પ્રસ્તાવના ·

પ્રસ્તાવના

ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં ગીતામાં કરેલી ‘સમ્ભવામિ યુગે યુગે’ની ઘોષણા પ્રમાણે સ્વતંત્ર અને સમ્રાટ એવા એ રાજાધિરાજને પૃથ્વી પર પ્રગટ થવાના કૃપા સિવાય કોઇ બાધ્ય કારણો હોતા નથી. ઘણી વખત એવું પણ બને છે કે તુચ્છ બુદ્ધિના માનવીઓ કે જે તેમના અવતરણનો હેતુ સમજી શકતા નથી. તેઓ પરમેશ્વરના માપદંડ કાઢવા બેસે છે પરિણામે કૂપમંડુક ન્યાયે તે પોતાની ગેરસમજણ દુનિયામાં ફેલાવે છે પરંતુ ‘યમેવૈષ વૃણુતે તેનૈષ લભ્યઃ’ આ વેદવાક્ય પ્રમાણે પરમેશ્વરે જેનું કૃપા વડે વરણ કર્યુ કે ‘હું આને મળુ, હું આને ઓળખાવ, હું આને યથાર્થ સમજાઉં વગેરે... તેને જ પરમેશ્વર મળે છે, ઓળખાય છે, સમજાય છે. બીજાને તો મનુષ્યરૂપ ધારીને સામે ઉભા હોય તોય પોતાના જેવા જ લાગે છે.

પરમધામમાં સ્થિત પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણે માતા કંભરાલક્ષ્મી - પિતા ગોપાલકૃષ્ણ થકી કુંકાવાવ તીર્થમાં જન્મ ધારણ કરી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત સ્વરૂપે રહી અનેક મહાન દિવ્ય સત્શાસ્ત્રોની રચનાઓ કરી. સર્વવિદ્યામહોદધિ એવા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે સંસ્કૃત ભાષાને શાસ્ત્રરચનામાં સ્વીકારી. એવું બિલકુલ પણ ન હતું કે તેઓ એક સંસ્કૃત ભાષાના જ મહાવિદ્ધાન હતાં. દુનિયાની દરેક ભાષા તેમના માટે સામાન્ય હતી. તેઓ જે ભાષામાં ધારે તે ભાષાઓમાં ગ્રંથોના નિર્માણ કરી શકત પરંતુ આર્ષ પરંપરાને અખંડિત રાખવા તેમણે સંસ્કૃત ભાષાને માધ્યમ બનાવી અનેક જીવાત્માઓના કલ્યાણ માટે સત્તાવન જેટલા સર્વશ્રેષ્ઠ કલ્યાણકારી શાસ્ત્રોની રચના કરી. જે તમામ શાસ્ત્રો જૂનાગઢધામ દ્વારા થોડા સમય પહેલા જ પ્રકાશિત કરવામાં આવ્યા છે.

જે રીતે ભગવાન સ્વામિનારાયણના સમયમાં તેઓ જે કાંઇ પણ ઉપદેશની વાત કરતાં તો તેને નંદસંતો લખી લેતાં, જેથી આજે વર્ષો પછી પણ એ વાતોનો ગ્રંથ ‘વચનામૃત’ તરીકે પ્રસિદ્ધીને પામ્યો છે તેનો અનેક સંતો-ભક્તો કથાવાર્તામાં એ શાસ્ત્રનો લાભ લઇ રહ્યા છે.

માટે મહારાજના ઘણા ભક્તોની વર્ષોથી ઇચ્છા હતી કે, મહારાજના સ્વમુખની પરાવાણીનું પણ શાસ્ત્ર તૈયાર થાય તો કથાવાર્તા-સત્સંગમાં ઘણો લાભ મળે. તેથી ભક્તોની ઇચ્છા પૂર્ણ કરવા માટે ઘણા સમયના અથાગ પ્રયત્નોથી મહારાજના હયાતીના ઘણા જૂના ભક્તોના ઘરે જઇ મહારાજની પરાવાણીની ઓડિયો કેસેટો સૌ પ્રથમ મેળવી ત્યારબાદ એ કેસેટો સાંભળવામાં સૌને અનુકુળ રહે માટે તેને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં શક્ય બને તેટલી ચોખ્ખી કરાવી તેની સીડી, પેનડ્રાઇવ તેમજ મોબાઇલ એપ્લીકેશન પણ બનાવી, જેથી આજે ઘર બેઠા અનેક ભક્તો મહારાજની પરાવાણી સાંભળવાનો લાભ લઇ રહ્યા છે.

મહારાજની જેટલી પણ ઓડિયો રેકોર્ડિંગની કેસેટો પ્રાપ્ત થઇ તે કેસેટોને સાંભળીને અક્ષરશઃ જેમ છે તેમ યથાર્થ લખવાનું કાર્ય શરૂ કર્યુ, તેમાં લખાણમાં પૂજાબેન ટાંક ( કર્યુ, તેમાં લખાણમાં પૂજાબેન ટાંક (C.A) તેમજ પ્રૂફરિડીંગમાં પ્રોફેસર ) તેમજ પ્રૂફરિડીંગમાં પ્રોફેસર પરસોત્તમ ચોટલીયા સાહેબે સહયોગ આપ્યો છે. તેમજ આ શાસ્ત્રના પ્રકાશન કાર્યમાં જે યશસ્વી યજમાન ભક્તોએ આર્થિક સહાય આપી છે, તે સર્વ ભક્તો પર પ્રગટ ભગવાન પોતાની પૂર્ણ કૃપાદૃષ્ટિ રાખે તેમજ તેમને આ લોક અને પરલોકમાં મહાસુખિયા કરે તેવી પ્રાર્થના સાથે પવિત્ર અધિકમાસમાં પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણના દિવ્ય ચરણોમાં આ ‘પ્રગટ ભગવાનની પરાવાણી’ શાસ્ત્ર શ્રીકૃષ્ણાર્પણ કરતાં આનંદ અને ધન્યતાનો અનુભવ કરીએ છીએ.

લી. શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી