પરાવાણી ૪૩

શાસ્ત્રીય ઉપાસનાની સમજણ - શરણાગતિ પછી જ્ઞાન-ભક્તિના બળ-સ્વરૂપની સમજણ

માનવ ધર્મ પરમેશ્વરે બેસાડ્યો છે અને મનુષ્યો સમજે છે કે ભાગવત ધર્મ વડે કરીને પરમેશ્વરની ભક્તિ કરનારા મનુષ્યો છે તેણે ભક્તિ કરવી. વેદાંતોના વિભાગોએ આ રીતે કહ્યા છે કે ભલા દૂધમાં મીઠાશેય છે, દૂધમાં ધોળાશેય છે. પરમેશ્વરમાં મીઠાશેય છે, ધોળાશેય છે. દૂધ ઇ નું ઇ છે પણ એમાંથી ઘી થાય, છાશ થાય, દહીં થાય. પરમેશ્વર ઇના ઇ છે પણ એની માલિકોર ધોળાશ છે, જીવાત્મા. એની માલિકોર ઘી બેઠું છે પુણ્યમ્ એટલે ધર્મ. ઇ પુરુષોત્તમની મૂર્તિમાં વર્તે છે. એની માલિકોર વ્રત, નિયમ, તપ, ઘણા ગુણ, ઘણી શક્તિઓ, ઘણાં સામર્થ્યો પડેલા છે, કરોડો, આ એ બધાં જુદા જુદા દેખાય ત્યારે આ સૃષ્ટિમાં આપણે એમ કહીએ છીએ કે આ તો મારી શક્તિ, પણ છે પરમેશ્વરની, કોઇની શક્તિ સ્વતંત્ર નથી પરમેશ્વરે આપી થકી સૌ કામ કરે છે. વલ્લભાચાર્યના શાસ્ત્રનો આ મત છે, દૂધમાં જેમ ધોળાશ, ઘી અને મીઠાશ રહ્યા છે તેમ બ્રહ્મમાં આપણે પડ્યા છીએ. છૂટા પડીએ અને પાછા બ્રહ્મ સંબંધ લઇએ અને કાં મર્યાદિત થઇએ તો એમાં પાછા ભળીએ. સ્વામિનારાયણ ભગવાનને ત્યાં એ છે કે શરણાગતિ લ્યો અને મારા વાક્ય પ્રમાણે બ્રહ્મચારી રહો અને સાધુ પ્રમાણે પરમેશ્વરને ભજો એટલે ઇ મારા લોકમાં આવશો ઇ તમે મારા મતે કેવા છો ? તો કે દૂધમાં સાકર બે છે, સાકર દૂધ ભેગી ભળી ગઇ પછી હાથ ન આવે પણ છે ખરી. દૂધ સૂકાઇ જાય, સાકર સુકાઇ જાય તો બેયની પડી સરખી દેખાય. તમે બ્રહ્મલોકને વિષે રહેશો, ત્યાં મારા ભક્ત રહેશો અને મારી ભક્તિ કરશો. આ રીતે સ્વામિનારાયણ પરમાત્મા અને દક્ષિણના રામાનુજાચાર્ય એ બે જણા એમ કહે છે કે, બ્રહ્મધામને વિષે તમે રહેનારા જીવાત્માઓ મારી સામે બેસનારા છો. ત્યારે માધ્વાચાર્ય કહે છે, તમે ત્યાં આદમી તરીકે નહીં બેસો. કબીર સાહેબ કહે છે, તમે સખી થઇને બેસજો, પ્રણામી સંપ્રદાય કહે છે, સખી થઇને બેસજો.

કબીર સંપ્રદાય અને માધવ સંપ્રદાય કહે છે કે, જીવાત્મા કોઇ દિ’ નર છે જ નહીં, ઇ પરમેશ્વર પાસે જાય તો નારી નારી અને નારી જ છે. આ એક એ રીતની ઉપાસના છે, બોલો આની આ પૃથ્વી ઉપર લાખો માણસો ઇ રીતે એને ભજે છે, ઉપાસના પ્રમાણે પરમેશ્વર ફળ આપે છે. નિમ્બાર્ક સંપ્રદાય ઇ એમ કહે છે, પરમેશ્વરની પાસે જશો ત્યારે એની રાધિકા જેવી તમે રાધિકાઓ થાશો અને પરમેશ્વર તમારા પતિ તરીકે તમને સુખ આપશે. શૈવ સંપ્રદાયના બે ચાર ભેદ છે. એક કાશ્મીરનો શૈવ સંપ્રદાય, એક દક્ષિણનો શૈવ સંપ્રદાય, એક લિંગાયક શૈવ સંપ્રદાય, એક વિશિષ્ટાદ્વૈત શૈવ સંપ્રદાય અને એ સંપ્રદાયોમાં આ રીતનું છે કે એક બ્રહ્મ વાસુદેવ એનું નામ સદાશિવ એવું નામ અને સદાશિવમાંથી પાંચ શિવ થાય છે અને પાંચ શિવમાંથી આ જીવ અને ઇશ્વરો થાય છે અને માયા પ્રગટ કરે છે એ એની અનાદિ શક્તિ છે પાર્વતીદેવી. અને એ પાર્વતીદેવી છે એ બે રૂપે છે. એક જ્ઞાન અને અજ્ઞાન રૂપે, અજ્ઞાન તરીકે ગ્રહણ કરો એટલે તમે ગૃહસ્થાશ્રમી આખી જિંદગી, જિંદગી તો ઠીક આખી સૃષ્ટિ, આખી સૃષ્ટિને ત્યાં સુધી આમાં ને આમાં રહેનારા અજ્ઞાનને પડ્યા મેલશો અને એકલા થશો શિવરૂપે. જીવ શિવ રૂપે થશે ત્યારે તમે જીવમાં ભળશો અને બ્રહ્મલોકની મુક્તિને મેળવશો.

બોલો આ રીતની ઉપાસનાઓ ભાત ભાતની સૃષ્ટિમાં ચાલે છે પણ શાસ્ત્રીય ઉપાસના એ વ્યાસના જેવી કલમ કોઇની નથી. એ કહી દેય છે તું બટકું ભરે છે, પાણીનો ઘૂંટડો ભરે છે, પગલું ભરે છે, હાથ વડે કરીને કોઇ દાણા, બાણા ભેગાં કરે છે, ઊંઘ લે છે. તે મને આપી દે ને. તું કેમ કામ કરે એવું માને છે ? અર્જુન કહે, માળું આ કામ પાંસરું. કરવું, ખાવું, પીવું, રહેવું, બધું આપણે અને હે કૃષ્ણ આ તમને આપ્યું. તો કૃષ્ણ કહે છે કે, મને આપ્યું એટલે હવે તારે એનું કાઇ ભોગવવાનું નહીં થાય. જા એનો જિમ્મેદાર હું. વ્યાસ ભગવાન કહે છે, આ રીતે જો તમે શરણાગતિ અંગીકાર કરશો તો જરૂર આ ને આ જન્મે તરી જશો. પણ એમાં જો ભૂલ પડી કે ના ના ઇ તો મેં કર્યુ, તે ન કર્યુ તો માથે આવી પડ્યું. વ્યાસ ભગવાન આગળ હાલતા કહે છે કે, આ ક્રિયા કર્મકાંડ તમારું પરમેશ્વરમાં આપ્યું. આ શાસ્ત્ર ભાગવત્ આખું બતાવે કર્મકાંડ. પછી બીજે નંબરે જ્ઞાનકાંડ ઇ જ્ઞાનકાંડમાં સમજણમાં પરમેશ્વરને સાકાર સમજીને એની ભક્તિ કરો ઇ વૈષ્ણવ શાસ્ત્ર બધાં બોલે છે. પુરાણશાસ્ત્રો તમામ એમ કહે છે, પરમપુરુષને ભજજો. મહાભારત એમ કહે છે કે, પૃથ્વી ઉપર પરમેશ્વર આવે છે અને અર્જુન ને શ્રીકૃષ્ણ હતા આપણાં સખા થયા, આપણી ભેગાં રહ્યાં, આપણે એને ભજ્યા અને એ ગોલોકમાં લઇ ગયા. બોલો આ રીતે વ્યાસ ભગવાન બોલે છે.

કેટલા વ્યાસ થયા ? વાયુપુરાણનો એક અધ્યાય વાંચજો. આ પૃથ્વી ઉપર બત્રીસ વ્યાસ થયા, બત્રીસ. બત્રીસ વ્યાસમાં એક શ્વેતાયન નામનો વ્યાસ થયો. શ્વેતાયન નામના વ્યાસે પહેલા પહેલા લખાણ લખ્યું છે કે પૃથ્વી ઉપર જ્યારે જ્યારે બ્રહ્માનો દિવસ બદલે ત્યારે પરમેશ્વર એને ભાન આપવા માટે એની સામે આવીને ઊભા રહે છે. અને કહે છે, એલા એય હું કહું એમ કર, ત્યારે બ્રહ્મા એની પાસેથી જ્ઞાન લઇ અને આ સૃષ્ટિનું સંચાલન કરે છે. એવા બત્રીસ વ્યાસ લખાણા છે. બત્રીસમો વ્યાસ એનું નામ કૃષ્ણદ્વૈપાયન. મહાભારતનો રચનાર તે અત્યારનો વ્યાસ છેવટનો ગણાય છે, એણે લખ્યું છે કે તમારી ભેગું છોકરું હોય, તમારું બાલ-બચ્ચું હોય એમાં કૃષ્ણને જોજો, કે મારો કૃષ્ણ, મારો છોકરો કૃષ્ણ જેવો છે. આ તમારી વૃત્તિ બદલી ગઇ. એવી રીતે સગા-સંબંધી, કુટુંબ પરિવાર એમાં જો દૃષ્ટિ કરશો તો એનું નામ બ્રહ્મદૃષ્ટિ. અત્યારના વ્યાસ એમ કહે છે કે, આનું નામ બ્રહ્મદૃષ્ટિ. વેદાંતના વ્યાસ તો એમ કહી દે છે કે, એની દૃષ્ટિમાં કાંઇ ન આવે. આ કંઇ ના આવે. કશું જ નહીં. તો તો અવધૂત જોગી થઇ જાય જડભરત જેવો. તો પછી દાણાને, નાણાને, ખાવાને, પીવાને, ઇ કયાંથી લાવવા ? માટે એ આ વ્યાસ કહે છે કે, તમને અવધૂત યોગી કરતાં જ્ઞાની યોગી રહેજો, અજ્ઞાનને ટાળી જ્ઞાનવાળા થાજો અને પરમેશ્વરની ભક્તિ કરજો. બોલો અત્યારના શાસ્ત્ર આ રીતે બોલે છે.

આમ બોલતાં બોલતાં ગૌતમ નામના ઋષિ અને કણાદ નામના ઋષિ એમ કહે છે કે, આ વ્યાસ વળી આવો કેવો અકોણો એમ કહી ગયો ? આપણા તો ગુરુ છે એ પણ કાંઇ મને બંધ ન બેઠું એટલે શું કરવું ? તો કે પરમેશ્વર આવે ખરા. છોકરા થાય છે પણ ભૂતડું બેસે ભૂતડું જેનામાં ઇવડો ઇ રોવા માંડે, ધાંધલ કરી મેલે, એને બે ચાર ઠોંઠ મારે, સાંકળું મારે ઇ બધુંય લાગે ઓલા ભૂતડાને, આને ન વાગે, એમ કહેતા આવે છે. પછી લાગતું હોય ભૂત નીકળી ગયા પછી પૂછે કે તને લાગ્યું કાંય ? તો કે ના મને કાંઇ ન લાગ્યું. એટલે સૌ એમ નક્કી કરે કે ભૂતડા ને લાગ્યું, ભૂત જેમ પેસે છે એમ પરમેશ્વર કો’કમાં પેસે, પરશુરામ પેઠા હતા માટે એને પરમેશ્વર કહેવાણા. આ રીતે પરમેશ્વર શરીરધારી થાય છે એમ કણાદ અને ગૌતમ નામના તર્કી પુરુષોએ નક્કી કર્યુ. પણ થાય છે ઇ બાબતમાં કાંઇ ફેર નહીં, ગમે તેમાં આવે. વલ્લભાચાર્યજી અગિયાર વર્ષના શ્રીકૃષ્ણને પૂજે છે, પછી મોટા થઇ ગયા રાજા. આ બેય ભેદ પાડી નાખ્યા. આવી રીતે ભગવાન આવે છે. વેદાંત વ્યાસના સૂત્ર, ગૌતમના સૂત્ર, કણાદના સૂત્ર. ઇ સિવાયના ત્રણ જણાં રહ્યાં.

કપિલ ભગવાન કહે છે, હવે ઇ બધુંય તો ઠીક છે હું જ પોતે બ્રહ્મ છું લે ને ! અને આ માલિકોર સાક્ષી તરીકે બેઠો છું ઇ હું જ છું અને એની સાથે માયા છે. બધું માયાનું ટોળું છે. માયા રાજી થાય, માયા કુરાજી થાય, માયા બંધાય અને માયા છૂટે એમાં જીવાત્માને શું છે લેવા દેવા ? કાંઇ મળે નહીં. આટલું સમજે એટલે મોક્ષમાં વર્તે જ છે. એને ક્યાંય જાવુંય નથી અને આવવું ય નથી. કપિલ ભગવાને ત્યાં મેલ્યું એટલું. માતાજી પૂછે છે, બેટા ! સાવ એવું કરવા બેઠો. આજ દિ’ લગી એમ જ હતું ને ! કાંઇક નવું શીખવાડને. કપિલ કહે, તંઇ મા હવે બતાવું. સંત પુરુષોના દર્શન કરશો, નમસ્કાર કરશો, સેવા ચાકરી કરશો એને જમાડશો એના અંતરના આશીર્વાદ લેશો તો તમારા માટે મોક્ષનાં બારણાં ખૂલી જશે. આ ઇ કપિલ ભગવાને છેવટે મેલ્યો છે પોતાનો અભિપ્રાય. મા કહે, તો કે બેટા હવે હું તને સાધુ સમજવા શીખી તો કે તારું સાંખ્ય જ્ઞાન આપ્યું ખરું પણ ઇ મને કામમાં ન આવ્યું. કપિલજી કહે, ઇ તો એવા હોય એના સારું મેં આપેલું છે. કેવા ? તો કે જેને ભક્તિ ન ગમતી હોય એવા. ઇ જ્ઞાન કૂટ્યા કરે બેઠા બેઠા. શું છે ? તો કે આંખ ને, કાન ને, પગ ને, મરશે તે’દિ જાશે. માલિકોર બેઠો ક્યાં જશે ? કેને ખબર છે ?

પતંજલિ કહે છે, પરમેશ્વર આપણી હારે બેઠેલો છે એને કલેશ નડતો નથી. એને અવિદ્યા, અસ્મિતા, રાગ દ્વેષ અને અભિનિવેશ નડતા નથી એને તમ, મહા મોહ, તામિશ્ર અને અંધતામિશ્ર નડતાં નથી. પરમેશ્વર આપણી ભેગો રમે, જમે, ભમે કામ કરે એને કાંઇ અડતું નથી. એને કર્મ અડતા નથી. ધોળું કર્મ એટલે પુણ્યમ્, કાળું કર્મ એટલે પાપમ્. પાપ ને પુણ્યવાળું મિશ્રિત કર્મ ઇ પણ એને અડતું નથી. વિપાક એટલે વાસના, એના ખજાના ઇ પણ પરમેશ્વરને નથી. આપણે કહીએ કે, માળો વાસનિક છે, પરમેશ્વર થયો તોય વાસનિક છે. ઇ તો આપણે આપણી વૃત્તિઓ એના ઉપર નાખીએ છીએ. રંગારો હોય ને રંગારો, ઇ પાણીને રંગે જ રાખે. કપડાને રંગે રાખે, પાણી ડોળું કર્યુ રાખે, રંગે રાખે, રંગારાને પાણી મળે ઇ કોઇ દિ’ સારું ન થાય. ઇ ઉજળું થાય જ નહીં. છેવટે ઇનો હાથ અડે તોય પાણી રંગવાળું થઇ જાય. આમ આપણું અંતઃકરણ રંગારું છે તે પરમેશ્વરને રંગારાની પેઠે રંગારો કરી દે છે. પતંજલિ ઋષિ કહે છે, વાસનાના ખજાના એ પરમેશ્વરને અડતા નથી. એવો પુરુષ વિશેષ આપણા જેવો પુરુષ તરીકે વર્તનારો બ્રહ્મલોકમાં મુક્તનો અધિપતિ ઇ પરમેશ્વર છે માટે એને ભજજો. જોઇ લ્યો છ શાસ્ત્રના આ રસ્તા કેવા છે.

છ શાસ્ત્રના જૂજવા મત્તા તેમાં પડીને ખાધા ખપતા. સમજણવાળો પુરુષ હોય ઇ એમાંથી લઇ લે કે આપણે શું કરવું ? પરમપુરુષને આગળ રાખવો અને એની ભક્તિ કરવી આ ઇ બે તારનારા છે. એટલે છેવટે ગીતાજીએ કહ્યું કે જ્ઞાન વડે કરીને જેના પાતક બળી ગયા, સમજણવાળો થયો. જેને કામ, ક્રોધ, લોભ, મોહ, માલિકોર આશા, તૃષ્ણા મટ્યા, અહમ્ અને મમતા ત્યજ્યા. આ એ ભક્તિનો અધિકારી થાય છે અને નહીં તો ભક્તિમાં વચ્ચે વચ્ચે કરવત મેલ્યે જ રાખે. ઇ ભક્તિ કોઇ દિ’ સજીવન ન થાય માટે આગળ જઇને શ્રીકૃષ્ણ ભગવાને કહી દીધું તું બધુંય મને અર્પણ કર. એમ જ્ઞાન વડે કરીને પણ અર્પણ કર, પણ છેવટે મારી પૂજા કર, મને હૃદયમાં રાખ, મારી મૂર્તિને ધાર. મારા સિવાય બીજું કાંય નથી એમ તું કામ કરી અને મારી સેવાચાકરી કર, હે અર્જુન તું મુક્ત હતો માટે તરી ગયો, ઇ તો એક આદા ચેલાને એક ગુરુ કેય. પણ એમાંથી શબ્દ મળી ગયો લાખોને ને કરોડોને સમજવાનો. મારામાં મન જોડી દે, મારામાં ભક્તિ કરવા માંડ. ભોજન પાણી મને દેતો રહેજે. ઓડકાર તું ખાતો રહે. એમાં વાંધો નહીં તને ના નહીં પાડું. પણ આમાં દે ઇ મને આપજે હો મારી મૂર્તિમાં મેલજે. જો જો તો ખરા એક દિ’ તો એવો પ્રયત્ન કરજો થાળીમાં જમવા બેસોને કૃષ્ણની મૂર્તિ આગળ રાખવી ભગવાનની, આમ કરીને કોળિયો લઇને, હોઠમાં મેલ્વો એએએ... કૃષ્ણના હોઠમાં મેલ્યો એમ કરીને ગળી જાવું. એટલો અભ્યાસ તો કરજો, ખબર પડશે કે આમ પરમેશ્વરને અપાય. પરમેશ્વર પી ગયો એમ કહીને આઘા હોય એને સંભળાવીને ઘટક ઘટક પોતે પીવા માંડે. એમ નહીં ઘૂંટડો પીધો’તો ક્યાં નાખ્યો ? તો કે કૃષ્ણના મુખમાં, એણે મુખ પહોળું કર્યુ ત્યાં નાખ્યું અને એના ઉદરમાં ગયો. ક્રિયા કરું હું અને સ્વરૂપ દેખું ઇ. આ રીતે એકતા કરી અને તમે જો કર્મ કરશો તો જ્ઞાન વડે કરીને તરી જાશો. તમારો આત્મા શુદ્ધ થઇ જશે અને છેવટે ભાગવતી ભક્તિ તમારામાં પ્રગટ થશે પછી ઇશ્વર જે અંદર બેઠેલા છે ઇ તમારી સાથે હરતા ફરતા કામકાજ કરશે.

આ ત્યારપછી હવે મારું ભજન પૂજન કરનારો તું થયો. આ રીતે ભગવાન તેને અંગીકાર કરશે ત્યારે શરણાગતિમાં લખ્યું છે, આવો ભક્ત થયો તેનો વિશ્વાસ, શ્વાસ અને પ્રશ્વાસ બેય ભગવાનના જીવન ઉપર છે. ખરો વિશ્વાસ. ક્યે દિવસે ? ક્યાંથી શું થશે ? એની મને ક્યાં ચિંતા છે ? કાં કેમ એમ ? મને શું ચિંતા છે ? અને તું કોણ ? ભગવાન કહે, બોલતો ખરો, તું કોણ ? તો કહે, હું આ પૃથ્વીનું શરીર. તો કે ઇ તો ઇ પૃથ્વી છે. છૂટી જાવાની બાળી નાખશે. ત્યારે જલ માલિકોર ભર્યુ છે પીધેલું તો કે ઇ તો પાણીમાં વયું જાશે, સૂકાઇ જશે. અગ્નિ છે ઇ રેડિયામાં ફડાકા મારે એવો માલિકોર અગ્નિ છે, ખરેખરું બોલાવે છે અંદર બેઠો બેઠો તો કે ઇ એય વયુ જશે. અગ્નિમાં અગ્નિ. પ્રાણવાયુ તો કે ઇ આ દાઢીને વાંકી કરી દેશે. આ ત્રીજું ડચકું આવશે ને તરત અહીંથી નીકળી જશે થઇ રહ્યું. ઇ ગયો પ્રાણવાયુ વાયુ ભેગો. ત્યારપછી તો કહે, આકાશ પોલકાર. આ ચાર જણા ઊડી ગયા ઇ પોલકાર ભેગા, હવે ચાર ગયા એટલે ચાર ને ઠેકાણે ચૌદ જણા હતા ઇ એય ગયા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ઇવડા ઇ પાંચ. ઇ ઋષિઓય ગયા. આ ઇન્દ્રિયો શ્રોત્ર, ત્વક, ચક્ષુ, ધ્રાણ, વાક, પાણિ, પાદ, પાયુ ને ઉપસ્થ એવા દસ બાર જણા છે આમાં ઇ એય ગયા. માલિકોર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઇ એય ગયા, દસ ઇ ને પાંચ ઓલા પંદર અને પાંચ આવડા આ વીસ આવડા આ ચાર ચોવીસ ગયા એની ભેગા. લપ માટી લપ એક હારે જેમ ઓલો અજા હતો ને અજ ને આજા ને નાખી એક હારે. ગઇ બેં બેં કરતી. હવે એકલો થયો. ચોવીસ ગયા ચોવીસ. આમાં તારું કોણ ? પૂછો તો ખરા ?

આને પૂછવું ય થોડું કે પૃથ્વી તું મારી ખરી ? તો કે ના. જે દિ’ પેટ દુઃખે તે દિ જોઇ લ્યો. બરાબર ગોટો ચડ્યો હોય ને જીવડાનો તે દિ’ પૃથ્વી તમારી નહીં, જળમાં પડો અને પાણી પીવાવા માંડે એ પાણી તમારું નહી. અગ્નિમાં પડો અને સળગાવવા માંડે તે વખતે અગ્નિ તમારો નથી. પ્રાણવાયુ મૂંઝાય જાય તે વખતે તો ઇ પણ તમારો નથી. આકાશ તો પોલકાર છે અને દસ ગાવ ઉપરથી નાખ્યો હોય ને હેઠો ગિરનારના ભૈરવ જપમાં ઇ વખતે આકાશેય તમારો નથી. હાથ ન જાલે કે ભાઇ જીવતો રાખીશ. તને લાગવા નહીં દઉં. શબ્દ સાંભળી સાંભળીને જિંદગી સાંભળ્યા પછી શબ્દને એમ કહી દો કે ભાઇ તું મારી ભેગો ચાલીશ ? તો કે હું નહીં ચાલું. હું તમારો નથી. સ્પર્શ, રૂપ, રસ, ગંઘ, ઘર-બાર ઇ બધા ચાલશો ? એ કહે, અમે તમારા નથી, આંહિ મેલીને તારે જવું હોય ત્યાં જાજે. ઘરબારને પૂછવું, કે ભઇ હવે છેવટે મારી ભેગા થોડાક આવશો ? તો કો’ક કેશે દરવાજા સુધી, કોક કેશે ગામના દરવાજા સુધી, કો’ક કેશે મસાણ સુધી. પછી કોણ આવે ? કાંઇ લેવા દેવા નહીં હો.

આંહિ શાસ્ત્ર લખે છે ઓલી કરેલી ભક્તિ ભગવાનની એનો રાજીપો ઇ ભેગો જાય છે. ઠેઠ પરમેશ્વરના ધામ સુધી પોંચાડી દે એવી છે. ધર્મ કરેલો, પુણ્ય કરેલું, સારાવાના કરેલા, કીર્તિ કરેલી, લોકમાં પ્રસાર થયેલી ઇ ફેલાતી રહે છે અને આંહિ ને આંહિ રહે છે. અને પુરુષ ઇ કરણી ભેગી લઇ અને આગળ ચાલે છે, શાસ્ત્રોએ આ હકીકત લખી છે એને ફળ મળવાનું છે માટે. ખડમાકડીની પેઠે. આગળ ચાલતા ચાલતા જ્યાં જશે ત્યાં સારા નરસા ફળને ભોગવશે. શાસ્ત્રકારો હકિકત લખે છે, જો એકલી ભક્તિ ખરેખરી કરી તો પરમેશ્વરને રાજી કરવા વાસ્તે કરી એટલે એનામાં વિશ્વાસ છે કે પ્રભુ મારું કલ્યાણ કરશે, એવો વિશ્વાસ છે. એની પાસે રોજ રોજ વરદાન માંગવું કે, છેવટે મારી સંભાળ લેજો, ભૂલી જાઉં ક્યાંય શેઢે, સીમાડે, ખાતા- પીતા, વરસાદમાં નદીએ ક્યાંક ડૂબકાં ખાવા માંડુ તો પરમેશ્વર મારી સંભાળ તમે લેજો, ત્યાં મારૂં કોઇ નથી. આનું નામ વરણમ્ અને ન્યાસ, સન્યાસ. એવું શાસ્ત્રોમાં લખ્યું છે કે, ઝાડવાના થડિયામાં નારાયણનું નામ લખવું. બળદને ગાયું ને ભેંસુ એને બધાને ગળાને એક એક તુલસીનો મોટો ગટ્ટો જાડો રાંઢવામાં નાખીને પહેરાવી દેવો. આવી ભક્તિ વૈષ્ણવી ભક્તિ લખી છે. ગાડામાંય લખવું. એને વૈષ્ણવ બનાવવું. એવી રીતે ઘરના પશુ-પક્ષી વગેરે વગેરે પણ જે જે જીવાત્માવાળી છે તેને પરમાત્માની શરણાગતિ આપવી. આમ ઘરબાર બીજું ત્રીજું ઇ બધું પરમેશ્વર લેખે કરી રાખવું. દુનિયામાં એવું છે, ઘણે ઠેકાણે છે. ઘણા મત પંથોમાં એવું છે. એના ઇષ્ટદેવનું મંદિર હોય તો કરામાં જરાક ચિન્હ કરાવે. ઘરમાં માતાજીનાં સાત ચાંદલા ઉપર માતાજીની મઢી જેવું કરે. પરમેશ્વરની મૂર્તિ છાપે. આમ પરમેશ્વર લેખે કરી રાખવું. મારું નથી પ્રભુ તમારું છે પણ મને રહેવા આપ્યું, તમારા વિના મને સોરવતું નથી. માટે આ તમારું ચિન્હ દર્શન કરવા વાસ્તે કરું છું તે તમને આપું છું. તમે જાણો અને તમારું કામ જાણે. આ રીતે પરમેશ્વરની ભક્તિ કરવી. એનું નામ ન્યાસ.

કાર્પણ્યમ્ - છોકરું જન્મે ત્યારે એમ દેખાય કે ઉજળું છે, ઠીક છે, સારું છે, દૂધ પીએ છે. પણ બધાય સરખા. બાળોતિયા બધાયને જોઇએ. માખીયું ઉડાડી શકાય નહીં. આ બધી રીતે સરખું. મોટું થયા પછી એના પૂર્વના કર્મ અત્યારની કોઇ યોગ સંયોગ, કુળ, કુટુંબ, પરિવાર એની રીત રિવાજ પ્રમાણે એના ફેરફાર થાય. ગરીબડાને ઘેર ગરીબડો અને કોઇ લાખોપતિ હોય તો એની ત્યાં એ રીતે અને ગરીબડામાંથી જો લાખોપતિનો યોગ થઇ ગયો તો રાજનો ગાદીપતિ યે થઇ જાય કે ભાઇ સવારમાં જાવ ને જે છોકરું મળે એને ઉપાડી આવો ને એને રાજને ખોળામાં બેસાડીને ગાદીએ ચડાવી દેવો. તો એમેય થઇ જાય, એવી સ્થિતિ થાય. રાજા થઇ જાય છતાંય પરમેશ્વરની ભક્તિને માટે લખ્યું છે, કાર્પણ્યમ્. દિલ્લીની ગાદી મળે કે પાર્લામેન્ટની મળે કે એથી ઉપરની મળે કે આ પૃથ્વીના પાંચેય ખંડની મળે તોય પણ કાર્પણ્યમ્, જે દિ’ કાંય નોતું, ખેતરમાં દોડતા હતા, સાંઠિયું ધોતિયામાં ભરાતી હતી, ધોતિયું તૂટી જતું હતું, ખંભે ભાર લઇને ચાલતા હતા, મજૂરી બે આના મળતી હતી અને એમાંથી દિલ્લીની ગાદી આવી. હજાર, પાંચ હજાર, પચ્ચીસ હજારનો મહિનો જામી ગયો. આકાશનું બલૂન હાથમાં આવી ગયું. ખરેખરું ટાણું આવી ગયું. તે દિ’ પણ સાવ ઘરઢી અવસ્થામાં કોઇ સંત પુરુષ મળતા ને તેના જોડા ઉપાડીને ચાલતા ને કે’તા મા-બાપ મને રોટલા પૂરા નથી થતાં આશીર્વાદ આપોને. આ તે દિ’ એમ કહેવું મા બાપ રોટલા ખૂબ આપ્યા છે, હવે જમરાજાનો દંડ ન આવે એટલું ધ્યાન રાખજો. આનું નામ કાર્પણ્યમ્ - કૃપણતા. અંબરીશ રાજાએ આ કૃપણતા બરાબર પરમેશ્વરના સંત પ્રત્યે રાખી હતી. તે ભૂલાય નહીં.

સ્થિરામતીઃ - પછી છેવટનો નંબર પરમેશ્વરનું એવું જ્ઞાન દે છે, આમાં શુકે પૂછ્યું. પરિક્ષિતે પૂછ્યું શુકને કે, ભગવાનનો ભક્ત ન હોય એને ઘરે સંપત્તિ લહેરું કરતી હોય છે અને ભક્ત થાય ઇ એને ખાવાય મળે નહીં. આવું કેવું ? પરમેશ્વરને ઘેરે આવું ? આવો અન્યાય ? શુકદેવજી કહે, અમે ઊંડું સમજીએ, તમે ન સમજો. જેને સંપત્તિ છે એ પાપને માટે છે, એનું દૈવીપણું કોક દિ’ ટળાવી દેય છે પણ જો ઇ ખરો દૈવીભક્ત હોય તો પરમેશ્વરને આપે છે, એની સંપત્તિ નથી પરમેશ્વરની છે. પણ ભગવાન એમ જુએ છે કે આ જીવ અધૂરો છે, ઇ અધૂરાને જો સારી પેઠે આપીશ તો મને ભૂલી જાશે. ભૂલી જશે ત્યારે શું થશે ? એ ઊંચી ગતિમાંથી નીચી ગતિમાં જાવા માંડશે. માટે એને દારિદ્રયમાં રાખું છું. રાખું છું તો કેવો રાખું છું ? ભાગવતમાં અધ્યાય લખાયો છે કે પહેલા એને રૂપિયા ઓછા કરી દઉં, પછી બંગલો પાડી નાખું પછી ઢોર-ઢાંખર મારી નાખું. પછી ગામમાં થોડું માન-સન્માન હોય ઇ ઓછું કરી દઉં. પછી ક્યાંકથી મળતું હોય ત્યાં ચોર આવે ને લૂંટી જાય. ગામમાં પાંચ સાત શત્રુઓ ઉત્પન્ન કરી દઉં. કારણ કે મારો ખરો ભક્ત છે, ભક્તિ કરી છે, ખરી ભક્તિ કરી છે પણ સંપત્તિને લઇને ક્યાંક ક્યાંક થોડો થોડો દબાણમાં આવી ગયો. એટલે મારી ભક્તિના માર્ગમાંથી અડખે-પડખે પગ ખેસવે છે. ક્યાંક એક્સિડંટ થઇ જશે. જો પોચી સડક આવી ગઇને. ઉપરથી ઠીક દેખાતી હોય પણ પૈડું જો પોચી સડકમાં ગયુંને થઇ રહ્યું. માટે હું એને એનું પૈડું આઘું નથી જાવા દેતો.

થોડોક તરી જાય ત્યાં દુઃખી. મારે દુઃખ આવ્યું હો, લેને ભગવાન પાસે પ્રાર્થના કરૂં. રોજ પાંચ માળા ફેરવું પાછો. રસ્તે ચડે. લેને સંત પુરુષનો આશીર્વાદ તો લઉં. લેને ગામના છોકરા જમાડું નિશાળિયાને, બિચારા આશીર્વાદ દેશે. લેને કોક નિરાધારને અનાજ તો આપું આશીર્વાદ દેશે. હાલતા કો’કને પગે લાગીશ તોય સારું થાશે. માર્કન્ડેયનું એમ સારું થયું હતું. આ રીતે પરમેશ્વરની ભક્તિને માર્ગે રાખવા સારું થઇને હું એની સંપત્તિને ધીરે ધીરે ખેંચી લઉં છું. બહુ દુઃખિયો થાય ત્યારે એમ કહે, હે પરમેશ્વર હવે તો દુઃખ સહન નથી થાતું હવે તું કર એમ. આ છેવટે મારામાં લીનપણું રાખવા માંડે ત્યારે હું રાજી થઇને એને કહું છું. કાં સંપતમાં કેવું સુખ ? ખસી જવામાં કેવું સુખ ? અને મારી મૂર્તિમાં કેવું સુખ ? તો કે પ્રભુ હવે તમને ઠીક પડે એમ કરો મારી તો આવરદા ગઇ આમ ને આમ. તો કે ઠીક થયું ચાલ હવે મારા લોકમાં આ ઉપાડી જાઉં છું. બોલો આ રીતે એનું કલ્યાણ કરું છું. હવે આ ઘડ કેને બેસે ? ખરો ભક્ત હોય તો બેસે. નહીં તો એમ દેખે આને બંગલો ને ઓને બંગલો ને ઓને ઘરે કાંય અને આને ઘેરે કાંય. માળું મારે હોય તો ઠીક. આ એમ જ દેખતો હોય. કપિલ ભગવાન કહે છે કે, એક મોટો અતિશય નામનો દોષ છે કે માલિકોર અગ્નિ ઉપજાવવાનો કે આની ભેંસ બહુ સારી છે હો. તો એવડો ઇ કહે, એકટાણું અધમણ દૂધ દે છે હો. ત્યાં ઓલો સાંભળનારો બળી મરે કે, ન દે તો સારું. ભાઇ તારી ભેંસ કેટલું દૂધ દેય છે ? તો કે દસ શેર. મારી ભેંસ કાંઇ એવી બરાબર નથી. તો ખાણ ખવારતો હો તો ? તો કે ક્યાંથી લાવે ? તારે બે ખેતર દુજે છે. મારે એકેય ખેતર નથી ક્યાંથી લાવું ? પણ માલિકોર અગ્નિ સળગે એના વીસ શેર છે ને ઇ મારા જેવા દસ શેર થઇ જાય તો ઠીક. આ અગ્નિ એને અતિશય નામનો દોષ લખ્યો છે. ભગવાન કહે છે, લાંબે કાલે પણ અતિશય નામો દોષ ઉપજવા ન દેવો.

બ્રહ્મચારી નામનો ધર્મ છે ઇ મને રાજી કરનારો છે. મારી કળાઓ પૃથ્વીમાં ફરે છે, એની શરણાગતિ કરી અને સાધુ પુરુષોના આશીર્વાદ લે છે. જેના હૃદયમાં હું વસું છું, એના હૃદયમાં કૃતયુગ એટલે સત્યુગ વસેલો છે એમ જાણજો. આમ દ્વિજની, ગાય માતાની, બ્રાહ્મણની, દેવની, મનુષ્યોની, કપટ વિનાની સેવા કરે તો સેવા કરનારો છે ઇ બ્રહ્મલોકમાં જનારો થાય છે. માટે જરૂર બ્રહ્મચારી જેમ પોતાના બ્રહ્મચર્ય વ્રત તરફ રેય છે, ગૃહસ્થાશ્રમી જેમ પોતાની આબરૂ તરફ રહે છે અને વનવાસીઓ જેમ પોતાના શરીરને સંભાળી અને વનમાં રોગી ન થઇ જાય અને ભોગી ન થઇ જાય એમ રહે છે અને સંન્યાસી જેમ પરમેશ્વરને માટે રહે છે. આ ઇ રીતે તમે ભક્તજનો બ્રહ્મને પ્રાપ્ત કરવાનું આ શરીર છે મનુષ્યોનું, ઇ હલકા મનોરથને વાસ્તે કોઇ દિ’ નથી, એમ જાણજો. દુઃખ વેઠવું, તપશ્ચર્યા કરવી અને મર્યા પછી અનંત સુખને પ્રાપ્ત કરવું, તેને માટે છે. આમ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસીઓના ધર્મ કહ્યા. ત્યારપછી શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે, આવા ધર્મ પાળતો પાળતો પણ પોતાના જ્ઞાનમાં ગાબડું ન પડી જાય એટલે મોટો જ્ઞાની થઇ અને શુષ્ક વેદાંતી ન થઇ જાય તે ધ્યાન રાખવું. જો સૂકો વેદાંતી થઇ જાય તો પરમેશ્વરના કામકાજ એની ક્રિયાઓ એની અત્યંત ભક્તિને પડી મેલી દે, હવે તું નાયો તો શું છે અને હું ન નાવ તો મને શું વાંધો છે ? માલિકોર નાયલું જ છે. આ એવો બ્રહ્મજ્ઞાની ન થાવું. ભગવાન કહે છે, આ વિજ્ઞાન મારા ભક્તોને વાસ્તે છે અને કદાચ બહુ જ્ઞાની થઇ જાય તો એને એકાદો ત્રિગુણાત્મ એને ત્રણ ગુણનું જોર છે તો કોક દિ’ તેને બીજો જન્મ લેવો પડશે. હું રાજી થાઉં એવો આ ભક્તિ યોગ મેં કહ્યો છે.

ઇ ભક્તિ યોગ કાયમ તાજો કેમ રહેશે ? આ શ્રીકૃષ્ણ બોલે છે હે ઉદ્ધવ, જે મારી સેવાચાકરીમાં આદર રાખે. સાવરણી લઇને મંદિર વાળે. મારી કથામાં શ્રદ્ધા રાખે પછી હવે ઇ કોણ સાંભળે ? ઘણુંય સાંભળ્યું તોય નહીં. રોજ રોજ સાંભળવી. મારું કીર્તન કરવું, મારી પૂજામાં નિષ્ઠા રાખવી, મારી સ્તુતી કરવી, સ્તવન કરવા. મારી પરિચર્યા કરવી. આઠેય અંગે લાંબો થઇને પૃથ્વીમાં ભગવાનને દંડવત્ કરે, પાટલૂન પહેર્યુ હોય તો મુશ્કેલ પડે. મારી પૂજા કરે પણ મારા ભક્તની ઇ થી વધારે મારા ભક્તની પૂજા કરે. બાળક, યુવાન, વૃદ્ધ, શત્રુ કે મિત્ર પણ એનામાં પરમેશ્વર રહ્યા છે. ભગવાન એમાં રહીને જે કરે તે મારે વાસ્તે સારું કરતા હશે. શરીરના કામકાજ મારે વાસ્તે કરે. વાણીમાં મારા ગુણના વર્ણન કર્યા કરે. મન મારામાં અર્પણ કરે, સર્વ કામના ત્યજી દે. અર્થ એટલે નાણાં એને તજવા એટલે વાપરવા. ક્યાં તો કે મંદિરમાં મારા કામકાજ વાસ્તે. ભોગ અને સુખ એને ઓછા કરવા. કોઇ વહાલી ચીજ, કોઇ દેવાની ચીજ, કોઇ હોમ કરવાની ચીજ, કોઇ માળા ફેરવવાની ચીજ, એ મારે વાસ્તે આપતો રહે. વ્રતમ્ કોઇ ભૂખ તરસ રાખે, એકાદશી રહે તો ભગવાન રાજી થાય એમ કરે. હે ઉદ્ધવજી, આમ પોતાના આત્માને અર્પણ કરનારો મારો ભક્ત છે તે જો આ રીતનો ધર્મ પાળતો હોય તો એની ભક્તિ મારામાં કાયમને વાસ્તે પ્રગટ ને પ્રગટ વર્ત્યા કરે છે. હવે એને કઇ ચીજ બાકી છે ? કે હું ફલાણી ચીજ વિના અધૂરો છું. એકેય ચીજ વિના અધૂરો નથી. મારી મૂર્તિએથી વસવાટ કરાયેલું ચિત, એ ઇન્દ્રિયો - અંતઃકરણ એ જો મારામાં અર્પણ થયા ત્યારે ધર્મમ્, જ્ઞાનમ્, વૈરાગ્યમ્, ઐશ્વર્યમ્, ઇ એકે એક ચીજ એનામાં આવવા માંડે છે. એના વિધિ અને નિષેધ બધા ધર્મવૃદ્ધ થાય છે, પછી એને પિતૃઓ નડતા નથી, એને ભૂતડું આવતું નથી. તેને પંચભૂત બંધન કરતાં નથી. તેને કુળ-કુટુંબને વિષે બંધન થતાં નથી. તેને વૈરાગ્ય ખરેખરો વર્તે છે. એ જ્યારે જાય ત્યારે પરલોકમાં પરમેશ્વરની પાસે જાય છે, એના શરણમાં આવેલો મોક્ષને પામે છે. ઉદ્ધવજી, આ રીતે મેં મારો ભક્તિ યોગ કહ્યો. આ રીતે ભક્તિનું સ્વરૂપ બતાવ્યું છે.