સ્વાર્થ માટે ભક્તિ ન કરવી - ભગવાનના પૂજારીએ સીખ લેવા જેવી કથા
શ્રીજી મહારાજે છપૈયામાં વિચાર કર્યો કે, અહીં છપૈયામાં હું લીલાચરિત્ર ચમત્કાર દેખાડું છું પણ અહીંના જનોને મારી ચમત્કાર ભરેલી ઓળખાણ કે આ ઘનશ્યામ છે, હરિકૃષ્ણ છે, પરમાત્મા છે, એવી થાતી નથી. એનું કારણ શું હશે ? ભગવાને જાણ્યું કે, જો મારી ઓળખાણ થાવા માંડે તો મારા લીલાચરિત્ર ગાવા માટે જે ચમત્કાર વાપરવા છે તેનું ટાણું ક્યારે આવે ? તો ન માને, ઉપદ્રવ કરે ત્યારે ચમત્કાર વપરાય અને પછી લીલાઓ ગવાય. એટલે શ્રીજી મહારાજે આંબાનો બગીચો રમવા પસંદ કર્યો, ત્યાં પધાર્યા અને કાળિદત્તે શાયંકાળનો વખત લીધો અને આસુરી માયા વડે કરીને વાવાઝોડું ઉપજાવ્યું, છોકરાઓને હેરાન કર્યા. બાળક એવા ઘનશ્યામને મારી નાખવા વાસ્તે પ્રયત્ન તો કર્યો પણ જન્મ અને મરણ તો ભગવાનના હાથની વાત છે એટલે કાળિદત્ત પોતે જ ભગવાનની ઇચ્છાએ કરીને જન્મ્યો હતો પણ મર્યો’ય ખરો અને તેણે એટલો ઉપદ્રવ કર્યો, તો ભગવાનના ચમત્કારો આપણે ગાઇએ છીએ કે, ભગવાનને એક રુવાડું પણ અડ્યું નહીં. પછી ભલેને આસુરી બુદ્ધિથી ભગવાનની સેવા-ચાકરી કે યોગ કર્યો પણ એને ભગવાનના સ્મરણ તો થયા કર્યા. રાત-દિવસ સાંભરે. એ છપૈયાનો બગીચો કલ્યાણકારી થઇ ગયો. જેટલા યાત્રાળુ જાય તે કાળિદત્તને ઓટે દર્શન કરવા જાય. આવી રીતે ભગવાને તેને સજીવન કર્યુ. એમ તમે ભક્તજનો શ્રીજી મહારાજને ભજો છો, ભગવાનની ભક્તિ કરો છો. અને કથા-કીર્તન, ઉત્સવ, સમૈયો કરવો જોઇએ તેને માટે તમને આ છપૈયાના બગીચા જેવી ફૂલવાડી આપી છે, ભજન થાય તેટલું કરવું, ઉત્સવ કરવો, સમૈયો કરવો અને શ્રીજી મહારાજને ભજવા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ઓળખાયા છે તેને ભજવા. એટલે ભગવાને જે જે લીલાચરિત્રો કર્યા હોય તેને ગાવા, સાંભળવા તો તે મોક્ષ આપનારા થાય છે. શ્રીજી મહારાજ વંથળીને પાદર થઇને નીકળ્યા એમ ગ્રંથોમાં લખાયેલું છે, ત્યારે જે પાણા નદીમાં પડ્યા હતા, તેમાં બે ત્રણ પાણા હતા તેમાંથી એક પથ્થર મંદિરમાં લીધો. એક પથ્થર આ ફૂલવાડીના ઓટામાં ચરણારવિંદની નીચે છે અને એક પથ્થર ત્યાં પડ્યો રહેવા દીધો હતો તેનો ઉપયોગ ગ્રામપંચાયતે કર્યો. એવી પ્રસાદીની ચીજ ભગવાનને અડેલી ઇ મોક્ષ આપનારી છે એમ સમજીને એ પાષાણ શ્રીજી મહારાજ જેની પર બેઠેલા, ભક્તો બેઠેલા, સંતો બેઠેલા તે આપણે લઇ લીધા.
આ લોકની વસ્તુઓ વિનાશ પામનારી હોય છે પણ આપણને તો મોક્ષ આપનારી થાય. ભગવાના સંબંધ વડે કરીને મોક્ષ આપનારી થાય માટે ભગવાન જે જે સ્થળે બેઠા, ફર્યા, વિચર્યા, અલૈયા મોડાના ધરામાં ન્હાયા, જમ્યા, ખેતર, વાડી, બાગ, બગીચા, ઘરોમાં પધરામણી કરી. એવા ભગવાન આપણી ભેળા જ છે. આપણું કલ્યાણ કરનારા છે માટે એવા સ્વામિનારાયણ પ્રભુને, પ્રત્યક્ષ શ્રીહરિને, પુરુષોત્તમ નારાયણને જરૂર સંભારવા, પૂજા-પાઠ કરવા, પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે તેમને ચડાવવા, સવારે રોજ દર્શન કરવું, રોજ સાકર વગેરે ધરવા, દરરોજ સેવા-પૂજા કરવી, દરરોજ ને દરરોજ ભગવાનને નવા અને નવા રાખવા, નવા સમજવા, જૂના થવા દેવા જ નહીં. ભગવાન કાયમી આપણે માટે નજર રાખી રહ્યા છે.
છપૈયામાં લીલાચરિત્રો કર્યા પણ પીપળા ઉપર ચડીને જોયું કે, મારા ભક્ત કઇ દિશા તરફ છે ? તે સૌરાષ્ટ્ર તરફ છે માટે ત્યાં જાઉં. તો જુઓ, સૌરાષ્ટ્ર તરફ પધાર્યા. કેટલા બધા દેશો વચ્ચે હતા ? કેટલી ચીજો આડી આવી ? હિમાચલ જેવો પર્વત આડો આવ્યો તો ત્યાં પણ ન રોકાણાં. નહીં તો હિમાચળે ભગવાનને રોકી રાખ્યા હોત તો હિમાચળમાં નર-નારાયણ બિરાજે છે. હિમાચળમાં કૈલાશના શિખરમાં શંકરનારાયણ બિરાજે છે. હિમાચળમાં અનેક સાધુ-પુરુષો બિરાજે છે. એમ ભગવાનને જો હિમાચળે રોક્યા હોત તો આપણા ભાગમાં ન આવત. પણ આપણા ભાગમાં આવવા માટે હિમાચળને આશીર્વાદ આપીને ચાલી નીકળ્યા. શ્રીજી મહારાજે કહ્યું, મુક્તાનંદ સ્વામી સાથે ઠરાવ કર્યો કે, આપણે તો ત્યાગ વૈરાગ્યવાળા છીએ માટે વનમાં વસીશું અને નિરાંતે ભગવાનનું ધ્યાન કરીશું. આમ શ્રીજી મહારાજે પોતે પુરુષોત્તમ નારાયણે શાંતિ મેળવવા વાસ્તે પોતાની સ્થિતિને સમજાવી. એમને તો અનેક પ્રકારની શાંતિ હતી જ. પણ તે આપણાં માટે એમ કહ્યું કે, તમે ભગવાનની ભક્તિ કરો, આવા પવિત્ર સ્થાનમાં બેસો, ધ્યાન, ભજન કરો, કીર્તન કરો. તમને ભગવાન વધારે વધારે સાંભરે.
ભગવાન આગળ ચાલ્યા તે આવરણ તો ઘણાં આવ્યા, રાજાઓએ સત્કાર બહુ કર્યા, એકલશૃંગીનો સત્કાર કર્યો તે લોમપાદ રાજાને ત્યાં એકલશૃંગી રોકાઇ ગયા. ગૃહસ્થી થઇ ગયા. ભગવાનને તીર્થ યાત્રામાં, વનવિચરણમાં મોટા મોટા લોકોએ રાજ્યઅધિપતિઓએ રોકી રાખવા વાસ્તે બધા ઘણાં ઉપચારો કર્યા. કુળ કુટુંબ સહિત અર્પણ થયા. કન્યા આપવાની તૈયારી કરી. ભગવાન પ્રભુ ધારે છે કે, આ આખું જગત મારું છે એમાં વળી આ કન્યા ને ઓ કન્યા ઇ શું ? આ તો મારે જીવના કલ્યાણ કરવા છે માટે ક્યાંય રોકાવું નથી. મારા ભક્તો પાસે જઇને રોકાઇશ. આ લોકનું બંધન શ્રીજી મહારાજે આવવા દીધું નહીં. કેવી મહેરબાની ! શ્રીજી મહારાજ કહે છે કે, હું સંતની ભેગો રહું છું. સંતમાં વિચરું છું. સંતના મધ્યે પ્રગટ થઇને રહું છું. માટે સંતોમાં એ ભગવાન રહેવા રાજીખુશી છે. વન અને અરણ્યનો અર્થ જ ઇ. ભગવાનના એકાંતિક સત્પુરુષો રહેતા હોય એ ભૂમિ વનભૂમિ છે. ભગવાનના એકાંતિક ગૃહસ્થો વસતા હોય, સત્સંગીઓ વસતા હોય તે અરણ્ય ભૂમિ છે. આગળ જૂના જમાનામાં બ્રાહ્મણો જ્યાં વસતા એ નગર, પૂર વિગેરેને આરણ્યક એમ કહેવાતા. અરણ્યમાં વસે એ આરણ્યક. તમે બધા ભગવાનની ભક્તિ કરો છો માટે આરણ્યક જ છો. અરણ્યમાં વસો છો. તમને જગત બાધ કરતું નથી. નાવા-ધોવા વગેરે કેવા પૂજા-પાઠ વગેરે કેવા બ્રાહ્મણના ધર્મ પાળો છો અને બીજા પણ કાન પકડી જાય કે ઓહોહો આવો ધર્મ આ બધા પાળે છે તો જરૂર મોક્ષમાં જશે. આપણે પણ એવો ધર્મ પાળીએ તો જરૂર મોક્ષમાં જશું. એમ તમારો પડઘો પડે છે.
શ્રીજી મહારાજે તીર્થોમાં ઘણે ઠેકાણે વિચરી વિચરીને જોયું કે, આ દેશ ભલો સેવક કે મારો સૌરાષ્ટ્ર સેવક ભલો ? પછી મહારાજ જગન્નાથજીની મૂર્તિમાં બિરાજમાન થયા. એક મહિનો સુધી મૂર્તિમાં રોકાણા. ઇન્દ્રદ્યુમ્નના સરોવરને કાંઠે પણ બેઠા હતા અને અહીંયા મૂર્તિમાં અંતર્યામી તરીકે બેસતા હતા. પછી પૂજારીનો ભક્તિભાવ જોયો કે ભક્તિ તો કરે છે; પૂજારી છે. મને ભગવાન માનીને મારી પૂજા-સેવા બધુંય કરે છે પણ મારા સૌરાષ્ટ્રના ભક્તો એનો જે પ્રેમ એ પ્રેમનો પ્રવાહ આનામાં વહેતો નથી. ભક્તજનને અને પૂજા કરનારને પ્રેમનો પ્રવાહ તો હોય નહિંતર પૂજા કરવી ટકે નહીં. પણ કેવો હોય ? ક્યાંક સ્વાર્થનો ભરેલો પ્રેમનો પ્રવાહ હોય, અને ક્યાંક સ્વાર્થ વિનાનો કેવળ રાજી કરવા, એવો પ્રેમનો પ્રવાહ હોય.
જગન્નાથજીનો પુરાણોમાં એક દાખલો લખ્યો છે બ્રાહ્મણ પૂજારી હતો, પ્રભુને વાસ્તે થાળ કરતો, એને ભગવાનમાં પ્રેમ હતો. ભગવાને પણ એની પરીક્ષા કરી. જેમ સ્વામિનારાયણ ભગવાને મૂર્તિમાં રહીને પરીક્ષા કરી તેમ ઇ પૂજારીની પરીક્ષા કરી. પૂજારી થાળ કરે અને પાણી રસ્તે છાંટવા જાય, મૂર્તિ સુધી જઇને વળી પાછો આવે ત્યાં થાળ ન હોય; થાળ ઉપડી જાય. કોઇ લઇ ગયું ખબર નહીં. પૂજારીને એમ થયું માળો કોક ઉપાડી ગયો. હવે બીજીવાર થાળ કરું અને ઠાકોરજીને ધરું. બીજીવાર થાળ કરે એય ઉપડી જાય. પછી થાકીને બેસી રહે, સૂઇ જાય. એમ બીજે દિવસે’ય થયું. ત્રીજે દિવસે’ય એમ જ થયું. ચોથે દિવસે’ય એમ થયું, પાંચમે, છઠ્ઠે અને સાતમે દિવસે પણ આમ જ થયું. સાત દિવસ સુધી થાળ ઉપડી ગયા. પૂજારીએ સાત દિવસ સુધી મોઢામાં અન્ન, જળ કાંઇ ન નાખ્યું. મારા ભગવાન ન જમે ત્યાં સુધી હું જમું નહીં અને પાણી પીઉં નહીં. આ કોક અસુર કે રાક્ષસ આવે છે તે મારું બધુંય અભડાવીને લઇ જાય છે માટે ભગવાન મારી રક્ષા કરો.
જગન્નાથજી ભગવાને જોયું કે, આ પૂજારી મારા માટે મરી જાશે માટે હવે તો મારે એને દર્શન દઇને કહેવું જોશે કે ભક્ત, હું તો તારી કેટલી શ્રદ્ધા છે તે જોવા માટે આ સાત દિવસથી તારી પરીક્ષા કરું છું. જોઇ લે થાળ મારે ત્યાં જ આવે છે અને હું જમી જાઉં છું. પણ તું થાળ ધર ને હું જમું, તો તને મારામાં કેટલી ભક્તિ છે એની પરીક્ષા કોણ કરે ? માટે તારી ભક્તિ જેટલી છે એટલી મારે દેખાડવી છે. એટલે હું થાળને છાના લઇ જતો હતો. હવે કે થાળ ધર. ઇ સાતમે દિવસે થાળ ધર્યો. થાળ ભગવાન જમી ગયા. ઇ થાળ ભગવાને આમ રોળવી મેલ્યો જે પગથિયાંથી હેઠો જઇ અને કોળિમાં કંઇક ભાતના દાણા વગેરે બચ્યા હશે તે ઢોળાઇ પડ્યા. એ રીતે થાળ, એની પ્રસાદી એ બધું ત્યાં છૂટું-છવાયું પડી ગયું. પૂજારીએ જાણ્યું, ઓહોહો ભગવાન મારે માટે આટલા બધા રાજી છે ? પછી હાથ જોડીને પૂજારીએ કહ્યું, ‘‘મહારાજ, તમે તો મારા ઉપર બહુ કૃપા કરી નહિંતર મારા જેવો આ જગતનો જીવ તેને ભગવાન ક્યાંથી મળે ? પણ તમે મારા ઉપર એટલી બધી કૃપા કરી છે કે, આ મારા હાથની રસોઇ આપ જમો છો અને આ થાળ હેઠા પડી ગયા, પ્રસાદી થઇ, આ દાણા પ્રસાદી થઇ. તો હાલો મને કંઇક વરદાન આપો, મારે કંઇ જોઇતું નથી પણ વરદાન એવું આપો કે જીવોના કલ્યાણ થાય. મારું કલ્યાણ કર્યુ એવા કલ્યાણ થાય.
ત્યારે જગન્નાથજી ભગવાને કહ્યું કે, બ્રહ્મદેવ મને જે થાળ ધરાય છે, ઇ ચોખાના દાણા સાવ પવિત્ર જેને આભડછેટ નથી એટલા બધા પવિત્ર ગણવા. અને ઇ ભાતના દાણાને આ જગતનો જે કોઇ માણસ આવશે અને ખાશે તેના પાપ બળી જશે, ખરો ભક્ત થશે અને બ્રહ્મલોકનો અધીકારી થશે. આ હું તને આશીર્વાદ આપું છું. જગન્નાથજીનો ભાત જમે એમાં આભડછેટ નથી, જગન્નાથજીનો પ્રસાદ ભાતના દાણા એ આખા ભારતના ભક્તોને દેશ-દેશાંતરોના ભક્તિ કરનારા ભક્તોને જમવા માટે છૂટ આપી છે એ ભગવાને પોતે કહ્યું છે. પૂજારી બહુ રાજી થયો. તેણે કહ્યું કે, મહારાજ આ તો તમે કરોડોના કલ્યાણ કરશો. તો પ્રભુ કહે, તારી ભક્તિ વડે હું રાજી થયો માટે તારો આ દાખલો રહેશે અને જે કોઇ ભાત જમશે તેના કલ્યાણ મારે કરવા છે. આમ રાજી થઇ અને ભગવાન અદ્રશ્ય થઇ ગયા. પછી પૂજારી દરરોજ થાળ કરતા.
સ્વામિનારાયણ ભગવાને આવો બધો ભક્ત પૂજારી હતો એ પાંચ હજાર વર્ષ પહેલાની વાત હતી કે જે પુરાણમાં લખાઇ ગઇ છે. ઇ શ્રીજી મહારાજે વિચારીને જોયું કે, આ અટાણના જમાનામાં હવે જગન્નાથજીની પૂજા એવી ભાવનાથી કરે છે કે કેમ ? એ જોવા માટે સ્વામિનારાયણ ભગવાને જગન્નાથજીની મૂર્તિમાં પ્રવેશ કર્યો. એક મહિના સુધી બરાબર જોયું, ત્યારે પાંચ હજાર વર્ષ પહેલાનો પૂજારી જેવો ભક્ત હતો એવી ભક્તિ, એવી મર્યાદા ચાલુ પૂજારીમાં ઓછી દેખાણી. ચાલુ પૂજારીમાં શું જોયું ? ભક્તિ તો ખરેખરી, કલ્યાણ કરે એવી, ભાતની હાંડીયું ખૂબ ચડાવે, ઠાકોરજીને ધરે, ખાય-પીએ, હજારોને જમાડે, પણ એમાંય એક હકીકત વધારે લોભની પેસી ગઇ કે ભાત વેચવા માટે સંઘરો કરે, ભક્તો આવે એને એમ ને એમ આપી દેવો એમ ન આપે. એના પૈસા લઇને આપે. ભગવાનની પ્રસાદીનો ભાગ વેચાણ હકમાં વયો ગયો. ત્યારે ભગવાન કરતાં, ભગવાનની પ્રસાદી કરતાં, જીવોના કલ્યાણ કરતાં, નગદનારાયણમાં પૂજારીને વધારે પ્રેમ થઇ ગયો કે પૈસા આપે તેને દેવો બાકી ન દેવો. સાંજ સુધી વેંચ્યા કરે. હવે આવી ભાવના થઇ જાય છે કે ભગવાનની પ્રસાદી છે, ઠાકોરજીની પ્રસાદી છે, એમાંથી પૈસા કમાઇ લ્યો. આવી કમાવાની જો ભાવના થઇ જાય તો તો મજૂરી થઇ ગઇ. પોતાનો જીવનનિર્વાહ થઇ ગયો. એટલે ભક્તિ મુખ્ય રાખે પણ જીવનનિર્વાહ કે લોભ ન રાખે એ વધારે શ્રેષ્ઠ છે એમ શ્રીજી મહારાજે જણાવ્યું. માટે ભક્તિ ભાવ કરવો પણ સ્વાર્થ વાસ્તે નહીં.
ભગવાન પોતે એમ કહે છે કે, સત્સંગ કરવો તો મોક્ષને વાસ્તે કરવો, ભગવાનને રાજી કરવા કરવો પણ નાણાં આવતા નથી તે ભગવાનનો સત્સંગ કરીએ તે નાણાં ખૂબ આવે, છોકરા મરી મરી જાય છે તે ભગવાનનો સત્સંગ કરીએ ને આશરો કરીએ તો છોકરા જીવતા રહે, ઢોર મરી મરી જાય છે તો ભગવાનનો આશ્રય કરીએ તો બળદ વગેરે જીવતા રહે. આ લોકમાં ક્યાંય માન મોટપ નથી અને જો ભગવાનનો આશરો કરીએ તો માન મોટપ મળવા માંડે. ક્યાંય નોકરી-ચાકરી મળતી નથી, હાલોને કંઠી બાંધી લઉં તમારા ભગવાન જબરા છે. અરે હાલને ! તને આશીર્વાદ દેવડાવી દઉં તને તરત નોકરી લાગી જાય. એ ઓલો ફૂલાય અને આવે ભગવાનને શરણે કે મહારાજ, આને નોકરી લાગતી નથી, નોકરી લગાડી દો. હવે જા નોકરી લાગી જશે, હવે ભગવાનનાં પુણ્યથી એને નોકરી કરવી છે ઇ ક્યાંથી થાય ? એનામાં પુણ્ય નથી, પણ શરણે આવે એટલે ક્યાંક વચન ફળી જાય. આમ ભગવાનના ભક્તો ભગવાનને માટે જો તન, મન, ધન વડે સ્વાર્થ વિના આશરો કરે તો એને બધુંય થાય છે. પણ સ્વાર્થ માટે જો આશરો કરવા જાય તો થોડીક વારમાં જે’દી મન પૂરું ન થાય તે’દિ પાછો પડી જાય. સત્સંગ ત્યજી બજીને ચાલ્યો જાય. લે તારી કંઠી ! આ તો આશરો કર્યો તોય મારું તો કાંઇ થયું નહીં, અલ્યા એય તેં મને કહ્યું હતું ને તારો ભગવાન છે મને આપશે નોકરી, સારું કરાવશે, કે રોગ મટાડશે. કાંઇ કર્યુ તો નહીં. તું ખોટો ને તારા ભગવાને’ય ખોટા. તો બહાર વાત સાચી છે પણ બોલનારો ખોટો પહેલો.
માટે શ્રીજી મહારાજે આવી પરીક્ષાઓ કરી કે, ભક્તમાં કેવું હોવું જોઇએ ? તીર્થોમાં વિચર્યા, જગન્નાથજીમાં રહીને પૂજારીનો ભક્તિભાવ જોયો. ભગવાને જાણ્યું કે અહીં તો કોક દિ’ આવવા જેવું છે, કાયમ રહેવા જેવું નથી માટે ચાલી નીકળ્યા. ઘણાં ઘણાં અરણ્યોમાં વિચર્યા. સેવકરામ નામનો સાધુ મળ્યો એની સેવાઓ કરી, એનો દાખલો બેસાડવાને કે હું ભગવાન છું, મારે વાંહે ઘણાં માણસો દોડશે, સેવા કરશે, વિચરશે અને આવશે, સ્વાર્થથી આવશે’ય ખરા, આશીર્વાદ માંગશે’ય ખરા. રાજા અને પ્રજા એ બધાયમાં કાંઇક કાંઇક ઇચ્છાઓ તો રહેલી જ છે. આ લોક અભ્યુદયને માંગે જ છે, મોટાઇને માંગે છે. એ મોટાઇને વાસ્તે દોડશે તો એ બધાને એના પ્રારબ્ધ પ્રમાણે મળ્યા કરશે અને નવી મારી ભક્તિ કરશે તો કંઇક વધારે મળશે પણ આ તો પરબારું બીજાની સંપત્તિ માંગી લેવી અને મારું કરી બેસવું એવું ભગવાનની પાસે સંપત્તિ માંગી લ્યે. પ્રારબ્ધ હોય નહીં અને માગી લઇને વાપરવા માંડે એ કેટલા દિ’ રહે ? એમાં કંઇ સુખદાયી ના નીવડે. માટે મારે એવો એકાદો દાખલો તો બેસાડું. સેવકરામ સાધુ ભેગો હતો ભગવાને એની સેવા-ચાકરી કરી, કેળની પથારીઓ કરી દીધી. એને નવરાવતા, ધોવરાવતા, એને રસોઇ કરીને જમાડતા. મહારાજે ત્યાં સુધી કહ્યું કે, મને એણે કોઇ દિ’ એને એમ ન કહ્યું કે અમારી સાથે તમે જમો. હું તો કહે ભિક્ષા માંગીને ખાઇ આવતો. માટે નામ સેવકરામ, એવા હોય ઇ ભગવાનની પાછળ બહુ પડે એટલે એનેય ઘણુંય મળી જાય પણ ફળે નહીં.