ભગવાન જે ગ્રહણ કરે એ મુક્ત થઇ જાય - માનસીપૂજાની રીત અને મહિમા
અક્ષરધામમાં બિરાજતાં એવા પરપુરુષોત્તમ નારાયણ સ્વયં પ્રગટ પૃથ્વીમાં થયા. એ ભગવાન પોતાની મૂર્તિના ચિહ્નો સાથે લેતાં આવ્યા. શાસ્ત્રોમાં ય લખેલું છે, હરિદિગ્વિજયમાં ય લખેલું છે, પદ્મપુરાણમાં ય લખેલું છે કે, એક-બે-ચાર-પાંચ-છ ચિહ્ન હોય તો એ ભગવાન પોતે અવતાર લઇને આવ્યા છે, એમ સમજવું. એવા ચિહ્નો વડે કરીને ઓળખાણ થઇ જાય તો ઓળખાણવાળાને નક્કી નિશ્ચય થઇ જાય કે આ ભગવાન છે. પછી તેને રમૂજ વાસ્તે કોઇ ઐશ્વર્ય, સામર્થ્ય, લીલા-ચરિત્રો જોવા હોય એવી મરજી થાય તો ભગવાન એ ભક્તો ભેગાં રહે છે માટે ભક્તની ઇચ્છા પ્રમાણે અનેક પ્રકારનાં લીલાચરિત્ર સામર્થ્ય ઐશ્વર્ય વાપરે છે. ભક્તોની સેવાચાકરી અંગિકાર કરે છે. એ બધું શા માટે ? તો ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે. ભક્તોના દિલમાં એમ થઇ જાય કે, ઓહોહો ભગવાન આપણા ઉપર ખૂબ વરસ્યાં, ખૂબ રાજી થયા, ખૂબ કૃપાઓ કરી, ખૂબ આપણી ભેગા એકમેક થઇ ગયા. કુટુંબથી વધારે પણ ભગવાન આપણને હેતમાં અંગિકાર કરે છે. જીવને આટલું સમજાઇ જાય એટલે ભગવાન એના જીવમાં પ્રત્યક્ષ, બાહેર બેઠેલા છે એવા જીવમાં દેખાય. જ્યાં જાય ત્યાં ભગવાન ભેગાં જ છે એટલે એ એના સહાયક છે. અર્જુન જ્યાં જાય ત્યાં શ્રીકૃષ્ણ ભગવાન ભેગા હતા. એમ જે-જે ઠેકાણે પોતાને અંગિકાર કરેલો ભક્ત છે એ જ્યાં-જ્યાં જાય ત્યાં-ત્યાં એને ભગવાન બહાર સાંભરે, અંદર સાંભરે, સૂતા-બેઠાં, ખાતા-પીતા, હાલતાં-ચાલતાં સાંભરે. અને મિત્રમંડળ હોય ત્યાં વાર્તા કરવા માટે ભગવાનની વાતો કરવા માટે એને સાંભરે. સગાં-કુટુંબ-પરિવારમાં પણ એ વાત થાય. આશ્રમમાં, ગૃહસ્થાશ્રમમાં, સગા- કુટુંબીઓમાં, ઘરવાળી બેઠી હોય, છોકરા બેઠા હોય ત્યારે કોક દિ’ સારી વાત કરે તો એ જે ભગવાનની સારી વાત કરે. એને કરીને જે સાંભળે તેના જીવનું કલ્યાણ થાય. માટે ભગવાન જીવ જેવા થઇને એવા દેહ ધારણ કરીને એવી રીતે ભૂખ્યા તરસ્યાં રહીને ખાવું-પીવું, ઓઢવું-પહેરવું, અંગિકાર કરવું, પૂજા ગ્રહણ કરવી વગેરે વગેરે ભક્તોની ભેગાં મળીને ભક્તની સેવાઓ અંગિકાર કરે છે. ભક્તોને પૂર્વે સો જન્મનાં પુણ્ય હોય ત્યારે ભગવાન મળે છે.
શ્રીજી મહારાજે કહ્યું, સો જન્મનું બ્રહ્મચારીપણું જેણે પાળ્યું હોય તેને પ્રત્યક્ષ ભગવાન મળે છે. એવી રીતે ભગવાનનો મહિમા સમજીને ઓળખી લે કે આ મળ્યા છે તે અનંતકાળ પછી, અનંત સૃષ્ટિ પછી મળ્યા છે. અને ભારે જોગ તો એનું નામ છે કે ભગવાન હરતાં-ફરતાં હોય, જીવતા હોય તેની સાથે ભક્તજનોને રહેવાનો પ્રસંગ બને. તો ભગવાનની દરેક પ્રકારની સેવાચાકરી કરી શકે. પ્રભુ છે એ ભક્તોની ભાવના પ્રમાણે સેવાચાકરી અંગિકાર કરતાં જાય છે. રાજી થાતાં જાય છે, આશીર્વાદો દેતા જાય છે, ભક્તોનું ભાગ્ય મોટું કરતાં જાય છે. તેના ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાન દિવ્ય બનાવી દે છે. દેખાય માયા જેવા પણ છે અક્ષરધામના પ્રકાશના. એમ પ્રકાશની મૂર્તિઓમાં પોતે પોતાને દેખવા માંડે છે કે, આ હું છું, આ અક્ષર છે અને આ પુરુષોત્તમ નારાયણ છે અને આ હું મુક્ત તરીકે તેમની પાસે બેઠો છું એની સેવા માટે. એની સેવાચાકરી એ મારું કામકાજ. એનો રાજીપો એ મારું મોટું પુણ્ય. અને એમની કૃપા એ મારી સંપત્તિ. આ રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણને ભક્ત ઓળખવા શીખ્યો, અપનાવા શીખ્યો, સ્વીકારવા શીખ્યો, રમવા શીખ્યો, ભગવાનની કથા-વાર્તા કરવા શીખ્યો, શ્રીહરિની સાથે એકમેળ કરવા શીખ્યો. એ ભક્ત છે તેને શ્રવણ, મનન, નિધિધ્યાસ એવું કાંઇ કરવું બાકી રહેતું નથી. તેને નવ પ્રકારની ભક્તિમાં સહેજે હેત ભક્તિ આવી જાય છે એટલે બીજું કાંઇ નવું સાધન જુદું કરવું પડતું નથી. જેણે ભગવાનનો રાજીપો મેળવ્યો તેણે બધું જ મેળવ્યું છે. જેના પર ભગવાનનો રાજીપો થયો તેને બધુંય મળી ગયું.
શ્રીજી મહારાજે મુકુંદ બ્રહ્મચારીને પોતાની સાથે રાખ્યા કારણ કે તે દરેક સેવાઓ કરતાં. મુક્તાનંદ સ્વામી ગુરુ હતા છતાંય પણ પોતાની સાથે રાખતા. કેમ એમ ? તો કે મુક્તાનંદ સ્વામી મોટા અનુભવી હતા. અને શ્રીજી મહારાજને પુરુષોત્તમ તરીકે ગાતાં હતા. અને એ રામાનંદ સ્વામી જેવા મોટા સદ્ગુરુ એના વચન વડે કરીને પુરુષોત્તમ નારાયણ છે તે આ પૃથ્વી ઉપર પોતાને ભગવાન તરીકે ભક્તજનોની સેવાચાકરી અંગિકાર કરે, ઓળખાવે, ગ્રહણ કરે એમ શ્રીજી મહારાજે પણ ભક્તજનોને પોતાના કરતાં દસ ગણી કિંમત વધારે માની અને ભક્તોને પોતાની પાસે રાખ્યા. એની સેવા અંગિકાર કરી, એને ધામમાં પણ રાખ્યા.
શ્રીજી મહારાજ કહે, આ તમે ને હું બેઠા છીએ એ કાંઇ ગઢડું ને ઓસરી દેખાતાં નથી. આપણે અક્ષરધામમાં છીએ. બધા અક્ષરધામમાં બેઠા છે. ત્યાં અક્ષરધામમાં તમારા માટે બંગલા તૈયાર છે. ત્યાં બધી સામગ્રીઓ તૈયાર છે. ત્યાં જમવાનું, રમવાનું, રહેવાનું, મરજી પ્રમાણે સ્વરૂપ ધારણ કરવાનું, પુરુષોત્તમને હાર પહેરાવવાનું, ચંદન ચડાવવાનું, તેને થાળ ધરાવવાનું, તેની આરતિ કરવાનું, પુષ્પ ચડાવવાનું, અત્તર-તેલ-ફૂલેલ સહિત ચંદન ચર્ચવાનું, નવરાવવાનું, ભગવાનની રોમેરોમની સેવા કરવાનું. ભગવાન કૃપાળુપણું વાપરે છે અને ભક્તની સાથે એકમેક થાય છે. પતિવ્રતાની ભક્તિ એવી ભગવાનને વિશે કરનારી એવી પત્ની તે અર્ધાગના કહેવાય છે. એમ જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનનો અડધો અંગ કહેવાય. અને અડધો અંગ થાય કે, આ હું છું અને મારામાં ભગવાન બેઠા છે. માટે હું કાંઇ કામકાજ કરું છું એ ભગવાન કરે છે. એટલે એની ક્રિયા બધી દિવ્ય થઇ જાય છે. એ રોટલા ઘડે ને તો એ રોટલા પણ દિવ્ય થઇ જાય છે. એ કોઇ ખાઇને તો એને પણ સત્સંગ થઇ જાય અને એના જીવનું રૂડું થઇ જાય છે. ભગવાન ખેતરમાં ફરવા ગયા હોય અને ક્યાંયથી ડૂડું લીધુ, ક્યાંયથી ચીભડું લીધું, કોઇ ફળ ખાધું, કોઇ પાંદડું ખાધું, ચોળાની શીંગ ખાધી. તો ઇ છોડવો છે ને એ મુક્ત થઇ જાય છે.
શ્રીજી મહારાજે અને સાધુએ એકવાર કેરીઓ ગુજરાતમાં ખાધી હતી. એકવાર બાલમુકુંદદાસ સ્વામીને પણ એક હરિભક્તે કેરી જમાડી હતી. પછી એ ભક્ત કેય એ ગોઠલી મારે લઇ જાવી છે. પછી સ્વામીએ ગોઠલી આપી પણ એ ભક્તે એ ગોઠલી વાવી તો ન ઊગી. પછી એ ભક્ત સ્વામીને કેય સ્વામી ! હું એ ગોઠલી લઇ ગયો તો ને વાવી પણ ન ઊગી, જમીનમાં ધૂળ ભેગી ધૂળ થઇ ગઇ, ત્યારે બાલમુકુંદદાસજી સ્વામીએ કહ્યું હતું કે, સાધુ જે કેરીને જમે છે તેની માલિકોર ગોઠલીનું જે અંકુર છે તેમાં જે જીવ આવવાનો હોય એ ગોઠલીના પ્રસંગ વડે કરીને આવનારો જે જીવ બાકી છે એ જીવનું પણ કલ્યાણ થઇ ગયું એટલે ગોઠલી છે એને ટાઢ-તડકો વેઠવાનું, ઝાડનું જે જન્મપણું એ એની માથેથી ઉતરી ગયું. સંસાર ઉતરી ગયો. આટલું બધું પુણ્ય ભગવાન જે ફળ-ફૂલ જમે છે તો તેના ઉત્પન્ન થવાના, દુઃખ વેઠવાના એની માથે નથી હોતા.
ભગવાન જે ગાયનું દૂધ પીએ છે, જેના વૃક્ષ-ફળ-ફૂલ-પાંદડા ખાય છે, જેના હાર પહેરે છે, જે-જે ચીજને ભગવાન પહેરે છે, અંગિકાર કરે છે એ ચીજો જેને જેનેથી થયેલી હોય, તેનો જીવાત્મા જ્યાં જ્યાં ગયો હોય તે તે ઠેકાણે તેને પરબારા અક્ષરધામમાં નિવાસ કરાવવાને માટે ભગવાન કબૂલ થયા છે. તેનું કલ્યાણ થાય છે. આ રીતે ભગવાન કલ્યાણ કરે છે. માટે ભગવાનને જે કાંઇ સેવ્યા, જે કાંઇ ભગવાનની ઇચ્છા વડે કરીને સેવા કરી લીધી, પુણ્ય લઇ લીધા, રાજીપો લઇ લીધો તે ભક્તને બીજું કાઇ સાધન કરવું પડતું નથી. સાધનમાં એટલું કે સંભાર્યા કરે કે, ઓહોહો મને ભગવાન ભેટ્યાં, મને ભગવાન મળ્યાં, મને ભગવાને જમાડ્યા, મને ભગવાને રમાડ્યા, મારા પર ભગવાને કૃપા કરી, મને પોતાનો માન્યો. આ રીતે ભગવાન જેમ પોતાની મૂર્તિને પોતાની ગણે છે એમ ભક્તની મૂર્તિને પણ પોતાની ગણી અને મૂર્તિમાં અને ભક્તમાં, એવા સેવકમાં માલિકોર ભેગા રહે છે, ભેગા હરેફરે છે, ભેગા ખાય છે, ભેગા જમે છે અને મોક્ષ પણ છેક અક્ષરધામમાં કરે છે. માટે આ લોકમાં રહેવું તો એમ સમજવું કે, મારી ભેગા મારા ભગવાન છે. અને મારો જેને જોગ થાશે તેનું પણ કલ્યાણ થાશે. એવું બળ રાખવું. કેમ એમ ? તો કે હું ભગવાનને સંભારીને પાણી પાઉં છું, એને રોટલો ખવડાવું છું, એને જમાડું છું, એને સત્કાર કરું છું, મહેમાન બીજા ત્રીજા ઘરે આવે તો ઠાકોરજીની મૂર્તિને ધરીને તેને જમાડુ છું. એવડા ઇ મહેમાન સત્સંગી હોય ને ડૂંગળી-લસણ ટટકારતા હોય ને તો પણ ભગવાન એના જીવાત્માને શુદ્ધ કરી દેય છે. એ પણ પાવન થઇ જાય છે.
દેશ-પરદેશમાં ગયા તો ભગવાને કહ્યું છે કે, કોક રાજાને વશ થાવું પડ્યું હોય અને કોકે કેદખાનામાં નાખ્યાં તો ત્યાં શું કરવું ? ત્યાં પૂજા-પાઠેય નો થાય, નાવાનું ય નો થાય, થાળ ધરવાનું ય નો થાય તો શું કરવું ? તો દિલમાં માનસી પૂજામાં બધું કરી લેવું. જેલમાં બેઠા બેઠા વખત મળે કે આ ઠીક કર્યુ છે રાજાને ત્યાં આવીને બેસીને. આપણને કોઇ બોલાવતું ય નથી, ન લેવા ન દેવા. આઠ વાગે ત્યાં બેડી છોડીને એય કામકાજ કરાવે ત્યાં સુધી નવરો હોય ત્યારે ઠેઠ ભગવાનની ચોટલીથી ચરણારવિંદના નખ સુધી ભગવાનને જોવા. ભગવાનની સેવા કરવી, ભગવાન પોઢ્યા છે ને જાગ્યા. જાગ્યા એટલે મેં ગરમ પાણી કરી નવરાવ્યા, તેલ-ફૂલેલ ચોળ્યા, ભગવાનને ધોતિયા આપ્યા, કપડાં આપ્યા, હાર પહેરાવ્યા, ભગવાનને સોના-રૂપા- મણિઓના પણ હાર પહેરાવ્યા કે કેમ જાણે સોળ વર્ષનો નાનકડો રૂપાળો ભગવાન હોય. એવો સુંદર ચહેરો બનાવીને એને ટીલા-ટપકાં કરવા. એની સામું નાચવું, ગાવું, રમૂજ કરવું. એમ ભગવાન રાજી થાય છે.
એવી રીતે માનસી પૂજામાં ભગવાનને રમાડવા. પછી રસોઇ કરવી માનસી પૂજામાં. પછી થાળમાં ત્યાં માનસી પૂજામાં ક્યાં ચીજ લઇ આવવી પડે છે ? હજારો ચીજ, એકસો આઠ ચીજ, જેટલી સાંભરે તેટલી ચીજ સંભારીને પછી તેનું રાંધણું કરવું, એની રસોઇ કરવી પછી મોટો અન્નકૂટ પૂરવો અને ભગવાન જમે. ભલેને બપોર થઇ જાય. બધું ભગવાન જમતાં જાય છે અને મને કટકી આપતાં જાય છે. હું ય જમતો જાઉં છું. એમ જ્યાં બપોર સુધી કરીને ત્યાં એ ય ધરાય રહે. માટે પ્રભુની એવી દરરોજ માનસી પૂજા કરવી દસ મિનિટ, અડધો કલાક, કલાક.
આ ચોમાસું આવું છે બધે ઠેકાણે. ત્યાં લખ્યું આ ચોમાસના નિયમ, ધ્યાન, ભજન, ભક્તિ, માનસી પૂજા એ જેટલું બને એટલું કરજો અને માળા નો હોય તો પાંચ માળા પણ એથી વધારે બીજું નડતર કરે એવું ન કરવું. નાવાનું નો થાય તો કાંઇ નહીં. પાણીનો છાંટો લઇ અને લો પ્રભુ આ તમે જળને અંગિકાર કરી લ્યો. પછી માથેથી પગ સુધી છંટકાવ કરી લેવો. લ્યો પ્રભુ આ નવાઇ ગયું. આમ જેવો દેશ તેવો વેશ. જ્યાં જેવી રિતી એવો વેશ. આપણે ઉગમણાંનો નિયમ છે તો બીજા દેશમાં ક્યાંય આથમણાનો નિયમ છે તો ત્યાં હારોહાર મંડી પડવું હાથ જોડીને. તને કાંઇ આવડે છે ? તો કે હા. હમકો આતા નહીં હૈ પર હમકો મુસલમાન હોના હૈ. તો ઓલો ફકીર એવો રાજી થાય, આરબો રાજી થાય. તો કે અચ્છા તો અબ પઢો હમ શિખલાયેંગે. પછી તો દેશ વયા જઇએ પછી કોણ પૂછે છે ? એવી રીતે દેશ-પરદેશમાં રહેવા શીખી જાઉં. સુખી થાવા શીખી જાઉં. ને જેવું ટાણું એમ રહેવાય છે. પછી જ્યારે દેશમાં આવો ત્યારે ભગવાનના પગનું થોડું ઘણું પ્રસાદીનું જળ એક એક ઘૂંટડો પી લે એટલે એનું પ્રાયશ્ચિત બધું થઇ ગયું. પરદેશના મટી ગયાને ઘરના થઇ ગયા.
આ રીતે ભગવાને છૂટ મેલી છે. નહિતર જીવ પાવન ક્યાંથી થાય ? કે’દિ પવિત્ર થાય ? ખાધા જ કરે, વાપરયા જ કરે, રમ્યા જ કરે અને જીવન કાઢ્યા જ કરે. હવે ઇ કે’દિ બંધનમાંથી છૂટે ? પણ ભગવાન એને છોડે છે. કેટલામાં ? તો ભગવાનને ધરેલું જળ છે પ્રસાદીનું તેનો એક ઘૂંટડો પીવે તો પણ છૂટી જાય. ગંગાજી એવડા મોટા છે વામન ભગવાનના અંગૂઠામાંથી પૃથ્વી પર આવ્યા. ઘેલા નદી એવડા છે એમાં શ્રીજી મહારાજ નાહ્યા, સાધુ નાહ્યા તો એનું શીશીમાં જળ હોય અને મરતી વખતે મોઢામાં એક ટીપું પડી જાય ને તો અક્ષરધામ ભેગો થઇ જાય. એને કોઇ ન નડે. યમરાજાના દૂતો આવ્યા હોય તો પણ એને પગે લાગીને વયા જાય. આવો ભગવાનનો મહિમા છે.
માટે ભગવાનની સેવાચાકરી તન વડે, મન વડે, ધન વડે, જીવ વડે, આત્મા વડે, બુદ્ધિ વડે, ઇન્દ્રિયો અંતઃકરણ વડે, સંપત્તિ વડે, ઘરબાર વડે, સગાં-સંબંધી વડે, કુટુંબ વડે કરવી. પત્ની-છોકરા-પરિવાર બધાં ભગવાન લેખે કરવા. આમ પ્રભુમય થઇ જાઉં. જ્યાં જાવું ત્યાં સમજવું કે આપણે ભગવાનના પડખામાં બેસી ગયા. પછી એને બીજા કોઇનો ડર આવે નહીં. એના ઉપરથી કાળ કર્મનો ભય વયો જાય એવા ભક્ત થાઉં. અને જ્યાં જાઓ ત્યાં એમ સમજવું કે અહીં મહારાજ બેઠા છે, આ મહારાજનું સિંહાસન છે, આ મહારાજનો ઓરડો છે, આ ચાવડા ને વંથલી એ મહારાજના ધામ છે. એમાં ભગવાન વિચરે છે. એમાં નીકળે છે. ક્યારેક તડકે નીકળે, ક્યારેક છાંયે નીકળે, ક્યારેક ખેતરમાં નીકળે, ક્યારેક મરજી થાય તો બાવળીયાની કાઠમાંથી ય નીકળે, ક્યારેક કાંકરા વીણવા ય જાય, ક્યારેક મરજી થાય તો આહીંથી ઓલે ગામ ને તે ગામ વાડીએ ને ઘોડીએ ને ભગવાન વિચર્યા જ કરે છે. એવા સંકલ્પો કર્યા કરવા.