પરાવાણી ૩૧

ભગવાનની સંસારરૂપી નિશાળ - શાસ્ત્રની કલમે કન્યાના ધર્મો

આવરદાના દિવસો સુર્ગ ઊગે અને આથમે એટલે ઓછાં થતાં જાય છે, કોઇ પૂછે તમે કેટલા વર્ષના થયા ? તો કે દસના, પંદરના, પચ્ચીસના, પણ એટલાં વર્ષો વયા ગયા, ઓછા થયા એમ કોઇ ન કહે. મને આટલા વર્ષ થયા એમ સૌ કહે. પણ આવરદા હતી એમાંથી ઓછા થયા એમ કોઇ ન કહે. માટે બાળકને જન્મથી દિવસો ગણાય છે. દસ વર્ષ, પંદર વર્ષ અભ્યાસના અને પછી કામકાજ શીખવાના, સોળ સંસ્કાર હરેક માનવોમાં કરવા પડે છે, જેવો દેશ તેવા રીત-રિવાજ ઇ પ્રમાણે એના સંસ્કારો થાય અને એ બાળક મનુષ્યોની ગણતરીમાં આવ્યા પછી ગૃહસ્થોના વ્યવહારોમાં લાયક થાય. બાળક હોય બાળકી હોય એને શિક્ષણ જોઇ જોઇને મળતું જાય છે. ત્રણ વર્ષના બાળક-બાળકીઓ બોલતા શીખી જાય છે. ઇ નિશાળ કેવડી મોટી બધુંય બોલતા આવડી જાય. ઇ મોટા માસ્તર તો મા-બાપ કહેવાય. ભાઇઓ, બહેનો, સગા-સંબંધી રોજ એટલું બધું બોલવાનું એની સાથે એને પ્રસંગ બને છે. તેમાં બધી ચીજોના નામ આવડે. ઊઠવું, જાગવું, બેસવું, ખાવું, પીવું, કપડાં પહેરવા એ બધું જ્ઞાન મળે. પોતે બાળક બ્રહ્મરૂપ એટલે ભગવાનની મૂર્તિ જેવા હજુ સાવ સ્વચ્છ, નિર્દોષ ચોખ્ખા હૃદયવાળા હોય છે. એટલા માટે માતૃભાષા આવડી જાય, કુળ-કુટુંબની બધી જ ક્રિયાઓ આવડી જાય. એને ખાવા-પીવા, ન્હાવા-ધોવા, ઊંઘવા, રહેવા, માવતર કહે એમ કરવું, ભણવું, વાંચવુ, જોવું, દેખવું ઇ બધા શિક્ષણ નિશાળે બેસાડ્યા વિના આવડી જાય છે એમ ભગવાને આ સંસારને નિશાળ બનાવી છે, બાળકોને શીખવા માટે.

સૌના કુટુંબમાં પ્રભુએ પરમેશ્વરની ભક્તિ રૂપી ઉપાસના આપી છે. મા-બાપ કિર્તન બોલે, ઠાકોરજીની મૂર્તિને ધરે, પૂજાપાઠ કરે, એને બાળક દેખે. સાધુ સૌને પગે લાગવા જાય તો કેડ્યમાં બાળક તેડ્યું હોય ઇ બધું નવું નવું જોવે કે અહીંયા પગે લગાણું, અહીંયા હાર પેરાણો, અહીં આશીર્વાદ લેવડાયો, કંઠી પેરાવાઇ, ગુરુ થયા, દેવ-દર્શન થયા, ભગવાનને આમ પગે લગાય, એમ માવતર એને દંડવત્ કરાવે, બેસાડે, રાજી કરે, બે હાથની તાળી પડાવીને ધૂન કરાવે. આ બધુંય કંઇ નિશાળમાં શીખવાનું ? ભગવાન અને સંતની નિશાળમાં. માટે માવતર જે ત્રણ ચાર વર્ષમાં બાળકને શીખવાડે છે એવું કોઇ શીખવાડતું નથી. એમાંથી બધું શીખી લે છે પછી તો એકડા ઘૂંટવા માસ્તર શીખવે. ઓલો માસ્તર નિશાળિયો, એનાથી વધુ ચોપડી વાંચતાં શીખે, પછી પોળા વ્યવહાર શીખે, દિકરો અને દીકરી. દિકરો છે એ વંશ વિસ્તારને સાચવનારો છે, દીકરી છે એ બીજાઓની સાથે સંબંધ બાંધી અને સગા-સંબંધીઓની સાથે વિસ્તારવાળા થયા એટલે કુટુંબોનું પરસ્પર મિલન એક જ નાતમાં, એક જ સમુદાયમાં, એક ગામમાં, ગમે ત્યાં જાય પણ ઇ એનું અહીંનું શિક્ષણ છે ઇ તેને ત્યાં કામ આવે છે. ત્યાં નવું શીખવાડવું પડતું નથી.

માટે કન્યાને શાસ્ત્ર લખે છે - “અષ્ટવર્ષા ભવેત ગૌરી, નવવર્ષા તું રોહિણી, દસ વર્ષા ભવેત કન્યા, અત ઊર્ધ્વમ રજસ્વલા”. આપણો હિંદુસ્તાન સૂર્યવહી ગરમ દેશ છે. માણસો તડકાં વડે કરીને શરીર વધારે પાકેને જુવાનાશ્રમને લાયક થઇ જાય છે. એટલે જૂના વખતના બ્રાહ્મણોએ એવી હકીકત લખી કન્યાદાન. તો કન્યા કોને કહેવાય ? સૌ કહે છે, કન્યા પરણાવી ન હોય ત્યાં સુધી કન્યા. પણ ધર્મશાસ્ત્રોના શબ્દો કન્યાપણું કોને કહે છે ? એના શ્લોકો સ્મૃતિઓમાં લખ્યા છે. પછી દક્ષિણમાં વધારે તડકો, કાઠિયાવાડ ગુજરાતમાં મધ્યમ ઋતુ, જમ્મુ અને કાશ્મીર ને એ ઉત્તર ભાગમાં વધારે ટાઢ એને અનુસારે આ શ્લોકો લાગુ પડે. અષ્ટવર્ષા ભવેત ગૌરી. આઠમું વર્ષ બેસે એટલે પાર્વતીજીએ તપ કર્યુ તું અને ગૌરી તરીકે નામ પડ્યું તું અને શંભુ દર્શન દેવા આવ્યા’તા ઇ પુરાણમાં મોટી કથા છે. શંભુ વૃદ્ધ સ્વરૂપે આવ્યા’તા અને પાર્વતીજીને ના પાડી કે શંભુ તો સર્પ રાખે છે, ખોપડીઓ પહેરે છે ને એના માટે તું તપ શું કામ કરે છે ? તો કહે, મારે તો એક જ ધણી છે બીજો નઇ. એમ કહી તગડી મેલ્યા. પછી સાત ઋષિઓ આવ્યા ને કહે, દીકરી ઇ તો ગાંડો છે, રખડું છે, એની પાસે તો ભૂતડા રહે છે, રખડું છે, ઇ ખોપડી પહેરે છે, ઇ સારો માણસ નથી. તો એના સારું શું કામ તપ કરે છે ? તો કહે, મારે તો એને જ વરવું છે ઇ ગમે ઇ હોય. એમ કહીને ઋષિઓનેય ભગાડી મેલ્યા. ત્યાં નારદ આવ્યા એને પણ બહુ ના પાડી. તો કહે, તું હજુ વર્યો-પરણ્યો છે ? નથી પરણ્યો, તો મને ના પાડવા આવ્યો છો. તું તો પેલા ઘરબારી થા. એટલે નારદ વયા ગયા પછી શંભુને ખબર આપ્યા કે આ છોકરી છે ઇ તમારા સારું થઇને જ તપ કરે છે માટે એની ઉપર કૃપા કરો અને એ હિમાલયની દીકરી ગણાય, પાણાની પથ્થરની, એટલે કાળો રંગ હોય, એની મા મેના એટલે મેના નામની પક્ષી ગણાય. ઇ કાળી હોય એટલે છોકરી કાળી છે. માટે તપ કરે છે શંભુને વરવા. શંભુએ કહ્યું કે, ગૌરી હશે તો હું વરીશ, કાળીને નહીં વરું. એટલે પાર્વતીએ કાળું ખોળિયું ઉતારી નાખ્યું અને ગૌરી થયા. તે દિવસથી આઠ વર્ષની કન્યાનું નામ ગૌરી પડ્યું છે. આ ગૌરી શંકરના પત્ની.

પછી જે વિવાહ થયા અને શાસ્ત્રમાં લખાયું. એટલે એવું કહે છે, અષ્ટવર્ષા ભવેત ગૌરી. આઠ વર્ષની પુત્રી થઇ જાય ત્યારે એનું નામ ગૌરી પડાય એટલે એને વરરાજાની ઇચ્છા થાય કે મારે પરણવું તો જોશે. ઇ બાળકીપણામાંથી એને પત્નીપણાંનું ભાન એને બીજિયુંને જોઇ જોઇને થવા માંડે કે હું મોટી થઇશ એટલે મારે આની જેમ પરણવું પડશે. એટલે અષ્ટવર્ષા ભવેત ગૌરી. આઠ વર્ષ પૂરા થઇને નવમું વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે નવ વર્ષા તું રોહિણી, ત્યારે નવમે વર્ષે એને શરીરના રોમ એટલે લોહી પરિપકવ થાય, યુવાનપણાંની થોડી થોડી કુદરતી ગરમી આવવા માંડે અને રોમનું ઊગવું કે દેખાવું, ઇ જણાવા માંડે, એટલે નવ વર્ષા તું રોહિણી. રોહિણી એટલે ઝીણા ઝીણા રોમ એના શરીરના ભાગોમાં સહેજ રુવાંટી દેખાવી, એ નવ વર્ષા રોહિણી. પછી નવ પૂરા થયા અને દસમું વર્ષ થયું. માટે આખા ભારતમાં એમ લખાય છે કે, દસ વર્ષા તું ભવેત કન્યા. દસમું વર્ષ પૂરું થયું એટલે એનું કન્યા નામ પડે છે, કન્યા નામ પડ્યા પછી શું થયું ? અત ઊર્ધ્વમ્. દસ વર્ષ પછી ભારતની કન્યાઓને રજસ્વલા એટલે એના શરીરમાં કોઇ સુખ-આનંદ જણાય એવી જાતના જે ધાતુના ભાગો ઇ જરા જરા ક્યાંક ક્યાંક ઉપજવા લાગે અને રૂપ એનું બદલાવા લાગે એટલે અગિયાર વર્ષે, બાર વર્ષે, તેર વર્ષે ઇ કન્યાઓને દાનની અધિકારી લખી છે. એને દાન દીધા પછી વિવાહ પદ્ધતિ થઇ ગઇ એટલે એને સંસ્કાર થઇ ગયો. ઇ સંસ્કાર પૂરો થયો એટલે એનામાં વરરાજાનો હક આવ્યો અને એને પોતાનેય એમ થયું કે, મારું ઘર ફલાણે ઠેકાણે છે. કેવી કુદરત ભગવાને કરી છે. મા બાપ હોય, ગામ હોય, ઘર હોય, કુટુંબ હોય, સગા-સંબંધી હોય પણ ઇ કન્યા કન્યાઓ ભેગી થાય અને જો વાતો કરવા માંડે કે, તારું ઘર ક્યાં ? તો કે મારું ઘર તો બીજું છે. મા બાપનું ઘર ઇ ઘર નો માને. આ રીતે ભગવાને, કુદરતે એને મેલી દીધી છે કે હવે હું ફલાણા ઠેકાણાંની ઘરધણી છું. ઇ માણસમાંય રજોવીકાર એટલે રજોગુણોના ભાવો ઇ એને આવવા માંડે. માથું ઓળવું, ઘરેણું શણગારવું, આયખું સરખી કરવી, સારું કપડું સરખું પહેરવું ઇ બધું બાર વર્ષ પછી એને થવા માંડે, પછી જેવો દેશ જેવી રીત.

બાર પછી છે એ વ્યન્વય છે એમ ધર્મશાસ્ત્રો ભારતમાં લખે છે. રજસ્વલા થનાર ઇ કન્યાનું દાન પૂરેપૂરું શાસ્ત્રએ સફળ લખ્યું છે. એટલે પછીથી એને વરરાજા માટે જિગ્નાસા થતી હોય ઇ પછીથી થવી જોઇએ, પછી ઇ સ્ત્રી બને. આમ સ્ત્રીઓને ભગવાને કુદરતી રીતે બારથી પંદર વર્ષ સુધીમાં પોતાના પત્ની તરીકેના ધર્મો પાળવાના આવશે એ સમજણ આપી છે. ત્યારથી એ બધા વ્યવહાર આગલે ઘેર જ્યાં જઇશ ત્યાં મારે કરવું પડશે ઇ ઘરેથી શીખવા માંડે અને મા પણ કહેવા માંડે કે શાક કર, રોટલી કર, ઘરનું કામકાજ કર, ભાજી કર, ચા કર, આ બધું કરવા શીખ, પછી જ્યારે તારા વિવાહ થશે ત્યારે તારે બધુંય કરવું પડશે. નહીં આવડે તો ટોકશે કે, તારી માએ શીખવાડ્યું નથી. ત્યારે ઇ રોટલી, દાળ, ભાત બધું શીખવા માંડે. બાર તેર વર્ષની થાય ત્યાં બધો ઘરનો વ્યવહાર સંભાળી લ્યે. આ રીતે ભગવાને કન્યાઓને એવો ધર્મ આપ્યો છે કે, જે ઘરના ધર્મ હતા માવતરના ઇ અહિંયા દાન અપાઇ ગયા એટલે વરરજાના ધર્મ હોય ઇ સ્વીકારવા પડે. ધર્મશાસ્ત્ર પણ એમ કહે છે કે, કન્યાનો વિવાહ થઇ ગયા પછી ઇનો ધર્મ જે પતિનો ધર્મ તે ધર્મ, આ રીતે જો કન્યા સમજી જાય તો એને કોઇ દી’ દુઃખ આવતા નથી, અહીં મા બાપ કહે એમ કરવું અને ત્યાં પતિ કહે એમ કરવું, સાસુ-સસરા કહે એમ કરવું, ઘરબાર છે એનું કામકાજ કરીને સુખી થવું પણ ઝઘડો કરીને સામું ન થવું. એ કહે એ મા બાપ કહે છે એમ માનીને કરે છે ઇ કન્યા સુખી થાય છે, એના ઘરમાં જાવ ને તમને સુખ મળે, એના ઘરમાં સંપ, ભગવાનની ભક્તિ, ઘરનું કામકાજ અને રીત- રિવાજના પ્રકરણો એ ખેતીવાડી હોય કે વ્યાપાર-ધંધા હોય કે મજૂરી હોય કે ઇ બધાયમાં સંતોષ પોતાને હોવો જોઇએ કે આ મારું ઘર ને આ મારી પેદાશ. એમ એણે પતિ ધર્મ વડે કરીને ધર્મ, એનું નામ પત્ની.

એ કન્યા પત્ની થઇ અને પછી ગૃહસ્થાશ્રમી થઇ એટલે એણે જે જે માનસિક, રાજસીક જે જે યુવાન અવસ્થા આવતી જાય એ એને પતિને કહે છે પછી ઇ અવસ્થા એને દુઃખ દેતી નથી અને સંસાર વ્યવહારમાં સામેલ થઇને જીવન પ્રભુ રાજી થાય એમ ભજન ભક્તિ વડે પૂરું કરે છે. આમ આખા સંસારની નારીઓ એ જન્મે માવતરને ત્યાં અને વિવાહ થઇને રહેવું પતિને ત્યાં અને જીવન બધું એ ધર્મ પાળીને પૂરું કરવું. કામ કરે, રોજ પાંચ માળા કરે, પ્રભુ ભજન કરે, નાહી ધોઇને પવિત્ર રહે, ત્યાં ભગવાનને માટે શું કરવું ? તો રસોઇ કરવી, એકાદી થાળી ધરવી. શાકભાજી, પાંદડા, ફળ- ફૂલ ઘરમાં ચીજ આવી હોય તો ભગવાનની મૂર્તિ રાખી હોય થોડી ઘણી વાટકીઓમાં મેલીને ધરવી પછી ખાવી. એ આખો ધર્મ એમ પત્નીએ પાળવાનો હોય, સાંજ પડે એટલે રસોઇ બધી તૈયાર હોય. હવે જમીને ભગવાનની ભક્તિ કરો, ત્યારે બધાયને કોઇને ઉપાધિ ન થાય એ સેવાઓ તૈયાર રાખી હોય, બધાં આનંદથી ધૂન-ભજન કરે, ભગવાનનું નામ લે, આ વાસ્તે મંદિરો કર્યા છે કે ઘડીક બેસીને સૌ ભજન કરે. આમ કન્યાના ધર્મો એ શાસ્ત્રોએ બહુ વિશેષ વર્ણન કર્યા છે અને એને આવરેલા ઘર છે એ વિશેષ છે શોભાસ્પદ છે. ઘરનું આંગણું શોભે છે. મહેમાનની આગતા- સ્વાગતા, ભગવાનના નામ, છોકરા-છાબરા, ગાયું, ભેંસુ જે કાંઇ સમૃદ્ધિ હોય ઇ એને સાચવે એ એનું કામ છે અને પ્રભુની ભક્તિ કરવી અને મોક્ષમાં જવાય એ એનું કામ છે પણ ઘરમાં ગોળ ભાંગવા આવ્યો વરરાજો, તેને ગોળ ભાંગવા વાસ્તે, લાય ને એકાદૂ ભીલું ભાંગીને મારા ભાઇને ઘેરે લઇ જાવું. એમ જો કરવા માંડે તો એ કન્યા છે એ પોતાના વરરાજાના ઘરની ચોરી કરનારી થઇ. તો શાસ્ત્રએ ના પાડી છે કે, પરમેશ્વર લેખે કરવું પણ ઘરને માટે લઇ જવું એ સંબંધ એને સુખ કરનારા નથી દુઃખ કરનારા છે. એમ ધર્મ પાળવો અને સુખી રહેવું, ભક્તિ કરવી અને ભક્તાણી થાવું.