મોક્ષ ઉપયોગી સાધારણ ધર્મ - ગૃહસ્થ, ત્યાગી, આચાર્ય, સાધુના ધર્મોનું વર્ણન (ટૂંકમાં)
ભગવાન કહે છે, ધર્મવાળું કાર્ય કરવું. ધર્મ બધા અર્થ અને પુરુષાર્થનો આપનારો છે. કોઇ મોટા સમર્થ પુરુષો થઇ જાય અને એના પોતાના આત્માના વેગમાં કેફમાં આવી જાય અને કેફમાં આયા થકા કદાચ આ લોકની રીતથી બીજી રીતનું વર્તન કરી લ્યે તો એવા વર્તનને પોતે આચરણમાં ન લેવું. મહારાજ કહે છે, ઇ એના કેફમા ઉતરી ગયા પણ તમે એવો કેફ ન કરતાં. નિયમમાં રહેજો. તો તમારા રૂડાવાના થાશે. ધર્મને ગ્રહણ કરવો, અધર્મને ગ્રહણ ન કરવો. જે બીજાની પડતી દશા ઇચ્છે છે એ પોતે જરૂર પડતી દશામાં જાય છે. મહારાજ કહે છે, આ મેં તમને મોક્ષની હારે વ્યવહાર બતાવ્યો. હવે એકલો મોક્ષ બતાવું.
શ્રાવણ મહિનો આવે ત્યારે એ ત્રીસ દિવસમાં મારું ભજન કરવું, બ્રહ્મચર્ય પાળવું, પૃથ્વી પર સૂવું, મારી કથા સાંભળવી, મહાપૂજા કરવી, મંત્રપાઠ કરવા, દંડવત વધારે કરવા, માળા જાજી ફેરવવી. આ બધા મેં મોટા-મોટા નિયમો કહ્યા છે. બધા રાખવા, થોડાં રાખવા, અડધા રાખવા કે એક રાખવા એ તમારી મરજીની વાત છે પણ રાખજો. એકાદશીઓના વ્રત કરજો. અગિયાર ઇન્દ્રિયોઓની વૃત્તિઓને નિયમમાં રાખજો. શિવજીને રાજી કરવા માટે શિવરાત્રી વ્રત કરજો. ભગવાનનો જન્મદિવસ તેના ઉત્સવ કરજો. તે દિવસે માણસ બહુ સંતોષ અને આનંદવાળો હોય છે. દેવતાઓ રાજી થાય છે. માટે ભગવાનના ઉત્સવ ઉજવવા. ભગવાનના જન્મદિવસ કેટલા ? તો શિવપુરાણમાં લખ્યું છે કે, ભગવાને જ્યાં દર્શન આપ્યાં એ ભગવાનનો જન્મદિવસ. મૂર્તિ પધરાવવી એ ભગવાનનો જન્મદિવસ. સાધુદિક્ષા લીધી એ ભગવાનનો જન્મદિવસ. આવા જન્મદિવસ તો ત્રણસો ને પાંસઠ છે. એના ઉત્સવો કરવા. જેને જે યોગ્ય હોય, સંબંધ ધરાવતો હોય એ પ્રમાણે ઉત્સવો કરવા.
દિવસે નાક ઢસડીને ઊંઘવું નહીં, આળસુ થાવું નહીં. કારણ કે, એ રજોગુણી વૃત્તિ છે. કદાચ પોતાએ કરેલા વ્રત-તપ-નિયમ તેનો ભંગ કરાવી દે. માટે એ રાજસ વૃત્તિ ઉપજે એવી નિંદ્રા ન લેવી.
ભગવાનના વ્રત-ઉત્સવના નિર્ણય એ પૂર્વેના આચાર્યો કહી ગયા છે એને અનુસરીને કરવા. દ્વારકાની જાત્રા કરજો, અક્ષરધામનું દ્વાર હોય તેની પણ જાત્રા કરજો. શક્તિ પ્રમાણે ગરીબડાને મદદ કરજો. હું વિષ્ણુમાં રહ્યો છું, શિવમાં રહ્યો છું, ગણેશમાં રહ્યો છું, સૂર્યમાં રહ્યો છું માટે એમની પૂજા કરજો, એમને માનજો, એમને નમસ્કાર કરજો અને એમની માલિકોર મને જોજો. અને ભૂતપ્રેત વળગે તો કોઇ બીજા પાસે ન જાતા અને ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા હનુમાનજી પાસે જજો. અને મેં એક નારાયણ કવચ નામનું બખ્તર એ મેં સંકલ્પથી સિદ્ધ કરેલું છે માટે એનો પાઠ કરજો.
ગ્રહણ લાગે ત્યારે નાહીધોઇને મારું પૂજન કરજો અને વળી ગ્રહણ છૂટી જાય ત્યારે ફરી મારું પૂજન કરજો. આ તમને શુદ્ધિને વાસ્તે કહ્યું છે. મલિન માણસ અડી જાય એને પણ ગ્રહણ લખ્યું છે. એ ગ્રહણ જેવું જ છે. ગ્રહણ પછી ગૃહસ્થોએ દાન આપવું અને ત્યાગીઓએ પૂજા કરવી. સૂતક બધા પાળવા સંબંધને અનુસારે. ચારેય વર્ણને માટે આ આજ્ઞાઓ છે.
સૂતક - ધાવણું બાળક હોય તો એક દિવસનું, દાંત આવ્યા હોય તો ત્રણ દિવસનું, એથી મોટું હોય તો દસ દિવસનું, આ સૂતકના વિભાગ પાડ્યા છે. જન્મનું સૂતક એ મરણના સૂતક જેવું આકરું નથી. મરણનું સૂતક એ અફસોસનું છે, આંસુડા પડાવનારું. જન્મનું સૂતક એ હસાવનારું છે માટે જન્મનું સૂતક એ એવું આકરું નથી માટે જન્મનું સૂતક ત્રણ પ્રકારે લખ્યું છે. દસ દિવસ, પંદર દિવસ અને એક મહિનો. પછી જેવો સમય. મનુસ્મૃતિમાં લખ્યું છે કે, આવું સૂતક બ્રાહ્મણોએ એક દિવસ પાળવું અને શુદ્ર એ દસ દિવસ પાળવું, બાર દિવસ પાળવું, પંદર દિવસ પાળવું આવી રીતે ત્રણ-ચાર મત લખ્યા છે. પછી તો સમયને અનુસારે દસ દિવસનું સૂતક એ પાકુ સૂતક.
ભગવાનના ભક્તે બ્રાહ્મણ જેવા થાવું અને બ્રાહ્મણના ગુણ ગ્રહણ કરવા. ઇન્દ્રય નિગ્રહ કરવો, સંતોષ રાખવો. ક્ષત્રિયે શૂરવીરપણું રાખવું, પાછુ ન પડવું. વૈશ્ય વર્ણે નાણાં ખૂબ પૈદા કરવા અને મોટા જગન કરવા. જેની પાસે કંઇ ન હોય તેણે સેવાચાકરી કરવી. મહારાજ કહે છે, આ મેં તમને વિભાગ કરી દીધો છે. વર્ણનો વિભાગ તો સાચો પણ મારા વર્ણનો વિભાગ કરી દીધો છે. અમુક અમુક સંસ્થાઓમાં જમાડે છે તેમાં દશા-દાડો બારમાં સુધી ન ખાવું પછી જમવું. નાનું-મોટું પાપ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત કરી લેવું.
પાપ વડે બે શક્તિઓ રોકાઇ જાય છે. એક સ્વર્ગમાં જવાની એટલે મોક્ષમાં જાવાની શક્તિ રોકાઇ જાય છે. બીજી અહીંના વ્યવહારમાં ભળવાની શક્તિ રોકાઇ જાય છે. પ્રાયશ્ચિત કરે તો વ્યવહારમાં ભળવાની શક્તિ રોકાઇ નહીં. પણ બ્રહ્મલોકમાં જવા માટે જે શક્તિ આડી આવે તેના માટે તો ભગવાન રાજી થાય એવું કરે તો શક્તિ દૂર થાય. માટે ભક્તિ વધારે કરવી.
મહારાજે આઠ સત્શાસ્ત્રો, વેદ-ભાગવત એમાં પણ દશમ અને પંચમ સ્કંધ, ભારતમાં વિષ્ણુસહસ્ત્રનામ, શ્રીમદ્ ભગવત ગીતા, વિદુરનિતી, સ્કંધપુરાણનું વાસુદેવ માહાત્મ્ય, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, એને દરેક કામકાજમાં પ્રમાણ તરીકે લેજો. એને સાંભળવા, વાંચવા. એને મારા શાસ્ત્રો માનીને વાંચજો. એમાં આચાર, વ્યવહાર, પ્રાયશ્ચિત લખ્યા છે તેને વાંચજો. તેને મેં મારા સત્સંગીજીવનશાસ્ત્રમાં બધાય લખ્યા છે કોઇ બાકી નથી. મારા ગ્રંથો એ મારી દશામાં માપ લાવે ઇ મારું દશમ. પછી બ્રહ્મલોકમાં પહોંચાડે. અને પાંચ ભૂત, પાંચ ઇન્દ્રિયો, પાંચ વિષયો એને ત્યજાવે એનું નામ પંચમ. એવા મારા ગ્રંથો સત્સંગીજીવન, શિક્ષાપત્રી વગેરે મારા શાસ્ત્રો એને ગ્રહણ કરજો. અને ભાગવતના દશમ અને પંચમ સ્કંધ વાંચજો એમાંથી જ્ઞાન થશે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનું શું કામ કહ્યું ? કારણ કે એ ધર્મશાસ્ત્ર છે. ચોથું શતાનંદ સ્વામીએ લખ્યું સત્સંગી જીવન. એ પણ ધર્મશાસ્ત્ર છે. જુઓ યજ્ઞ એટલે પુરુષોત્તમ નારાયણ. બીજો વલ્ક્ય એટલે બખ્તર. એ બખ્તર વડે રચાણું શાસ્ત્ર એ રચનારો તેનું નામ યાજ્ઞવલ્ક્ય એટલે શતાનંદ સ્વામી. એની સ્મૃતિ એટલે સત્સંગીજીવન. આ હકીકત જાણવા જેવી છે.
ભગવાન પુરુષોત્તમ નારાયણના ભક્તિ વૈરાગ્યના વચનો ગ્રહણ કરવા. ધર્મવાળી ભક્તિ છે એને ગ્રહણ કરવી. રહસ્ય એ છે કે ભક્તિ વધારે કરજો. સદાચાર બરાબર પાળજો. શુદ્ધિ રાખજો. ભક્તિ પણ સ્નેહવાળી કરજો, સમજણવાળી કરજો, પત્નીવ્રતવાળી કરજો, તન-મન અને ધન આપી દેવાય ભગવાનને એવી ભક્તિ કરજો. સમજણ એવી રાખજો કે કોઇ દુઃખ આવે તો તેમાં ગંભીરતા રહે અને યમનો દૂત આવે તો ઠોઠ મારીને કાઢી મેલજો. આટલું બધું બળ રાખજો.
બીજે હેત ન રાખવું એનું નામ વૈરાગ્ય. જીવાત્મા સમજવો જ્ઞાનનો પીંડો, ઇશ્વરોને સમજવા ઐશ્વર્યોનો પીંડો, માયાને સમજવી રાજસ પીંડો, અક્ષરબ્રહ્મને સમજવા તેજના પીંડ અને પુરુષોત્તમ નારાયણને સમજવા આનંદપિંડ. આમ એના સ્વરૂપને ઓળખવા શીખજો. આ રીતે મહારાજ કહે છે, મેં તમને ટૂંકા સ્વરૂપ કહ્યા.
આ શિક્ષાપત્રીની કથા પૂરી થાય છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન આપણા ઇષ્ટદેવ છે એમ તમે માનજો. હું તમારો ઇષ્ટદેવ છું. તમને બ્રહ્મલોકમાં લઇ જનારો છું. હું પરબ્રહ્મ નામથી કહેવાઉં છું. કો’ક મને બ્રહ્મ નામથી કહે છે. વ્યાસજીએ મને બ્રહ્મ નામથી કહ્યો છે. પણ મારા એકાંતિક તો એમ કહે છે કે, બ્રહ્મ એટલે અક્ષરધામ અને પરબ્રહ્મ એટલે પુરુષોત્તમ નારાયણ. બ્રહ્મ વિશિષ્ટ બ્રહ્મ છે અને પરબ્રહ્મ વિશિષ્ટ પુરુષોત્તમ નારાયણ છે. આ રીતે હકીકત સમજજો.
કથાઓ રોજ વાંચજો. ભગવાનના અવતાર અને ભગવાનની મૂર્તિના ધ્યાન કરજો. એ સિવાય કોઇ મોટો અડબંગ થયો હોય તો એની મૂર્તિનું ધ્યાન ન કરતા. ભગવાનને એક કોર તારવી દેય એવાનું ધ્યાન ન કરવું. ભક્તિ કરવી, સત્સંગ કરવો, પોતાના આત્માને બ્રહ્મરૂપ સમજવો, હું મુક્ત છું ત્રણ દેહની માલિકરો રહ્યો છું. ગાડાવાળો ગાડામાં બેસે, ગાડું હાંકે એવડો એ એમ ન કેય કે હું તારો માલિક છું, તારી સાથે જડાઇ ગયો છું. એમ હું ત્રણ દેહની સાથે જડાઇ ગયો નથી, તારા જેવો જડ નથી. આમ જીવાત્માને બ્રહ્મરૂપ સમજવો. બ્રહ્મરૂપનો અર્થ શું ? બ્રહ્મ એટલે અક્ષરધામ. એના રૂપ બે. એક સાકાર અને એક નિરાકાર. સાકાર રૂપ પરબ્રહ્મની સેવામાં છે. હું તમારી સેવામાં છું આ એક બ્રહ્મરૂપ. બીજું નિરાકાર એવું અક્ષરબ્રહ્મ સર્વત્ર વ્યાપક છે એમાં બધી સૃષ્ટિઓ છે, સૃષ્ટિ વડે નિર્લેપ છે એમ મારો આત્મા આ દેહમાં રહ્યો છે એ સૃષ્ટિ છે. એમાં નિર્લેપ થયો આ બીજું બ્રહ્મનું રૂપ.
દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ પરાભવ ન કરે એવા બળિયા રહેવું. વર્ષમાં એકવાર કથા વાંચવી. મહારાજ કહે છે, મારા ગ્રંથના પુરશ્ચરણ કરો. રોજ બે વચનામૃત વાંચવા. રોજ શિક્ષાપત્રીના બે શ્લોક વાંચવા. આપત્તકાળ આવે ત્યારે રક્ષા થાય એમ વર્તી લેવું, દેશકાળને અનુસારે આચાર-વ્યવહાર સમજી લેવા. આ શરીરમાં જીવ બેઠો છે માટે શરીર વિશિષ્ટ જીવ, જીવમાં ભગવાન બેઠા છે માટે જીવ વિશિષ્ટ પરમાત્મા. આનું નામ શું ? જડ અને ચેતન વિશિષ્ટ પરમાત્મા. પરમાત્મા એક અને જીવાત્મા જાજા. શરીર જાજા માટે જડ જાજા. ચેતન એવા આત્મા જાજા પણ એની અંદર રહેનારા એક પરમાત્મા એ હું એક. જાજામાં રહેનારો એક. માટે જડ અને ચેતન એવા જાજા એમાં રહેનારો વિશિષ્ટ અદ્વૈત એવો હું એક. આ રીતે બધા સમજજો.
ગોલોક આપણું ધામ. ભગવાન કહે છે ગોલોકમાં જાવું છે. ગાવઃ એટલે મોટી મોટી ગાયો જ્યાં છે અને ત્યાં શ્રીકૃષ્ણનું ગાવણું થાય છે આ રીતે કોઇએ ગોલોક અને શ્રીકૃષ્ણ લીધા. શ્રુતિ કહે છે કે તમે ભૂલા પડ્યા. ભૂલા તો નથી પડ્યા પણ એથી કંઇક ઊંચો અર્થ છે એને સમજવા શીખો. ગાવઃ એટલે પુરુષોત્તમ નારાયણની મૂર્તિના કિરણો. એ કિરણોરૂપી અક્ષરધામ કેવું છે ? તો કહે એનો છેડો નથી એવા લાંબા લાંબા કિરણો છે. એ કિરણો ચાલતાં ચાલતાં વિશ્રાંતી લઇ પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં સમાઇ જાય એટલા લાંબા છે. તમામ સૃષ્ટિઓમાં પહોંચે એવા છે. મુક્તપુરુષોએ સ્તુતિ કરી એવા ભગવાન પરમપુરુષ મુક્તોએ જેમને મેળવ્યા છે એવા પરમપુરુષ, એમનું પરમ પદ એ મારું અક્ષરધામ છે એમ સમજજો. ત્યાં તમે મારી સેવામાં રહેશો એનું નામ મુક્તિ. એક વાત ખરેખરી સમજવાની છે સમજી લેજો. જે દિવસથી કંઠી લીધી, દીક્ષા લીધી એ દિવસથી પ્રારબ્ધ પૂરું થઇ ગયું. ત્યારથી ભગવાનની ઇચ્છાથી આપણું પ્રારબ્ધ છે. એની પ્રસન્નતા મળે એવું થવા માંડે તો આપણું સારું પ્રારબ્ધ. એની પ્રસન્નતા ન મળે એવું થવા મંડે તો આપણું નરસુ પ્રારબ્ધ. રાજી થઇ જાય તો ધામમાં જવાય અને કુરાજી થઇ જાય તો ઇન્દ્રની ગાદીએ બેસાડી દે. એમ ભગવાને કહ્યું કે, મારા ભક્તોને હું રાખું છું પણ યમપુરીમાં જવા દેતો નથી. માટે મુક્ત મને પ્રાપ્ત કરે છે, મારા જેવા થાય છે આ રીતે સમજજો. આ તમને મોક્ષની વાત કહી, સમજણની વાત કહી. આ રીતે મારી ભક્તિ કરજો, ભજ્જો.
સ્વાર્થીપણું ન રાખતા, જેને તેને મીથ્યા અપવાદ ન આપતા. મહારાજ કહે છે કે, આ તમને સાધારણ ધર્મ કહ્યા. અને જે આચાર્યો સ્થાપ્યા છે તેમણે સાધુ જેવા ધર્મ પાળવા. પરસ્ત્રીને અડવું નહીં, તેમની સાથે બોલવું નહીં, કોઇની થાપણ ઘરમાં રાખવી નહીં, વાપરવી નહીં, સમીપ સંબંધ એટલે કાકા-બાપા-સાસુ-સસરા-ભાઇઓ-ભત્રીજા એવા સાત કુટુંબ એ સમીપ સંબંધ. એનાથી દૂરના કુટુંબ એ અસમીપ સંબંધ.
વિધવા નારીઓએ ત્યાગીનીઓ જેવા ધર્મ પાળવા. ભગવાનને પતિ તરીકે સમજીને પૂજવા. પિતા, પુત્ર વગેરેની આજ્ઞામાં રહેવું. પોતાની સમીપ સંબંધ વિનાના કોઇપણની પાસે ક્યાંય સંબંધ ન રાખવા.
સંતપુરુષોને માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે, તમે મારી મૂર્તિમાં અલમસ્ત રહેજો. આ લોકની પરવા કર્યા વિના ધર્મની અને ભક્તિની પરવા કરીને રહેજો. ત્યાગી એવા બ્રહ્મચારી અને સંતપુરુષો એ સંસારથી આઘુ રહેવું, સ્ત્રીધનથી આઘુ રહેવું, મારી મૂર્તિને ભેગી રાખી ભક્તિ કરવી, જેવા તેવા વેષ ન રાખવા, ગૃહવાર્તા ન કરવી, હોળીના ખેલ ન ખેલવા. ઝીણા ઝીણા સોનેરી તારના વસ્ત્રો ન પહેરવા, સ્નાન કરવું ત્યારે વસ્ત્ર પહેરીને સ્નાન કરવું નહિતર જળદેવતાનું અપમાન થાય છે. આ રીતે ત્યાગી, સાધુ, ગૃહસ્થો વગેરેના મેં ધર્મ કહ્યા. મહારાજ કહે છે, આવી રીતે ધર્મ પાળશે તે મારા ધામમાં જાશે. હું એના ઉપર પ્રસન્ન થઇ જઇશ. મેં મારા વિશેષ જાજા જાજા ધર્મો સમજાવ્યા છે, સંભળાવ્યા છે, કહ્યા છે એ પ્રમાણે તમે વર્તો છો એથી વધારે વર્તજો.
નિજાશ્રિતાનાં સકલાત્રિહન્તા સદ્ધધર્મભક્તે રવનં વિધાતા |
દાતા સુખાનાં મનસેપ્તિતાનાં તનોતુકૃષ્ણો ખિલમંગલં નઃ ||
સ્વામિનારાયણ ભગવાન કહે છે, મારા આશ્રિત એવા તમે ભક્તજનો એવા ધર્મ મેં તમને કહ્યા તેમનું રક્ષણ કરનારો હું છું. ધર્મ અને ભક્તિનું રક્ષણ કરનારો હું છું. સંતોનું રક્ષણ કરનારો હું છું. તમને સુખ આપનારો હું છું. કૃષ્ણ નામનો હું ભગવાન છું. મને તમે શ્રીકૃષ્ણ તરીકે સમજો. ધર્મદેવના ચાર પુત્ર નર, નારાયણ, હરિ અને કૃષ્ણ. હિમાચળમાં તપ કરતા હતા તે ભક્તિમાતાએ માંગ્યા હતા. હરિને અક્ષરધામ, શ્રીકૃષ્ણને ગોલોક અને નરનારાયણને બદ્રિકાશ્રમ આપ્યું. તો શ્રીહરિ કહે, મારે સાધુ રહેવું છે. માટે હરિ અવતાર દરેક સાધુનો જ હોય છે.