ભક્તોના સુખ માટે પ્રગટ પ્રભુનું જગતમાં વિચરણ - બધુય ભગવાનનું છે માટે તેમની પ્રસાદી કરીને વાપરવું
જીવાત્મા માયા ટાળી અને મુક્ત થઇ જાય છે. નર-નારીઓ, ભક્તજનો ભગવાનને ભજનારા તે બ્રહ્મલોકના વતની થાય છે અને બ્રહ્મલોકમાં રહેનારા હોય એવા થાય છે. આ પૃથ્વી, માણસો, પશુઓ, ખેતર વાડી, બગીચાઓ, મોલ બધું પરમેશ્વરને માટે કલ્પાયેલું છે, એના ઉપયોગનું છે અને એને હિસાબે એ દિવ્ય થઇ અને ભજન કરનારું છે. માટે પ્રભુના લોકમાં જવાને માટે જે કાઇ હવે બાકી રહ્યું એવું એને માટે રહેતું નથી. જ્યાં ભગવાન ત્યાં અક્ષરધામ, જ્યાં પુરુષોત્તમ નારાયણ ત્યાં મુક્ત મંડળ, જ્યાં પુરુષોત્તમ નારાયણના લીલાચરિત્રો કથાઓ વંચાતા હોય ત્યાં મુક્તમંડળના સભાઓના સમુદાયો ભગવાનની સામે હેત કરી રહીને જોઇ રહ્યા હોય તેવા આનંદની લહેરું લૂંટતા હોય છે. તેવા ભક્તજનોને બ્રહ્માંડોમાં વિચરવા મોકલે ત્યાં બધે અક્ષરધામના સુખ આવે છે, પરમેશ્વરની મૂર્તિના સાક્ષાત સુખ મળે છે અને બ્રહ્મલોકમાં જવાને માટે એને હવે નવી તૈયારી કરવી પડતી નથી એણે ભગવાનને સંભાર્યા માટે ભગવાન તેને સંભારે. આટલી બધી ભગવાનની કૃપા થાય છે, આલોકની ગણતરી પ્રમાણે ભગવાન જ્યાં રહેતા હોય ત્યાં બ્રહ્મલોક અને અક્ષરધામ છે જ પણ ભક્તજનોને એમ જણાય કે આપણે થોડાક દૂર છીએ તો આ બ્રહ્માંડ અક્ષરધામ રૂપ થઇ ગયું તો હવે દૂર શેના ? પણ છતાંય લોકદૃષ્ટિએ એમ થાય કે સ્વદેશ અને પરદેશ, અહિંયા અને ત્યાં, થોડાક આઘા. આવી દૃષ્ટિથી કાંઇક કાંઇક દૂરપણું મનાય પણ એ તો વહેવારે હોય છે, કારણ કે અહીં તો આગળ છે, એટલા આગળ બેસે. અંજવાળું હોય તોય વાંહો ન દેખાય એમ ભગવાન ભેગા હોય તોય અંજવાળું તો ભગવાન સામા હોય તો દેખાય. આહિં વાંહે ઊભા હોય તો ન દેખાય ? એ તો આ લોકનો ભાવ છે, ભાવના. તેવી ભાવના વડે, દેશ-પરદેશ એવી ભાવના વડે, ઓરા આઘા પણ વહેવાર થાય છે પણ ભગવાન આઘા નથી. જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં અક્ષરધામ છે, જ્યાં ભગવાન છે ત્યાં બ્રહ્મલોકના મુક્તો છે, અને ભેગા ભળે છે કાંઇ ભગવાનને વાર નથી લાગતી. આંયથી ઊઠી એક ડગલું ભરે ત્યાં તો આમ થી આમ ને આંહીથી ક્યાંય વયા જાય છે. લાખો ગાવ લાખો યોજન ઊભા હોય સ્વપ્નમાં દેખાય છે ત્યાં ભગવાનને આવવું પડે થોડું. આકાશમાંથી વિમાન લઇને થોડા આવે છે કે હવે તમારે ત્યાં આ દસ કલાક, વીસ કલાક વાટ જોજો, હારતોરા લઇને ઊભા રહેજો. એ કાઇ એવી વાટ જોતાં નથી, એ તો પછી શું બાકી હોય છે ? તમારા હાથ જોડાવાની વાટ જોવે, ઇ તો આવ્યા બેઠા, દર્શન દીધા અને ચાલ્યાં ગયા. ભક્તજનને આનંદ થઇ જાય આ રીતે સુખી કરવા માટે, પ્રગટ પ્રભુ જગતમાં વિચરે છે, આનું નામ પ્રત્યક્ષ ભગવાનનો સાક્ષાત્કાર, એનો રાજીપો, જીવમાં આનંદ અને એની રીત પ્રમાણે સુખિયા.
હવે ભક્તજનો પોતાની ઘરબારની રીત પ્રમાણે સુખિયા વર્તે, એને માટે કમાવું પડે, નાણાં હોય તો આ જગતની રીત છે કે નાણાં વડે સુખી થાય. ઘરબાર હોય છોકરાવ હોય તો લોકની રીત પ્રમાણે બધા કૂળ-કુટુંબ, પરિવાર, ગણતરીમાં આવે એ રીતે સુખિયા કરે છે અને એના સારું થઇ કમાવા જાવું પડે છે, છે તો બધું ભગવાનનું જ, ભગવાને આપેલું છે. પોતાને જમવું હોય તો રસોઇ કરે, ભગવાન કહે મને ધરીને જમાડીને પછી જમો એટલે તમારે ઇ તૃપ્તિ થઇ જાય અને હું પણ તૃપ્ત છું તો તમને પ્રસાદી મળી જાય. તમારું બધુંય અમારું છે, ભગવાનનું છે, પ્રસાદી કરીને વાપરવું, ખાવું- પીવું અને લ્હેર કરવી, કમાવું અને દેવું ભગવાનને, ભગવાનનું છે અને ભગવાને બનાવ્યું છે. ભગવાન તમને સાજા નરવા રાખે. કુંજડા પોતાના બચ્ચાને દૂર દેશમાંથી નજરથી સેવે, ભગવાનની નજર લાંબી છે માટે દૂર દેશમાં હોય તોય પણ દેશકાળમાં બેઠા બેઠા બધે ઠેકાણે સેવે છે, દેખે છે, રાખે છે, એના ધ્યાનમાં બધુંય છે, એનાથી અળગું કાંઇ પણ નથી. પણ આ લોકની રીત પ્રમાણે ભગવાન અજાણ્યા થઇ અને વર્તે છે એટલે બીજાને ભક્તોને ભક્તિ કરવાનું સુખ મળે અને અભક્તોને દ્રોહ કરવાની મજા આવે. ભગવાનમાં અનંતકળા છે, અનંત લીલાઓ છે, સંકલ્પ સિદ્ધી અને ધાર્યા પ્રમાણે કામ થાય, ધાર્યુ કરે છે અને માળી સારો હોય, ફૂલવાડીને સૂકાયેલી દેખે તો એને ન ગમે. જરૂર પાણીની સગવડ કરે, કરાવે. મહેનત કરે, સુંદર બગીચો કરે અને પછી ફુલડાં મજાનાં સુગંધ દેતા હોય તે દેખે, ફળફૂલ દેખે ત્યારે માળી રાજી થાય. ભગવાન બગીચો લીલો દેખે તંઇ રાજી થાય છે એમ આ બગીચો લીલો કર્યો છે. હવે લીલો બહુ રહે છે, મેડી ને બંગલા ને મોટરું ને ઘોડા ગાડીયું ને, વાહનો ને, સોનાની ગિનિયું ને હવે ભક્તજનોને મળ્યા કરશે હવે વાંધો નથી. પડખાના દેશ ખોલી દીધા છે, હીરા-માણેકના ખોલી દીધા છે, બહુ ભારે કામ થયું છે. બધાએ સુખી રહેવું ને આનંદમાં રહેવું અને ભગવાનને સંભારવા ને ભજવા. જેમ બને એમ સવારે દર્શન કરીને કામે જાવું. ઇ કાંય ઝાઝું નથી કેતા કે તમે આખો દિવસ અને રાત મને ભજ્યે રાખો, સવારે માથું નમાવીને પગે લાગી લેવું, સાંજે સૂવું ત્યારે પગે લાગી લેવું, બપોરે ખાતા-પીતા હો તયે કોળિયો મોઢામાં મેલો ત્યારે આ એક કોળિયો ભગવાનના મોઢામાં અને એક કોળિયો મારા મોઢામાં એમ એકાદો કોળિયો જમાડી દેવો પછી ભલેને ભૂલી જાવ, મારે કાંય વાંધો નથી. અમે જમી લઇએ છીએ, પાણી પી લઇએ છીએ, તમારું આપ્યું ગ્રહણ કરીએ છીએ. દેશકાળ તો આવ્યા કરે, અંતકાળ આવે તો ભેગો ભગત બેઠો હોય તો એનેય ટાળી નાખે. એમ આસુર પ્રદેશ મલીન, એમાં ભગત ગયો હોય તો ઇ તો ક્યાંક નડે ય ખરો, ક્યારેક બહારવટીયાને ધોકે ચડી ગયો તો બે બંધુકના ઘોદા ખાય, હું હું હું થાય, હાડકુંય દુઃખે. પણ પછી રોજ ભગવાનને સંભારે તો દુઃખ મટી જાય.