ભગવાનની શરણાગતિમાં છ પ્રકારના જ્ઞાનની સમજણ - વિશ્વાસ, વરણમ્, ન્યાસ, કાર્પણ્યમ્, સ્થિરામતિ, અનુકુળ સંકલ્પ
(નોંધ ઃ પરાવાણીના આ ગ્રંથની અંતમાં જે હિન્દી ભાષામાં પરાવાણી છે તેનું ગુજરાતી ભાષાંતર દરેક ભક્તો વાંચી અને સમજી શકે માટે નીચે પ્રમાણે છે.)
જે દેશમાં જે ભક્ત જે ભાષાનો જાણકાર હોય છે તે ભક્ત માટે તે ભાષામાં ભગવાન પોતાનું જ્ઞાન, સમજણ અને ઉપદેશ દેતાં રહે છે. ભગવાન માટે એ જરૂરી છે કે હું સૃષ્ટિમાં જાઉં તો મને ભક્તો ઉપદેશ દ્વારા ઓળખે, મારી મૂર્તિ અને મારા સ્વરૂપના દર્શન કરીને પણ મને ઓળખે. મૂર્તિમાં ઘણાં પ્રકારના ઐશ્વર્યો રહેલા હોય છે. ભગવાનની મૂર્તિમાં ચિહ્નો પણ રહેલા હોય છે. એ ચિહ્નોનાં દર્શન કરીને પણ ભકતો ભગવાનને ઓળખી લ્યે છે. ભગવાનનાં ચમત્કાર અલૌકિક હોય છે. ખૂબ જ ચમત્કાર હોય છે. ક્ષણ ક્ષણમાં અને મિનિટ મિનિટમાં પણ મોટાં મોટાં ચમત્કારો ભગવાનનાં થતાં જ જાય છે. એને ઓળખનારા સાચાં ભક્તો પવિત્ર હૃદયવાળા હોય છે. એ ભગવાનને ચમત્કારોથી ઓળખી એમની ભક્તિ કરવા માટે આતુર થઇ જાય છે.
જે ભક્તો ભગવાનનું જ્યાં નિવાસસ્થાન, મૂર્તિ, વિચરણ, રહેવું વગેરે હોય તે જગ્યાએ જો ભક્ત ન આવી શકે તો તે ભક્ત માટે ભગવાન તેને મૂર્તિ દ્વારા દર્શન આપે છે, શાસ્ત્ર દ્વારા પણ ભક્તોના જીવમાં બેસે છે. ભક્તોને કોઇવાર કોઇ સુખ-દુઃખ કે સકામ સ્થિતિ ઉભી થાય છે ત્યારે એ સમયે એ ભક્ત એવો વિચાર કરે છે કે ભગવાન મારા માટે સમય સારો બનાવી દે, મારા કામકાજ પૂરાં કરી દે, મારી ઇચ્છાને પૂરી કરી દે, મારા આ લોકમાં રહેવાના ઘરબાર, સ્ત્રી, પુત્ર, પરિવાર, સત્તા, ઐશ્વર્ય, સામર્થ્ય, સન્માન વગેરે જે મારે જોઇતું હોય અને જરૂરી હોય એટલું જો ભગવાન દઇ દે તો હું ભગવાનનું અનંતગણું ભજન કરી શકું અને વારંવાર સેવા પણ કરી શકું. પછી તો હું કોઇના બંધનમાં ન રહુ, કોઇની સાથે ક્યાંય જાવ પણ નહીં, કોઇ મને રોકે તો હું રોકાવ પણ નહીં અને કહી દઉં કે મારા અને ભગવાનની વચમાં આવવું નહીં નહિતર તોપના ભડાકાની જેમ ઉડી જઇશ. મારા ભગવાન મારા સ્વામી છે અને હું એમનો સંત છું, દાસ છું, સેવક છું.
જેમ પતિ પત્નીના સંકલ્પને પૂરા કરતાં હોય છે તેમ ભગવાન પોતાના ભક્તોના સંકલ્પને પૂરા કરે છે. ભક્તો પોતાના જીવાત્માનો મોક્ષ કરવા માટે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. જીવ શરણમાં જાય છે, દંડવત્ કરે છે, નમસ્કાર કરે છે, ફળ-ફૂલ-ચીજવસ્તુઓ વગેરે પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાનની આગળ વસ્ત્ર, ઘરેણાં, ધન વગેરે ભગવાનની સામે રાખે છે. કેમ કે, ભગવાનને રાજી કરવા માટે ભક્તના માટે જગતની ચીજવસ્તુઓ ખૂબ ઉપયોગી હોય છે. પછી એના બદલામાં ભગવાન હજારોગણું દે છે અને એ જ ચીજોથી ભક્ત પણ સુખી રહે છે અને ભગવાનને પણ સેવે છે. એવી સેવા કરવા માટે ભક્ત પહેલાં કંઠી પહેરે છે, દીક્ષામંત્ર પણ લ્યે છે. ભગવાનનો ખાસ દીક્ષામંત્ર છે - કાલ, માયા, પાપ, કર્મ, શત્રુ, યમદૂત ભયાત. શૂલ, મીન, ધ્વજ, ધનુષ્ય, ચક્ર સ્વસ્તિકવાન અવ. અનાદિશ્રીકૃષ્ણનારાયણઃ સ્વામી પતિશ્ચમે. હું એમની પત્ની છું અને એ મારા પતિ છે. એ મારા નાથ છે અને હું એમની નાથિની છું. એ મારા ગુરુ છે અને હું એમની શિષ્યા છું. એ ભગવાન મને મોક્ષ દેવાવાળા છે અને હું મોક્ષ મેળવવાવાળી છું. આત્મા એવી રીતે ભગવાન પાસે માંગણી કરતી રહે છે. હવે શ્રીહરિઃ શરણં મમ્ - હું શ્રીહરિના ચરણમાં અર્પણ થાઉં છું. મારી આત્મા પણ અર્પણ થાય છે. આ રીતે ભગવાન એના શરણમાં ભક્તોને રાખે છે.
આ રીતે આઠ અક્ષરનો અર્થ સમજીને ભગવાનના ચરણમાં, શરણમાં, ખોળામાં અને ભગવાનના હૃદયમાં તેમજ મૂર્તિમાં સમર્પિત થઇ જાય છે એવો ભક્ત અને એ ભક્તની આત્મા પણ ભગવાનનો શિષ્ય થઇ જાય છે, ભગવાનનો અંગ થાય છે. એને ભગવાનની પાસેથી બધી જ મિલકત મળી જાય છે. ભગવાને એ આત્માને પોતાની આત્મા બનાવી, પોતાની શિષ્ય બનાવી, પોતાના અનેક ઐશ્વર્ય, ગુણ બધું એ આત્માને દઇ દીધું. એ આત્મા મંત્ર લઇને ભગવાન પાસેથી આ વાતને ગ્રહણ કરે છે કે, પહેલાં ભગવાનના ચરણને તીર્થના જળથી ધુઓ અને એ જળને પીવો. ભગવાનને જમાડીને પછી એ પ્રસાદી જમો. ભગવાનને ફૂલોથી પૂજો. ભગવાનને ચંદન ચર્ચો. ભગવાનને ધૂપ-દીપ-નૈવદ્ય અર્પણ કરો. ભગવાનની આરતિ ઉતારો. ભગવાનને દંડવત્, પ્રદક્ષિણા, સ્તુતિ, નમસ્કાર કરો અને ભેટ અર્પણ કરો. ભગવાન રાજી કઇ રીતે થાય છે એવી બધી જ ચીજો તેમને અર્પણ કરો.
શરણાગતિ લીધા પછી મૂર્તિની આ પ્રકારે સેવા-પૂજા કરવી. ભગવાનને સાકર, પેંડા, બરફી, મિષ્ટાન્ન જમાડો, ભગવાનને મીઠાં મીઠાં જળ પીવડાવો, ભગવાનને સુગંધી અત્તર, તેલ, ફૂલેલ, સરસ સુગંધ ફેલાય એવી ચીજો ભગવાનની મૂર્તિ પર ચોળો, માલિશ કરો, એની સુગંધ લો. ભગવાનની મૂર્તિને દૂધથી નવડાવો પછી જળથી નવડાવો, ફરી દહિથી નવડાવો પછી મધથી નવડાવો પછી ઘી-દૂધથી માલિશ કરીને નવડાવો અને અત્તરને તો ખૂબ ચોળો તેમજ સાકરને શરીરમાં ચારેય તરફ ખૂબ ચોળીને નવડાવો. ઠંડા સરસ જળથી સ્નાન કરાવો. પછી ભગવાનની મૂર્તિને છાતીમાં લઇ- લઇને વારંવાર ભેટો જેથી ભગવાનની મૂર્તિની પૂજા કરી છે એના બધાં જ પ્રકારના અંશ, સુગંધ, મીઠાશ, તેજ, ઐશ્વર્ય, ઉજળાઇ એ બધી જ તમને મળશે. ફરી શુદ્ધ જળથી નવડાવો. પછી ભગવાનનો અભિષેક, ભગવાનને જરૂર હોય તો ઠંડા પાણીથી અને જરૂર હોય તો ગરમ પાણીથી નવડાવો. પછી શુદ્ધ, કોમળ વસ્ત્રથી ભગવાનની મૂર્તિને ચારેય તરફથી લૂછો, સાફ કરો પછી જે તમને સારા લાગે એવા ભગવાનને વસ્ત્ર, અલંકાર પહેરાવો. ચરણમાં ચાખડીઓ પાદુકાઓ સોનાની પહેરાવો, ચાંદીની પહેરાવો, મખમલ રેશમની પહેરાવો. ભગવાનને ધોતી પહેરાવો, પેન્ટ પહેરાવો, મોજા પહેરાવો. ભગવાનને અનેક જાતનાં વસ્ત્રો પહેરાવો, ઘરેણાંઓ પહેરાવો. ભગવાનને કમર પર સત્યાવીશ સેરનો સરસ સોનાનો કંદોરો પહેરાવો. ત્યારબાદ ભગવાનને બંને ખભા પર વસ્ત્ર પહેરાવો. એમની આંગળીઓમાં સોનાની વીંટીઓ પહેરાવો. મસ્તક પર મોરપીંછ ધારણ કરાવો તેમજ ફૂલોનો મુગટ, સોનાનો મુગટ અંદર મણિઓ ચળકે તેજ-તેજ થઇ જાય એવા ઘરેણા પહેરાવો. કંઠમાં જે હાર દોરાથી નથી બનતો પણ પુષ્પ-પુષ્પથી બને છે જેનું નામ છે બિનગુણહાર. એવા મોટાં-મોટાં હાર કંઠમાં પહેરાવો. અબજો રૂપિયાની કૌસ્તુભ મણિ પહેરાવો. જે એક મણિ પહેરાવાથી સૂર્ય જેવું અજવાળું થઇ જાય. એવી પોતાની મનની ભાવનાથી ભગવાનને પહેરાવો. કાનમાં કુંડળ ધારણ કરાવો પછી પુષ્પની માળાઓ પહેરાવો. પછી ભગવાનની આટલી પૂજા થયા પછી હવે જે જ્ઞાન લેવાનું છે એ જ્ઞાનને સમજો. પૂજા પછીનું જ્ઞાન શું ?
“વિશ્વાસોવર્ણમ્ન્યાસઃ કાર્પણ્યમ્ સ્થિરામતિઃ આનુકૂલસ્ય સંકલ્પઃ પ્રતિકુલ્ય વિવર્જનમ, શડ્વિદ્યા શરણાગતિઃ” ભગવાનના શરણમાં આવીને છ પ્રકારનું જ્ઞાન લેવું અને આ સમજણ પૂજા કરીને ભગવાન પાસેથી લેવી. ભગવાન કહે છે, ભાઇ તું મારા શરણમાં આવ્યો એટલે હવે મારો શિષ્ય થયો છો. હવે શિષ્યમાં પહેલાં શું જોઇએ ? વિશ્વાસ. તમે ભગવાન છો, દુઃખ દૂર કરશો અને સુખ દેશો. હે ભગવાન હું તમારો શિષ્ય થયો છું એટલે તમારો મને વિશ્વાસ છે. તમે મારા મા-બાપ છો. અને મા-બાપ પુત્રની રક્ષા કરે છે તેવી રીતે આ ભક્તની રક્ષા પણ હે મારા મા-બાપ તમે કરશો આવો મારો વિશ્વાસ છે. ક્યારેય પણ અમારા મનમાં એક અંશ જેટલો પણ આ વિશ્વાસમાં ખામી ન આવવી જોઇએ કે ભગવાન આવશે નહીં ? રક્ષા કરશે કે નહીં ? દુઃખ દૂર કરશે કે નહીં ? શું જાણે શું કરશે ? હેરાન તો થઇ રહ્યો છું પણ હવે ક્યારે દર્શન દેશે ? આવતા તો નથી. કહેતા હોય છે કે હું આવીશ અને દર્શન દઇશ. આ રીતે તો કેટલાય વર્ષો ચાલ્યાં ગયા. છતાંય ભગવાન દેખાતાં તો નથી. તો આપણા વિશ્વાસમાં ખામી છે નહિતર રોજ-રોજ દર્શન દે. નદીની જેમ જો પ્રેમના પ્રવાહ ઊછળે તો રાત્રે જ આવી જાય, છોડે નહીં. કામ પર સમયે આવી જાય પણ ભક્તને છોડે તો નહીં જ. માટે માતા-પિતાની જેમ ભગવાનમાં વિશ્વાસ રાખવો. હું એનો છોકરો છું, એ મારી રક્ષા કરશે જ. બીજો વિશ્વાસ રાજાની જેમ, રાજા પ્રજાને દુઃખી નથી કરતાં પ્રજાનું રક્ષણ કરે છે. એવી જ રીતે શત્રુઓથી ભગવાન પોતાનું રક્ષણ કરે જ છે. ભક્તો માટે તો ભગવાન ભક્તના શત્રુઓ સાથે લડવા માટે પણ તૈયાર થઇ જાય છે અને ભક્તને પોતાની પાસે રાખીને રક્ષા કરે છે. પ્રહલાદ હિરણ્યકશ્યપુનો છોકરો હતો છતાં પણ હિરણ્યકશ્યપુને પ્રહલાદની બાજુમાં રાખીને પણ માર્યો અને પ્રહલાદ ભક્તની રક્ષા કરી. આ નાની વાત નથી. બધી દુનિયાને સમજવા માટે આ વાત છે કે, ભક્ત માટે ભગવાન છે પણ અભક્ત માટે નથી. ભક્તનો જે શત્રુ હોય તે ભગવાનનો શત્રુ છે. આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઇએ. માટે રાજાની જેમ ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઇએ કે રાજા મારી રક્ષા કરશે જ.
પક્ષી આકાશમાં ઊડતું જઇ રહ્યું છે અને કોઇ ધનુષધારી પક્ષીને મારવા માંગે અને પક્ષી ભાગીને કોઇની ઝુંપડીમાં ઘૂસી જાય અને ઝુંપડીવાળો જો ક્ષત્રિય હોય તો પક્ષીને બેસવા દેશે અને શિકારીને કહી દેશે કે, ચાલ્યો જા અહિંથી. આ પક્ષી મારી શરણમાં આવ્યો છે. તને નહીં દઉં. ત્યારે ભલે ઇ પક્ષીનું બચ્ચું છે પણ શરણાગતિમાં છે. પક્ષીને વિશ્વાસ છે કે, આ વ્યક્તિ મને નહીં મારે પણ ઓલો મારશે. બંને છે તો માણસો પણ એક માણસની ઝુંપડીએ આવવાથી એ મારી રક્ષા કરે છે અને એક માણસ મારી પાછળ ધનુષબાણ લઇને આવી રહ્યો છે એ મને મારશે. પ્રજાની આ રીતે રાજા રક્ષા કરે છે. મનુષ્ય પશુ-પક્ષીની રક્ષા કરે છે પણ પારધી તો હિંસા જ કરે છે એટલે ભગવાન પારધીને મારે છે. આ રીતે પક્ષીની રક્ષા કરવાવાળાની જેમ ભગવાન પોતાની ઝુંપડીમાં ભક્તને લઇને રક્ષા કરે છે. માટે રાજાની જેમ, રક્ષકની જેમ ભક્ત ભગવાનમાં વિશ્વાસ રાખે છે.
અન્ન, ફળ, ભોજન જમાડવાવાળી, રસોઇ કરવાવાળી એમાં આપણને વિશ્વાસ છે એટલે આખી જિંદગી રસોઇ જમીએ છીએ પણ ક્યારેય અવિશ્વાસ નથી થતો કે આ મને રસોઇમાં ઝેર દેશે અને હું મરી જઇશ. ભોજન કરાવવાવાળીમાં, પાણી પીવડાવવાવાળીમાં, સેવા કરાવવાવાળીમાં જેમ બાળકને વિશ્વાસ છે, પતિને વિશ્વાસ છે, ભાઇ-બહેનને વિશ્વાસ છે, સગાં-સંબંધિઓને વિશ્વાસ છે એવો વિશ્વાસ અન્ન અને જળ દેવાવાળા ભગવાનમાં રાખવો કે આ મારું જીવન નિભાવવાવાળા છે પણ ક્યારેય જિંદગીમાં મારવાવાળા નથી. મારી રક્ષા અને પોષણ કરવાવાળા છે માટે ક્યારેક ને ક્યારેક મને ખવડાવશે, મારું પોષણ કરશે પણ ભૂખે મારશે નહીં. જો આ વાતની શરણાગતિ હોય તો ભક્ત ક્યારેય અન્ન-જળ વગર રહેતો નથી, દુઃખી થાતો નથી.
ચોથો નંબર ધનવાનની જેમ. ધનવાન માણસ ખૂબ સંપત્તિવાળો હોય, નોકરોને સમયે-સમયે ખૂબ ચીજવસ્તુઓ આપતો હોય. ખાવાના સમયે ખાવાની ચીજવસ્તુઓ આપતો હોય, પહેરવા માટે વસ્ત્રો આપતો હોય, વાહન પણ આપતો હોય, સારાં સારાં ઉત્સવ પ્રસંગોએ નાણાંની મદદ કરતો હોય છે. સેવક નોકરને એના શેઠમાં વિશ્વાસ હોય છે કે હું મારા શેઠનો વફાદાર નોકર છું માટે એ મારા કુળ-કુટુંબના બધા જ વ્યવહારને સાચવવા માટે પોતાના ખજાનામાંથી જરૂર કાંઇક આપશે અને મારો વ્યવહાર ચાલતો રહેશે. એમ ભગવાનને ખબર જ છે કે આ મારો ભક્ત એનો વ્યવહાર ચલાવવા માટે અશક્ત છે, માટે એનો વ્યવહાર મારે જ ચલાવવો પડશે. જેમ નરસિંહ મહેતાનું મામેરૂ ભગવાને પૂરૂ કર્યુ એવો વિશ્વાસ હોવો જોઇએ. તો ભગવાન હંમેશા એની ખબર રાખશે.
પાંચમું - શબરી જંગલમાંથી નાનાં-નાનાં અને મીઠાં-મીઠાં બોર વીણી વીણીને ભગવાન માટે ભેગાં કરતી હતી. એને વિશ્વાસ હતો કે મારા પ્રભુ આવશે અને એમને હું જમાડીશ. હું એને જમાડીને એમની પ્રસન્નતા મેળવીશ. એને ભગવાનમાં વિશ્વાસ હતો માટે ભગવાન આવ્યા અને મળ્યાં પણ. ત્યારે શબરીએ પહેલાં તો બોર દીધાં નહીં પણ આકાશમાં ઊડાડ્યાં. તો ભગવાને તરત હજારો હાથ કરીને દરેક બોર પકડી લીધાં અને ખાધાં. ત્યારે શબરીને આશ્ચર્ય થયું અરે પ્રભુ ! તમે અહિંયા ક્યાંથી ? ક્યાંથી આવ્યા ? કેમ આવ્યા ? ભગવાન કહે, તારા પ્રેમથી ખેંચાઇને આવ્યો છું. હું ન આવત તો આ તારા બોર કોને દેત. એટલે હું તારા માટે આવ્યો છું. મને હજી વધારે બોર આપ મારે ખાવા છે. આવ મારી પાસે અને સુખી થઇ જા અને મારી આ મૂર્તિને યાદ રાખજે. હવે તારે કોઇ બીજું કામકાજ, ભજન-ભક્તિ મારા માટે કરવાની જરૂર નથી. બસ આ મારી મૂર્તિને યાદ રાખી જોયા કરજે. આ રીતે વિશ્વાસ હોવો જોઇએ ત્યારે ભગવાન આવે. એવો વિશ્વાસ ભેંસ, ગાય, બકરી એને ચરાવવાવાળો એક જ માણસ હોય છે છતાં એ પશુઓ એમ સમજે છે કે આ માણસ અમારી રક્ષા કરશે. માટે જંગલોમાં જ્યાં જ્યાં ચરાવવા જાતાં હોય ત્યાં પણ એ સમજે છે કે અમારું રક્ષણ કરવાવાળો એક છે. એ કહે એમ કરશું એટલે કોઇ સિંહ, વાઘ કે કોઇપણ હિંસક પ્રાણી આવી પણ જાય તો પણ અમારી રક્ષા કરવાવાળો તરત અમારું રક્ષણ કરશે. એવી રક્ષા કરવાનું કામ ભગવાનનું છે. માટે માણસ દૂધ દોહે છે ત્યારે પશુ ઉભુ રહીને પણ આનંદથી દૂધ દે છે. કોઇ બીજું માણસ આવીને દૂધ દોહવા જાય તો ગાય ઉભી ન રહે અને શિંગડા ચડાવીને મારે. એવો વિશ્વાસ ભગવાનમાં હોવો જોઇએ કે ભગવાન અમારા રક્ષક છે. કૂંજ પક્ષી પોતાના ઇડાંને કોઇ ટાપુ ઉપર રાખીને ચાલ્યા જાય છે. મહિનાઓ સુધી ચારો ચરીને પાછા આવે છે. પણ આવે છે ત્યારે કૂંજ પક્ષીના બચ્ચાઓ તૈયાર હોય છે. કૂંજ એના સેવક છે માટે છોડી નથી દેતી. એમ ભગવાન ક્યાંય પણ હોય પણ પોતાના ભક્તને સેવે છે રક્ષણ કરે છે. આવી શરણાગતિ ઘણાં પ્રકારની છે. સિંહ પોતાના બચ્ચાનું રક્ષણ કરે છે અને બીજા પશુઓને ખાય જાય છે. બિલાડી પોતાના બચ્ચાની રક્ષા કરે છે અને ઉંદરને ખાય જાય છે. જીવપ્રાણી માત્ર ભગવાનમાં વિશ્વાસ એવો રાખે કે, હું તમારો છું અને તમે મારા છો. તો ભગવાન રક્ષણ કરે છે.
ભગવાને પૃથ્વી બનાવી, જળ બનાવ્યું માટે ખાવો અને પીવો. ભગવાને પ્રકાશ બનાવ્યો, વાયુ બનાવ્યો. માટે એ પ્રકાશમાં આનંદ કરો અને જીવો. ભગવાને સંપત્તિ આપી એને વાપરો. ખાઓ-પીઓ અને સુખી રહો. ભગવાને થોડીવાર આનંદ મેળવવા માટે કુટુંબ બનાવ્યું. એ કુટુંબમાં સમય-સમય પ્રમાણે આનંદથી રહો અને સુખ લો. જુઓ, સાંભળો, ગાઓ, કિર્તન કરો, નાચો, ભજન કરો, ભગવાનની પ્રસાદી જમો, ઉત્સવ કરો, વાજિંત્ર સાથે ફરો. ભગવાનના મંદિરમાં ઘણાં પ્રકારનાં લીલા પાંદડાંથી તોરણ બાંધો. ભગવાનની મૂર્તિનો શણગાર કરો. ખૂબ આનંદથી ભગવાનની સામે વિશ્વાસ રાખવો કે પ્રભુ અમારા છે અને અમે પ્રભુના છીએ એ ક્યારેક ને ક્યારેક જરૂર અમારી સંભાળ લેશે. આ થયું વિશ્વાસનું અંગ.
માછલીને પાણીમાં વિશ્વાસ છે કે, પાણીમાં જ મારું રક્ષણ છે, શિષ્યને ગુરુમાં વિશ્વાસ છે કે આ ગુરુ જ મને વિદ્યાદાન દઇને, ભણાવીને મારી રક્ષા કરશે. એવી રીતે બધાય લોકોને જ્યાં જેનો વિશ્વાસ હોય છે એવો વિશ્વાસ ભગવાનમાં રાખવો. આ એક જ્ઞાન થયું. એવી વિશાળતા રાખો.
બીજો નંબર છે વરણમ્ એટલે વરવું, ભગવાન સાથે જોડાઇ જવું. ભગવાન પાસે વરદાન માંગી લેવું કે, મારા જીવનમાં રક્ષક તમે જ છો, તમે જ મારા સ્વામી છો, તમે જ મારા નાથ છો, તમે જ મારા ભગવાન છો, તમે જ મારા ઘરધણી છો. હું તમને વરું છું. માટે તમે મારી રક્ષા કરતાં રહેજો. મને જોતાં રહેજો. મને જે રીતે કામમાં લેવો હોય તે રીતે લેતાં રહેજો. મને છોડતાં નહીં. ક્યાંય વિયોગમાં ન રાખતાં. વરણમ્ એનું નામ છે વરદાન માંગવું. બધા લોકો વરદાન માંગે છે કે, હે ગુરુદેવ ! મારી આત્માનું રક્ષણ કરજો. મારા કુળકુટુંબનું રક્ષણ કરજો. હે ભગવાન પાપોથી મારી રક્ષા કરજો. હે પ્રભુ શત્રુથી મારી રક્ષા કરજો. હે ભગવાન બધી બાજુથી મારી રક્ષા કરજો. દુષ્કાળથી રક્ષા કરજો, રોગથી રક્ષા કરજો, મારી રાત-દિવસ જેવી અવ્યવસ્થા થઇ હોય તો એમાં પણ મારી રક્ષા કરજો. હું ક્યાંય ફસાઇ ગયો હોય ત્યાં મારી રક્ષા કરજો. કોઇ મારી પાછળ પડી ગયું હોય ત્યાં મારી રક્ષા કરજો. હું ક્યાંય ભૂલો પડી ગયો હોઉં ત્યાં મારી રક્ષા કરજો. તમારી ગદા, તમારું સુદર્શન ચક્ર, તમારી માળા, તમારી મૂર્તિ, તમારા આ બધા હથિયાર એ હંમેશા મારી રક્ષા કરતાં રહે એવું વરદાન ભગવાન પાસે માંગતું રહેવું. મારા બાળબચ્ચા તમારા છે. મારું કુળકુટુંબ તમારું છે. વર્ષની જે ઉપજ આવક છે એ પણ તમારી છે. તમે કમાવવા માટે મને બુદ્ધિ આપી છે અને હું કમાઉં છું, બધું તમારું છે માટે તમે સ્વીકારો. જેવો ભક્ત એવું વરદાન ભગવાન આપે છે.
ત્રીજો નંબર છે ન્યાસ. ન્યાસનો અર્થ છે ગિરવે રાખવું. વસ્તુ સારી છે પણ અમે ઘરમાં એનું રક્ષણ નથી કરી શકતાં માટે મોટાં ઘરમાં રાખશું તો ત્યાં રક્ષા થશે. એ જે રક્ષા થાશે એનું નામ છે ન્યાસ. થાપણ ભગવાનને દેવી. હે મહારાજ ! હું તમારી થાપણ છું અને મારી ઘરવાળી પણ તમારી થાપણ છે. મારા બાળકો પણ તમારા થાપણ છે. મારું ઘર, બગીચો, બધું જ તમારી પાસે ગિરવે રાખું છું. તમે તેની રક્ષા કરજો. એના બદલામાં વ્યાજ મારે નથી જોતું. વ્યાજમાં તો બસ તમે એને સેવો અને એ સેવાનો આનંદ મને આપો. જેમ કે, હું બહું નાનો ભક્ત છું તો આનંદમાં મારું જીવન કાયમ સુખી રહે, હું ક્યારેય ઉદાસ ન થાઉં એવું ન્યાસ ગિરવે રાખવું. થાપણ આ મેં તમારા ખોળામાં દીધી છે, તમારી સાથે હું છું, બધું તમારું જ છે.
ત્રીજા નંબર આ પણ સમજી રાખવું જોઇએ કે રાજાની ગાદી મળે, દીવાન થઇ જાઓ, સેનાપતિ બનો કે દિલ્લીની ખુરશી પર બેસો, ગર્વનાર થાઓ, કલેક્ટર સાહેબ થઇ જાઓ, ગામડાંના સરપંચ થઇ જાઓ, ચેરમેન થઇ જાઓ, મંત્રી બનો, સત્તાવાન બનો, બુદ્ધિમાન થઇ જાઓ, લાખો માણસોના ગુરુ થઇ જાઓ તો પણ કાર્પણ્યમ્ આ ચોથો નંબર. હું કૃષ્ણદાસ તમારો સેવક છું. તમારી પાસે મારું જે કાંઇ પણ છે એ તમે જ આપેલું છે. હું તો તમારો દાસ છું. જે કાંઇપણ મને આપ્યું છે એ બધું તમારું છે માટે દાસનો દાસ, એનો દાસ, એનો દાસ. અંતિમ કોટીનો સૌથી નાનો દાસ. આ દાસપણાનું અનુસંધાન ભગવાન પ્રત્યે રાખવું જોઇએ. આવું દાસપણું હશે તો એ દાસપણું કામ કરશે. ભગવાન જેમાં જમ્યાં હોય એ વાસણ એને માંજવામાં વચ્ચે માન ન રાખવું, તરત ઉભા થઇને વાસણ માંજયાવવું. ભગવાનની પગચંપી કરવામાં વચ્ચે મોટાઇને ન રાખવી. અભિમાન ન રાખવું. રાજા હોય તો પણ ભગવાનના ચરણમાં મુખ, લલાટ, નેત્ર સ્પર્શ કરીને દંડવત કરવા. આ દાસપણાનું કામ છે. અને દાસી તો જેવું કામ હશે તેવું કરશે. તો દાસ-દાસીપણું મારામાં જે છે એ હે ભગવાન તમારા માટે છે. ભલે જે પણ સંપત્તિ હોય એ તમે આપેલી છે. માટે તમારી જ છે. તમે દાસીના માટે દીધું છે માટે દાસ-દાસી સુખી રહેશે અને તમારી સેવામાં કાયમ હાજર રહેશે. માટે અમને દૂર ન કરતાં. આ છે સેવા અને દાસ- દાસીપણું.
હવે ચોથો નંબર છે કાર્પણ્યમ્. કોઇ ગરીબ હોય એને એના મોટા લોકો તિરસ્કાર કરે તો એને અપમાન નથી માનતા. એ તો કહે છે, આ તો આપણા માલિક છે, ધણી છે એ તો કેય. તો દાસ છે એને ભગવાન દાસના રૂપમાં જ બોલાવશે. દાસના રૂપમાં જ એને અપનાવશે. એને પોતાની પાસે રાખશે. અને દાસના રૂપમાં જ એને શિક્ષા પણ દેશે અને કહેશે પણ. આ પ્રકારે ભગવાન દાસ-દાસીને પોતાની પાસે પોતાની ગૃહિણી, પોતાનો પુત્ર અને પોતાનો શિષ્ય એના કરતાં પણ વધારે પ્રેમથી એનો નિભાવ કરતાં રહેશે. આ છે દાસપણું, ગરીબપણું, કોમલપણું, નમ્રપણું અને નિષ્કપટભાવથી રહેવું.
ભગવાન એ ભગવાન અને હું ભક્ત એ ભક્ત. ભગવાન અને ભક્તની વચમાં કોઇ બીજો આવે તો કહી દેવું કે ભાઇ હું તો પતિવ્રતા ભક્ત છું, આ મારા ભગવાન છે અને હું એનો ભક્ત છું. માટે તું વચ્ચે ના આવીશ. તારે ભજવું હોય તો ભજ, સેવા કરવી હોય તો કર નહિતર અહિંથી દૂર ચાલ્યો જા. અમારી ભક્તિની વચમાં ન આવ. આ રીતે જે ભક્ત દાસીપણા અને નોકરપણાથી ભગવાનમાં સમર્પિત થાય છે એનું નામ છે કાર્પણ્યમ્.
ખૂબ ગરીબાઇ, ખૂબ કોમળતાં, ખૂબ વિનય આ ચોથા નંબરનું જ્ઞાન જોઇએ. રાજા હોય કે પ્રજા હોય, નાનો હોય કે મોટો હોય તેણે ભગવાનની મૂર્તિની સામે મોટાઇ ન રાખવી કે, ભગવાનની મૂર્તિની આજ શોભાયાત્રા છે, ગામમાં ફરવાની છે. પણ હું રાજા છું, બીજા બધાંય તો નાના લોકો છે, તો હું એમની સાથે કેમ ચાલું ? તો ભલે નાના માણસો રહ્યા પણ ભક્તિથી મોટા છે. પણ તને એવી લોકદૃષ્ટિ છે કે હું રાજા છું. પણ ભગવાનની આગળ કોઇ રાજા નથી. એટલા માટે એકદમ સાદાઇથી એમના ઉત્સવમાં જાવું, કિર્તન કરવું, દ્રવ્યથી મદદ કરવી, બધું જ કરવું. આ ચોથા નંબરનું ધ્યાન રાખવું.
પાંચમો નંબર છે સ્થિરામતિઃ. ભક્ત કહે, હું ભગવાનની ભક્તિ કરું છું, એ કહે એમ કરું છું, એ મારી નજર રાખે છે, સમર્થ છે. હું એમના માટે બધું જ કરું છું. છતાં પણ લોકરિતી પ્રમાણે રહેવામાં કોઇ ભૂલ થઇ જતી હોય તો ક્યારેક કોઇ મુશ્કેલી કે દુઃખ બીજા લોકો દ્વારા ઉભું થાય છે એ વખત ભગવાન મારા દુઃખને તમે દૂર કેમ નથી કરતાં ? ભગવાન કહે છે, ભાઇ ! તે કર્યુ તારી ભૂલ એમાં હું શું કરું. તું રાજાના દંડમાં આવ્યો. અરે તમે ઘરમાં બે જણાં પતિ અને પત્ની. ઓલીએ રસોઇ બનાવી, તું ભોજન કરવા બેઠો, રસોઇમાં મીઠું ઓછું પડ્યું ત્યાં તો કેવી પત્ની છો ? રસોઇ તો આવડતી નથી, આમાં નમક તો થોડું નાખ્યું ને થોડું નથી નાખ્યું. આમ ગુસ્સે થઇ ગયો. તો સામે પત્ની પણ ગુસ્સે થઇને કહી દેશે કે, તો બીજી પત્ની લઇ આવજો મીઠું પૂરું નાખવાવાળી. આ બંનેમાં થયો ઝઘડો. હવે આ ઝઘડાને ભગવાન ક્યાં મટાડવા આવે. શું મીઠું નાખવા આવે ? શું તારી પત્નીને સમજાવવા આવે ? તારે પત્નીને ના કહેવા આવે ? આ કોઇ વાત વગર બંને ઝઘડી ગયા. હવે આમાં કરવું શું ? માટે સ્થિરામતિઃ. એ વખતે મનને સમજણથી સ્થિર રાખવું. સ્થિર એવી રીતે રાખવું આ તો આપણો ઝઘડો છે બીજાનો નથી. આ તો આપણે બેયે સમજવું જોઇએ આમાં ભગવાનને શું ? તો પછી પત્ની કહેશે કે, ભગવાનનાં માટે નવા નવા થાળ કરી કરીને, દૂધ પીવડાવી પીવડાવીને હું તો થાકી ગઇ છું. ભગવાન તો ક્યારેય જોતાં જ નથી, આવતા પણ નથી. મને જ્યારે તાવ આવે છે ત્યારે તાવ ઉતારતા પણ નથી. આ મૂર્તિમાં ક્યાં ભગવાન છે ? લાંબા કાળે પણ આવો વિચાર ન આવવા દેવો. સ્થિરમતિ રાખવી કે, ભગવાન ભગવાન જ છે. અને હું તો ચિભડા ખાઉં છું તો તાવ આવે. તો શું કરવું ? થોડું ખાઉં. છાશ બહું પીઉં છું તો કળતર આવશે અને રોગ થાવાથી પગ દુખશે અને ખૂબ ચટણી ખાઇશ તો માથું પણ દુખશે. આ રીતે જો પોતાની ભૂલથી શરીરમાં કાંઇ પણ થાય છે અને કોઇપણ રીતથી કાંઇ થોડું વધારે જો સુખ- દુઃખ આવે ત્યારે ભગવાનમાં સ્થિરમતિ રાખવી. ભગવાન મારી બુદ્ધિ સ્થિર રાખશે અને તે મારા માટે સારું જ કરશે ખરાબ નહીં કરે.
હવે બીજી વાત - ક્યારેય છોકરો મરી જાય, પત્ની મરી જાય, પતિ મરી જાય, સારી ગાય-ભેંસ મરી જાય. આવું કેમ થાય છે ? ભજન કરતાં કરતાં, સત્સંગ કરતાં કરતાં, ભગવાનને ભજતાં ભજતાં બાળકોય મરી ગયા, દુનિયા કહે છે કે તે એમની કંઠી બાંધી, એમનો શિષ્ય થયો તો તારો છોકરો મરી ગયો. હવે તોડી નાખ કંઠી. એનો શિષ્ય ન થા. આ બાજુ આવી જા. બીજો છોકરો થાશે. ઘણાં લોકોને, ઘણી સ્ત્રીઓને આવું આવું કહેવાવાળા મળે છે કે, તે પહેલાં ગુરુનો આશ્રય કર્યો એટલે તને આ દુઃખ આવવા લાગ્યું છે. પણ એ તો સંસારનું દુઃખ છે, એ કોઇ ભગવાન કે એના આશ્રયે કરીને દુઃખ નથી આવ્યું. પણ જગતના જીવ કહેશે કે, તમને ભગવાનના આશ્રયે કરીને દુઃખ આવ્યું છે. એવા સમયે રાખવાની છે સ્થિરામતિઃ.
શાસ્ત્રોમાં લખ્યું છે કે, કોઇ ગામગરાસ માટે ભગવાનની ભક્તિ ન કરવી. ક્યાંક કોઇ બાળબચ્ચા મરી જાય છે તો એને જીવાડવા માટે ભગવાનની ભક્તિ ન કરવી અને શરીરમાં ખૂબ બિમારી છે તો ઇ બિમારી ચાલી જાય એટલા માટે કંઠી બાંધીને શરણાગતિ ન લેવી. કંઠી બાંધો, નાવો, ધુવો, ભગવાનની પૂજા-પાઠ કરો, ભગવાનની પ્રસાદિ જમો, એમને આનંદથી સેવો અને કોઇ મુશ્કેલી આવે તો એમાંથી મન પાછું ન પાડવું. શ્રદ્ધાને તોડવી નહીં, ભાગી ન જાવું. જે પતિવ્રતા છે એના જે પતિ સાથે લગ્ન થયા હોય, પતિને ત્યાં બંગલા અને ધન હોય તો બહુ સુખી રહે પણ કોઇ કાળના વેગથી, વાયુના વેગથી, પૃથ્વીના વેગથી, વરસાદના વેગથી, અગ્નિના વેગથી એ બંગલો બળી ગયો, ધન-સંપત્તિ સળગી ગઇ તો એ પછી કહે કે, આના ઘરમાં રહીને શું કરવું ? હવે તો ખાવાનુંય નથી મળતું. ગરીબ થઇ ગઇ તો ચાલો છુટાછેડા કરી લઉં અને બીજાને અપનાવી લ્યે. તો એ પતિવ્રતા શેની ? એ તો સ્વાર્થવ્રતા બાઇ છે. એકમાં સારું હતું તો ભોગવ્યું અને નબળું થયું તો છોડીને ચાલી ગઇ. એ તો સ્વાર્થી છે. તો ત્યાં સ્થિરમતિ રાખવી.
ભગવાન કહે છે, શરણાગતિમાં એક વાત છે. નળરાજાની સાથે દમયંતિ રાણી જંગલમાં સાથે જ તપ કરવા નીકળી ગયા. એ પતિવ્રતા હતી. રામચંદ્રજીની સાથે સીતાજી પણ વનમાં ગયા. એવી રીતે ભગવાનની મરજીમાં સુખ, ભગવાનની મરજીમાં દુઃખ. એવી શરણાગતિથી મંડળ વધો અને પ્રભુની ભક્તિ કરો. ભગવાન બધાય માટે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને સારાં સારાં બધાય માટે છે. ભગવાન તો હરિજન માટે પણ છે, બધાય માટે છે. માટે બધાંય ભજો, બધાય આનંદ કરો અને સ્થિરમતિ રાખો. તો ભગવાન તમારા ધન, સંપત્તિ બધું સ્થિર રાખશે.
હવે છઠ્ઠો નંબર આનુકુલસ્ય સંકલ્પઃ પ્રાતીકુલ્ય વિવર્જનમ્. એનો અર્થ થાય - ‘અનુકૂળતા વિચાર’. ભગવાનને કઇ ચીજો ગમે છે ? એમને શું અનુકૂળ છે ? કઇ રીતભાતમાં ભગવાન રાજી છે ? એ રીતભાત પ્રમાણે હું રહું. જેમ આ પ્રત્યક્ષ ભગવાનનું તમે ભજન કરો, મૂર્તિની સેવા કરો, મૂર્તિને નૈવેદ્ય અર્પણ કરીને તમે ખાઓ, પીવો અને ઉત્સવ સમૈયા કરો અને ધૂન-ભજન કરો. કિર્તન ભગવાનને પ્રિય છે. બસ આટલું કરો. કાંઇ વધારે નથી કહેતા. થોડુંક તો કાંઇક કરવું જોઇએ ને ? કેમ કે, જીવાત્માને ભગવાન પવિત્ર હશે તો પોતાની પાસે રાખશે. માટે કપટ, અન્યાય, કોઇ અનિતી, કોઇને દુઃખ દેવું વગેરે ના હોવું જોઇએ. ભગવાન આમાં રાજી નથી. કરવું તો આ જોઇએ - મંદિરમાં બધાં સાંજે ભેગાં થાઓ, કિર્તન કરો, વાજિંત્ર વગાડો, ભગવાનને પ્રસાદ ધરી અને જમો, ક્યારેક મહિને-બે મહિને કે ચાર મહિને સારા દિવસો આવતા હોય ત્યારે ભગવાનને હાર-તોરા-ગજરા-ફૂલ- સુગંધ-જળ એનાથી ભગવાનની સેવા કરો. ગરમીના દિવસોમાં ભગવાનને ગળ્યાં ઠંડા જળ પિવડાવો. ચોમાસાના ભાદરવામાં દૂધપાક જમાડો, દૂધપુરી જમાડો. આસો મહિનાની પૂનમ આવે ત્યારે ભગવાનને રાસ રમાડો. ભગવાનને દૂધ-પૌઆ જમાડો. શરદઋતુમાં ભગવાનને હિંડોળામાં આનંદથી ઝુલાવો. કારતક, માગશર અને પોષ મહિનામાં ભગવાનને ઠંડી તો ન લાગે પણ છતાંય લાગે તો ગરમ શાલ પહેરાવો. કેરીનો મુરબ્બો જમાડો, ગુલાબજાંબુ જમાડો, ભગવાનને સારા-સારા મિષ્ઠાન્ન જમાડો અને તમે પ્રસાદી જમો. આવી રીતે ભગવાનની બારેય મહિના સેવા કર્યા કરો. આનું નામ છે અનુકૂળતા. ભગવાનને જે અનુકૂળ હોય તે કરવું જોઇએ. ભગવાનને અનુકૂળ હોય તો સત્સંગ કરો અને સત્સંગને વધારો. વધારે સત્સંગી થાઓ અને ભગવાનનું ભજન કરો તો ભગવાન તમને ધામમાં લઇ જાશે નહિ તો દુનિયાના ફેલ-ફતૂર અને પાપ લાગશે. કોઇપણનું ખરાબ કરશો તો તમારું પણ ખરાબ થાશે અને એનું પાપ લાગશે. એ બધું છૂટશે ક્યાં ? પણ ભગવાનના માટે બધી રીતે અનુકૂળ વર્તો તો બધુંય છૂટી જાશે. ભગવાનનો જન્મદિવસ આસો વદ આઠમ એ દિવસે ખૂબ ધામધૂમથી મહાસમૈયા-ઉત્સવ કરો, ધૂન કરો, બાળકોને જમાડો, ખાઓ-પીઓ, ઉત્સવના દિવસે ભોજન- પાણી કરાવીને બધાને આનંદ કરાવો. ભગવાનના ઘણાં સારા દિવસો આવે છે. એ સમયે સમય પ્રમાણેની અનુકૂળતા પ્રમાણે સેવા કરો. મંદિરમાં કેળાનાં થંભ ઉભા કરો. આસોપાલવના લીલા પાંદડાંના તોરણ બાંધો. સારા-સારા વસ્ત્રોના મંડપ બનાવો. મંડપમાં સિંહાસન બનાવો અને એમાં ભગવાનની મૂર્તિનું સ્થાપન કરીને ભગવાનની સેવા-આરતી-પૂજા-ધૂન વગેરે વગેરે કરો. આનું નામ છે ભગવાનને અનુકૂળ રહેવું. અનુકૂળતા પ્રમાણે ભગવાનના પૂજા-પાઠ કરતાં જ રહેવા જોઇએ. તો અનુકૂળતાનું વર્તન ભક્ત માટે પૂરું થયું કહેવાય. હવે પ્રાતીકુલ્ય વિવર્જનમ્.
છઠ્ઠા નંબરમાં આવે છે કે, ભગવાન કહે એમ કરવું. પણ આપણને જે અનુકૂળ હોય એ ન કરવું. નહીં હું નહીં જ કરું આ રીતે ના નો કહેવી. ‘પ્રતિકૂળ એટલે ભગવાનને જે વાત નથી ગમતી.’ એનો ત્યાગ કરવો જોઇએ. હું તો આવું નહીં કરું. ભગવાનના આશ્રિત ભક્ત માટે થોડા નિયમ છે. તે પ્રતિકૂળ નિયમ હોય. જેમ કે, ખાવા-પિવામાં અશુદ્ધ વસ્તુ ખાવી, કોઇકથી કોઇ અપવિત્ર વસ્તુનો ઉપયોગ થયો આ બધુ પ્રતિકૂળ છે. તે ભગવાનને નથી ગમતું. ભગવાનને ગંદી વસ્તુ જેમ કે, ડૂંગળી વગેરે પ્રભુને ગમતું નથી. એમણે બનાવ્યું છે પણ એમને એમાં રુચિ નથી. એવા પ્રભુની જ્યારે ભક્તિ કરતાં હો ત્યારે એ પ્રભુમાં જ પોતાની ક્રિયાઓ, સેવાઓ, પોતાની આંખ, પોતાના કાન, પોતાની જીભ, પોતાની ભાવના આ બધું જ ભગવાનમાં એકત્રિત કરીને રાખવું જોઇએ. ત્યારે વચ્ચે-વચ્ચે પ્રભુને બાજુ પર રાખી દેય અને કોઇ પોતાની મિત્ર આવી જાય ત્યારે ઓહોહો સખી, દેવી, શેઠાણી તમને કેમ છે ? તમારા દીકરા-દીકરીને કેમ છે ? શરીરે સારું તો છે ને ? કોઇ શેઠિયો આવે તો તેને કહે તમારો વ્યાપાર ઠીક ચાલે છે કે નહીં ? કોઇ સાહેબ આવે. સાહેબ સલામ, નમસ્કાર, જય જય. ચાલો આપણા ઘરે. આ શોભાયાત્રા જઇ રહી છે પણ તમે મારા ઘેર આવો. ચા-પાણી પીતાં જાઓ. પછી અહીંથી જજો. આ બધું ભગવાનને માટે પ્રતિકૂળ છે. ભગવાનનું કામ પૂરું કરીને જ આ બધું કરવું જોઇએ. પૂરું કરીને ન કરે અને જો વચ્ચે બીજી પ્રવૃત્તિમાં જાય તો પ્રતિકૂળનો સ્વીકાર કર્યો કહેવાય. એ સ્વીકારનો ત્યાગ કરવો જોઇએ. ભગવાનની સામે, મંદિરની સામે એમને ન ગમે એવું કાર્ય ન કરવું જોઇએ. શાસ્ત્રો કહે છે કે, ભગવાનની સામે ઘણાં પ્રકારનાં અપરાધ થતાં હોય છે. રાજાને કહ્યું છે કે, ભગવાનની મૂર્તિની સામે કોઇને હુકમ કે દંડ ન દેવો જોઇએ. ભગવાનની બાજુમાં કે ભગવાનની સામે પગ રાખીને ન સૂવું. ભગવાનના બધાંય પ્રકારના સુખ લેવા. ભગવાનની ચીજો જ્યાં ત્યાં ઉપયોગમાં ન લેવી. ભગવાનમાં મંદિરમાં દેવું પણ મંદિરની ચીજો પોતાના ઉપયોગમાં ન લેવી. તેથી ઋણ લાગે છે.
ભગવાન અને ભગવાનના સાધુ એ જગત માટે કલ્યાણકારી છે. તમે બધાં ભગવાનનું ભજન કરવા અને ભગવાન માટે તૈયાર છો, માટે આગળ ભક્તિમાં વધજો અને આ જે શરણાગતિ કીધી છે તેનું અનુસંધાન રાખજો. હવે આ તો ભક્તોની વાત કહી. હવે ભગવાન જુઓ કેવો ય પણ અપરાધી, કેવો ય પણ ભક્ત હોય તો પણ ભગવાન એ ભક્તને પોતાનો અપરાધી નથી ગણતાં. ભક્ત કોઇપણ જ્ઞાતિનો હોય ભગવાન એની અશુદ્ધિને નથી માનતા. ભગવાનના ભક્ત ભગવાન માટે હંમેશા શુદ્ધ જ છે. ભગવાનની મિલ્કત એ ભક્તની મિલ્કત જ છે. ભગવાનનું જે કાંઇપણ જે એ ભક્તોનું જ છે. તમે બધાં ભક્ત છો માટે સત્સંગ કરો, આગળ વધો, કથા-કિર્તન કરો અને ઉપયોગી થાય તેવા સત્શાસ્ત્ર વાંચો. શાસ્ત્રોમાં બધી જગ્યાએ ભગવાનનું વર્ણન લખ્યું છે. ક્યાંક રામ રૂપે છે, ક્યાંક કૃષ્ણ રૂપે છે, ક્યાંક કૃષ્ણવલ્લભ રૂપે છે, ક્યાંક શ્વેતાયન વ્યાસ રૂપે છે, ક્યાંક શાસ્ત્ર રચવાવાળા છે, ક્યાંક સ્વયં ઉપદેશ દેવાવાળા ભગવાન સંતરૂપે કેસેટમાં બોલી રહ્યાં છે અને તમે લોકો સાંભળી રહ્યાં છો. તમે બધાં મૂર્તિની પ્રસાદી લેજો અને ભજન કરજો અને કંઠી પહેરજો અને મંત્ર જે કહ્યો છે તે રાખજો અને સત્સંગ વધારજો, શરણાગતિ મંડળ વધારજો. મંદિર કરજો, સુખી રહેજો. આ ભગવાનના અનન્ય આત્મનિવેદી રહીને ભક્તિ કરવી. આત્મનિવેદીપણામાં કોઇ ભૂલ ન આવવા દેવી અને કોઇપણની બાજુમાં ચડી ન જાવું. કોઇપણ આવે, કેવો પણ ઉપદેશ દેય પણ ભક્તિમાંથી કે ભગવાનની પ્રસન્નતામાંથી પાછાં પાડી દેય એવું ન કરવું. ખૂબ મજબૂત રહેવું. તમે બધા ભગવાનની ભક્તિવાળા ભેગા થયા છો, માધવજી અને બીજા લોકો ઉત્સવ કરો છો માટે આનંદમાં રહેજો, સુખશાંતિથી રહેજો. ભગવાનનું ભજન કરજો. બધા લોકો ભગવાનની ભક્તિ જ કરે છે. ભક્તિ વિના ક્યારેય ઉદ્ધાર નથી. માટે ભગવાનને ભજો, ભગવાનનો સત્સંગ કરો અને આગળ મૃત્યુ પછી ભગવાનના ધામમાં જાઓ. તૈયાર રહો અને સુખી થાઓ.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની જય.
શ્રીશ્વેતાયન વ્યાસની જય, શ્રીહરિની જય, બધા સંતોની જય.
બધા હરિભક્તોની જય, આજના ઉત્સવની જય.
સ્વામિનારાયણ ભગવાનની જય.