોટો નગારો હતો, આ ઓરડાથી મોટો હશે. એક મકાનથી મોટો હશે, એને અડખે પડખે જ્યારે સૈન્ય આવે ત્યારે ઇ નગારો ધડ ધડ વાગવા માંડે. એની મેળે. ત્યારે તેનું લશ્કર તૈયાર થઇ જાય લડવા વાસ્તે, પોતે ત્યાર થઇ જાય. એની પાસે કોણ જાય ? ઇ ધરણીનો દીકરો ભોમાસૂર એને આટલા યુગ હતા ચારસો ને નેવું યુગ તો વયા ગયા.
બર્માનો રાજા હતો બ્રહ્મદેશનો, એનો એ રાજા હતો. એણે એવું કામ આદર્યુ કે હું વરાહનો દીકરો છું ને મારી મા ક્યાંય ડૂબી જતા’તા એને આ ભગવાન ઉગારી આવ્યા અને એ ભગવાન થકી હું જન્મ્યો છું તો મારા જેવો કોઇ નથી. એ રૂપ ધારણ કરે. ત્યારે હવે આપણે ગિરનારની ઉપમા આપી પણ તે દિ’ તો મેરૂ-મુરૂ ઉપમા આપી એવા મોટા રૂપ થાય. એવો થાય ત્યારે એક કૂદકો મારે તંયે ઇ ચંદ્રમા સુધી પોંચે ને ? એક જ કૂદકે. આકાશ માર્ગમાં હાલ્યા જાતા હોય તો વાંહે પચી પચાસ તારોળિયા ખેંચાઇ જાઇ. પાંચ પાંચ પચીસ, પચીસ હજાર ગાઉથી આઘા હોય ને લાખ લાખ ગાઉથી ત્યાંથી તણાય, ખેંચાઇ જાય, ઊભો રહે ત્યારે એના વાંસામાં ભટકાય એવડો. ઈ ભોમાસૂરે પોતાના બળથી ભગવાનપણાના બળથી આ એક પૃથ્વી એટલે એક રાજ્ય એવા જેટલા ગ્રહ છે આકાશમાં ચારેકોર ભર્યા છે. આપણે રાત્રે દેખીએ એટલે એમ થાય કે આ માથે આટલા છે પણ એક દડાના દસ ભાગ કરીયે ત્યારે સરખા થાય. તો એક દડો દેખાય છે. નવ દડા તો આપણે દેખતા નથી. ઇ બધાય માં જાતો, કોણ ? ભોમાસુર. અને ત્યાંનો મોટામાં મોટો રાજા હોય ને ત્યાં જઇને પડકારો મારે. હું વરાહનો દીકરો ભોમાસુર, તમને જીતવા આવેલો છું. મારે બહાર નીકળો ને લડાઇ કરો અને કાં અમારે આધીન થાઓ.
ઇ કેવો હનુમાન કરતાંય જબરો થયો ને ? હનુમાન તો આમાં ને આમાં દોડીને પાછા બેસી જાતા. ઓલ્યો તો ત્યાં અંધકારમાં આકાશ માર્ગના અંધકારોમાં જાતો. ઇ આકાશમાં અમાસને દિવસે અંજવાળું દેખાય છે ઇ સુર્યના કિરણોનું, સૂર્યનું નહીં. બહુ મોટું અંધારું. અંધારાની પાર સૂર્યની માળા છે અને ઇ સૂર્યના તેજનો જબરો ધોધ ઇ જેની કોર જાય છે ઇ ધોધ આખો સોંસરવો દેખાય છે આ સૃષ્ટિમાં. બધાને દેખાય આપણે દેખીએ જે દિ’ અમાસે નીકળે અંધારૂ તે દિ’ દેખાય એમ દેખાય. પણ ક્યાંથી ક્યાં જાય છે એ આપણને આંખ્યું ન પહોંચે. પછી ક્યાં જોવાનું રહે ? ઇ મોટો ધોધ સૂર્યમાળા. આમ ચક્ર જબરું એની અંદર હજારો સૂર્ય ઉગેલા છે એનું એ અંજવાળું. ઇ અંજવાળું બેટરીથી આમ દૂર પડે તો બેટરીમાં જોર હોય એટલે સુધી જાય. પછી અંધારું થઇ જાય. એમ ઓલા સૂર્યનું જોર કિરણોનું જેટલું હાલતું હોય એટલે સુધી અંજવાળું બ્રહ્માંડોમાં ગયું. જ્યાં જઇને અટકી જાય ત્યાં અંધારું થાય, ઇ જ્યાં અટકી ગયું છે ત્યાંથી આપણી પૃથ્વી ઉપર પહોંચે એને ત્રીસ હજાર વર્ષ લાગે ત્યારે અહિંયા પહોંચે. જો ત્યાંથી આઘું મોકલે તો ? માટે ઇ અંજવાળું અટકી ગયું તો આ બીજા સુર્યની જરૂર પડી. આ સૂર્યને પાછા ગ્રહ ચારેકોર છે. એના અંજવાળા એને મળે. ભોમાસુર ઇ સૂર્યમાં ગયો. પૃથ્વીનો દીકરો. ના કોણ પાડે ? અને પરમેશ્વર વરાહ ભગવાન આખી સૃષ્ટિને જે હાથ ઉપર ઉપાડે એવા જબરા. એટલે કાં લડાઇ આદરો કાં રાજ દઇ દયો. બધાય કહે લઇ જાને ભાઇ અમારે શું કરવું છે ? કરવેરા ભર્યા કરશું. અહીં જીવવા તો દઇશ ને ? તો કહે હા. તો કે પછી વેતો થઇ જાય.
હવે સૃષ્ટિને જીતી લીધી તે પછી એને રહેવું ક્યાં ? એમ સૌ સૌના વ્યાસ સૌ જુદું જુદું લખે. આપણી પૃથ્વીના વ્યાસો થઇ ગયા છે તેણે લખ્યું કે પરાગ જ્યોતિષ નામનો પૃથ્વી ઉપરનો દેશ, ત્યાં એણે બંગલા બનાવ્યા. ઇ બર્મા. આ રંગુનબર્મા. ત્યાં હીરાવતી નદી. ઇ હીરાવતીના કાંઠે એના બંગલા. ત્યાં એને ફાવ્યું. બીજે ન ફાવ્યું. ત્યાંનો રાજા ગણાણો. એને મૂછું કેદિ’ ઊગી અને કેદિ’ ધોળી થઇ ઇ તો ક્યાંય લખ્યું જ નથી. ચારસોને નેવું ઇન્દ્ર જીવે એટલો લાંબો ઇ જીવ્યો, મર્યો નહીં. એક દિવસમાં ચૌદ ઇન્દ્ર મરે એવા ચારસોને નેવું મરે એટલો જીવ્યો. એને આવરદા માંગવા જાવું પડ્યું ક્યાંય ? પછી જ્યારે જીતીને પાછો વળે ને ત્યારે ભેટ ધરવી જોઇએ. ત્યારે ઓલા સમ્રાટો જે જે ગોળાના છે એ ભેંટ ધરે. એટલે સોનું રૂપું તો આંહિનું છે, પૃથ્વીનું. એને હીરા ને રત્નો ને અને એની હારે રાજકુમારી, એની હારે હાથી, એની હારે ઘોડા, એ બધું આપીને વળાવે એટલે પછી ફરીવાર પાછો કોઇ દહાડો લૂંટવા ન આવે. બોલો પૃથ્વીમાં આવો જબરો થયો અને એવા બે બીજા થયા મધુ અને કૈતભ બે ભાઇ. મેરું પર્વતનીય બેય કોર ફરે. બેય જણા ગદા ઉપાડી ઉપાડીને મારે. મેરુને મારે. દેવના સ્થાન છે ઇ પણ કંપે. ઉડીને આઘા વયા જાય. ક્યાંક તૂટી પડશે, મધુ અને કૈતભ. ઇ પુરાણોમાં લખાતું આવે છે મધુસૂદન એટલે મધુને મારનારો અને કૈતભારી એટલે કૈતભનો શત્રુ ઇ ભગવાન. હવે એવા જબરા અસૂરો થયા એ માંહિલો આ તેદિ’નો કોટીનો.
જ્યારે સૃષ્ટિના આદિ સ્વરૂપો ચાલુ થયા તે દિ’ એવો ને એવો દાખલો આગલા દિવસનો મોટો પ્રલય થયો, ત્યારે ભગવાને એક વહાણ બનાવ્યું. અહીં વહાણ દસ હાથનું હોય. પણ ઓલું વહાણ તો હશે હજારો ડુંગરાઓ સામી જાય એવું. ઇ વહાણ બાંધ્યું કોણે ? સમુંદરમાં ડૂબી જાય તેટલે પોતે માછલો થયા સાંજે. માછલાનાં શિંગડા જબરા. એની વચ્ચે સાચવ્યું. બાંધી દીધું. સાંજથી સવાર સુધી મહાપ્રલયમાં જીવે. વરાહનો અવતાર થયો ત્યારે ઇ માછલો મટ્યા અને વરાહ થયા. ઇ વહાણ શું કામ બાંધ્યું તું ? તો કે આગલી સૃષ્ટિનું બધું બીજ દુનિયાનું ઇ વહાણમાં સંઘર્યુ નાનું નાનું. આખી રાત એને સાચવ્યું અને સવારે વરાહને સોંપ્યું. એમાં વૈવશુત નામનો મનુ પેલો પેલો દીકરો છે ઇ રાજાનો વૈવશુત મનુ એને એણે આ આખી સૃષ્ટિમાં પાછા બી નવા રોપ્યા. ચોરાસી લાખ જાતની સૃષ્ટિ. ઇ રાજા જેને વહાણ સોંપ્યું’તું ઇ રાજાનું નામ સત્યવ્રત. સત્યવ્રત રાજા આગલી સાંજથી ચાલ્યો, વહાણમાં બેઠો અને બીજે દિ’ સવારે બી સોંપીને પછી મર્યો. ઇ રાત કેટલી લાંબી ? ચારસોને નેવું યુગ વયા જાય તેટલી. તે સતયુગની ચારસોને નેવું યુગ એટલી રાત્રિ અને ચાસરોને નેવું યુગનો દિવસ. ઇ થયા રાત્રિ દિવસ ત્યારે બ્રહ્માજીને એક રાત દિવસ થાય. એમાં બે ત્રણ વાર ભોજન લ્યે. આ ઇ સત્યવ્રત રાજા પણ એટલું જીવ્યો વહાણ સાચવવા. ત્યારે ભગવાને એણે પુરાણની કથાઓ કહી ઇ કથાનું નામ થયું મત્સ્યપુરાણ. માછલારૂપે રહી અને રાજાને બોધ આપ્યો ઇ થયું મત્સ્યપુરાણ. અઢાર પુરાણ માંહિલ આ. આ વ્યાસ ભગવાને મત્સ્યપુરાણની ટૂંકમાં કથા લખી.
એવા મધુ અને કૈતભ થયા. એવો ભોમાસુર જે જ્યાં જીતે ત્યાંથી એક કન્યા લઇ આવે, જ્યાં જીતે ત્યાંથી એક કન્યા લઇ આવે અને રાજા ભેંટો આપે એટલે ફરીવાર આવે નહીં, લડાઇ થાય નહીં. આપણું લઇ નો જાય. આ એવી એને કેટલી કેટલી યુદ્ધની સ્થિતિમાં સોળ હજાર કન્યા ભેગી કરી બર્મામાં બ્રહ્મદેશમાં. ઇ સોળ હજાર કન્યાની આવરદા કેટલી હશે ઇ ખબર છે ? જે દિવસે લઇ આવ્યો તે દિ’ તો સાચી, જે દિ’ ઉપાડી આવ્યો હોય તે દિ’ તો સાચી પછી કેટલા યુગ ગયા હોય. પચીસ હજાર, પાંચ હજાર, દસ હજાર, બે હજાર એટલી આવરદાવાળી તો હોય ને બધ્યું. આ સતાવીસમો યુગ પૂરો થયો. અઠાવીસમો લાગ્યો. તો પણ ભોમાસુરને કોઇ મારી શક્યું નહીં. મારવાને વાસ્તે બ્રહ્માએ યજ્ઞ કર્યો ગંગાજીને કાંઠે. યજ્ઞમાં ભગવાને બ્રહ્માને કહ્યું, તમે માંગજો પણ એવું માંગજો આવડા આને મારે એવું ભોમાને. ભગવાનના દીકરાને ભગવાન મારે, બાકી મરે એવો નથી. તો કહે ઠીક ઇ ગોઠવશું. જેમ આપણા નારણધરે જગન કર્યા’તા આગળ, એવી રીતે લક્ષ્મણ ઝૂલામા જગન કર્યા અને ઇ જગનમાં થોડીવાર લાગી બ્રહ્માને ને ઓલી દેવીઓને આવતા એટલે બ્રહ્માને વિષ્ણુ ભગવાન કહે, ઓલી કાળના મોઢામાં આહુતિ પડશે હમણાં માટે બહુ જલ્દી હવન કરો, તો બોલાવી ઓલી બધયુંને. તો ઓલી ગીત ગાતી ગાતી અને ટીલા ટપકાં કરતી, ફલાણી ન આવી ને વો ન આવી ને ગાતી ગાતી જાય. દેવતા અકળાણા કે આ બ્રહ્માંડનું કામ છે અને પેલો દિવસ છે, આમાં હવે શું કરશું ?
વિષ્ણુ ભગવાન કહે, હું કહું એમ કરો. આમાં તમારે કોઇને ગતિ નહીં કે શું કહ્યું ? તો કહે આ અડખે પડખેથી કોઇ જોવા ભેગો થયો છે વર્ગ અને ઇ જંગલી ઝાડવામાં રહેનારા છે બધાય. હજી ચાલુ સૃષ્ટિ છે. માટે એક નાની કન્યાને ઉપાડીને બેસાડી દયો બ્રહ્માને પડખે. ઇ ઉપાડી ને બેસાડી દીધા બ્રહ્માને પડખે. અને ગળામાં નાખી દીધી માળા બેયને. અને દેવતાના ગોર બૃહસ્પતિ. એ બૃહસ્પતિ માંડ્યા બોલવા કે સહ ધર્મમચલેતામ, વીંટી હારે પેરેતામ. એમ બોલી ચાર અંજલિ નખાવી દીધી અગ્નિમાં ઘી ની ત્યાં ઓલું મુહૂર્ત હતું ઇ સચવાય ગયું. બે મિનિટ રહી હજુ. ત્યાં ઓલિયું ગાતીયું ગાતીયું આવીયું. ટીલા ને ટપકા કરી કરીને ત્યાં તો એની અડખે દેખાઇ બેઠેલી. ઓલિયું ખીજાણિયું બધિયું માંડિયું દેવતાઓને જેમ આવે એમ સોંપાવા. ઓલ્યું તો ઠીક જેની છોડી ઉપાડી’તી ઇવડા ઇ ગોવાળિયા હતા. એ લાકડિયું લઇને થયા ઊભા. મારો આવડા આને. આપણી દીકરી કેમ ઉપાડી જાય ? ત્યાં તો ચારેકોરથી ઝઘડો ઘરમાં ય ઝઘડો અને બારેય ઝઘડો. હવે ઇ તો થયું તો થયું પણ મુહૂર્ત તો સચવાઇ ગયું કહે છે. તો ભલે ઇ કામ કર્યુ. તો હવે શું કરશું ? તો કે ઓલા લાકડિયું વાળાને પેલા શાંત કરો પછી આ બધિયું તો ઘડીક ગાળ્યું દઇને બેસી જાશે. ઇ જેટલા દેવોની સ્ત્રીઓ હતી ઇ હજુ ડખો કરે છે ને ત્યાં ઓલા ગોવાળિયા આવ્યા એને કહી દીધું વિષ્ણુ ભગવાને કે મારું એટલું માનશો ? તો કહે હા. આને મારો માં. બ્રહ્માને હો. હા બાપ દાદા પણ ઇનો વાંક નથી, વાંક મારો છે તો મને દંડ દો કંઇક. તો કહે દંડ શું ? તો કહે માંગો ઇ આપું. એમાં દંડમાં હોય શું બીજું. તો કહે બ્રહ્માની પડખે તમે બેસાડી દીધી તમે અમારી ગોવાળિયાની દીકરીને ઇનો વંશ થાય, ઇ વંશ ગોવાળિયાનો વંશ ગણાય અને ઇ ગોવાળિયાના વંશમાં તમે જન્મો, અમારા વંશમાં. આ જોયા ને બધા ય આહીર ભરવાડ જે ગોપીઓ, ગોવાળિયા એણે આ વરદાન માગ્યું કે, અમારા વંશમાં તમે જન્મો એટલે અમારા હજારો વંશ મોક્ષમાં વયા જાય. તો કહે જા તથાસ્તુ. પણ મારે ટાણું આવશે તે દિ’. હજુ આ સૃષ્ટિમાં ઘણા કામ છે. તે દિ’ નક્કી કરી દીધું એટલે ઓલા શાંત થયા અને એ બધાયને વેવાઇ વેલા બનાવ્યા અને ટીલા-ટપકા કર્યા ને, ખવારયાને, જમાડ્યાને વયા ગયા. અહીં શું થયું ? ઓલી જે નવી કન્યા બેસાડીને હવે બ્રહ્માની જોડ થઇ અને નવા થ્યા ત્યારે બ્રહ્મા પાસેથી કાંઇક વરદાન તો મળવું જોઇએ ને ? હાથઘરણાંની રીત તો છે. કાં વરરાજા તરફથી મળે અને કાં સામાથી મળે માંડવાથી પણ દે તો ખરાને કંઇક.
આ રીતે બ્રહ્માએ વરદાન દીધું કે, આ છેવટની કન્યા છે એનું નામ ગાયત્રી. ભરવાડની દીકરી, બ્રહ્માની પત્ની. નામ પાડ્યું ગાયત્રી. પણ ઓલી સાવિત્રી હતી એ રહી ગઇ. માટે આળસુ ઘરવાળી હોય તો ત્યાં ઘર લૂંટાઇ જાય. ઇ મોટો દાખલો. પછી ઓલા કુળ કુટુંબ હોય ઇ લટકી રહે અને ઓલો વરરાજો છે એનું કામ સાધવા સારું થઇને મંડે ભાગવા કે પછી એની મેળે ભેગું થાશે. આ ઇ ગાયત્રી. તો આ ગાયત્રીનું શું કરશો ? તો કે ઇનો મંત્ર કરું ‘‘ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સ વિતુવર્રેણ્યમ્ ભર્ગો દેવશ્ય ધીમહિ ધીયો યોનઃ પ્રચોદયાત્’’ સૂર્યની દીકરી સાવિત્રી, ત્યારે આ ગોપની દીકરી ગાયત્રી. સાવિત્રીનો મંત્ર ગાયત્રીને અપાણો. આખી દુનિયાના ગુરુ ગોર, બ્રાહ્મણ, શાસ્ત્ર બીજા ત્રીજા સવારના પહોરમાં “ૐ ભૂર્ભુવઃ સ્વઃ” ગાયત્રીનું ભજન કરે. ગાયત્રી જપે. આટલું એનું પૂરું કામ કરી અને પછી ભગવાનને બ્રહ્મા કહે છે કે, હવે બીજા કામ કરવા તમે કેદિ’ આવશો ? તો કે તમને હું બતાવું. ઓલો બર્મામાં હજારો ગોળાઓને સંઘરીને બેઠો છે. એને મારા વિના કોઇ મારે એમ નથી. માટે હું જે દિ’ ટાણું આવશે તે દિ’ આવીશ. ત્યાં સુધી વાટ જોજો. તો ઇ લોકોને તો કાળ લાંબો હોય તો ય ઠીક અને ટૂંકો હોય તો ય ઠીક. તે આઠ મનુ મરી ગયા, આઠ. આઠ મનુ મનવંતર તે આઠ સત્તા છપ્પન જુગ થયા. આટલા જુગ ગયા ત્યાર પછી વિષ્ણુએ નક્કી કર્યુ કે, હવે મારે પૃથ્વીમાં જાવું. પછી એની આખી કથા સંહિતામાં છે કે, એ વખતે કોણ થયાં અને ભગવાને એને ના પાડી. હું એક અવતાર એવો લઇશ કે આખી દુનિયાનું હાલરડું મારે ત્યાં ભેગું કરીશ તે દિ’ તમને મારા દર્શનનો યોગ થાશે ત્યાં સુધી નહીં. એ શ્રીકૃષ્ણ ભગવાનનો અવતાર વાસુદેવ દેવકીને ઘેર થયો. એને ત્રણ જણા ભેગા થઇ ભીમ, અર્જુન અને કૃષ્ણે બ્રાહ્મણનો વેશ લીધો ટીલા કર્યા, ધનુષ કામઠા તો હતા હારે પણ તે દિ’ બ્રાહ્મણો પણ ધનુષ કામઠા રાખતા.
પછી ભોમાસુરને ત્યાં ગયા ત્યાં ઓલો નગારો માંડ્યો વાગવા ધડ ધડ ધડ ધડ એટલે ઊંઘ વઇ ગઇ. તે ઓલા ભોમાને ખબર પડી કે કોઇ જબરા આવે છે. કોઇ દુનિયામાં એવો નથી કે મારો નગારો વાગે. ઇ નગારો કહે છે ખબરદાર રેજે. નીકળ્યો બારે જોયું ત્યાં ત્રણ બ્રાહ્મણ. આટલા યુગ ગયા પછી અને ઓલો બગીચો તો સોળ હજારનો એમ ને એમ રખડે છે હજી. એને એમ હતું કે દુનિયામાં એકવાર પરમેશ્વર જે કહે છે કે હું અવતાર લઇશ એને સોળ હજાર એક સો ને આાઠ પટરાણીઓ હશે ઇ આગળથી ચાલ્યો આવે છે ઇ મારે એવું ભગવાન થાવું છે. તે આઠ હજુ બાકી હતી સોળ હજાર ભેગી કરી ત્યાં કૃષ્ણ પહોંચ્યા. નગારો બોલતો હતો. એમાં અવાજ આવ્યો - ભિક્ષામ્ દેહિ રાજન, ત્રણેય જણા કહે. તો ઓલો કહે છે, વાંસડા જેવા લાંબા ખંભે યજ્ઞોપવિત જનોઇવાળા, હાથની આંગળિયું ધનુષની દોરડીથી ઓલી રેઢી થઇ ગયેલી, કામઠા છે ને વળી ટીલા કર્યા છે. આ આવા વેશધારી તમે કોણ આવ્યા ? મારું નગારું એમ કહે છે કે કોઇ આવે છે. મારો નગારો અમથાની હારે નો બોલે. માટે તમે કોક જબરા છો. તો કે જે છઇએ ઇ છઇએ, ભિક્ષા દે. વિચારમાં પડી ગયો, બોલો ઇ આપી દઉં. તો કે અમે ભૂખ્યા નથી. તે કહ્યું કે આંગળિયું કેમ બધી રાંઢવા રાંઢવા થઇ ગઇ. અમે ભિક્ષા માંગીએ છે યુદ્ધની. અમારી સાથે લડાઇ કર. ઓલો પાછો ન પડે. જાવ તૈયાર થાવ, આપું છું. એણે બિંગળ વગાડ્યું તે જેટલું લશ્કર હતું ઇ બધું જોવા ચારેકોરથી તૈયાર થઇ ગયું. બિંગળ વગાડવા એની ગદાને ઓલા મધૂ અને કૈતભ હતા ઇ ઉપાડે તો દબાઇ જાય હેઠે હાથ એવડી તો ગદા. ઇ કેવડી હશે ? આપણા ડુંગરા ગિરનાર જેવડો તો ઇનો હાથો હશે તો ગદો કેવડો હશે ? હા ઇ ગદાને લઇને નીકળ્યો ભોમાસુર. ગદા માંડ્યો ફંગોળવા. ફંગોળવા માંડ્યો એમાં પવન ફંગોળાઇને વાંસે કેમ માખ્યું ને ભમરા ખેંચાઇ જાય એમ ઓલા તારોળિયા આકાશમાં હતા ને ઇ આની ગદાના ફંગોળાવાથી એની વાંસે પવનમાં ખેંચાણાં. માંડ્યા ધડાધડ ગદામાં લાગવા ટૂટવા. ઇ ગદા ફંગોળવી બંધ કરી કે હવે લડાઇ આદરો. તો એનું નામ બાહુ યુદ્ધ, ઓલા મલ લડે ને ? ઇ આહાહાહા પકડી રાખજે હો ક્યાંક આપણે બેય પડશું. ફડાકો મારે એની જેમ ભોમાસુરે આમ ફડાકો માર્યો ને સૂર્યનારાયણ કોઇ દિ’ હલતો નથી ઇ હલી ગયો. સૂર્ય હલે એટલે એના કિરણો બધા હલે. ઇ બધા હલે એટલે ગ્રહ આખું ચક્ર હલી ગયું.
પૃથ્વીનો કોપ થયો કે શું આ અને પછી ખડ ખડ ખડ ખડ હસ્યો. ઓલો ફડાકાથી તો હલી ગયું બધું’ય પણ ખડ ખડ ખડ ખડ હસ્યો તો બ્રહ્માંડમાં જ્યાં વામનનું જે પગલું અડ્યું હતું ત્યાંથી અવાજ ઉપર વયો ગયો. ભગવાનને એમ થયું કે, હવે પૃથ્વી ઉપર ઓલો છોકરો છોડી આવ્યો છું, એના અવાજ સિવાય આવો ધડાકો કોઇ નો ન હોય. અને ઇ ભગવાને તરત કૃષ્ણની માંલિકોર સોળ કળા મેલી. શ્રીકૃષ્ણ ઇ વખતે નહીં તો બાર વરહના ગણાતા અને નાનું એવું રૂપ હતું. ઇ આવી ત્યાં કૃષ્ણનું રૂપ છે ઇ આમ બાહુની ભૂજાનો ફડાકો કર્યો ને તો ભોમાસુરના નગારાનું પડ હોય ને ઇ તૂટી ગયું આ કૃષ્ણના ફડાકાથી. હજુ લડવાનું તો આઘું હતું. તંઇ ભોમાસુરને એમ થયું કે હવે હું મર્યો. મારું નગારું એના ફડાકાથી તૂટી ગયું તો એની ગદા મને વાગશે તો શું થાશે એમાં ? પછી કહે હવે વચન આપી ચૂક્યો છું માટે લડો. પછી ગદાએથી લડ્યા, લડીને ભીમડો થાકી જાતો હતો. આને મારવો કઇ રીતે ? પણ એક રાક્ષસણીનું એને વરદાન હતું ઇ જરાસંઘનું લખાઇ છે પણ આ ભોમાસુરને હતું એના ફાડા કરો તો ઇ ભેગા થઇ જાય જીવતો થઇ જાય. કૃષ્ણ ભગવાન કહે, હવે જાલવા તો દે. આમાં અઢાર દિવસો લખ્યા છે, ઓછું જેમ મહાભારતનું છે એમ. પણ કોણ જાણે કેટલા દિ’ હાલ્યું હશે યુદ્ધ ? ભીમડો બેઠો બેઠો કહે છે મામા કાલે હું મરી જઇશ. હેં હેં કાલે મરી જઇશ. કૃષ્ણ ભગવાન કહે, નહીં મૂકવા દવ તું રોય છે શું કામ ? તો કે ઓલાએ મારા હાડકાં ભાંગી નાખ્યા છે હવે આમાં કાંઇ સાજું નથી રહ્યું. તો કૃષ્ણ કહે, પેલો તું યુદ્ધમાં ઉતરજે. હું બાંકડે બેસીશ તારા વારામાં મારી સામે જોયા કરવું. હું પગ વડે સળી ઉપાડું અને હાથ વડે આમ કરું દાંત ખોતરું. તારે એમ જાણવું એવડા ઇ ના બે ટાંગા પકડી ચીરી નાખવો. અને એક ટાંગો પગ હેઠે રાખજે અને બીજો ફેંકી દેજે ભેગા નહીં થાવા દેજે અને વચ્ચે ધૂળનો ઢ^ફો કરી દેજે એટલે બેય ભેળા નહીં થાય. એવું વરદાન હતું. શિવનું બાણ વચ્ચે કરી નાખવું એટલે ભેગા જ નો થાય. ભોમાસુરને ઇ રીતે માર્યો.
પછી બગીચામાં ગયા ત્યાં સોળ હજાર રાજા કેદમાં હતા ઇ બધાય ઓળખાય નહીં કોઇ. એના દાઢી-મૂછ બધા કઢાવ્યા અને રાજાનો વેશ પહેરાવ્યો ત્યાં ને ત્યાં. ભોમાસુરનો છોકરો હતો ઇ ભગત હતો તો એણે બધું કાઢી દીધું અને ભગવાને એના બગીચામાં ફરી ફરી બધા રાજાઓને તમે ક્યાં ક્યાંના રાજાઓ છો ? ઇ જ્યાં જ્યાંના હતા ત્યાં ભેગો દૂત મોકલી બધા રાજમાં મોકલી દીધા અને પછી બર્મામાંથી કન્યાઓ ભેગી કરી’તી. ઓલા રાજાઓએ કહ્યું કે હવે અમે શું તમને ભેટ આપીએ ? તો કહે કાંઇ જોતું નથી. ઓલો ભગાડી ભગાડીને લઇ આવ્યો છે ઇ બધી પલટણ હું લઇ જાઉં. ઇ સોળ હજાર ઉપાડ્યા બર્મામાંથી અને દ્વારકાના ટાપુ ભેગા કરી દીધા અને ભોમાસુરને ઠેકાણે કર્યો. આમ જ્યાં કામ કરવું ઘટે છે ત્યાં એવું ય કરે અને મથુરામાં પાંચ ગદા મારે તો બધું ય ભાંગી જાતું એટલે ત્યાં કાંઇ ન કર્યુ શું કામ ? તો કહે જે ભૂમિમાં જન્મ્યો હોય ઇ માતૃભૂમિ છે એને ન મારવી. એની રક્ષા કરવી. ગોવાળિયાએ ગિરધરે અને અહીંયા કાંઇ ચમત્કારની બહુ જરૂર નતી પછી પરણવું હતું ત્યારે થોડોક ચમત્કાર બતાવ્યો. ઓલાની મૂછ મૂંડીને, ઓલાને માથામાં માર્યોને એમ તો ઘણું ય કર્યુ. બધુંય પછી ધીરે ધીરે, ધીરે ધીરે ઇ કૃષ્ણ દ્વારકાના કૃષ્ણ કેવાણા. પછી જેવા અવતારો પણ ભોમાસુરને મારવો’તો ઇ જીવ્યો કેટલો ઇ જોવો. આઠ મનવંતર આઠ મનુ મરી જાય, આઠ સૂર્ય વયા જાય એટલું તો ઇ જીવ્યો પૃથ્વી ઉપર. એટલે ક્યે વખતે શું કામ કરવા છે ? એ તો નારાયણ નો નારાયણ જાણે પણ એની ઉપર આવી પડે તે ચારેયકોરથી આવી પડે તે દિ’ પોતે એમ જાણે કે બાણની વૃષ્ટિ થાય ખરેખરી. ગદાઓની વૃષ્ટિ થાય, આવવા દો, ચારેકોરથી ભલે આવે. ઓલો લાકડી માથે રાખી દેય ફાંગોડાઇ જાય ને પાણી માથેથી વયું ગયું એમ થાય. ખરો ભગત હોય એને એમ થાય.