પરાવાણી ૪૨

શાસ્ત્રો દ્વારા વર્ણિત મૂર્તિની સેવામાં મર્યાદા - મુશ્કેલીમાં અંતર્યામી ભગવાનને સંભાળવા

શાસ્ત્રમાં લખ્યું છે કે, ભગવાનને થાળ ધરો ત્યારે મર્યાદાને માટે આડો પડદો કરવો, વસ્ત્રનું આવરણ જરૂર રાખવું. આ મૂર્તિની મર્યાદા પાળવી, ઇ મર્યાદા ધર્મશાસ્ત્રોમાં આવી ગઇ કે ઠાકોરજી જમતા હોય અને આપણે દર્શન કરતાં હોઇએ તો પુણ્યનું કામ છે, તો કે છે તો પુણ્યનું. પણ ભગવાને કહ્યું, આડું વસ્ત્ર રાખીને મને જમાડજો, મારા થાળ જમાડવા લઇ જાવ, ત્યારે ખુલ્લા થાળ ન લઇ જતાં, ઉપર ઢાંકીને લઇ જજો. એવું શું કામ ? ભગવાન કે છે, હું હોઉં ત્યાં કોઇ ચીજ નડતર મને તો ન કરે, પણ જગતના જીવ જુદા જુદા નક્ષત્રોમાં જન્મ પામેલા હોય અને એમાં કોઇ ચૂડેલના સંબંધવાળા નક્ષત્રોમાં જન્મ પામેલા હોય તો એની દૃષ્ટિ આંખની દૃષ્ટિ બહુ વિકરાળ, એટલી બધી ત્રાટક ભરેલી હોય કે એની દૃષ્ટિ ત્રાટકથી કામ કરે અને આવા કુનક્ષત્રના યોગવાળા માણસની દૃષ્ટિ ઇ રાંધેલો દૂધપાક હોય અને તેના ઉપર પડે તો ચોખા અને દૂધપાક બેય જુદા પડી જાય ફાટી જાય અને અંદરથી ચોખા મંડે હલવા, એમાં જંતુનો પ્રવેશ ઉત્પન્ન થઇ જાય, આવી દૃષ્ટિવાળા અને એવા એવા દેવના મંત્રોવાળા પણ હોય છે. માટે ભગવાને મર્યાદા મેલી. કોઇપણ મારા થાળને ધરો તો આડો પડદો રાખજો અને થાળના ઉપર વસ્ત્ર ઢાંકજો.

મને શણગાર ધરાવવા હોય ત્યારે મૂર્તિના દર્શન થાય છે પણ મેં છૂટ મેલી છે કે જ્યારે મને નવરાવતા હોય ત્યારે મારી આખી મૂર્તિના દર્શન કરો પણ નવરાવ્યા પછી મને સાફ સૂફી થતી હોય ત્યારે તો પડદા રાખવા. આભૂષણ પહેરાવવા, ફૂલના હાર પહેરાવવા, પણ તે વખતે ખુલ્લે ખુલ્લા ન પહેરાવવા, તે વખતે પડદો રાખીને મને ફૂલનો હાર પહેરાવવો. આ મોટી મોટી મર્યાદા છે. એ મર્યાદાનું નામ વિધિવાક્ય. આમ કરજો. એની સાથે વિધિ તો છે જ કે દર્શન તો કરવું. આખી મૂર્તિનું દર્શન કરવું. આરપાર દર્શન કરવું, પણ એ વિધિવાક્ય આવા વિશેષ વિધિને આગળ સામાન્યપણાને પામી જાય છે, એટલે સામાન્ય વાક્યને નિર્બળપણું અપાય છે અને વિશેષ આજ્ઞાઓને સબળપણું અપાય છે. માટે પડદો રાખી અને ભગવાનના પૂજન કરી એને ફૂલના હાર ધરાવવા એના પૂજારી અંદર બેઠા છે, તો આપણે સામું તર્ક કરીએ. ખરેખર તર્ક તો સૌ કરી શકે કે તે પૂજારી એક બે ત્રણ જણા હોય તો અંદર આંટા મારતા હોય, ઇ તો થાળનેય જોવે ને બધુંય જોવે. આપણા સારું પડદો છે, એના સારું નહીં ? ઇ યે માણસ છે. તો કે એમ નહીં. દેવની પાસે એનો અંગરક્ષક, અંગસેવક એ પાસે રહી શકે. એને પોતાનું અંગ માન્યું છે, એને અપરાધમાં નથી ગણેલો. ગૃહસ્થાશ્રમીઓને પોતાના સેવક, ઇ જોડલું પાસે રહી શકે, એની અસલ મર્યાદાની માટે શાસ્ત્ર નિષેધ નથી કરતું, એમ રાજાનો એનો ખાસ શિષ્ય કે ત્રીજા કાનમાં મંત્ર ન જાય એવી મંત્રણા કરનારો હોય તે રાજાને એકાંત સ્થળે બેઠો હોય ત્યાં મળે અને ત્યાં ખુલ્લા દિલની વાતો કરે, એને મર્યાદાનો લોપ નથી કહેવાતો. આમ શાસ્ત્રોએ મર્યાદા આપી છે, તે મર્યાદાને મુખ્ય ધર્મ લખ્યો અને પછી સામાન્ય ધર્મમાંથી મર્યાદાઓ તારવી અને બાકી રહે તેની સામાન્ય ધર્મમાં ગણતરી કરી.

ભગવાનની ભક્તિ કરો, નવધા ભક્તિ કરો, તેનું ભજન કરો, તેને વાસ્તે કીર્તન કરો, તેને વાસ્તે થાળ પાણી કરો, એને ભેટ આપો, ઉત્સવ, સમૈયા કરો, આ બધી આજ્ઞાઓ છે. બારેય મહિનાના કામકાજ સરખી રીતે સરખે ટાણે થતા હોય ઇ મર્યાદા બાંધી પણ અભિષેકને દિવસે લાખો માણસો દર્શન કરવા ભેગા થયા એને અભિષેકનું દર્શન કરાવવું હોય તો શું કરવું ? તો ત્યાં તો બબ્બે બબ્બે ધોળા લૂગડાં પહેર્યા હોય અને ભગવાનની ઉપર દૂધ, દહીં રેડાતા હોય, વાજા વાગતા હોય, લાખો માણસો આવ્યા હોય ને દર્શન કરતાં હોય અને બ્રહ્મચારીઓ અડતાં હોય અને ભગવાનના બારણાં ખુલ્લા હોય, અભિષેકના આમ દર્શન થાય અને તે દિ’ તમે સાડા પાંચની છએ આરતી કરતા હો મંગળા. પણ તે દિવસે તો ચાર વાગ્યે કરી નાખજો. જુઓ ત્યાં ફેર પડી ગયો. ભગવાન કહે, મહારાજ તમે આટલા બધા શું ઉતાવળા ? રોજ મને છ વાગે ઊંઘ ઊડે છે અને આજે ચાર વાગ્યે આવીને જગાડ્યો આમ શું કરો છો ? એમ ભગવાન ન બોલે. ઇ તો કે આજ ઠીક કર્યુ. મારે ત્યાં ઝાઝા ભક્તો આવ્યા છે, બધાને દર્શન થશે. શ્રીજી મહારાજ ગઢડામાં વહેલા સવારમાં આવીને નાહી ધોઇને પૂજા કરી ને હજુ સાધુ સૂતા હતા ત્યાં તો આસને આવીને બિરાજમાન થઇ ગયા. ચટક ચટક ચટક ચાખડીએ ચડીને, ત્યારે સાધુને ખબર પડી કે શ્રીજી મહારાજ તો નાહી- ધોઇને પૂજા કરીને આસને બેસી ગયા, તો ઇ લાખો માણસો મારી પૂજા અને દર્શન કરવા આવ્યા છે. આજ ભીડ તો જુઓ, ગામમાં ઝાડવા પર એટલા, એટલા મોભાર ઉપર એટલા, નદીએ એટલા, તળાવે એટલા, જ્યાં જુઓ ત્યાં માણસ માણસ. ત્યાં એને દર્શન ક્યારે થાય ? એની પૂજા ક્યારે થાય, જો હું મોડો મોડો ઉઠું તો ? માટે એના સારું વહેલો ઉઠ્યો છું. માટે ભગવાન આ આજ્ઞાઓ આપે છે.

આપણે ખરા ભક્ત થઇએ અને એને જમાડવા વાસ્તે જમાડીને જ જમીએ તો એને જમવા આવવું પડે. એ ભગવાન આપણે માટે તૈયાર છે, ઠેક ઠેકાણે ઊભા છે. ક્યાંય દૂરથી લેવા આવવા પડતાં નથી, પાસે છે, આપણી ભેગા છે અને આપણે પધરાવીએ ત્યાં બિરાજે છે. દ્રૌપદીને જ્યારે વખત આવ્યો કે આ કેશ ખેંચે છે દુઃશાસન. અને મારી આબરૂ જાય છે. પાંડવો મારું રક્ષણ કરે. પાંડવો ઊંચા-નીચા થાય, ભીમડો ઊભો થાય અને યુધિષ્ઠિર જે મારે ને ધક્કો પાછો બેસી જાય. ભીમ કહે, એ હમણાં એકસો એક બે પાંચ, બે જેટલા હોય. ધૃતરાષ્ટ્ર બધાયના ભોડા મેળવી નાખું. હમણાં મને ઊભો થાવા દે. યુધિષ્ઠિરને કહે, આઘો જા આહિંથી, મારો આડો શું આવે છે ? જ્યારે જ્યારે હોય ત્યારે અટકાવીને બેસે છે, તું કે એમ ન થાય. હું ધર્મરાજા છું, ધર્મની રીત પ્રમાણે થવા દો. પણ કે આવું હોય ? આવી રીત હોય ? પરણેલી પત્નીને બીજો ચોટલાને હાથ અડાડે તેને તો મારી નાખવો જોઇએ. ધર્મરાજા કહે, કંઇક પરમેશ્વરનું ધાર્યુ આમાં હશે. શ્રીકૃષ્ણ આપણી ભેગા છે. આ બધા દુઃખ થઇ રહ્યાં. ત્યાર પછીની કથા છે લાંબી. એ દ્રૌપદી માંડ્યા સંભારવા કે હે શ્રીકૃષ્ણ તમે પ્રત્યક્ષ છો, મારી રક્ષા કરજો, અહિંયા બેઠા છો એમ ન બોલ્યા. હે અંતર્યામી મારી રક્ષા કરજો, હે ગોલોકવાસી મારી રક્ષા કરજો, હે વૈકુંઠવાસી મારી રક્ષા કરજો, હે દ્વારકાવાસી મારી રક્ષા કરજો. હે અંતરાત્મા, પાંડવો ભેગા બેઠેલા મારી રક્ષા કરજો. પછી ભગવાન આકાશમાં આવ્યા સુદર્શન લઇને. દ્રૌપદીને વસ્ત્ર મંડ્યા આપવા. ઓલો દુષ્ટ માનસવાળો વસ્ત્ર માંડ્યો ખેંચવા, એને જરાક ચોટલો દેખાઇ આવે કે ખંભો દેખાઇ આવે, એટલે રાણીની મર્યાદા ગઇ. એટલું તાન હતું.

હવે કથાઓ તો ઘણી જાતની છે કે અમુક આભડછેટમાં હોય તે વખતે કેમ આ બધું ? મોટી સભા હોય એમાં કેમ આવવાનું થાય ? શું છે ? એ તો પછી પ્રભુ જાણે. કથાને ખેડુ જેમ પરસંગ મેળવે દોરડું કરવું હોય તંઇ ભીંડીનું. એમ આ બધા પ્રસંગ બધા શાસ્ત્રીઓ મેળવી દેય. આ બધું થઇ રહ્યું અને શ્રીકૃષ્ણ જ્યારે ઉપર આવીને આકાશમાં દેખાણા અને માંડ્યા કપડાં દેવા. બધું પતી ગયા પછી દ્રૌપદીએ પૂછ્યું કે, ભગવાન તમે ભેગા ને ભેગા છો. કહ્યા કરો છો કે હું જ રક્ષણ કરું છું. પણ એટલી બધી આપત્કાળ આવ્યા પછી રક્ષણ કરો છો. તો કૃષ્ણ કહે, જુઓ પાસે બેઠો છું. પણ તમે પહેલાં તો કહ્યું પાંડવો ભેગા બેસનારા હે ભગવાન તમે રક્ષા કરો, ત્યાં હું જરાક આમ સળવળ્યો ને ઊભો થયો ને ત્યાં તમે કહ્યું કે હે ગોલોકવાસી, ત્યાં મને કરોડો ગાઉ આઘો નાખી દીધો છે, જઇને પાછો આવું તંઇ થાય ને ? તો કેઇ મારી ભૂલ થઇ. હવે અહીં પહોંચ્યો ત્યાં તમે એમ કહો હે વૈકુંઠવાસી જલ્દી આવો. વળી નાખ્યો આઘો. વળી ત્યાંથી આવવામાં વાર લાગી. વળી કેય હે દ્વારકાવાસી. જ્યાં પાસે આવ્યો ત્યાં ફેંક્યો પાછો જે સમુદ્રમાં હવે ત્યાંથી કપડાં બપડાં પલળી ગયા, પાછા બીજા પહેરીને આહિં આવ્યો તો વાર લાગી. શું કરું ? પછી તમે બોલ્યા કે હે અંતર્યામી, પાંડવો ભેગા રહેનારા, મારામાં રહેનારા, આકાશમાં રહેનારા, બ્રહ્મલોકના વતની, સર્વે રહેનારા, અંતર્યામી, સર્વની દૃષ્ટિમાં દેખનારા, સભામાં રહેનારા મારી રક્ષા કરો. એટલું તમે કહ્યું ને હું આકાશમાર્ગે આવીને ઊભો જ તો, કાંઇ વયો નતો ગયો. પણ તમારી ભક્તિ વચન, તેને અનુસારે મારે આઘું પાછું થાવું પડ્યું. આ તો વ્યાસ ભગવાનની પોતાના આત્માની માલિકોરથી નીકળેલી કથા છે. થયેલુંય હતું અને એ કથાને એમણે ગોઠવી, આપણાં શિક્ષણ માટે. એને તો પાસે જ હતા ક્યાં દુઃખ દેવા દીધું જ છે. અને દુઃખનો હિસાબેય નો’તો કે કોઇ દિવસ સુખ ઘરમાં આવ્યું છે. એ ભક્તો હતા. એને દુઃખ હોતું નથી. સુખિયા થઇ ગયા. ભગવાન જેની પડખે છે. આખી દુનિયામાં જેના નામ સહુ લે છે, જેમ પરમેશ્વરના નામ લે છે. મહાભારત નામનો ઇતિહાસ આખો લખાણો અને એ ધર્મિષ્ઠ ગણાયા.

હું તમારી પાસે છું, પણ ચોરી વડે કરીને મને આઘો નાખો તો હું આઘો છું. લે ને આનું લઇ લઉં, આનું ચોરી લઉં, કોણ દેખે છે ? એટલે મને આઘો રાખ્યો મને પાસે ન રાખ્યો, હું દેખનારો છું, ઇ બાબત તમે ન જોઇ, તમે તો મને આંધળો જાણ્યો. આંધળો છે, આઘો છે. શું કરનારો છે ? ક્યાં કોઇને ખબર છે ? પણ તારા ભેગો છું ઇ એય તું ભૂલી ગયો બીજું તો ઠીક. જ્યાં ચોરી કરે છે ત્યાંય છું. સ્વામિનારાયણ ભગવાન કહે છે, આ જે દૃષ્ટિ કે પ્રભુ ભેગા છે, તો પછી ચોરી થાય શેની ? કેની ચોરી કરવી ? શેની ચીજ છે ? જે તમને અધિકાર પ્રમાણે આપ્યું છે, એ ગ્રહણ કરો. એથી વધારે નહીં, માટે ચૌર કર્મ, કોઇ પણ ભક્ત થાવ કોઇની ચોરીનું કામ પોતે કરશો નહીં. આપણે કહીએ છીએ ધર્મ વાસ્તે ચોરીનું કામ કરવું, પણ ઇ ચોરી કેવી ? જેની ચીજ ધર્મને માટે વપરાય અને પછી સાંભળે છે કે માળું તું ઉપાડી આવ્યો. જગનમાં આપ્યું, મારા ખેતરમાં તો સારા ઝાડવા હતા, પીપળો હતો, મજાનો હતો, ખીજડી હતી. પણ મને દેવાનું મન નોતું થાતું કેમ ? અમારા ભાઇઓનું સહિયારું છે. પણ ઠીક છે તું રાતે જઇને ઉપાડી આવ્યો પણ ઠીક, માળુ કામમાં આવી ગયું. આમ પછીથી જો હા પાડે તો પૂછ્યા વિનાનું લઇ આવ્યો, અંધારે જઇ લઇ આવ્યો. એમ વચ્ચે બખેડા ના થાય માટે. તો એવી ચોરી કરનારે તો કરી પણ એની ચોરીમાં ગણતરી નથી. એની સંમતિમાં ગણતરી છે. ના ના ના એમ કહેતા જવાય અને લેનારો છે ઇ થોડું થોડું માલિકોરથી લેતો જાય. એટલે ઓલો ના કહેનારની હા છે, ઇનો ઝઘડો ન થાય, એને ચોરીના રૂપમાં નથી લખ્યું. ભગવાન કહે છે, મારે માટે ધર્મનું કાર્ય કરો પણ જેનો ઝઘડો ઉત્પન્ન થાય એવી ચોરી રૂપી કાર્ય મારે માટે કરશો નહીં, મારા ધર્મ વાસ્તે કરશો નહીં. જેની માલિકોરથી પછીથી મારામારી થઇ પડે એવું કરશો નહીં.

બેય ભાઇ સત્સંગી હોય, બેયનો શેઢો સહિયારો હોય, બેયને શેઢે પીપળો હોય અને આંહિ જૂનાગઢમાં જરૂર પડી અમારે જગનમાં પીપળો જોઇએ છે અને ભાઇ આવી ચડ્યા. મોટો ભાઇ આવ્યા, ભાઇ પીપળો તો છે પણ શું કરીએ ? બેયનો ઝઘડો છે. છીએ તો સત્સંગી પણ હવે શું થાય ? એમ કહી ન શકાય કે હાલોને લઇ જાવ. પણ ઇ બેથી જબરો હોય ને ઇ પાછો જઇને ઉપાડી આવે તે પરાણે લઇ આવવો તો પડ્યો પણ પછી ઓલા રાજી થાય કે હવે ભલેને ગયો સારા કામમાં છે ને ? આપડે ક્યાં લઇ શકીએ એમ છીએ ? જિંદગી બાજી બાજીને મરી ગયા. પણ પછી ફળમાં સારું આવ્યું. ચોખા તો ગુજરાતમાં બહુ મળે છે. આંહિ જૂનાગઢમાં લાવે કોણ ? કાનજી ભગત. દોઢ હજાર મણ ચોખો લાવ્યા, ચોખો. દોઢ હજાર મણ લાવ્યા, આ તમારા જગન વાસ્તે, ભલેને બે બે લાખ માણસો ખાધે જ રાખે. ખાંડની ગુણીની ગુણિયો આવી, ઘી આવ્યું, ગોળ, ખાંડ ને સાકર ખાધે જ રાખો. ભગવાન આપ્યા જ કરે. પૃથ્વી આપશે. અત્યારે ઘઉંના ખટારા ચાલ્યા આવે છે, ગોદડા ચાલ્યા આવે છે, ખાંડના ડબ્બાઓ, ઘીના ડબ્બાઓ, બધા કોથળીઓ ને કોથળીઓ હાલી આવે છે. ભગવાનને વાસ્તે આવે છે, એમાં ક્યાંક થી પરાણે લીધું. ક્યાંક અનુમતિથી લીધું, ક્યાંક સભા કરીને લીધું, આમ જે લીધેલી ચીજો છે તે દેવને વાસ્તે કામ આવી ગઇ એ ધર્મકાર્ય વાસ્તે આવી ગઇ. અને જે ધણિયાતું કાષ્ટ વગેરે હોય એ લેવું નહીં, પૂછીને લેવું પણ ભગવાનનેય પૂછવું ખરું. કેને પૂછવું એમ ન રાખવું. છેવટે જમરાજા તમને પૂછશે જો કોઇને નહીં પૂછો તો. કેટલીક જ્ઞાતિ એવી છે, જેને જમીનમાંથી કાંઇ ન મળે પણ ઊભા મોલમાંથી મળે, ડફેર લોકો ઊભા મોલમાંથી ખાઇ જાય. અને ગામમાં બળદ હોય, ખૂંટડા હાંકેલા હોય તો એને કોઇ ખેતરમાં ઘરવા નો દે પણ ઓલો રાતે પહોંચે. ઇ દિવસે આંટો મારી આવે ક્યે ઠેકાણે વાડ નબળી છે ? ચારેકોર ફરી આવે, જોઇ આવે, એને જ્ઞાન છે. હાં આનીકોર છે પણ માળું પાયેલું છે, તે પાયેલું ક્યાં નથી ? ત્યાં જઇને પાછો જોઇ આવ્યે કે ફલાણે ઠેકાણે માથું અડાડું તો વાડ ભાંગી જાય એમ છે અને મારે જાવાની બહુ મજા આવશે. ને ન્યાં પાયેલું નથી. લોથા ઠીક બરાબર બહુ ગાભે આવ્યા છે. ભારે મજા આવી. જોઇ આવે ને પછી રાતે જાય બે વાગે. આવડા આ ઘરર સૂઇ ગયા હોય તંઇ, વાસુપી સૂઇ ગયો હોય અને ધીરેથી માથું મારે. કળળાટિ ન બોલે, અંદર બેઠો બેઠો ધીરે ધીરે ખાય, કૂંપળા ખાય. ઓલો વાસુપી જાગે ત્યાં પેટ ભરીને વયો જાય. હવે એને ચોરી વિના શું કરવું, ગામમાં આ ધણખૂંટને ?

માટે શાસ્ત્ર તો ઘણી રીતે લખે છે પણ માણસને વાસ્તે કાયદાઓ છે, કાયદાથી કામ કરો, કાયદાથી રહો, ભગવાનને રાજી કરો, ધર્મને પાળો અને સુખે ફળ, મૂળ, કંદ, પાણી એ ચીજને લ્યો, વાપરો, ભગવાનને અર્પણ કરો. ડુંડા થાય તો પોંક ભગવાનને જમાડો, ચણા થાય તો ઓળા જમાડો, ચીભડા થાય તો જીણા જીણા રાજગરિયા જમાડો, કાંઇ નો હોય તો કેયડા એની મેળે થાય છે, સાચવવા પડતાં નથી બે મૂઠી વીણી આવો એને મીઠામાં બોળીને સાધુ-સંતને, ભગવાનને આપો કે ભગવાનને આ ધરજો. હું તો મફતનું લઇ આવ્યો છું. પણ ભગવાન લેખે મારું આ સાર્થક થઇ ગયું, આમ કામ લેવા શીખવું તો જીવાત્મા છે ઇ પરમેશ્વર લેખેનો થઇ જાય છે. માટે ભગવાન શ્રીહરિ કહે છે, કદાચ લેવાઇ ગયું તો ધણીએ એમ કહેવું ભાઇ, હું તારું આટલું લઇ જાઉં છું હો ! ક્યાંક રસ્તે સામે મળે ને ડોળો ફાડેને તો ય એમ થાય કે આવડો આ મને મારશે જાણે એમ થાય કે આ લઇ જાશે. હેઠું મેલીને તરત દંડવત્ કરી લેવા, એલાં કાં એમ કર ? આ તમારું ચોરીને લઇ જાઉં છું. એ તરત માફ. પરમેશ્વરની પાસે માફી માંગી લેવી. સ્વામિનારાયણ ભગવાન કહે છે, માફી રોજ માંગજો હો. એકાદશ નિયમ લખ્યા છે એમાં તમારા ભક્તનો દ્રોહ ન થાય, તમારો દ્રોહ ન થાય, ચોરી ન કરની કાહૂ કી, કલંક કોઇકું ન લગાત. નિંદત નહીં કોઇ દેવ કું બિન ખપતો નહીં ખાત. આ રોજ સાંજે બોલીએ છીએ, માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણી નજર રાખે છે. કદાચ ન મળ્યું તો શાક રોટલો તો મળશે જ એમ કરતાં કદાચ ન મળે તો એક ટંક, બે ટંક ભૂખ્યાય પણ પાછું આપશે ખરા. ભક્તને માટે આવે જ છે અને આપે જ છે ને કોઇ ને કોઇ રીતે એની સંભાળ લ્યે જ છે.