ભગવાનની ભક્તો પર અપાર કૃપા - પરમધામના દિવ્ય સુખનું વર્ણન
ભગવાન સામર્થ્ય વાપરે પણ ભક્તોથી સહન થાય તેટલું. એથી વધારે જો વાપરે તો ભક્ત ગાંડા થઇ જાય અને પછી ભગવાનને પણ ભક્તો એવા વાંસે પડી જાય કે અમને આ બતાવો, અમને આ કરો, અમને આવી રીતે અને અમને જ્યાં હોય ત્યાં તમારા બ્રહ્માંડોમાં બધે મોટા થઇએ એ પ્રમાણે સામર્થ્ય આપો. એમ ભક્તજનો છે અજ્ઞાનથી ભગવાનના સામર્થ્યોને લઇ લેવા માટે પણ પાછળ પડી જાય છે. માટે ભગવાન કહી દે છે કે, ભાઇ મારી પાસે કાંઇ નથી ને હું કાંઇ જાણતો નથી, તમે મને ઓળખતા હો તો, ઓળખાણ પૂરતાં ભજન કરો. એ તો દીનાનાથ છે, પરમકૃપાળુ છે, ભક્ત એની નજરમાં છે, જ્યાં હોય ત્યાં ભક્તોને ઓળખે છે, સંભારે છે, સાંભળે છે, દેખે છે, માટે એને કાંઇ નવું કહેવું પડતું નથી, નવું શીખવાડવું પડતું નથી, કાયમની માટે શીખેલા જ છે. કેમ રહેવું, અને કેમ કરવું અને કેમ ભક્તોને આનંદ આવે ? એ બાબતના ઢાળામાં ઢળેલા જ છે, હેતવાળા ભક્તજનો ભગવાનની આગળ કોઇ જાતનું આવરણ રાખતા નથી. પ્રીતિ વડે ભક્તિ કરવી, પ્રેમથી સેવવા, વચ્ચે કોઇ જાતના આડ અને આવરણો ન રાખવા અને ભગવાનની મૂર્તિ રાજી થાય, આપણે સેવાના ફળ વડે રાજી રહીએ, સુખી રહીએ, એવા લેવા શીખવા.
જ્યારે ભગવાન અષાઢી મેઘે આવી ચડ્યા, એમ જ્યારે આનંદ વરસવા માંડે છે ત્યારે જો ભક્તજન એ વરસાદી વૃષ્ટિને સુખસાગરથી ન લ્યે તો એ ભક્ત કાચો અને જો સમય પ્રમાણે ભગવાનના ઐશ્વર્યો, સામર્થ્ય, લીલાચરિત્રો તેને ઝીલી લ્યે તો એ ભક્ત સાચો. ભગવાનની મૂર્તિ ચિંતામણિ છે તેમાંથી બધું મળે છે, એવા ભગવાન તમારી ભેગા તમારી જેવા થઇને રહે છે. ભગવાન કોઇ બ્રહ્મલોકમાં, કોઇ ઇશ્વરલોકમાં, કોઇ ભૂમાપુરુષના લોકમાં, કોઇ વૈકુંઠમાં, ગોલોકમાં વચ્ચે ઘણા દેવતાના લોક છે, ત્યાં ન રોકાણાં અને અહીં તમારી જેવા, તમારી પ્રત્યે આ આનર્ત રાજાના સૌરાષ્ટ્રમાં આવી અને વસ્યા અહીં પ્રગટ થયા અને નાના નાના સેવકોને, ગરીબડા ગરીબડા સેવકોને પોતાના કરી રાખ્યા, અપનાવ્યા. કારણ કે તે ભગવાન થોડો’ક આવકાર આપે ત્યાં રાજી થઇ જાય અને તે સેવકો થોડીક ચાકરી કરે ત્યાં ભગવાન રાજી થઇ જાય. માટે સેવકોને ને ભગવાનને બને છે.
બહુ ઝાઝા પૈસાવાળાને, નાણાંવાળાને શેઠિયાને ભગવાન પોતાનો નથી ગણતા. કેમ એમ ? તો કે એને ત્યાં માયા છે ને. લક્ષ્મી ને પૈસો એટલે ઇ શેઠિયો એમ જાણે કે, હું મોટો છું એટલે એને પાણી પાવું, એને ખવરાવવું, એને વાહર નાખવો, એને ગાદલું નાખી દેવું, એની સારવાર કરવી ઇ ભગવાન પોતે કરે તંયે થાય. માટે ઇ તો ઊલટો સેવા-ચાકરી કરાવે, તો ઇ જે પુણ્ય લેવા આવ્યો છે, પવિત્ર થવા આવ્યો છે, આનંદ લેવા આવ્યો છે, ઇ આનંદ એને ન મળે, ઇ તો દેહનો દર્શી, એ દેહનો ભગત થયો. માટે આ ભગવાન એવા નથી કે એના થોકડાવના મોહમાં મોહી જાય અને વાહ વાહ કરવા માંડે અને ગરીબોને એકકોર આડે કરી દે. ગરીબો પહેલાં, મારા વિનયવાળા સેવકો પહેલા. મારી સમીપે રહો, મારી હાજરીમાં રહો, મારી સાથે રમો જમો, ખાવ-પીવો, ફરો-વિચરો, બેસો. એમ એને સુખી કરવા માટે ભગવાન બહું સાદાઇ વાપરે છે, સાદાઇ રાખે છે. જો ભગવાન એવાથી રિસાઇ અને તાલેવાનોનાં ભાઇબંધ થાય તો આ નાના નાના સેવકોનું કોણ ? એની સંભાળ કોણ લ્યે ? માટે આ વખતે તો ભગવાનને એક તલની મૂઠી નાખી આનીકોર સૌરાષ્ટ્રમાં. ત્યાં નવા નવા સેવકો જાગ્યા અને એની ભેગા જ આ ભગવાન વિચર્યા. જ્યાં મારા સેવક ત્યાં મારું ધામ, જ્યાં મારા ભક્તજનો ત્યાં મારા કામકાજ અને જ્યાં મારા હેત ત્યાં મારું કુટુંબ અને જે મારી સેવા કરી, ચાકરી કરે તે મારા શિષ્યો અને જે મને જોઇને રાજી થાય એ મારું અંગ અને જે મારામાં કોઇ ભેદભાવ ન રાખે, કોઇ જાતનો સંશય ન કરે એ મારું અંગ કહેવાય, એ મારા ભક્ત કહેવાય. મારા અડધા અંગ, શરીર તરીકે ઇ મારો ભક્ત ગણાય.
નિર્વકલ્પ સમાધિનો અર્થ જ ઇ કે, ભગવાનમાં કોઇ જાતનો વિકલ્પ નહીં. પ્રભુની મૂર્તિ છે, એના મુખારવિંદના દર્શન થાય, એની વાણી સંભળાય, એના ઉજ્જવળતાના દર્શન થાય, એને બાથ ભીડીને મળાય, એના પગ ધોઇને જળ પીવાય, એની પ્રસાદી જમાય, એનો સુંઘેલો પુષ્પનો હાર ગ્રહણ થાય, ભગવાનને અત્તર, તેલથી ચોળીને નવરાવાય, ગરમપાણીથી નવરાવાય, ભગવાનને પંચામૃત ચડાવે, દૂધથી નવરાવે, જળથી પણ નવરાવે, અભિષેક કરાવે, આ બધાય સુખ ભગવાનની મૂર્તિમાં છે માટે કલ્યાણકારી છે અને એ સેવા-ચાકરી કરી ઇ જ્ઞાન કરતા ચડી જાય, જ્ઞાની જોલા ખાતો રહી જાય અને ભગવાનની ઓળખાણવાળો હેત, પ્રેમ વડે કરીને ઊંચે દરજ્જે ચડી જાય, અક્ષરધામનો અધિકારી થાય. ભગવાને પોતાના ભક્તને એની ભક્તિ સ્વીકારવા માટે, એમને પોતા પાસે રાખ્યા, આસપાસ રાખ્યા, આસપાસ રાખ્યા પછી ભગવાન ધારતા હતા કે, મારા સેવકને દુઃખ તો ન હોવું જોઇએ પણ સેવકોએ તો એમ ધાર્યુ કે આપણાં ભગવાન છે, આપણાં પ્રભુ છે માટે એની સેવા-ચાકરી એના ધાર્યા પ્રમાણે કરી લેવી. તો તમે મૂર્તિ પધરાવી, ભારે ધામધૂમ કર્યા. પ્રભુને એમ થયું કે, આ છોકરાવની પાસે હોય તો બહુ વાપરે માટે એને સેવા-ચાકરીના ફળ દેવા જોઇએ, ત્યાં ભગવાને કોઇમાં પ્રવેશ કર્યો પડખાના દેશોમાં જે બહું આઘું નથી, બલૂનમાં બેસવાનું મળે, કામકાજ મળે, જોવાય અને સોનાના રાળ હાથમાં આવે એવો દેશ ખોળી કાઢ્યો. કામ-ધંધા તો એના એ જ છે પણ નાણાં ખૂબ દોઢ, બે, ત્રણ ગણા મળી ગયા. એવું પ્રભુએ ગોઠવી કાઢ્યું કે ભગવાનનો જેટલો સેવક વર્ગ છે તે આનંદમાં ને લ્હેરમાં વર્તે છે.
પ્રભુ તમને ખૂબ આપો, ખૂબ વાપરો, ઉત્સવ સમૈયા સારા કરો, ભોજન પાણી કરો, ભગવાનની મૂર્તિને પાસે રાખીને ઘડીક બે મિનિટ ધ્યાન કરો, ભગવાનને થાળ જમાડો, એકાદું ગુલાબનું ફૂલ મળે તો ભગવાનને સુંઘાડો, કોઇ સેન્ટ અત્તર કંઇ મળે તો ભગવાનને જરાક કાઢી પૂમડું ચોળવું. પ્રભુએ તો આ દુનિયા બનાવી છે એટલે બધી દુનિયા તો એની છે, પણ આપણનેય બનાવ્યા છે અને આપણનેય આપ્યું છે ને ઇ આપ્યું છે ને આપણા જેવા થયા છે. માટે આપણી ચીજોને ઇ ભોગવે એવા થયા છે માટે આપણું છે ઇ એનું છે, આપણામાં એનાપણું બધુંય છે. ભુવનો, બંગલાઓ, ઘરેણાઓ વસ્ત્રો, બાગ-બગીચાઓ, ખેતર-વાડીઓ, ઘરબાર કુટુંબ, બાળ-બચ્ચાં, છોકરા, પતિ-પત્ની, પરિવાર, માવતર, ગાયું, ભેંસુ, હાથી, ઘોડા, વાહન મોટરું, ભગવાને બનાવ્યું, ભગવાને આપ્યું માટે જેણે આપ્યું એનું છે. અને ભગવાનને સમર્પણ કર્યુ એટલે એ પ્રસાદી થઇ ગઇ, આ પ્રસાદી ચીજો એ ભગવાનની આજ્ઞા વડે કરી આપણે એને વાપરીએ એટલે વપરાતી ચીજો ભગવાનનો પ્રસાદ આજ્ઞા વડે કરીને ગ્રહણ કર્યો જેથી કરીને આપણે આપણું માનીને અહં મમતાના દોષમાં પડતાં હતા, ઇ દોષ છૂટી ગ્યો તો ભગવાનને સમર્પણ આત્મનિવેદી ભક્તિ થઇ ગઇ.
આત્મનિવેદીઓના ધર્મમાં આ હકિકત લખી છે કે, તારો દેહ એ મારે માટે છે. તારું મન, બુદ્ધિ, ચિત, અહંકાર છે ઇ મારે માટે છે. તારી બાલ્ય, જુવાન અને વૃદ્ધ અવસ્થાઓ તે બધી મારે માટે છે. તારા શરીરમાં બળ, ઐશ્વર્ય, શક્તિ સામર્થ્ય સારા-નરસા ઇ બધું મારે માટે છે. તારા કામકાજ, ઉપજ, તારી મિલકત, તારા નાણાં ઇ મારે માટે છે. તારી શોભા બધી મારે માટે છે. તારા ગાદલા-ગલીચા, ઓશિકા, કામળિયું, રજાઇયું, બધું મારે માટે છે. તારી સંપત્તિ તને મેં આપી છે, તે મારી સંપત્તિ છે. માટે મારી સંપત્તિમાં તું તને પોતાનું માની અને મને આપ એટલે મારું જ છે અને મેં આપ્યું છે, મારું આપ્યું થકું ભોગવ. માટે સુખી રહે પણ મને ભૂલીશ મા. ભગવાનની પ્રસાદી હોય એને કોઇ ભૂલે નહીં. મોટા સમ્રાટે કોક દા’ડો કાંઇક ઇનામમાં કોઇ સિક્કો આપ્યો હોય તો ઇ માણસ આખી જિંદગી ઇ સિક્કાને જોવે ત્યાં સમ્રાટ સાંભરી આવે અને એમ ગણે કે આને લઇને મારી મોટાઇ થઇ છે. એમ ભગવાને રાજીપાથી સિક્કા આપ્યા છે, પોતાની મૂર્તિ આપી, પોતાના કીર્તન આપ્યા, પોતાની દિવ્ય ભાવનાઓ આપી, પોતાનાં લીલાચરિત્રો આપ્યા, પોતે પણ તમને સોંપાઇ ગયા કે ભાઇ હવે મને તેમ કહો એમ હું વર્તીશ. તમે ખેતરવાડીમાં ફેરવો તો ત્યાં ફરું. ઘરે ખોરડે, ઓસરીએ બેસાડીને ચાંદલો કરો તો ચાંદલો કરી લઉં, કૂવા કાંઠે બેસાડીને નવારો તો નાહી લઉં. વસ્ત્ર ઓઢાડો તો ઓઢી લઉં, દૂધ પાણી કંઇ કરો તો પીય લઉં, કંઇક આપો તો લઇ લઉં અને પાછું તમારું છે તે તમે એને સાચવો, તમે વાપરો. મને તો આપો એટલે થોડુંક લઇ, પ્રસાદી કરી, આશીર્વાદ દઇ અને તમારી નજર રાખી સંભારુ, તમે પણ મને સંભારો એમ એકમેક થઇને રહો એટલે હું રાજી રાજી. અને એમ રહેશો તો બ્રહ્મલોકમાં હું જ્યાં હઇશ ત્યાંથી તમને એનું ટાણું આવશે ત્યારે પહોંચાડી દઇશ.
આ જગતની રીત છે ઇ રીત પ્રમાણે તો રહેવું જોઇએ. બાળ- બચ્ચા, બે છોકરા હોય તો સારું. પત્ની હોય આંગણું શોભે, માણસો વચ્ચે રહેવું ઘટે, નાણાં-દાણા હોય તો સારું, એટલા માટે આ કમાણી છે બધી અને કમાણી બધી પૃથ્વીમાંથી જ છે એ આપી છે. બુદ્ધિ આપી છે, ઇન્દ્રિયો આપ્યા છે, અંતઃકરણ આપ્યા છે, વિચાર આપ્યા છે, બધા સદ્ગુણ આપ્યા છે. પણ ભગવાન લેખે વાપર્યા એટલે નિર્ગુણ થઇ ગયા. ભગવાનના દર્શન કર્યા એટલે આંખો નિર્ગુણ, ભગવાનની વાણી સાંભળ્યે કાન નિર્ગુણ, ભગવાનની પ્રસાદી જમે એટલે દેહ નિર્ગુણ, ભગવાન સાથે રમે, જમે, એટલે તમારા બધાંય હાથ-પગ વગેરે નિર્ગુણ થઇ ગયા અને નિર્ગુણ છે એમાં માયા રહેતી નથી અને માયા ને કાળ એની ઝપટ લાગતી નથી. ભગવાનની પ્રસાદીનો થાળ ભલેને મેસુબ હોય મોહનથાળ હોય સારી ચીજો હોય એને જમો, તો ઇ બંધન કરનાર નથી, અક્ષરધામમાં મોકલનાર છે. ભગવાને પહેરલું વસ્ત્ર વાપરો ઇ વસ્ત્ર ગમે ત્યાં ખંભે હશે તો પણ ભગવાનના ધામમાં લઇ જશે. એમ ભગવાનને છાતી ભીડીને મળો, ભગવાનના ઉદરના દર્શન કરો, પગના દર્શન કરો, મૂર્તિના દર્શન કરો, ભગવાનને સંભારવા. ઇ દર્શન છે બધા. ભગવાનના ચરણ ચિહ્નો, બીજા ત્રીજા ચિહ્નો, ઇ બધા ચિહ્નોને જુઓ, દેખો, તે આખી જિંદગી સાંભર્યા કરે, એમ દેખવા, એમ દર્શન કરવા, એવી રીતે જે અલૌકિકપણું કંઇક ભગવાન પાસેથી ગ્રહણ કર્યુ હોય તો ઇ અલૌકિકપણું આખું જીવન સાંભરે છે અને છેવટે પણ ભગવાન ઇ અલૌકિકપણાને લઇને પોતાના ભક્તને સંભારીને ધામમાં પહોંચાડે છે.
ધામમાં ઘણાં મુક્તો અનેક રૂપ ધારણ કરીને સેવા કરે છે એટલે ભગવાનને કાંઇ સેવકોનો પાર નથી. અનંત રાધિકાઓ, અનંત રમાઓ, અનંત લક્ષ્મીઓ, અનંત શ્રીઓ, અનંત જયાઓ, અનંત લલિતાઓ, અસંખ્ય એવી ભક્તાણીઓ, સખીઓ, દાસીઓ, એ તો ભગવાનને માટે જ ચારેકોર રમી રહી છે, ભગવાન એને મનોરથ પૂરા થાય એવા રૂપ ધારણ કરી અને એની ભેગાં ફરે વિચરે છે. મુક્તજનો ભગવાનની જેવી મૂર્તિ થઇ, બાળ સખાઓ ‘સોળ સોળ’ વર્ષોની મૂર્તિઓ રૂપાળી રૂપાળી ધારણ કરીને ભગવાન સાથે ગરબીઓ ગાય, રમે, હરે-ફરે. ત્યાં સમુદાયના સમુદાયો મુક્તજનો છે. ઉજળા-ઉજળા, ઉજળાપણાં જેવા સારા સુંદર સુંદર સોનેરી મૂછની ઝીણી ઝીણી રેખાઓ ચળકતી હોય એવા મુક્તો છે. ઇ જ્યારે રમતમાં ચડ્યા હોય છે ત્યારે ભગવાનને ક્યાંય બથું ભરે, ક્યાંય રમાડે, ક્યાંય જળના કુંડમાં નવારે, ક્યાંય પુષ્પોમાં ને, કોઇ ઝાડવાઓમાં ને, કોઇ બગીચાઓમાં ને, હરવા-ફરવાને સખા તરીકે રમતા જ હોય, ત્યારે એય મુક્ત તરીકે સુખ લ્યે છે. જ્યારે જ્યારે મરજી થાય કે, હવે બગીચારૂપે થાવું છે તો બધાય મુક્તો બગીચો થઇ જાય પછી ભગવાન એમાં ફરે, ત્યારે કો’ક ફળ આપે, ફૂલ આપે, પુષ્પ આપે, પાંદડા આપે, સુગંધ આપે. આ રીતે ભગવાન એની છાયામાં હરતા ફરતા કોઇને ઓઠિંગણ દેય, કોઇને પગ અડાડે, કોઇને હાથ અડાડે, કોઇનું પાંદડું જમે, કોઇનું ફળ જમે, એમ એ બગીચાઓની સેવાઓ અંગીકાર કરે છે, વળી મુક્તોને એમ થાય કે આજ તો સભા ભરવી છે, ત્યારે હજારો, લાખો, ભગવાન જેવી મૂર્તિઓ થઇને બધા સભામાં બેસી જાય, એથી મોટાં મોટાં વ્યાસો છે ઇ ભગવાનના ગુણ ગાતા હોય એને સાંભળે, ગુણ પૂરા થઇ જાય ત્યારે ગવૈયાઓ મંડે ગાયન કરવા, એના ગાવણાઓમાં ભગવાનમાં તન્મય બધા થઇ જાય છે. એકદમ તલ્લીન થઇ ગયા હોય ત્યારે ભગવાનની મૂર્તિ અને એક ભક્ત, મૂર્તિ અને એક ભક્ત, મૂર્તિ અને એક ભક્ત એવા પ્રેમરસ લેવા માંડે કે, મુક્ત જાણે કે ભગવાન મારી હારે જોઇન્ટ થઇ ગયા છે અને ભગવાન જાણે આ એક મુક્ત મારી હારે જ મને ઝપટી પડ્યો છે. માટે મારું જેટલું સુખ છે એટલું તું લઇ લે. મુકત કહે, ભગવાન તમારું જેટલું સુખ હોય એટલું મને દઇ દ્યો.
આવી રીતે લાખો અને કરોડો મુક્તો કો’ક કો’ક વખતે સેવામાં ઉતરે છે ને રમૂજમાં ઉતરે છે ત્યારે ભગવાનનો પ્રેમરસ, એની તાકાતના બધા રસ છે ઇ મુક્તજનોને આપે છે અને મુક્તજનો ભોગવવા માંડે છે ત્યારે એને એક એક મટકું ભરે એટલામાં લાખો યુગના સુખ ઝરર ઝરર ઝરર થતાં હોય છે, એને આકર્ષણેય થાતાં હોય છે, એને આખા શરીરના ખેંચાણ ભગવાનની મૂર્તિમાં થાતાં હોય છે, ત્યારે એ ભગવાનની મૂર્તિ સિવાય બધુંય ભાન ભૂલી જાય છે, એક જ આનંદની લહેરો અને એના સાગરમાં જ ગરકાવ થઇ જાય છે, ત્યારે એમ થાય કે ઓહોહો ભગવાનની મૂર્તિમાં કેવા સુખ છે, આપણને ભગવાને કેવા સુખ આપ્યા ! મને કેટલું બધું સુખ આપ્યું ? આટલું તો કોઇને નહીં આપ્યું હોય ! અને એવી રીતે ઇ ભક્ત ભગવાનની સેવા-ચાકરીમાં ચડે ને પછી જો એને મસ્તી વધારે થાય, મારે ભગવાનને આજે બીજી રીતે સેવવા છે, તો તે જ વખતે મુક્તની મૂર્તિ હતી એ મુક્તાણિકા થઇ જાઇને પછી મુક્તાણિકા થઇને ભગવાનને હાવભાવ વડે કરીને ચોંટીને એના તમામ ઐશ્વર્યના, વીર્યના, બળના, ચૂમ્માના બધા અનેક પ્રકારના સુખોને ગ્રહણ કરવા મંડી પડે છે. આમ રાધા અને રમાઓ જેવા અનંત મુક્તો, મુક્તાણીઓ, એ ભગવાનને સેવે છે, સેવા-ચાકરીના સુખ લ્યે છે અને આવું આનંદમય સુખ ઇ સેવા ભક્તિ, પ્રેમપૂર્વક ભક્તિ, એ મોટામાં મોટો પુરુષાર્થ છે ભગવાનને રાજી કરવાનો અને ભક્તોએ રાજી થવાનો. અને જ્યારે ભગવાનની મરજી થાય કે હવે એને પૂર્ણ તૃપ્તિ થઇ જાવ, ત્યારે તૃપ્ત થયેલા ભક્તને એના આખા શરીરમાં જે આનંદના ફૂવારા છૂટતા હોય છે ઇ તો કેટલાય કાળ સુધી એમને એમ લાંબા લાંબા ફૂવારાઓમાંથી ઉછળ્યા જ કરતાં હોય છે, ભગવાને આપેલા સુખ એક મિનિટના હોય તો કરોડો વર્ષો સુધી ભૂલાતા નથી પણ ઇ ઉછાળાને ઇ જાણતા જ હોય છે એટલે ભૂલાતા નથી. પણ આવી વાત આ જગતમાં તમને ભગવાન વિના બીજો કોણ કરે ?
માટે ભગવાનની મૂર્તિના સુખ છે ઇ ભગવાન જો હેત કરીને પોતાની બથમાં બેસાડીને તમારા સાથે ગાલ મેળવીને જો તમને બરાબર ખેંચાણ કરે તો તમારું શરીર આખું છે, તે મૂર્તિ આખી કમકમાટીથી ઉછળી પડે. મંડે રૂવાડે રૂવાડે પ્રેમરસ ઝરવા, સુખના આનંદ ઝરવા અને ત્યારે એમ થાય કે ઓહોહો આ તો મારામાં ભગવાન અને હું ભગવાનમાં. આવી જે સેવા- ચાકરીઓ છે એ બ્રહ્મલોકમાં મેલી છે, રાખી છે એ ભક્તને માટે છે. અહિંયાં જેણે જેવી સેવા ચાકરી કરી તેવા સુખ, તેવા આનંદ, તેવી લ્હેરો અને તેવી દાસી-દાસપણાની ભક્તિઓ, એ ભગવાન પોતાના ભક્તને આપે છે, જેણે અહિંયા સેવ્યા એને ત્યાં તેવા સૂખો આપશે અને તેવા સુખની આશાથી જ ધામમાં જવાનું હોય છે, ત્યાં આ જગત આખું માયાના સુખ છે તે તુચ્છ થઇ જાય છે. કરોડો કુમારીઓને જોવાના સુખ, ભોગવવાના સુખ, દેખવાના સુખ, અડવાના સુખ, તે પુરુષવર્ગને નકારા થઇ જાય છે, જ્યારે ભગવાનની મૂર્તિના સુખ લેવા માંડે છે અને ભક્તને એટલા બધા સુખ ઉછળી પડે છે જ્યારે ભગવાન પાસે અનંતગણા સાગર ઉછળે છે ત્યારે ભગવાન બધાયના સુખ લેવા માંડે ત્યારે રાધા અને રમા એકકોર બેસી જાય છે. ત્યારે કરોડો પ્રકારના સુખ ઉપજવા માંડે છે, કરોડો ભક્ત પોતાના તન, મનના ભાન ભૂલી જાય છે, કોઇ આડશ વિનાના એકમેક થઇને જે મોટા મોટા સુખના સાગરોમાં ઊતરી જાય છે ત્યારે એ સુખના સાગરોનો અંત આવતો નથી. ભગવાન આવી રીતે પોતાના સુખ આપે છે. આ તો ભગવાનની પોતાની સમૃદ્ધિઓની, સંપત્તિઓની, સેવકોની, જે ભક્તિ પ્રીતિવાળી, પ્રેમવાળી, સેવવાવાળી, અંગવાળી, રસબસ થવાની ભક્તિ તે ભગવાનને ત્યાં આવી છે, આવી ભક્તિ તમને વધારે વર્ણન કરીને બતાવી.
શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે પૃથ્વીમાં હતા ને રાધિકાજી પાસે હતા ત્યારે ગર્ગ નામના ઋષિએ એમની ભક્તિ આવી ઘણી પુરાણોમાં વ્યક્ત કરી છે અને રાસ રમ્યા ત્યારે પણ થોડી ઘણી વર્ણન કરી છે. માટે રસિક ભક્તે ભગવાનમાં રસિક થવું, ભગવાનમાં રસ રેડવા, ભગવાનનાં રસ લેવા, ભગવાનનાં સુખ માણવા અને ભગવાનને બધી રીતે ભોગવવા, તો જ પ્રભુમાં શરણે થયેલો ભક્ત એ અસંખ્ય સુખને મેળવે છે. આ એક જીવનમાં જેટલું સુખ લીધું, પછી ભવિષ્યમાં, ધામમાં ભગવાનની મૂર્તિના સુખ ઇ કોઇ દિ’ એનો અંત આવતો જ નથી એવા સુખ મળે છે. આ બાબત ભક્તજનોએ એવી ધ્યાન રાખવી કે, અહિંયા સુખિયા થવા શીખવું એટલે ભગવાન એવા ને એવા સુખિયા ત્યાં કરશે.
આ લોકની ચીજો જેવી તેવી છે. ચોખામાં દૂધ, સાકર નાખે. ઓહોહો બહુ ભારે આજ તો સાકરિયા ચોખા જમ્યા, દૂધ ચોખા જમ્યા, પણ જીભને અડે એટલી ઘડી, પેટમાં જાય એટલે થઇ રહ્યું. અત્તર તેલ ફૂલેલ ચોળ્યા, ઓહોહો ભારે આનંદ, બહુ સુગંધ પણ એને તડકો ને વાયરો ન અડે ત્યાં સુધી, પછી ક્યાંય નાયા ધોયા વગેરે સુખ-સંપત્તિઓ, સારું કપડું, સુવાળું મલ્યું. કાંઇ ઘરેણું પહેર્યુ, ઓહોહો ભારે સુખ, પણ કેટલી ઘડી ? પોતાને એમાં હેત હોય એટલી ઘડી. એ ઘરેણું ભૂલી જવાય તો ભલે ને હાથમાં ચોંટ્યું રહે ઇનો આનંદ નથી આવતો અને ભગવાન છે એનો આનંદ ભૂલાતો નથી, ભગવાન ભૂલાતા નથી, ઇ બધી ચીજોના જેટલા આનંદ છે ઇ તો એક ટાણે આખી મૂર્તિમાં ભગવાન હાથ, પગ, રોમ, પિંડી, પગ, માથું, છાતી, કડ, ઉદર, મુખ, નેત્ર, આખી મૂર્તિમાં ભગવાન રસબસ થઇને બધા સુખ આપે છે. ત્યારે એમ થાય ઓહોહો બ્રહ્માંડમાં કોઠીયું રચી છે એના સુખની આગળ કાંઇ ગણતરીના નથી, આવા સુખમાં ભક્તોને લઇ જાવા છે, રાખવા છે, એવા સુખ દેવા છે, માટે એવા સુખિયા થાવ.
આ મારો ઉપદેશ તો વેદ પુરાણ અને ઇતિહાસને પણ દિવ્ય બનાવી દે એવો છે માટે પાકા ભક્ત રહેજો, પાકા થાજો, પાકી ઉપાસના કરજો, પાકી સેવા કરજો, અને નિર્દોષ રહેજો અને કમાજો, ખાજો અને વાપરજો અને ભગવાન માટે બધુંય છે માટે વચન પાળતા રહેજો.
સુખી રહો. પરદેશમાં ભગવાનની દૃષ્ટિ છે, બધાને સુખી રાખશે, ઝાઝા માણસો હોય એમાં કોકની આવરદા આવી રહીને કદાચને કો’ક અક્ષરધામમાં જાય, તો કે લે પરદેશ ગ્યો’તો ને ત્યાં મરી ગયો. ઇ નથી મર્યો, જીવતો છે. કેમ એમ ? તો કે ભગવાનને ભેગા રાખીને ગયો છે. હવે ઝાઝા પાંચ પચીસ હજાર હોય તો એમાં કો’કની આવરદા ખૂટે’ય ખરી. તંઇ ન મારે એવું હોય ? થાયે’ય ખરું. પણ ટૂંકી દૃષ્ટિવાળાને એમ થાય કે લે ત્યાં ગયો તો ને મરી ગયો. ત્યાં ગયો તો ને માંદો થયો, ત્યાં ગયો તો ને કોક ચોરી ગયું. કમાણી થઇતી’ને વાપરી ન શક્યો. પણ ઇ તો અહીં ક્યાં નહોતું ? આ દેશમાં ભગવાન પાસે હોય તોય થાય. તોય રોગી થાય, તોય મરી જાય, તોય ખિસ્સામાંથી પડી જાય, કોક કાતરી જાય, તોય કોક લૂંટી જાય, આ તો બધું થયા જ કરે ઇ તો જ્યાં જાય ત્યાં બધું ભેગું જ છે. આ દુનિયાના દુઃખ તો એવા જ છે, પણ એનાથી ઉપરવટ થઇને જો હૃદયમાં ભેગા રાખ્યા, હારે ભેગા રાખ્યા, ખિસ્સામાં રાખ્યા, મૂર્તિમાં રાખ્યા, દિલમાં રાખ્યા, આંખમાં રાખ્યા, પગમાં રાખ્યા, હાથપગમાં રાખ્યા એમ બધી રીતે રાખ્યા તો ઇ ગમે તે દેશમાં હોય ત્યાં આપણો દેશ છે, ગમે ત્યાં ભેગા હોય ત્યાં આપણું કુટુંબ છે, ગમે ત્યાં ખાતા-કમાતા હોય ત્યાં આપણું ખેતર છે અને જ્યાં રહેતા હોય ત્યાં સુખથી રહેતા હોય તો આપણું કુટુંબ છે. કારણ કે પ્રભુ ભેગા છે, એને કાંઇ આઘો દેશ નથી, એમ એને પારકું કોઇ નથી. બધુંય પોતાનું છે માટે આશ્રમ એવા છે ગૃહસ્થાશ્રમ; કે મારા બાળ બચ્ચા દેશમાં છે ને હું અહીં આવ્યો છું. ઇ તો આ લોકની દૃષ્ટિ, કાથાની સિંદરીની વળની પેટે વળ ચડી ગઇ છે, એટલે એમ સાંભર્યા કરે, થયા કરે, પણ ભગવાનતો આંયા’ય છે ને ત્યાં’ય છે. આંયા’ય બાળ બચ્ચા ભેગા છે, વિચરે છે અને ત્યાં’ય વિચરે છે. ને એની પાસે’ય રહે છે અને અહીં’ય રહે છે. અને ત્યાં’ય રાખ્યા હોય છે. આમ બધે ઠેકાણે પ્રભુ બેઠા જ છે. ક્યાંય નથી નથી, વયા જાતાં એમ નથી અને કદાચ કોઇક મોટો આપત્તકાળ આવે’ને ભગવાન ન દેખાય ઇ ટાણે હાજરો હાજર ન દેખાય તો એમ થાય કે આ ભક્તને ઘડીક દુઃખ છે, એનું પ્રારબ્ધ છે, વેઠવાવું છે, તો વેઠવાવે’ય ખરા. એમાં કાચો-પોચો હોય તો પાછો પડી જાય તો એમાં ભગવાનને શી ખોટ ? પાછો પડે એને ખોટ.
માટે ભક્તોએ તો બહુ દૃઢતા રાખવી કે બધું ધાર્યુ એનું થાય છે, એટલે આપણે જે ગોઠવી રાખ્યું હોય કે આ હલકું ને આ દુઃખ ને આ આપત ને પરદેશ ને આ મને ન ગમે એવુંને ઇ બધું ભગવાન વાસ્તે બધું પાંસરું પાડી દેવું. આ અમારી વાત બહુ ધ્યાનમાં રાખજો તો તમે ખબરદાર રહેશો, એવા નહીં હો તો લપસી પડશો. એટલે શું ? જુદા પડી જશો, ઘણાં’ય પડી ગયા જુદા અને ઘણાય આઘા ભાગે છે. તો એને કાંઇ બીજો કોઇ સંભાળ લેનારો નથી, મારા વિના. એટલું સમજતા હોય તો બસ છે અને જાણે કે આ ફલાણો મારી સંભાળ લેશે, ફલાણો ગુરુ ! હવે અઢાર ગુરુ પાસે જાવ તોય શું ? પણ ભગવાન ગુરુ જેવો બીજો કોઇ ગુરુ થાવાનો નથી, થાશે’ય નહીં. આ વાત ચોક્કસ છે, સમજી લેજો.