પરાવાણી ૨૨

પ્રભુના રાજીપામાં વિઘ્નરૂપ બે દોષો ઃ અહમ્ અને મમ્ - ભગવાન પાસે કાયમ શું પ્રાર્થના કરવી ?

ભગવાન ભજવા માટે મનુષ્યનો અવતાર છે અતિ અતિ શાશ્વત સુખ માટે પાલન સૌ કરે છે. દાણાપાણી માટે ખેતીવાડી સૌ કરે છે ને જીવનનિર્વાહ માટે કમાણી સૌ કરે છે, એ બધું અહીંની સારી સ્થિતિ માટે કરે છે. એવા માણસને ભગવાન સંત શાસ્ત્ર એમ કહે છે કે, જેટલું સ્વાર્થથી કરે છે ઇ સ્વાર્થ તજી ને એમ કહે કે મારામાં તમે બેઠા છો, મારા છોકરાઓમાં તમે બેઠા છો, મારા માવતરમાં તમે બેઠા છો, સ્ત્રી-પુત્ર પરિવારમાં તમે બેઠા છો, એ બધામાં તમે છો તો તમારા માટે આ હું કરું છું. છોકરા માટે કમાઉ છું એમ નહીં, તમારા માટે કમાઉ છું. તમારી પ્રસાદી છોકરા જમે છે, સ્ત્રી, પુત્ર, પરિવાર, મા, બાપ, કુટુંબ, કબિલા એને માટે કમાઉ છું, મહેનત કરું છું પણ એમાં બધામાં તમે રહ્યા છો, તમને રાજી કરી અને તમારી પ્રસાદી એ બધા જમે. ઘરબાર, ખોરડા, બંગલા, દાગીના, વસ્ત્ર, ધન, મિલકત આ બધું ફળ તમારી કૃપાથી મારા હાથમાં આવે છે તો ઇ હું તમારે માટે રાખું છું, તમે રાજી થાવ અને તમારી પ્રસાદી તમે આપો, તમારી આજ્ઞા પ્રમાણે અમે વાપરીએ. આ રીતે આ બધું મારું મેં માન્યું છે તે તમારું કરી રાખ્યું છે, તમારું છે, તમે આપ્યું છે, તમે વાપરો ને. તમે પ્રસાદી આપો તે હું જમું. હું એવો તમારો ભક્ત છું, એકાંતિક છું, સર્વનિવેદી છું, મને મારાપણું ભૂલી જવાય અને તમારાપણું થાય એવો નિવેદી બનાવજો. હું આ જગતની રીત પ્રમાણે આ નારીનો પતિ છું. એ અભિમાન લાગી જાય છે, હું આની પત્ની છું, કે હું આનો છોકરો છું, હું આનો બાપ છું એ અભિમાન લાગી જાય છે. પણ મરે અને બાળી નાખે પછી કોણ કોનો બાપ ? કોણ કોનું છોકરું ? કોણ કેની પત્ની ? કોણ કેનો પતિ ? એમાં કાંય ખોટું છે ? તમે નિર્વાહ પૂરતું દીધું છે, ગોઠવણી થઇ છે, એ તમારુંય છે. તમે ભગવાન મારા પ્રાણપતિ, તમે મારા મોક્ષપતિ, તમે મારા બ્રહ્મપતિ, તમે મારા આત્મપતિ, મારા શરીરપતિ, મારા ઇન્દ્રિયો અંતઃકરણના અધિપતિ તમે છો. મારા દેવ તમે છો, સ્ત્રીના પતિ તમે છો, છોકરાના પતિ તમે છો, પુત્ર પરિવારના પતિ તમે છો. કુટુંબના પતિ તમે છો, સર્વપતિ, અક્ષરપતિ, ધામપતિ, મુક્તપતિ જે કાંય ગણો તે પાલન કરનારા, રક્ષણ કરનારા પતિ તમે છો. તે ભગવાન મારું મે માન્યું એ બધુંય તમારું અને તમારી કૃપા વડે હું એમ કહી શકું કે આ મારું.

આ રાજાનું રાજ એને નોકર એમ કહી દે કે, આ અમારું રાજ. પણ રાજાની કૃપાથી કેય છે. પણ અમારું રાજ છે. પછી એમ કેય કે આ રાજાનું રાજ નથી તો જોઇ લે. તરત દંડનો પાત્ર થાય, એમ મારું બધુંય છે એમ કહીને ભગવાનનું બધુંય છે એમ જો સમજવા શીખે તો કૃપાપાત્ર થાય. આ તો આપણું છે, ભગવાન ક્યાં નવરા બેઠા છે, એમ જો કહેવા માંડે તો દંડનો પાત્ર થાય. ઇ ભૂલો પડ્યો કેવાય, થોડું ઘણું પણ ડહાપણ છે ઇ આવી જાય ઇ ભૂલો પડ્યો. કારણ કે ધાર્યુ ભગવાનનું થાય છે, જીવનું નથી થાતું, તો પણ જીવ એમ માને કે મેં કર્યુ એટલે આડો પડ્યો. અને એટલે ઇ દંડનો પાત્ર થાય. કારણ કે તેં કર્યુ.

એક સાધુ જૂના હતા, નદી કાંઠે રહેતા, બગીચો વાવ્યો. એ ઝાડવા સારા સારા થયા, ફળ ફૂલ થયા. કોઇ રસ્તે નીકળે એને ફળ ફૂલ જમાડે, આશીર્વાદ લે, અને બગીચો બહુ મજાનો છે, વરસાદ ન વરસે તો ભગવાનને કહે, તમે વરસાદ ન વરસાવ્યો. ભગવાનનો વાંક કાઢે તો આમાં કાંઇ પ્રભુની મહેરબાની ન થઇ. એમ જ્યાં હોય ત્યાં ભગવાનનો વાંક કાઢ્યા કરે, અને એમ કહ્યા કરે કે, આ શરીરને દેહ ને ઇન્દ્રિયો અંતઃકરણ, હાથ-પગ એ આપણાં નથી, ભગવાનના છે એમ કહ્યા કરે. એ આરાધના કરે, ભક્તિ કરે, બધુંય કરે. પણ ભગવાન હજુ એની પરીક્ષા લીધા કરે કે, આને કેટલું અધૂરું છે. પછી ભગવાન થયા જાત્રાળુ. પહોંચ્યા બગીચે, કેમ બાવાજી ? તો કે હા પધારો ને, જે આવે એને કાંઇક ફળ ફૂલ તો જમાડું છું, તમે જમો ખાવ પીઓ, વાતુએ ચડ્યા બેય જણા. ભગવાન કહે, બહુ સારો બગીચો થયો છે. ભારે ફળ આવે છે, ખૂબ મીઠો થયો છે. તમે બહુ સારું કરો છો. આવો બગીચો કેમ કરીને થયો ! તો કહે મહારાજ સવારે ને સાંજે આ મારા હાથ વડે કરીને હું પાણી ખેંચું છું અને પાઉં છું તઇ આવો બગીચો થયો છે. ત્યાં ભગવાન સમજી ગયા કે હજુ મારા હાથ ને મારા પગ ને, હજી આને મારાપણું ગયું નથી. નહિંતર એમ કહેવું જોઇએ કે ભગવાનની ઇચ્છાથી આ જળ છે, સાધન છે, ભગવાન જે રીતે મને કહે છે, ઇ રીતે હું એની સેવાચાકરી કર્યા કરું છું અને ઇ રાજી થાય છે અને તમારામાં પ્રભુ છે તે તમને ફળ આપું છું, એનો બગીચો છે અને તમે એના છો. હું તો એનો દાસ છું તે નોકરી બજાવું છું. તો ઇ કાંઇક અભિમાન ઓછું ગણાત. પણ આ તો હું કરું છું. હવે તું જ કરે છે તો પછી વયા ગયા ભગવાન. એ સાધુ લાંબે કાળે માંદા પડ્યા, તોય આવે નહીં ભગવાન. કારણ કે હું માંદો પડ્યો, તો હું પણું એનું છેવટ સુધી ન ગયું એટલે ભગવાન એને તેડી ન ગયા. ઇ હું અહમ્, મારુ, ઇ ટાળવા સારું થઇને એને જન્માંતર લેવા પડ્યા. ભગવાનનું બધુંય છે પણ ભગવાનને આપી શકે નહીં, ભગવાન વાસ્તે કરી શકે નહીં. ભગવાનને બદલે પોતે બધું કરતો થઇ જાય, એટલે ભગવાન મેલી દે હવે ભલે કરે. પછી ભફ દઇને પડે ને તે દિ બધુંય તૂટી ફૂટી જાય.

એટલે ભક્ત થાવું, મુક્ત થાવું અને ધામમાં જાવું. જે કાંઇ વલણ છે સાત્ત્વિક, રાજસ, તામસ, સારા નરસા એ બધા ભગવાન લેખે કરી રાખજો. ભગવાન લેખે કમાજો તો ભગવાન તમારી રક્ષા કરશે. ભગવાનને આપતા રહેજો, ભગવાનને દૂધ જમાડતા રહેજો, ભગવાનને સંભારતા રહેજો, ભગવાન ન દેખાય તો કાંઇ નહીં. હાથમાં દેખ્યા સમજીને અર્પણ કરી જવું, પછી પોતે જમવું તો ભગવાન ના નથી પાડતા. એ કોક દિ’ રાજી થઇ જાય તો દેખાયે ય ખરા, દર્શને ય દેય અને વળી ભક્તોની ભક્તિ પણ જોવે. નહિંતર એય ભગવાનને ત્યાં કાંય ખોટ નથી. ભક્તમાં જેટલી અછત એટલા ભગવાન એના ઓછા. ભક્ત ખૂબ પૂરે પૂરો થાય તો ભગવાન એના પૂરે પૂરા. ભગવાનને ત્યાં કોઇ જાતની આધા, બાધા કાય છે નહીં. ભક્તને ત્યાં જેટલી નડતર એટલા ભગવાન આઘા અને ભક્તને મુક્ત મુમુક્ષો હારે તો મેળ ખાય પણ બુભુક્ષુ ભૂખ્યો, તૃષ્ણાવાળો, રાગદ્વેષી એવાની હારે મેળ ન ખાય તો ભક્તને ક્યાંક એવું કોઇ ભટકી ગયો તો ભક્તની કમાણી બધી ટાળી નાખે.

માટે ભક્ત નર નારી તેમને જો પ્રગટ ભગવાન મળી ગયા તો એના જેવું બીજું મોટું સાધન નથી. માટે એને સાચવવા, જમાડવા-રમાડવા, પૂજવા, ધ્યાનમાં રાખવા અને ધામમાં જાવા માટે માંગતું રહેવું કે મને લઇ જાજો. આ ઠીક છે આ તમારા ખેતરોમાં ફરીએ છીએ પણ લઇ જાજો. પોતાના કરજો. એમ ભગવાન પાસે પ્રાર્થના માંગવી. આમ જેટલા મોટા ભગવાનો થયા, અવતારો થયા, આચાર્યો થયા, દેવતાઓ થયા, ઋષિ મુનિઓ થયા, માવતરો થયા, ધર્મ ભક્તિ થયા, એ બધાય એમ કેય છે કે, આવી રીતે ભગવાન પાસે માંગતા રહેવું કે જીવાડો તો જીવીએ, રમાડો તો રમીએ, પૂરું કરાવો તો કરીએ અને ન કરાવો અને ઉપાડી જાવ તો તો સાથે વયા આવીએ, તમારા ધામમાં રહીને તમારા ચરણ દાબીએ. પછી તમે જેમ રમાડો, જમાડો એમ રમશું જમશું અને ત્યાં રહેશું.