પરાવાણી ૫૩

અધિક માસના ધર્મ-નિયમ અને માહાત્મ્ય - અધિક માસમાં ભક્તોએ ધ્યાન રાખવા જેવો ઉપદેશ

અધિક મહિનામાં ત્યજવું શું શું ? કઇ માનવ ક્રિયાઓ ન કરવી ? કેવા કેવા સંસ્કારો કરવા લાયક નથી ? કામકાજ બધા. આ મહિનાનું માહાત્મ્ય કેણે કેને ક્યારે કહ્યું ? એવા મહાત્મા પાત્ર, સત્પાત્ર વિચારીને કેવા પ્રકારના દાન આપવા ? વગેરે અમને કહો. શુકપુરાણી કહે છે, ઋષિઓ આ પુરાણની કથા વ્યાસ ભગવાને લખી છે. લક્ષ્મીજી અને નારાયણના સંવાદવાળી આ કથા છે. પાપનો નાશ કરનારી છે, તેને સાંભળનારાને ભગવાન બધું આપનારા છે. લક્ષ્મીજીએ નારાયણને પૂછ્યું હતું કે, હે દેવના દેવ, મુક્તિ અને ભુક્તિ આપનારા જગન્નાથ પ્રભુ પુરુષોત્તમ મહિનાનું વ્રત લોકોને હિત કરવાની ઇચ્છા વડે કરીને પણ તમે અમને તેના સાર રૂપે કંઇક કહો. ભગવાન કહે, લક્ષ્મીજી સાંભળો. ‘સર્વ લોકને ઉપકારક એવું આ વ્રત તમને કહું છું. જેનો પુરુષોત્તમ મહિનો શૂન્ય ગયો એના હાથમાં આવેલું અમૃત ઢોળાઇ ગયું. પોતાના જીવન આખામાં પુરુષોત્તમ મહિનો નહીં કરનારને દારદળના ટોળા એટલા બધા વળગે છે કે કાઢ્યા જાતા નથી, ઘર કરેની રહી જાય છે. આવરદાવાળાઓના પ્રાણ સાવ નિષ્ફળ વયા જાય છે. મનુષ્યનો જન્મ મેળવી અને પુરુષોત્તમ મહિનાના વ્રત ન કર્યા તો તેનો જન્મ કોઇ મોટા અરણ્યમાં પુષ્પની સુંદર વેલુ ખીલી હોય, ફૂલળા ઊઘડીને પડી જાય, સુકાઇ જાય. એમ આ મનુષ્યનો જન્મ મળ્યો, સૂકો જાણવો. માટે સાચી વાત. ભરતખંડમાં મનુષ્યનો જન્મ દેવોને પણ દુર્લભ છે, પુરુષોત્તમ મહિનો પ્રાપ્ત થાય ત્યારે બીજા કામકાજ પડતા મેલી અને એકલા ભગવાનના કામકાજ કરવા. જે કાર્ય પૂરા ન થયા હોય, અધૂરા હોય, તો લેને પુરુષોત્તમ મહિનામાં બે દિવસનું પૂરું કરી અને પછી પાળીશ, એમ ઇ કામકાજને વળગી ન રહેવું. હાલે તો તુરંત જ ત્યાંથી જ પડ્યું મેળવું એનું નામ સમાપ્તિ અને ભગવાનનું કામકાજ કરી લેવું, પુરુષોત્તમ મહિનો હું પાળીશ એમ વિચાર કર્યો અને કદાચ મરણ થઇ ગયું, તો પણ ભગવાન ઇ આત્માને પોતાના પ્રતિ લઇ લે છે. માટે જરૂર મનુષ્ય જન્મ સફળ કરી લેવો.

આ મહિનામાં જન્મ અને મરણના કેટલાક તૂટકો એને અંગે દાન વગેરે કામકાજ ઇ નિમિત, નૈમિત્તિક, નિમિતને આધારે એમાં ભગવાનને રાજી કરવા એવો ઉદ્દેશ કરીને કરવા. પણ પિતૃકાર્ય, દેવકાર્ય એવા કાર્ય જે બીજાઓને રાજી કરવા વાસ્તે હોય તેને ત્યાં લખ્યું, જે શ્રીમંત એટલે જે નારીવર્ગનો સંસ્કાર, મળ માસમાં મહિનાનું શ્રાદ્ધ, મહિનાના દાન, પોતાના દાસ વર્ગને વેતન એ બધા કાર્ય થાય વિના સંકોચે. એને વાસ્તે છૂટ આપી છે. વળી મળ માસમાં જે મહિનાઓ આટલું હું તને આપીશ વગેરે આપવાના કામકાજો હોય એ પણ એને આપવા. ઇ રોકવા નહીં કે ભાઇ મળ મહિનો છે તને પગાર નહીં આપું. તો ઓલો શું કરે ? માટે આ વસ્તુ પણ આમાં ગણતરીમાં લીધી છે. આ છૂટ મેલી આટલાની, શું ન કરવું ? તો કે જેનું ફળ કાન્યમ્. હું આ કામ કરીશ તો એનું આ ફળ મારે લેવું છે. એવા કાન્ય કર્મ ઇ ન કરવા. કે ભાઇ મહિનો મળ માસ છે માટે તીરથમાં જઇએ ચાલો ને. પણ શાસ્ત્રમાં ના પાડે છે. કેમ એમ ? તો કે ભગવાન અર્થે તો છે પણ એનું પૂણ્ય જોઇએ છે માટે. પણ ભગવાન રાજી થવા વાસ્તે કરવું. આપણે ઘેરથી આંહિ આવ્યા ઇ તીર્થ યાત્રા થઇ પણ ભગવાન લેખે કરવું. સકામ કર્મ હોય તો ન કરવું આ આનો સાર છે. તીરથમાં જવું કે મળ મહિનો છે નિરાંત છે, ચાલો ગઢપુર દર્શન કરવા છે, પૂનમના નિયમ છે, તીર્થ યાત્રા થઇ પણ મારા નિયમમાં છે અને એનું આટલું ફળ તો મને મહિને મહિને મળે છે, ઇ ફળ મારે લેવું ઇ મળ માસના મહિનાની પૂનમનું નહીં. પણ મહારાજ રાજી થાજો. આ રીતે તીર્થયાત્રા કરવી. પણ પોતાના ખજાનામાં પૂણ્ય ગ્રહણ કરવું હોય એવી રીતે તીર્થ યાત્રા ન કરવી. વાવ, કૂવા, તળાવ વગેરે ખોદાવવા એવા સારા કાર્યો ઇ પણ કાન્ય કર્મ છે, પુણ્ય કર્મ છે, પૂણ્ય આપનારા છે અને ઇષ્ટ છે માટે એવા કાર્યો આ પુરુષોત્તમ મહિનામાં ન ચાલુ કરાવવા.

શતચંડીના પાઠ એટલે શંકરના પત્ની પાર્વતીજી માતાના. એ માર્કેન્ડેય પુરાણમાં મહિષાસુરને માર્યો ત્યારે એમના સ્તોત્રો ઋષિમુનિ દેવતાઓએ બોલાવ્યા છે એનું નામ શતચંડીના શ્લોકો. ઇ શ્લોકોના પાઠ ઇ પાઠમાં કાન્ય કર્મ છે કે મને શત્રુ નડે છે માટે માતાજી શત્રુને દૂર કરો. ઇ કાન્ય કર્મમાં એના પાઠ આવી ગયા માટે ઇ ન કરવા. રુદ્ર યજ્ઞ, મહારુદ્ર યજ્ઞ. કોઇ ભયંકર કાર્ય હોય એને પણ પુરુષોત્તમ મહિનામાં ન કરવા એને મિમાંસાના પ્રકરણોમાં હકિકતો લખી છે કે, મહારુદ્ર શું કામ કરે છે ? બહુ આકરો થાય એટલે. શા માટે ? શત્રુનો નાશ કરવા માટે કાન્યકર્મ છે. ઇ ન કરવા. સમીપમાં જે તીર્થ હોય એમાં સ્નાન કરવું, એમાં બધી તીર્થ યાત્રાનું ફળ મળી જાય છે.

હવે જો જો હું શિક્ષાપત્રીમાંથી કહું, પુરુષોત્તમ નારાયણની મૂર્તિને અભિષેક કરેલું જળ લોટીમાં ભરી દેવું. તેને નાવાના જળમાં નાખીને નાહી લેવું. તેથી મોટામાં મોટું તીર્થ થાય છે. એનાથી મોટું ફળ મળે છે. આ મળ મહિનો ત્રીસ મહિના અને પછી સોળ દિવસો એના ઉપર ચાર ઘડી આટલો સમય ગયા પછી મળ માસને વારો આવે છે પોતાનું સ્વરૂપ દેખાડવામાં. એમાં પડવાને દિવસે વ્રતનો આરંભ કરવો. એમાં શું કરવું ? દાંતણ પાણી કરી લેવા. આ જૂનું પુરાણ એમ લખે છે કે દાંતણ કરે એટલે તે દિ’ બાવળિયાની ડાળ કાપે ઇ ન કરવું. પણ બાર કોગળા કરી અને મોઢું સાફ કરી લેવું. આગલા દિવસના દાંતણ ચાલ્યા આવતા હોય એવું દાંતણ કરવું. પણ તે દિવસ કોઇપણ પત્ર વેલી વગેરેની ડાળખી તોડવી કે ભાંગવી નહીં. આ વ્રત પહેલા નંબરનું કહ્યું. પછી સૂર્યોદયની પહેલા સ્નાન કરી લેવું અને સ્નાન કરવું ત્યારે ગાયની ખરીયા વાળી મૃતિકા, પંચગવ્યવાળી મૃતિકા એમાં તલ એને દાભડો અડાડવો તેને જળમાં મેલવા, આમળાનો ચૂરો ઇ પણ જળમાં મેલવો અને એવા જળ વડે કરીને સ્નાન કરે તો એ બ્રહ્મસ્નાન કહેવાય છે. એટલું ન મળે તો એકલું આમળું, એ ન મળે તો ગાયને બાંધવાની જગ્યાની રજ જળમાં મેલવી, શાસ્ત્રમાં લખે છે આ પાંચેય વાનાનો બદલો કોઇ તારે ખરા ? તો કે ભગવાનના એકાંતિક સત્પુરુષ વસતા હોય એવી જગ્યાની ધૂળ. એ વાળી ચણોઠી જેટલી જળમાં નાખો અને સ્નાન કરો એટલે આ તમામનો બદલો વળી જાય છે. પણ મળ માસમાં કાં ગાયના ખરીયાની ધૂળ, કાં આમળાનો ચૂરો, દાભળા અને જરાક છાણ જળમાં આટલું નાખી અને સ્નાન કરવું. આ બીજા નંબરનું વ્રત બતાવ્યું. પછી સવારના પહોરમાં માળા ફેરવવી, ભગવાનની શ્રીહરિની પૂજા કરવી, શંભુની પૂજા કરવી, પુરુષોત્તમ નારાયણની, લક્ષ્મીનારાયણની મૂર્તિ તે એક માત્ર સોનાની બનાવી હોય એવી મૂર્તિમાં ભગવાનની પૂજા કરવી. શાસ્ત્ર લખે છે માત્ર સોનું ન હોય તો તામ્ર, તામ્ર ન હોય તો કાગળની મૂર્તિ, એ ન હોય મંદિરમાં પ્રતિષ્ઠા કરેલા કાયમને વાસ્તે શાશ્વત ભગવાન એમની મૂર્તિની પૂજા કરાવવી. એમની વિધિથી પૂજા કરાવી. ઘીનો દીવો કરવો, એમને ચંદન, કપૂર એને કરીને પૂજવા. વિવિધ પ્રકારના નૈવેદ્ય ધરવા. આ શ્લોક બોલે છે, શાસ્ત્રે આમાં સંમતિ આપી છે. આજ અન્નકૂટ ઠાકોરજી જમે. ભાત ભાતના નૈવેદ્ય અને આરતીઓ ઉતારવી, ધૂપ દીપ કપૂરે સહિત કરવા.

હવે નિયમ આવ્યા. ખોટું ન બોલવું એવો નિયમ લેવો, મૌન રહેવું પણ બોલી ન બેસવું. બોલવું તો સાચું બોલવું પણ પવિત્રતા ભરેલું હોય તો, કોઇ નુકસાન કરે એમ હોય તો ન બોલવું. નારીઓને તેના ચાર દિવસનું અશુદ્ધપણું હોય તો તેણે તેનાથી આઘું રહેવું. દેવને, ગુરુને, બ્રાહ્મણને, મોટાને, વૃદ્ધને કોઇના પણ નિંદાના વચનો ન કાઢવા. આ વ્રતો મનુષ્ય જન્મ મેળવીને આવા મહિનામાં આ કહ્યું તેવું સ્નાન એકેય પણ ન કરે તો ચોરાસી લાખ જાતના જન્મ તેને માથે સાબિત થઇ જાય છે. એટલું બધું તેને દૂષણ લાગે છે. માટે મળ મહિનો નાવું. અધિક મહિનામાં ભગવાનની મૂર્તિ કરી, શંખ, ચક્ર, ગદા, પદ્મધારી અને એમને આગળ મેલી અને ભગવાનની મૂર્તિ સામે નિયમ ગ્રહણ કરવા. મહિનો પૂરો થાય ત્યારે ઉદ્યાપન કરવું. અથવા લખે છે ચાર મહિના પૂરા થાય ત્યારે ઉદ્યાપન કરજો. દેહ ક્ષણભંગુર છે માટે હું નિયમ લઉં છું કે, ઉદ્યાપન તે દિ’ કરીશ અથવા આજથી તમને સોંપી દઉં છું એટલે કદાચ ક્ષણભંગુરમાં મરી જાઉં તો મારું ઉદ્યાપન અધૂરું ન રહી જાય. આ બાબતની ખબરદારી રાખવી. શક્તિ પ્રમાણે બ્રહ્મવેત્તા બ્રાહ્મણ પુરુષોને જમાડવા, ભગવાનની ભક્તિ સારી રીતે કરવી, એમાં પુડલા જમાડવા, માલપુઆ જમાડવા. માલપુઆ અને પુડલા તો અમથા ફરસા લાગે. માલપુઆ ખરેખરા. દૂધપાક જમાડવા. દૂધપાક, માલપુઆ, (કાળીરોટી - ધોળીદાળ) ભગવાનને જમાડવા. રાજાએ ભૂમિ દાન દેવા, સોનાના દાન આપવા, દક્ષિણાઓ આપવી, ફળ મેલવા, એક સો ને આઠ જેવા કાંસાના પાત્રો સામ સામા ડાબરિયા મેલી, માલપુઆથી ભરી અને તેના દાન આપવા. અથવા એથી અડધા એથી અડધા એથી અડધા, એથી અડધા ત્રીસ તો લખ્યા છે આમાં એટલા તો આપવા. બ્રહ્મદેવને આપવા. એમાંય બાળ બચ્ચાવાળાને વધારે આપવા, એના છોકરા જમે. તો ભગવાન રાજી થાય. બ્રાહ્મણને વંદન કરવું, સર્વ દેવમય બ્રાહ્મણ છે, ઇ આવું વ્રત કરે તે કૃતકૃત્ય થાય છે. રાજા રાજ્ય પામે, પુત્રાર્થી પુત્ર પામે, અર્થાથી અર્થ પામે, નિષ્કામ ભક્ત મોક્ષને પામે. અસત્ય બોલનાર, કોઇ ઘાટ કરનાર, વ્રતઘાત કરનાર, અગમ્ય ગમન કરનાર, નઇ રસ્તે ચાલનાર, ચાંડાલ સ્પર્શ કરનાર વગેરે જેને પાતકો લાગ્યા હોય આ અધિક મહિનાનું વ્રત કરે તેને પાતકો તમામ બળી જાય છે.

સર્વેશ્વરના ભક્ત બ્રાહ્મણ બ્રહ્મચારીના ચરણનું જળ ઇ અંજલિ પીવું. બ્રાહ્મણ ભગવાનના ભક્ત મારું રૂપ છે. તે મન, વાણી અને શરીરથી થનાર પાપને બાળી નાખનારા છે. એને વ્યાધિ ન નડે, એમનું આયુષ્ય પણ વધે. દંપતી હોય બ્રાહ્મણ, બ્રાહ્મણી તો એને વસ્ત્ર, ભોજન આપવા, તે રાજી થઇને આશીર્વાદ દે - પુત્રવાન ભવઃ. તો જરૂર દીકરાવાળા થવાય. જીવેત શરદમ્ શતમ્ - સો વર્ષ જીવો એવા આશીર્વાદ મળે, તો એનું જીવન નીરોગી થાય. જુઓ આ લોકમાં, મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. મનુષ્યો ગાય માતાઓ વગેરેથી શ્રેષ્ઠ છે. બ્રાહ્મણો અને મનુષ્યો કરતાં દેવતાઓ શ્રેષ્ઠ છે. એના કરતાં ભક્તો શ્રેષ્ઠ છે પણ તેના કરતા અધિક મહિનો શ્રેષ્ઠ છે. માટે એમાં અટકવું નહીં.

શુકપુરાણી કહે છે. એકવાર નારદજી નર નારાયણના આશ્રમમાં આવ્યા હતા. તપસ્વી અને સિદ્ધ પુરુષોએ સેવા કર્યા થકા ત્યાં આવીને બિરાજ્યા હતા. નર નારાયણનો આશ્રમ મજાના ઋષિ મુનિઓથી સેવેલો છે. બદ્રિકાશ્રમમાં ભાત ભાતના ઘણાં ઘણાં વૃક્ષ વેલીઓ છે. નારદજી કહે, ભગવાન વિષ્ણુ ઉપકાર કરનારા છે માટે મને પણ ઉપકાર કરવાની મરજી છે. તમે પણ ઉપકાર કરનારા છો, દેહધારીઓના સગા-સંબંધી વગેરે જે ઘરમાં આસક્તિવાળા છે. તેનું હિત કરનારું કંઇ પણ મને હિતકારી વચન કહેશો તો હું બે ઘડી સાંભળી લઉં. કથાનો સાર શ્રવણ માત્ર વડે પરમપદ, નિર્ભય પદને પમાય, એ મુખ્ય છે. માટે મારે તમારા મુખની કંઇક કથા સાંભળવી છે. આવું નારદજીનું વચન સાંભળી નારાયણઋષિ નારદજીને કહેવા લાગ્યા કે, પુરુષોત્તમ માસ એ મારું નામ છે. એમાં ઊંડાણ હેતુએ સહિત નામ આપ્યું છે. એનું વ્રત કરવાથી પુરુષોત્તમ રાજી થાય છે. નારદજી કહે છે, પુરુષોત્તમ કોણ દેવ ? એનું માહાત્મ્ય કેવું ? એનું મને અદ્ભુતપણું દેખાય છે. માટે મને કહેજો. શુક પુરાણીએ નારદજીને આમ કહ્યું હતું અને ભગવાને જે હકીકત કહી હતી તે શૌનક મુનિને અને ઋષિઓને સંભળાવી હતી. માટે ભગવાનના મુખથી ઉપજેલી કથા તે નારાયણ મુનિએ જે કહી હતી તે કહું છું. પુરુષોત્તમ માસ એનું નામ તે હેતુ એ સહિત પડેલું છે. એના સ્વામી પુરુષોત્તમ કૃપાસિંધુ પોતે છે. ઋષિઓએ આ મહિનાને પુરુષોત્તમ મહિનો કહ્યો છે. તેના વ્રત વડે કરીને પુરુષોત્તમ રાજી થાય છે.

નારદજી કહે છે, બીજા મહિના તો ઘણાય છે પણ એ મહિનાના ઇશ્વરો છે. પુરુષોત્તમ મહિનાના કોઇ ઇશ્વર ન કહ્યા, તો એના ઇશ્વર કોણ ? કૃપાનિધિ એવા ભગવાન ? તો કે હા. પુરુષોત્તમ એવા કૃપાનિધિ ભગવાન અધિક માસના અધિષ્ઠાતા દેવ કઇ રીતે થયા ? પુરુષોત્તમ મહિનાને પુરુષોત્તમે પોતાનું સ્વરૂપ કઇ રીતે આપ્યું ? એની વિધિ વગેરે કઇ રીતે બતાવ્યા ? એનું સ્નાન, દાન વગેરે શું બતાવ્યું ? જપ, પૂજા, ઉપવાસ વગેરે શું કહ્યા ? તે મને કહેજો. તેનું ફળ પણ મને કહેજો. નારાયણે આ રીતે પૂછેલા નારદને એ બધું કહ્યું હતું. દિનવત્સલ એવા સાધુ પુરુષો આ કથાને કહેનારા છે.

પૃથ્વીમાં પ્રથમ એ મારા સંત પુરુષો બીજાના ભાગ્યને ખીલવનારા, દાળદરથી પીડાતાના દાળદરને ટાળનારા, પુત્રની આકાંક્ષાવાળાઓને પુત્ર દેનારા. જડ, મૂંગા, દંભી, આંધળા, વિદ્યા વિનાના, વળી ભાગ્યહીન નાસ્તિક, લંપટ, નીચ, કર્મને ઓથે રહેનારા, મિત્ર, સ્ત્રી, પુત્ર, મા-બાપ વગેરેથી જુદા પડી ગયેલા રખડનારા, શોકને દુઃખ વડે સૂકાઇ ગયેલા અંગવાળા જેને કાંઇ એનું ધાર્યુ મળતું નથી એવા માણસો, ઇ જો પુરુષોત્તમ માસનો પાઠ કરે, સાંભળે કે એકાદો દિવસ વ્રત કરે તો તેને શું શું મળે ? તેના દોષ વયા જાય અને દુઃખિયો દુઃખી હોય તો પણ એના દુઃખ બળી જાય. હે ભગવાન કૃપા કરીને આ મને કહો. એમ જ્યારે નારદજીએ નારાયણને કહ્યું હતું ત્યારે નારાયણે આ મહિમા કહ્યો હતો.

શુકપુરાણી કહે છે, આમ જ્યારે નારદજીએ ભગવાનને કહ્યું હતું ત્યારે ભગવાનનું નામ લેતા લેતા આ પુરુષોત્તમ માસની હકિકત કહી હતી. તે નારાયણે નારદજીને કહી હતી તે કહું છું. નારાયણ બોલ્યા ઋષિઓએ પણ પાળવા બહુ મુશ્કેલ પડે એવી જાતના પુરુષોત્તમ માસના ઉત્તમ ઉત્તમ કાર્યો છે. એ ઋષિ તમે મિત્ર છો માટે હું તમને કહું છું. બધા મહિના, બધા પક્ષો, બધી ઘડીઓ, બધા યામ, મુહૂર્તો, બે મહિના, છ મહિના, નદીઓ, કૂવાઓ, વાવો, સરોવરો, ધરાઓ, વૃક્ષ, વેલીઓ, ઔષધો, વનસ્પતિઓ, શહેર, નગરો આ બધાય દેખાય છે જડ પણ જે તે એનામાં ગુણ રહ્યા છે. એનાથી સૌ એને આવકારે છે. ગુણ વડે પૂજાય છે. આ અધિક મહિનો ક્યારેય પણ ભગવાનના યોગમાં ન હતો, ત્યારે એનામાં ગુણ કાંઇ પણ ન હતા. માટે પૂજાતો ન હતો. કારણ કે એમાં સૂર્યનો સંબંધ પણ ન હતો. એટલે એની પૂજા પાઠ થતાં ન હતા. બધા મહિનાઓએ ભેગા થઇ એને નાતથી બારો રાખ્યો હતો એને અસ્પૃશ્ય બનાવ્યો હતો. તો કે કાં ? તો કે ઇ પાપનો મહિનો માટે મળ મહિનો. આવું પુરુષોત્તમે પોતાનું નામ સાંભળ્યું મળ મહિને, ત્યારે બહુ દુઃખી થયો. શોક કરવા લાગ્યો. પછી તો ધીરે ધીરે ધીરજ રાખી અને તે નારાયણ એવા ભગવાન એવા તે અમે તે અમારા શરણે આવ્યો. મેં તેને વૈકુંઠમાં પહોંચાડ્યો. ત્યાં મારા બંગલામાં બેસાડી અને એ પુરુષોત્તમ નારાયણ વૈકુંઠના વાસી એવા નારાયણની પાસે મેં પુરુષોત્તમ મહિનાને એટલે મળ મહિનાને નારાયણની સમીપે હાજર કરી દીધો ત્યારે તેણે મને દંડવત્ પ્રણામ કર્યા, હાથ જોડ્યા, આંખમાંથી આંસુડા પાડ્યા અને ગદ્ ગદ્ વાણી વડે બોલવા માંડ્યો. ત્યારે મેં એને કહ્યું, ધીરજ રાખ, ધીરજ રાખ, તારું હું સાંભળું, તારા દુઃખને ટાળું. બદ્રીનાથ એવા ભગવાને નારદજીને આટલું કહ્યું. નારદજીએ વળી પૂછ્યું કે ભગવાનના મંદિર પ્રત્યે ગયેલો ભગવાનની ઇ ભક્તિને પામેલો, જગતના પાપને ટાળનારા યોગીઓને ન મળે એવા ભગવાનના ચરણને પામેલો, જગતને અભયદાન આપનારા એવા બ્રહ્મરૂપ મુક્તિ આપનારા એવા ભગવાનના ચરણમાં ગયેલો મળ માસ તેણે શું પૂછ્યું ?

ઇતિ શ્રી પુરાણ સંહિતાયામ્ પુરુષોત્તમ મહાત્મ્યે

અધિક માસસ્ય વૈકુંઠ પ્રાપણ્યમ નામસ્ય પ્રથમોધ્યાય.