સદ્બુદ્ધિના લાભ અને અસદ્ બુદ્ધિના ગેરલાભ - શુદ્ધિ - અશુદ્ધિનું જ્ઞાન • કથા પારાયણના ધર્મનિયમો
ૐ વર્ણીવેષરમણીયદર્શનમ્ મંદહાસસરૂચિરાનનમ્બુજમ્ |
પુજિતમ્ સુરનરોતમેરમુદા ધર્મનંદનમહમવિચિંતયે ||
નારાયણોનિલકંઠો સ્વામિનારાયણો હરિઃ
હરિકૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોતુમેરુદી.
ૐ શ્રૃયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ,
ત્વદીય નાવ ધાનેન કથયીશ્યે શુભાકથાઃ ૐ શ્રીસ્વામિનારાયણાય નમો નમઃ, ૐ શ્રીહરિકૃષ્ણાય નમો નમઃ
ૐ શ્રીપૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ
હૃદયમાં, આત્મામાં બિરાજમાન એવા બુદ્ધિ આત્માના શ્રીહરિ તેને સદાને વાસ્તે વંદન કરું છું. અક્ષરધામમાં મુક્ત સમુદાયોએ જેમણે કાયમ સેવ્યા છે, દિવ્ય આનંદના સાગરની બનાવેલી ભગવાનની મૂર્તિ છે એ જ ભગવાન એક જ ચૈતન્યઘન, આનંદઘન, મૂર્તિઘન, મીઠાશઘન એવી ઘાટી મૂર્તિ અક્ષરધામમાં બિરાજમાન છે. એ ધર્મથકી ભક્તિમાતાને વિશે આ લોકમાં પ્રગટ થયા એ એક જ તત્વ, એક જ ચૈતન્ય, એક જ અમૃતની મીઠી મૂર્તિ જેમાં બધા સદ્ગુણો ભરેલા છે. કિશોરમૂર્તિ - સોનાની રેખાની મૂછો જેને હજુ ઉગતી આવે છે એવી મૂર્તિ, રમૂજ ભરેલી મૂર્તિ. મધુરરસ, હાસ્યરસ, કરુણારસ, પ્રેમરસ, પ્રિતીરસ, સ્નેહરસ એ બધા રસ એમાં ભર્યા છે એવી મૂર્તિ તે પોતે અહિંયા ઘનશ્યામ મહારાજરૂપે પ્રગટ થયા. શા માટે ? એમને સંભારતા હતા એવા મુક્તોને રમાડવા માટે, એને રાજી કરવા માટે. એટલો રાજીપો હતો કે એના લોકમાં આવી ગયા એના કલ્યાણ માટે, આ બે કામ માટે. પછી ત્રીજું કોઇ કામ ખરું. તો કે આ સંસાર રચાણો છે ધર્મ પાળવા અને ભગવાનના ધામમાં જવા. માટે મનુષ્ય જન્મમાં રહેનારા એવા જીવાત્માઓ તે મોક્ષમાં કઇ રીતે જાય ? તેને ભાગવત ધર્મ પળાવવો. એમ ભાગવત ધર્મ પળાવીને અક્ષરધામમાં લઇ જવા માટે જીવોનું કલ્યાણ કરવા માટે. ચોથું કોઇ કામ ? મનુષ્યોએ ભાગવત ધર્મ પાળવો. ભગવાનના એકાંતિક થવું. એમાં જો કંઇ અવળા-સવળું થઇ જતું હોય તો તેનું નામ અધર્મ. એને નાશ કરવા માટે અધર્મના સ્વરૂપ કેવા છે ? અન્યાય, કોઇ જીવને દુઃખ દેવા, કોઇને છેતરપિંડી કરી લેવી. ભગવાને બ્રહ્મવિદ્યાઓમાં લખ્યું છે કે, આ ફલાણાની સંપત્તિ છે તેને હું કોઇ રીતે લઇ લઉં, પડાવી લઉં. એવી દિલમાં જે કાળપ એનું નામ અધર્મ. એ અધર્મને દૂર કરવા માટે. બીજું કોઇ કામ ? તો કે સાધુની રક્ષા.
સાધુ પવિત્ર છે, સંતનું પૂજન કરવું. મારું ભજન કરે એવા મારા એકાંતિક સાધુ પુરુષો એમની પડખે હું ઊભો રહું છું. બ્રહ્મવિદ્યામાં લખ્યું છે કે, મારા સાધુ થાય એની આગળ, એની અડખે પડખે, પછવાડે, ઉપર, નીચે, ચારેકોર હું રક્ષામાં છું. એને એકેય શસ્ત્ર કોઇનું લાગવા દેતો નથી. આ જીવને સાધુ બનાવવો, ભલે ચોયણી પહેરી હોય પણ તેને મન કર્મે સાધુ કરી દેવો. પછી બીજું કામ ? તો કે મારામાં હેતવાળા મારું ધ્યાન કરે એટલા વાસ્તે આવી મૂર્તિ તમારા જેવી બનાવી છે. સુખિયો થાઉં, દુઃખિયો થાઉં, ભેગો રહું, જમું, હરું ફરું, ક્યારેક ભેગો રમુ. આટલા માટે હું આ લોકમાં આવું છું. ઇ સિવાયનું કામ ? તો કે આ બ્રહ્માંડોમાં મેં રાજા ઘણા બનાવ્યા છે. કોઇને પૃથ્વીના સમ્રાટ, કોઇને સ્વર્ગના સમ્રાટ, કોઇને ઇ થી ઊંચા સમ્રાટો, ઇ ઇશ્વરો. ઇ ઇશ્વરને કોઇ પ્રત્યે એવું ભાન કરાવી દઉં કે આપણાથી કોક મોટો છે, જે દિ મરવાની અણી થાય, પરાધીન થઇ જાય, તે દિ ઇશ્વરનેય એમ થઇ જાય કે આપણાથી તો મોટા પરમેશ્વર છે. આવા ઇશ્વરોના ઇશ્વરોને પણ પોતાનું ભાન કરાવવા માટે આ લોકમાં પ્રગટ થાઉં છું. ચક્રવર્તી સમ્રાટ હોય સાત સાગરથી મોટેરો, પણ તાવ આવે ને માંદો થાય અને પગમાં વા આવે ને કડે ટચકિયું થાય, ગળું દુઃખે, ને બધે ખખડાટી બોલી જાય તંઇ એ એમ જાણે કે માળો હું સાત સમુંદરનો રાજા છું પણ મારું કોઇ નથી. ઘૂંટડો ઊતરતો નથી ગળે. આ એનું અભિમાન ઉતારવા સારું હું મનુષ્યરૂપે થાઉં છું. તે દિ’ મને સંભારે તો એને તારી દઉં કાં સાજો કરી દઉં અને કાં બ્રહ્મલોકમાં લઇ જાઉં. પણ શરણાગતિ લેવી જોઇએ.
પછી કોઇ કામ બાકી રહ્યું ? તો કે મારું કામ બાકી રહ્યું - સદ્બુદ્ધિ દઉં. આ તમારી કથા-વાર્તામાં મને એવી બુદ્ધિ આપજો, આખું જીવન જમીએ, રહીએ, મરીએ, સો વર્ષ વયા જાય તો બુદ્ધિ રૂડી દેજો. એમાં કાળાપણું કરશો મા. કાળાપણા વિશે કપિલ ભગવાને લખ્યું છે કે, અયસિદ્ધી, શયસિદ્ધી, ક્ષયસિદ્ધી, આ ત્રણ કાળાપણા. અયસિદ્ધી એટલે બુદ્ધિ બદલવી. અચુકપણે ભાઇયું ભાઇયું મરી જાય. ગામના આડોશી-પાડોશી હોય, ગામના અને પરગામના હોય. બહારવટિયા થઇ જાય. આ શાસ્ત્ર એમ કહે છે કે, મનુષ્યોમાં જન્મ થયો હોય તો બુદ્ધિ રૂડી રાખજો. કોઇનું લૂંટી લઇએ તેઓ વિચાર કરશો નહીં. અને કોઇનું લઇ લઇએ આ બુદ્ધિમાં આવો ઘાટ કરશોમાં. એનું નામ સદ્બુદ્ધિ. પતંજલિ નામના ઋષિએ લખ્યું સદ્બુદ્ધિ કઇ ? મરવાની અણી થાય બધાય માફી માંગે, પોતે માફી માંગે અને પછી આમ આંખ્યું વીંચે અને જરાક ઊંડો ઉતરે એ ટાણે એને જે બુદ્ધિ થાય છે ઇ સદ્બુદ્ધિ. એ ટાણે એમ થઇ જાય કે હું ચાલ્યો, મેં આખું જીવન વિતાવ્યું, ઘણાય ફાંસલા ખાધા, હવે હું ચાલ્યો, હવે હું શું કરીશ ? હવે ભગવાન તારો ગુનેગાર છું, માફ કરજે. આવી સદ્બુદ્ધિ. ઇ ટાળે ખરેખરો અફસોસ થાય એનું નામ સદ્બુદ્ધિ. ઇ આ ચોથી બુદ્ધિ છે ઇ અમને આપજો. હેતની બુદ્ધિ પછી પણ ચોખ્ખાઇની બુદ્ધિ. વાસણ ઘસીને ચોખ્ખું કરવું, કાટ કાઢી નાખવો ઇ વખતની બુદ્ધિ ઇ સદ્બુદ્ધિ. એવી બુદ્ધિ આપજો.
વળી ભગવાન પાસે માંગવું કે, મહારાજ સારાવાના કરજો, સારાવાના એટલે કુટુંબ સુખી રહેજો, રોગી ન થાય. કોઠીમાં દાણા દેજો. ખિસ્સામાં નોટું દેજો. કુળ કુટુંબમાં હેત રહે, ભગવાન, સંત, પરોપકાર એની વાસ્તે વાપરવામાં હાથ છૂટો રહેજો. લોભ રહેશો મા. ન્યાયથી થોડું આપવું પણ ભગવાન રાજી થાય એવું કામ થજો. અપરાધ ક્ષમા કરજો, ઘણાંય વાંક થઇ જાય છે. ઘણાંય ગુના થઇ જાય છે અને ગુનો કરાવનારા પચીસ જણા છે ભેગા. એક ને ઝીંકે તો બીજો તૈયાર થાય. બીજાને ઝીંકે ત્યાં ત્રીજો તૈયાર થાય અને ના કેટલાને પાડવી ? એ બધા ગુનો કરાવે છે. એનાથી અમને બચાવજો. રોજ પ્રાર્થના કરવી. આમ રોજ ધ્યાન રાખવું. હું છેટો છું તો હું તો તમારી ભેગો રહ્યો છું મને છેતરશોમા. તમારા સારાવના થાજો એમ આશીર્વાદ દેવા પણ મને છેતરશોમાં. ઇ છેતરામણી કઇ ? ઘણી જાતની. એણે લખી છે બ્રહ્મવિદ્યા. તો ઉપનિષદોમાં લખ્યું છે, દૈવી અને આસુરી બે સર્ગ એમાં આમાં પ્રવેશ થયા કરે છે. બેય સર્ગના પ્રવેશથી ભગવાનની મૂર્તિના દર્શન થાય, કાને કથા સંભળાય, મનમાં ભજન થાય. ઇ સર્ગ પચીસમાં બે ય. દંડવત્ થાય અને પચીસમાં જો અસૂરનો પ્રવેશ હોય તો ઇ સવળું ન થવા દે, અવળું થાય કે થાકી ગયો છે અત્યારે બંગલો નથી કરવો. ઇ ઓલો અસૂરનો પ્રવેશ. કે હવે ઓણતો વર્ષ મોળું ગયું છે. તો આમાં ફાળામાં આપી શકીએ એમ નથી હવે પોર આપશું. ઓણ તો બહું મંદી જેવું છે તો પોર આપીશ. ઓણ નોંધોમાં પોર આપીશ. ઇ ન નોંધવું એમ જે માલિકોરથી નીકળે ને ઇ એને ઓલો પ્રવેશ, દૈવી પ્રવેશ નહીં. આવી રીતે બુદ્ધિમાં આસુર પ્રવેશ ન થવા દેવો ઇ દૈવીપણું.
પછી સારો પ્રવેશ. કંઠી બાંધી તોય એમ થાય આપણા જીવનું કલ્યાણ થાશે. વધારે સત્સંગ થાય, કથા વર્તા કરે ત્યારે એમ થાય કે હું કાંઇક પાવન થાઉં. મારા દોષ ટળે. સંત પુરુષ આવે તેના ચરણની રજ માથે ચડાવી ત્યારે એમ થાય છે કે મારાથી પાપ થયું છે ઇ બળી જાય. અમે સાધુ થઇએ ત્યારે અમને એમ હોય કે, ઓહોહો આપણે ઉધરી ગયા, પાપમાંથી નીકળ્યા, સંસારમાંથી નીકળી ગયા. ગુરુદેવની સેવા કરીએ એટલે ભગવાનની સેવાનું પુણ્ય મળે. એમાં ગુરુમાં જ ભગવાન બેઠા છે એવી પરંપરા છે. ગુરુ છે એ ભગવાનના દીકરા છે એને ખોળે બેઠા છે. સ્વામિનારાયણ ભગવાનના દીકરા ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, મુક્તાનંદસ્વામી, મોટા મોટા ઇ બધાય સ્વામિનારાયણના ખોળે બેસી ગયા. એને ખોળે બેઠા બાલમુકુંદ સ્વામી મોટા મોટા જબરા. એને ખોળે બેઠા સાધુ, એને ખોળે અમે બેઠા. આ પાંચમી પેઢી અને અમારે ખોળે તમે બેઠા. ક્યાં જાવ ? કંઠી અમારે હાથે, તો આપણે દીકરા કેના છીએ ? ભગવાનના. એનો વંશ થયો. તમે દેશ-પરદેશ જાવ તો કે, ક્યાંનો પંથ પાળો ? તો કે સ્વામિનારાયણનો, માટે તે સાચાં ગુરુ.
શાસ્ત્ર લખે છે કે, સાચાં માવતર કોણ ? તો કે ગુરુ. તો કે ઉદ્ધાર કરે માટે. જન્મ આપે માવતર, મોક્ષનો જન્મ આપે ઇ માવતર. સંસારનો જન્મ આપે ઇ આ લોકના માવતર. ઇ જન્મ આપ્યા પછી મોક્ષનો માર્ગ આપે ઇ ગુરુ ઇ સાચા માવતર. હવે ફરીવાર જન્મ લેવા વાસ્તે માવતર ગોઠવાશે નહીં. માટે સાચા માવતર. ઓળખના માવતર ઇ સાચા માવતર. આમ ભલે પચીસ વર્ષ જીવાય, પચાસ વર્ષ જીવાય પણ પુણ્ય મેળવી લેવું, કૃપા મેળવી લેવી. રાજીપો લઇ લેવો. અપૂણ્ય, અકૃપા, શ્રાપ, કુરાજીપો એનું શું કરવાનું ? ઇ તો કચરો ઘરમાં હતો જ. કેટલા’ય કાળથી આ ભેગું કરતાં આવ્યા છીએ. હજી પાર આવતો નથી. આશીર્વાદ લઇ લેવો. કોઇ પણ રાજી થાવ. ભગવાનનો ભક્ત માલિકોરથી આમ ઉમળકા મારતો મારતો એમ કે આ સાધુ બહુ સારો, આ હરિભગત બહુ સારો. ઇ આશીર્વાદ રાજીપાનો આશીર્વાદ. એની હવા લેવી. ઇ બધુંય અમૃત પીવું. સુધાનો રસ એનું નામ. ભગવાન કે હું જીવના ઉપર રાજી છું. એના અપરાધ હું સહન કરું છું. એને તિતિક્ષામાં રાખું છું, સહન કરાવું છું અને હું સહન કરું છું.
ઘણા વેદાંતોના એક વેદાંતમાં એવું લખ્યું છે કે, ભગવાન બહુ જબરા છે. આકાશથીય પહોળા છે અને ઇ સાવ નાનકડા થાય આપણા જેવા તો એને કેટલું સંકડાવું પડ્યું ? પછી આપણા જેવા શરીરમાં રહે તો એને કેટલું મૂંઝાવું પડ્યું ? આપણને એક ઓરડીમાં પૂરી રાખે તો ? કાયમ તમારે વાડિયુંમાં અને ખેતરમાં રહેનારા હોય હવા-પાણી અને આવા ટાઢ-તડકો લેનારા એને અડખે પડખેથી હવા આવે. એવામાં ઉનાળામાં એક ઓરડીમાં કલાક પૂરી રાખે તો કેવો મૂંઝાય ? એમ ભગવાને મૂંઝાવું પડે આપણા સારું થઇને. પણ છતાં નથી મૂંઝાતા અને ખુશી ખુશી થાય છે આ એની કૃપા. એવી કૃપા આપણા ઉપર વરસાવો એવી માંગણી કરવી એનું નામ સદ્બુદ્ધિ. એ કૃપા કેદી વરસશે ? ઇ રાજી થાય એમ કરશું એટલે. રાજી થાય એમ કરશું એટલે શું ? એટલે અનુવૃત્તિ પાળશું. અનુવૃત્તિ કેની પાળવી ? તો કે મૂર્તિમાન ભગવાનની. મૂર્તિમાન ભગવાન પુરુષોત્તમ નારાયણ ધામમાં બિરાજે છે, બધું સાંભળે છે. આંહિ બેઠા બેઠા સાંભળે છે. આજે એની વાત કરીએ તો ઇ તો સાંભળે ખરા. કાન જબરા. આપણી પેઠે આંહીથી છેક ત્યાં સાભળે ખરાં. માટે પ્રત્યક્ષ છે, જે સાચું સાંભળે અને પ્રત્યક્ષ સાંભળે એ પ્રત્યક્ષ. આપણે આંહિ દર્શન કરીએ અને ઇ દેખે છે કે મારા દર્શન કર્યા. ઇ પ્રત્યક્ષ. અંતર્યામી ભગવાન એની સામે છે, ત્યાં પણ બેઠા છે. ઇ સાંભળે, જાણે છે. માટે પ્રત્યક્ષ. ભગવાન કોઇ દિ’ અપ્રત્યક્ષ થતાં નથી.
શાસ્ત્રોમાં લખ્યું કે, પરોક્ષ અને પ્રત્યક્ષ એનો શક. ઇનો અર્થ ઇ જેનો શક વયો ગયો ઇ પરોક્ષ, જેનો શક ચાલુ છે ઇ પ્રત્યક્ષ. અમુક અમુક ભગવાન પછી અમુક અમુક થાય. જુનાનો શક વયો જાય. અત્યારે નૃસિંહ ભગવાન આપણા દેશોમાંથી વયા ગયા. ઇ એનું જ પ્રતિબિંબ, એની જ મૂર્તિઓ, એના જ મંદિરો. રામચંદ્ર ભગવાનના ચોરા ને ચાલતું’તું. ઇ તો કેટલું ઓછું થઇ ગયું. અત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણનો પ્રત્યક્ષ શક ચાલે એને પ્રત્યક્ષ ગણાય. એના સામર્થ્ય, ઐશ્વર્યો એ બધું પ્રત્યક્ષ. આ રીતે એક પછી એક થતાં જ આવે છે. રામ ભગવાન એક વખત આખી દુનિયામાં પૂજાતા હતા. એનું નામ લેવાતું, એનો દંડો હાલતો. પરશુરામની કુહાડી હાલતી, રોજ એની પૂજા થાય, નહીં તો માર્યો જાય. પણ બધો સમય જ્યારે આઘો વાયો જાય. ત્યારે ભગવાન પોતે પોતાનો પ્રભાવ ખેંચી લ્યે છે છતાંય ત્યાં બેઠા થકા દેખે છે. આ દેખે છે એનું નામ પ્રત્યક્ષ, સાંભળે છે જાણે છે. તેવા ભગવાન પાસે માંગવું - રોજ સદ્બુદ્ધિ આપજો. માવતરની સેવા કરવી ઇ પહેલી સદ્બુદ્ધિ, એનો નિસાસો લેવો ઇ અસદ્બુદ્ધિ, ઘર કુટુંબ ભેગા થઇને રહેવું, સુખી રહેવું, સંપથી રહેવું ઇ પહેલી સદ્બુદ્ધિ, અને સામ સામો એક ઉપાડે લાકડી તો બીજી લે જોડા હવે ઇ ક્યાંથી સદ્બુદ્ધિ રહે ? જેની સાથે જીવવાનું છે તેના ઘરમાં જ ઝઘડો માટે ભગવાન પાસે માંગવું - મહારાજ એક બીજાની સેવા કરીએ એવી રૂડી બુદ્ધિ દેજો. આ ઘરની સદ્બુદ્ધિ. પછી કમાણી છે ઇ ભાગને અનુસાર સહુને દાણા પાણી મળે છે. પણ તમારી સેવા ચાકરી કરીએ અને અમારો મોક્ષ થાય એવું રૂડું રાખજો. એનું નામ સદ્બુદ્ધિ. જે વીતી જાવાનું છે પણ વીતતા પહેલાં તમે અને તમારા સાધું કયાંક દર્શન દઇને તેડી જજો, ઠેઠ ન લઇ જાવ તો અડધે પણ લઇ જજો. તે દિ’ વળી ત્યાં વચન આપજો કે હવે ફરીવાર આવશું. પણ એટલું કાંઇક કરજો ઇ સદ્બુદ્ધિ. પણ અસદ્બુદ્ધિ નુકસાન કરનારી છે, નડનારી છે, અધોગતિ આપનારી છે.
શતાનંદ સ્વામી પાસે સ્વામિનારાયણ ભગવાને આવો રૂડો સત્સંગીજીવન ગ્રંથ બનાવ્યો. એનું માહાત્મય મુક્તાનંદ સ્વામીએ લખ્યું, તે રામાનંદ સ્વામીના શિષ્ય હતા પણ મુક્તાનંદ સ્વામી એમ સમજતા હતા આ રામાનંદ સ્વામી પાસે આવેલા તે પરમબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એમના લીલા ચરિત્રોનો ગ્રંથ મૂર્તિ ખડી કરી દે. એમના ઐશ્વર્યો, લીલા ચરિત્રો સાંભળવા, વિચારવા, મનન કરવા, અભ્યાસ કરવો, અંદર ઉતારવા અને જોતા જાવા. એનું નામ ભક્તિ, હેત સહિત અંદર વિચાર્યા કરવા એનું નામ ભક્તિ. ભજન કરવું ઇ ભક્તિ, હેતથી મૂર્તિ સંભારવી એનું નામ ભક્તિ, સંભારતા સંભારતા મૂર્તિને ઘડવી માલિકોર ઘડ્યા કરવી એનું નામ ભક્તિ. જોતાં જોતાં એમાંથી આનંદ લેતો રહેવો હું આને સુખે સુખિયો છું ઇ ભક્તિનું ફળ. એની બીજી મૂર્તિ નહીં. હેત છે ઇ ભક્તિની મૂર્તિ અને ભગવાનમાંથી સુખ મળે ઇ સુખિયો. એમાં આડા આવે ઇ વિઘ્ન. ખોળનારાએ ઘણું ખોળ્યું, હવે આમાં ક્યાં કાંઇ મળે છે ? એનું નામ વિઘ્ન. નિરાંત કરીને બેસી જાવ ઊંડા ઉતરીને પછી મૂર્તિ સંભારો અને જીવાત્મા પોતે આનંદી છે, મૂર્તિ આનંદી છે અને આનંદ ઉભરાય એનું નામ સુખિયો. કાં કે હું તો આંખ્યું વીંચીને બેસી ગયો કાંઇ મને તો દેખાતું નથી એનું નામ દુઃખિયો. પરમ દુઃખિયો એનું કારણ શું ? ઓલો કુતર્ક ઇ કુતર્ક ભાઇબંધ નથી, સાચો ભાઇબંધ નથી. ગાડી હાંકે અને ખાળમાં નાખે એ કુતર્ક. એને વિશ્વાસે આપણે બેસીએ અને ઇ નીચે ક્યાંય નાખે.
એમ આ સત્સંગીજીવન ગ્રંથનું મહાત્મય એકાંતિક ભક્તને આનંદ અપાવા માટે જ લખ્યું છે. ઉત્તમ રાજાએ ગઢપુરમાં ગોપીનાથજી મંદિરની સમીપે મોટી સભા ભરી હતી, સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વીમાંથી અદૃશ્ય થયા હતા તે વખતે આ સભામાં અયોધ્યાપ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, સાધુઓ, મુકુંદાનંદ બ્રહ્મચારી, મયારામ ભટ્ટ, શતાનંદ સ્વામી એ બધા હાજર હતા. શતાનંદ સ્વામી જ્યારે એ સભામાં પધાર્યા હતા ત્યારે બધાય ઊભા થયા. શતાનંદ સ્વામીને આખા ગ્રંથના લીલા ચરિત્રો હથેળીમાં દેખાતા હતા. એમને સભામાં બેઠેલા બે આચાર્યોએ પ્રાર્થના કરી. આ ગ્રંથ ભગવાનના લીલા ચરિત્રો માંયલો ચાલુ જ હતો. પણ એક સારી સભા કરી મને સંભળાવો એમ આચાર્યોએ શતાનંદ સ્વામિને કહ્યું કે, તમને બધું યાદ છે. અમારે સાંભળવું છે. આ ગ્રંથ સાંભળવાથી છેવટે લખ્યું છે આદિથી અંત સુધી ધ્યાન રહે કઇ લીલા પછી કઇ લીલા આવી. એને રોજ સંભારે. એવો સંભારનારો સાત દિવસની કથાને રોજ કલાક થાય. બે કલાક થાય બહુ તો પણ એકલો ધ્યાનમાં બેસીને સોંસરવો સંભારે તો છ મહિનામાં મુક્ત થઇને વયો જાય દેહ મેકાઇ જાય એવું આનું ફળ છે. બોલો આ રીતે જન્મ સફળ થઇ જાય.
આચાર્યોનું વચન સાંભળી અને શતાનંદ સ્વામી એટલે સંતદાસજી તે આકાશમાર્ગે ચાલતા, હિમાચલમાં જાતા, ટાઢ તડકો લાગતા નહીં, અક્ષરધામમાં પહોંચતા અને પાછા અહીં આવતા એનું નામ શતાનંદ સ્વામી - સંતદાસજી. ઇ ખુશી થયા એટલે એણે આ સત્સંગીજીવન ગ્રંથ એની બધી કથાઓ તમને સંભળાવી હતી. ઉત્તમ રાજાના દરબારમાં મોટો મંડપ બંધાવ્યો હતો. આ કથા સારી રીતે સંભળાવી. ધામમાંથી આવવું, જન્મ પછી કેમ રહેવું, ધર્મદેવની ઘેર મોટા થાવું, અનેક જીવોના કલ્યાણ કરવા, અસૂરોના સંહાર કરવા, ગુરુદેવ પાસે આવવું. સંપ્રદાયની સ્થાપના કરી અને સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ નામ એ બંને દૃઢ પાયા મજબૂત કરાવવા અને એ નામ વડે એને મોક્ષમાં મોકલવા. આચાર્યો સ્થાપવા, મંદિરો કરવા, સંતપુરુષો કર્યા, અને સત્સંગ ચાલુ રાખ્યો. આટલી કથા સત્સંગી જીવનમાં બરાબર છે અને તેમાં વચ્ચે ચમત્કાર અને ઐશ્વર્ય ને સમાધિ એનો પાર નથી. ઉત્તમ રાજાએ આવા ગ્રંથની કથા કરાવી અને સાતમે દિવસે સમાપ્તિ કરી.
હેમંતસિંહ રાજા જૂનાગઢના દરબાર ઝીણાભાઇ એ પણ આવ્યા હતા, એમણે મુક્તાનંદ સ્વામીને કહ્યું મને આનું માહાત્મય તો સંભળાવો. આવી કથાઓ છે તો આનું ફળ શું ? આને સાંભળે કોણ ? અધિકારી કોણ ? ક્યે વખતે કેવા સમયમાં કોણ વાંચે ? અને એની પૂજામાં શું આપવું ? આમ પૂછ્યું ત્યારે શતાનંદ સ્વામીએ રાજી થઇ ઝીણાભાઇને કહ્યું, ચાર વેદ, અઢાર પુરાણ, છ શાસ્ત્ર, મહાભારત અને રામાયણ નામે ઇતિહાસો એમાં મોક્ષને વાસ્તે જે હકીકતો લખી છે એના સારરૂપી ભગવાનની મૂર્તિને જીવમાં સંઘરવા શીખો એ સાર. એ આ કથામાં પહેલે નંબરે છે. ભગવાન અને સંતમાં હેત રાખો ઇ બીજે નંબરે સાર. ત્રીજે નંબરે માયિક સંસારના પ્રવાહ ચાલ્યા જાય છે એમાંથી રાગ ઓછા કરો, ઇ ત્રીજે નંબરે સાર. સકામ ભક્ત હોય તો ધર્મ પુણ્ય કરીને ઊંચે દરજ્જે જાવ, પડતી દશામાં જાશોમાં આ ચોથા નંબરનો સાર અને પછી જેટલા કર્મકાંડ હોય ઇ ભગવાન લેખે કરો. કોઇ કર્મકાંડમાં ભગવાનને ભૂલશો માં. આ પાંચમા નંબરનો સાર. એવા પાંચ પ્રકરણો આમાં છે. આવા સારરૂપી આ શાસ્ત્ર રચાણું છે.
વેદાંતનો સાર ભગવાનને પ્રાપ્ત કરવા, સાંખ્યનો સાર માયા તજવી, યોગશાસ્ત્રનો સાર ભગવાનની ભક્તિ કરવી, ઇતિહાસોનો સાર સુખ દુઃખ આવે એમાં નિર્લેપ રહેવું અને પુરાણોનો સાર મુક્તિ મેળવવી, એકાંતિક ધર્મ પાળવો. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર ન હોય ત્યારે આવા શાસ્ત્ર મોક્ષને વાસ્તે છે, વાણીને ઠેકાણે છે. અંધારાનો નાશ કરનારા છે. રાજી થઇ થઇ સમય ગોઠવી ગોઠવી અને આ શાસ્ત્ર સાંભળવા. સ્વામિનારાયણ ભગવાનની પાસે નિવાસ કરીને આ હકિકતો મેં સાંભળી છે એમ શતાનંદ સ્વામીએ કહ્યું. આ શાસ્ત્ર જ્યારે તૈયાર થયું હતું ત્યારે સ્વામિનારાયણ ભગવાને પોતે સાંભળ્યું હતું. સાંભળ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા કે મારે પ્રગટ થઇને જે કાંઇ મારી હયાતીમાં કરવું હતું એ તમે ગ્રંથમાં ગોઠવ્યું, મને તૃપ્તિ થઇ ગઇ, એમ ભગવાને કહ્યું. હવે મારી મૂર્તિ પ્રત્યક્ષ પચાસ વર્ષની આ પૃથ્વીમાં રહી તે મૂર્તિ તરીકે આ શાસ્ત્ર હશે અને મારા કામ કરતું રહેશે. એવી આમાં ગોઠવણો થઇ ગઇ. આખા જીવનમાં મહારાજના ધ્યેય શું હતા ? મંદિરો કરવા, સંતની પ્રણાલી ચાલુ રાખવી, ધર્માદાઓ આપવા, હરિભક્તો પાસે ધર્મ પળાવવો, લીલા ચરિત્રો ગાવા, ભક્તોને રાજી કરવા અને બ્રહ્મધામમાં મોકલવા એમ આ શાસ્ત્ર બતાવે છે. શાસ્ત્ર ભવરોગનું નાશ કરનારું છે, પવિત્ર છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિથી ભરેલું છે, પાપના સમુદાયનો નાશ કરનારું છે, મૂળ તો કળીની ખોટ જબરી છે, એને ટાળનારું છે.
ચાલતા ચાલતા અંધારું થઇ જાય, છતે દિવે અંધારું એનું નામ બુદ્ધિની જાડાપણું એટલે ભૂલવું. જો ભગવાનના શાસ્ત્ર વાંચે તો ભૂલો ન થાવા દે. ભૂલ થઇ ગઇ હોય તો એમ કહી દે જો આ તારી ભૂલ છે હો. શાસ્ત્રો વાંચતા વાંચતા ખબર પડે કે આ મારી ભૂલ છે. સર્વ ધર્મના નિર્ણય આપે છે, ભ્રાંતિઓ ટાળે છે, ધાર્યા પૂરા કરે છે. જીવને આનંદ આપે છે, સંશયના ઝાળાં ટાળી નાખે છે, કામ, ક્રોધ આદિકને ઉડાડી દે છે, એવું શાસ્ત્ર છે. વૃક્ષોમાં કલ્પતરું બધાનો મનોરથ પૂરે. કામધેનુ ગાય, કલ્પદેવી. ઇ તો પૂરનારા પૂરશે. જે ઇ કલ્પવૃક્ષ તું મટી જા. તો તે એમ કહી દેશે તું વયો જા. ઇ એવું કામ ન કરે. કામધેનુ પાસે બીજું કાંઇ માંગે તો આપે પણ કામધેનુને આપણે કેમ કહીએ કે, તું ભૂંડળું થઇ જા. તો થાય ? ન થાય. પોતાની ઉપર આવે તો ઇ કહી દે એવો સંકલ્પ હું ન કરું. પણ ભગવાન એમ કહી દે. બે ઘડી ભક્ત ખરેખરો જો એની ઉપર રાજી થઇ ગયા અને ભક્ત એમ માંગે મહારાજ બે ઘડી તમારી ગાદી આપી દો ને ? તો કે ભલે લે લઇ જા જા. જ્યારે રામાનંદસ્વામીને ગાદી આપી અને પછી સહજાનંદ સ્વામીએ ગ્રહણ કરી. ઓલા પઠાણને સમાધિમાં દેખાણું, મહારાજ ગાદી ઉપર બેઠા’તા રામાનંદ સ્વામી હેઠા બેઠા હતા. સમાધિમાંથી જાગ્યા ત્યારે પૂછ્યું કે, આંયા રામાનંદ સ્વામી ઊંચા બેઠા છે. ત્યાં નીચા બેઠા છે અને જે નીચા બેઠા છે તો કે હું આજ્ઞાથી બેઠો છું, મને એટલી ઘડી આપી’તી ગાદી. ભગવાન ધામ આપે, મોક્ષ આપે, સુખ સંપત્તિ આપે, પોતાના જેવો રૂપાળો કરી દે, ધામમાં રાખે, તેટલું આપે, બે ઘડી એમ કહી દે કે, તું સમ્રાટ થઇ જા, જા તને છૂટ આપું. ઓલા ન આપે, ભગવાન આપે.
મનુષ્ય દેહનું ફળ મોક્ષને વાસ્તે કથાઓ સાંભળવી, મોક્ષ મેળવવો, નર-નારીઓ તમામ અધિકારી છે. ચારેય વર્ણના માણસો અધિકારી છે. યજ્ઞ, દાન, તીર્થ, વ્રત, ફળ, તપશ્ચર્યા જે કાંઇ કરવું હોય તો એકવાર શાસ્ત્ર સાંભળી અને એમાં વરતવા શીખવું એટલે એના બધાય ફળ મળી જાય. તીર્થમાં શું કામ જાય ? પાપ ટાળવા. વ્રત શા માટે કરે ? ભૂલું સુધારવા. દાન શા માટે કરે ? અન્યાયનો પૈસો હોય તો પાપ ટાળવા, શુદ્ધિ કરવા. આ શાસ્ત્ર કહે છે ઇ તમે જેટલા કાર્યો કરો છો, એ આમાંથી શીખી લ્યો તો એવું કામ નહીં કરવું પડે. માટે બધા દાનનું, બધા તીર્થોનું ફળ આને સાંભળવાથી મળે છે. બધા મનોરથ પૂરનારું છે. આવા કળિયુગમાં યજ્ઞ, દાન કરવું ખરા પણ હરિ પ્રત્યે હેત કરવા, શ્રી હરિના રાજીપાની માટે કરવું, તો આ શાસ્ત્ર સાંભળવાના ફળ મળે. આ સત્સંગીજીવનરૂપી અમૃત જેણે પીધું એને કાળરૂપી મોટો સર્પ ઇ ભલેને ઊંચા ઊંચા ફૂંફાડા મારીને દાંતમાંથી ઝેર રેડ્યા કરે. ઇ ઝેર અમૃત થઇ જાશે, નડશે નહીં. આ સંસાર મહાકાળ છે, કળિયુગ ઇ દાઢ્યું માર્યા જ કરે હાલતા ને ચાલતા પણ એનું ઝેર ઇ તમારામાં ભક્તોમાં પડ્યું તો પણ અમૃત થઇને વયું જાય. કળિયુગ એમ કઇ દે માળું હું ત્યાં ગયો તો ને મારે પણ સત્સંગી થઇને આવવું પડ્યું. એમ ભગવાનના ભક્તમાં બળ આપનારું શાસ્ત્ર છે. એકવાર સાંભળ્યું અને આવી રીતે જો હૈયામાં ઉતાર્યુ તો એના મોક્ષમાં હરકત નથી. હિત કરનારાઓએ જરૂર આ કથાઓ સાંભળવી.
મુંબઇના સાત આઠ માળના ભેગા નહીં આવે. હવે એંસી એંસી માળના થાય છે. પુત્ર પરિવાર સામગ્રીઓ હાથી જેવા વાહન બલૂન ઘેરે આવશે. મોટા સામ્રાજ્યો, સંપત્તિઓ પણ મળશે ઇવડા ઇ મૂર્તિમાન થઇને હાજર થાશે પણ જમરાજાના દૂતને દેવા. કે જા જા જા એની ભેગો જા. ઇવડા ઇ એમ નહીં કહે એલા એય દૂત ભાગી જાવ. અમે એની સંપત્તિઓ બળવાન છીએ, ઇ ના નહીં પાડે. પણ ભગવાનના સાધુ અને શાસ્ત્ર ઇ જો રાજી થયા હશે તો એકાદો આવીને ઊભો રહીને ઓલાને તગડશે, ભાગો તમારું કોઇનું કામ નથી. આ શાસ્ત્ર એમ બતાવે છે.
ચાતુર્માસમાં કથા સાંભળવી, શ્રાવણ મહિનામાં કથા સાંભળવી. ચૈત્ર મહિનો ભગવાનના જન્મદિવસનો મહિનો એમાં કથાઓ સાંભળવી. ભગવાનના જન્મ દિવસનો મહિનો શ્રાવણ મહિનો, માગશર મહિનો, આસો મહિનો. પછી બાર મહિનામાં જે દિ’ ટાઇમ મળે તે મહિનો. મળ માસ એટલે અધિક મહિનો, સાંજે અને સવારે ભગવાનની કથાઓ સાંભળવી. જેના મુખ થકી વાણી મીઠી લાગે, સંસારને ત્યજાવી દે એવો બોધ આપે, જેવી ભાવનાથી લખાણ છે એવા લખાણ તમને આપે, પીરસે, વાંચનારો ઇર્ષા કરે મને દૂધ આપ્યું નહિ, મને ઘી આપ્યું નહીં, મને એલચી આપી નહીં, હવે એમ રોદળા રોનારો ન જોઇએ વાંચનારો. તમે ગામે ભેગા થઇને મને ખરડો કરી દીધો નહીં, ફાળો ચાલુ કરો, મારે કાંઇ, કુટુંબનું કાંઇ, છોકરો પરણાવવો છે, છોડી પરણાવવી છે. હમણાં માવતર મરી ગયા દાડો કરવો છે. હવે તમારી કથા શું કામ કરે છે ? માટે ઉત્સાહ ભંગ માણસ વાંચવા બેસે એમાં કાંઇ જ ન થાય. ઇ તો આંહિ મોટા ધરામાં ધોધ હોય તો ધોધ આવે. કથા બહુ રાજીપાથી વાંચવી શાંતિથી અને માલિકોરથી સાર ગ્રહણ કરવો, સારી ચીજ લેવી. છોકરાઓએ સાર ગ્રહણ કરવો કે મા બાપ આપણને રાજી થઇને આશીર્વાદ કેમ દે એમ મોટા થવું. આમ મોટા ન થાવું લાકડી લઇને. દુર્ગુણો તજવા. આમાં લખે છે. મિત્રતા થાય, ધીરગંભીરપણું થાય. માવતર ગમે તેવા હોય પણ એમ ઇચ્છે કે મારો છોકરો આવે તો સારું. મારી સંભાળ લે, ઘરબાર હોય તોય ઇચ્છે. ભલેને સાસરો ગયઢો થયો પણ એને એમ થાય કે મારી ખબર રાખી, ખોટ નથી આવવા દીધી. હું એકલો થઇ ગયો, પણ છોકરા એવા છે મને ખોટ નથી આવવા દીધી. એમ છોકરાના ઘરવાળાની વહુ થાવું. ઇ આશીર્વાદ મળે સદ્ગતિએ જવાય નહિંતર ભૂંડું થાય.
એક દાખલો પુરાણમાં છે, ઘરમાં સાત જણા સાતેય મૂંગા અને સાતેય આંધળા, બેરા. પુરાણમાં વ્યાસે લખ્યું છે. પછી બહુ દુઃખી હોય ઇ ઇશ્વર ભજે, ભજે ત્યારે કંઇક બુદ્ધિ સારી થાય. એવી બુદ્ધિ થાય કે ભગવાનની મૂર્તિ પાસે બેઠા’તા ને મૂર્તિમાંથી કાંઇક અવાજ થયો ત્યાં આવડા આ કહે તમે કોણ ? તો કહે હું બ્રાહ્મણ છું, ભગવાન બોલ્યા હો તમે શું દુઃખિયા છો ? તો કહે અમે સાતેય બેરા, આંધળા અને મૂંગા. મહા દુઃખ. પાછા બ્રાહ્મણ. આ શું દુઃખ હશે. પછી જવાબમાં લખ્યું કે, ભગવાનની કથા સંભળાય તો કાન આડો કરીને આઘા ભાગી જાતા એવા હતા પૂર્વ જન્મમાં અને કો’ક કાંઇક વખાણ કરે આ સાધુ બહુ સારા, આ બ્રાહ્મણ બહુ સારા, આ સત્સંગ સારો છે, આ માણસ દ્રવ્ય વાળો છે તો કે દેખ્યો દેખ્યો. તારા જેવા બધાય એવા ને એવા દેખીએ છીએ, અમે તો આવા દેખીએ છીએ ને તેવા દેખીએ છીએ. ઠીક તો તમારે બધાને છે. આખું ઘર સરખું અને આંખે દેખે કોઇ દાન દેતો દેખે તો દાઝી મરે, સાતેય સરખા, પાછા એક ઠેકાણે સાતેય જન્મ્યા છો. પરાધીનતાનું દુઃખ. ઓલા બ્રાહ્મણના વેશમાં ભગવાન હતા એટલું કહીને વયા ગયા તમે કોણ છો ? તો કે આ તમારું કહેનારા છીએ અમે. એટલે કર્મફળ દેનારા. તો કે અમારો ઉદ્ધાર થાય ? પછી સાતેય જણા આ જન્મે કાંય સાંભળ્યું નથી, સુણ્યું નથી, બેરા છો, મૂંગા છો, આંખે દેખતા નથી પણ મારી કૃપાથી મેં આ અવાજ સંભળાવ્યા તમને, તમે જે કાંઇ સાંભળ્યું ઇ મારી કૃપાથી. બાકી બેરો શેનો સાંભળે ? પણ હવે આખું જીવન તમે કાંઇ નથી સાંભળ્યું અને માલિકોર અફસોસ થાય છે તો તમે એમ સંભારજો કે હવે ભગવાન ભજી લઇએ તો આગળ ઇ કાંઇક સુધારો થાશે, સારું થાશે તો એમ ભજજો, તો ત્રણેય તમે મૂંગા, બહેરા અને આંધળા મટી જશો. તો કહે કે અમને દર્શન દો ને. ભગવાનની કૃપા છે આવ્યા હોય ઇ દર્શન દેવા જ આવ્યા હોય. તરત જ બધાયની આંખ્યું ખૂલી ગઇ, સાતેયની જીભ બોલતી થઇ ગઇ. કાન સાચા સાંભળનારા થઇ ગયા. ઓલો ભગવાનનો જ અવાજ સાંભળ્યો તો બેરા એ, પણ આ સાચા સાંભળનારા થઇ ગયા. પ્રભુની કૃપા હોય તો શું ન થાય ? સાતેય જણા તે દી’ની રીત પ્રમાણે લખ્યું છે, સંન્યાસ લઇ અને એકલા ભગવાનની મૂર્તિ પધરાવી અને ભગવાનની ભક્તિ કરવા લાગ્યા અને બ્રહ્મલોકમાં ગયા. વ્યાસજીએ આટલું બધું લખ્યું છે.
પૂર્વ જન્મના બધા પાપ ટાળી નાખ્યા, આ જન્મમાં બહુ સંયમ વેઠવો પડ્યો, પ્રાયશ્ચિત થઇ ગયા હેત થયું અને શરણાગતિ થઇ કે હવે ભગવાન ઉદ્ધાર કરે તો ઠીક અને ઉધરી ગયા. માટે પાપી હોય, બહુ હોય પણ જો દિલમાં એમ થાય કે હવે ભગવાન ઉદ્ધાર કરે તો ઠીક અને ઉધરી ગયો માટે પાપી હોય પણ જો દિલમાં એમ થાય કે અરે રે આ હું ભૂલ્યો છું, બહુ થયું. હવે ભગવાન મારો ઉદ્ધાર કરશો. તો કે હા ઇ કરે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં બબે બોકડા ઉપાડી જાય એવા હતા. મુંજોશૂરો એવો હતો. આ એને પાવન કરીને સત્સંગી કરી દીધો, માટે ભગવાનના ભક્ત થાય એટલે એનું બધુંય પાપ વયું જાય અને ધામમાં જવાય. બ્રાહ્મણ, સાધુ આવી ભગવાનની કથા વાંચે, સાંભળનારાએ શ્રદ્ધાથી સાંભળવું, દિલ શુદ્ધ રાખીને કથા સાંભળવી. એ કથાનું ખંડન કરનારો સો જન્મ સુધી કુતરાંના અવતાર લે છે. માટે દિલથી સાંભળવું, વાંચનારને વાંચન સંબંધી કડ્ય શરીર દુખે તો દાબવા, ઊને પાણીએ નવરાવવા, એના શરીરે તંદુરસ્તી સારી સચવાય એમ રાખવા અને દૂધમાં સાકર નાખીને પાવા, વસ્ત્ર, અલંકારો આપવા, કથા થઇ રહે ત્યારે કીર્તન કરવા, ધૂન કરવી આ વિધિ તમને કહ્યો.
શતાનંદ સ્વામી કહે છે, ઝીણાભાઇ આ શાસ્ત્ર જ્યારથી વાંચવું ચાલુ થાય એને સાંભળનારા આવે એનામાં જે જે પાપ હોય ઇ આ શાસ્ત્રનો અવાજ જ્યાં સુધી જાય અને એની ચાલનારા આનીકોર પગલું ભરે એટલે ઓલા પાપ છે ઇ રોવા માંડે છે કે અરે હવે અમારું શું થશે ? ક્યાં જાશું ? કાં બળી જાશું અને કાં મરી જાશું કાં રખડી પડશું. આપણો નાશ થઇ જશે. જાણી જોઇને પાપ થાય ઇ લે, અજાણ્યું થઇ જાય ઇ ખોટું, થોડીક ભૂલ થઇ’તી ઇ નાની અને જાણી જોઇને મોટી ભૂલ કરે ઇ જબરી. આ બધાય પાપને આ કથા બાળી નાખે છે. ઢોલકું છે આ શરીર ઢોલકું, ચામડાથી મઢેલો. વગાડો તો ઢમ્મક ઢમ્મક થાય. એમાં કીર્તન બોલો, ભગવાનનું ભજન કરો, અને સારું કરે ને તો મોક્ષમાં મોકલી દે અને ઇ ઢોલકું કોક’ના ગળામાં આપો અને ક્યાંક ચોક ગોઠવ્યો હોય ને ક્યાંક નૃત્ય ગોઠવ્યા હોય ને ક્યાંક રમત ગમત હોય ઇ બધે લઇ જાય. આવું ઢોલકું છે. છે તો ખરું પણ એને સાચવવાનું કેવું મન થાય છે. બધાય સારાવાના આને આપીએ આ નઠારા ઢોલકાને, પાછું એને એમ ના કહીએ કે ભાઇ મને બીજે જન્મ લેવા દઇશ’મા, ઊલટું ઇ તમને એમ કહે તમને બીજે જન્મ લેવડાવીશ. તો આપણે કહીએ હા મને દેવતાનો જન્મ મળે તો સારું, આથી રાજા થાઉં તો ઠીક. આ ઢોલકું એવું છે. સંસારના માર્ગમાં ભેગું ભળે એવું છે. ભગવાનના માર્ગમાંથી પાછું વળીને ભાગે એવું છે માટે ઢોલકાને સરખું બાંધવું, સરખું વગાડવું. ઋણબુદ્ધિ આનું નામ કે પોતાનો મોક્ષ સાધે. સવારે રાંધેલું અન્ન સાંજે ઉતરવા માંડે, એવું જમી જમીને આને મજાનું રાખ્યું. પાણીમાં વરસાદ વરસતો હોય ત્યારે જળ અને પવન એ ભેગા થઇને નાના નાના પરપોટા થઇ જાય. કેટલી ઘડી રહેવાના ?
ભગવાનની કથા-વાર્તા નથી સાંભળી અને ભજન નથી કર્યુ આ એના ગાંસડા અને પરપોટા પામેલા છે. આ એના જેવું મરણ છે એમ સમજી લેવું. જેનો કોઇ ફાયદો જ નહીં. જન્મે ને મરે. અનાદિકાળથી લખ્યું છે, શરીરની શુદ્ધિ. એટલે હોઠને જળ અડે એટલે આખા શરીરની શુદ્ધિ એને ઘૂંટડો ન ભરવો પડે. એ બહુ મોટો કાયદો છે.
જન્મેજય રાજાની રાણી બંગલામાં બેઠી’તી, પતિવ્રતા હતી, ચોખ્ખો પુરુષ હોય તો એને દર્શન થાય ને બાકીનાને દેખાય નહીં. અદૃશ્ય રહે. ઉત્તમ નામનો ઋષિ હતો એના ગુરુ પાસે ભણ્યો તો. તે કહે, હું શું આપું દક્ષિણામાં ? ઓલો ઋષિ કે, ઓલી રાણી કુંડળ પહેરે છે ઇ લઇ આવ. આકરું, બહુ આકરું. ઓલો કહે જાઉં. ગયો. ક્યાંય દેખાઇ નહીં. રાજા કે જો અંદર બેઠા ફરીવાર ગયો, જોયા, દેખાય નહીં. કે મને તો દેખાતું નથી તો કે તારામાં અશુદ્ધિ છે. વિચાર કરજે, શું અશુદ્ધિ છે ? કંઇક હશે. રસ્તે આવતા મળ મૂત્ર જોયા છે. મહાભારતમાં કથા છે જનમેજય રાજાની. તો કે અશુદ્ધને એના દર્શન નહીં થાય. બોલો આ કથામાં કેવો અભિપ્રાય મળ્યો ? સ્વામિનારાયણ ભગવાને નાવા-ધોવાની શુદ્ધિ શું કામ કરી ? આમાં ભગવાનના દર્શન થાય માટે. અશુદ્ધિઓ ટળે. પછી નવારયો, ધોવાર્યો, એના નિયમ પ્રમાણે પ્રાણાયામ કરી અને ગાયત્રી જપ કરી લીધા, માળા કરી લીધી, ચોખ્ખો થયો. તો કે હવે જા જઇને જોવા. ત્યાં દેખાણા. તો કે તમારા દર્શન કેમ નતા થતાં ? તો કે શુદ્ધિ હોય તો મારા દર્શન થાય નહિંતર ન થાય. ઇ શુદ્ધિ આચમનથી પણ કરી લેવાય, કોગળા કરીને પણ કરી લેવાય, હાથપગ ધોઇને કરી લેવાય, નાહીને કરી લેવાય. પણ શુદ્ધિ કરવી, અશુદ્ધ ન રહેવું, નાવા-ધોવા, સ્નાન કરવા જેથી રોગના અશુદ્ધ શરીરો છે ઇ મટી જાય. ભગવાનને વસ્ત્ર આપવા, જનોઇ આપવી, ઘરેણાં આપવા, ચંદન આપવા, પુષ્પ આપવા, પુષ્પની માળા પહેરાવવી. સુગંધી તિલક અત્તર આપવા, ધૂપ કરવા, દીવો કરવો, નૈવેદ્ય સારા સારા ધરવા, પાન બીડા આપવા, ફળ-ફૂલ આપવા, દક્ષિણા મેલવી, આરતી ઉતારવી, નમસ્કાર કરવા. આ પૂજા વિધિ.
હવે પ્રાર્થના. આ યાદ રાખવા જેવું. મારા કર્મના ફળ ભોગવવા, સંસારના સાગરમાં પડેલો હું છું. હે દેવના દેવ પુરુષોત્તમ નારાયણ, આમાંથી મને ઉદ્ધારી લ્યો, ઊંચો કરી લ્યો, તારી લ્યો. ભગવાન કહે, તારાં એકના સાધન નથી તો કઇ રીતે તારું ? તો કે હે કરૂણાના સાગર, કૃપાળુ છો, કૃપાથી બાવડું પકડીને ઊંચો લઇ લ્યો. સાધનથી પહોંચી શકું એમ નથી. આંખથી દર્શન થાય એવા તમે પ્રત્યક્ષ પુરુષોત્તમ છો. અને શરણાગતના પગમાં હું આવીને પડ્યો છું હવે તમે કૃપાળુ છો તો ઉદ્ધાર કરી લ્યો અને નહિ તો નામ પડ્યું મેલી દો, આખી સૃષ્ટિના ધણી છો, એકાદો ગરીબડો શરણમાં આવ્યો તમને શું ભારે પડે છે ? માટે કૃપા કરી દો. આવું માંગવા શીખવું. આ ઇ પ્રાર્થના. ભગવાનની આવી પૂજા કરવી, આરતી ઉતારવી પછી વાંચનારાને ચંદનથી પૂજવા. શતાનંદ સ્વામી કહે છે, ઝીણાભાઇ સ્વામિનારાયણ ભગવાનને સંભારવા, એના કીર્તનો બોલવા, એના નામ બોલવા. નામ લખ્યા છે - સ્વામિનારાયણ, નિલકંઠ, નારાયણ, હરિ, હરિકૃષ્ણ, સહજાનંદ, કૃષ્ણ. આવા ભગવાનના પુરુષોત્તમ નારાયણના નામ લઇ મારા હૃદયમાં વસો એમ કહેવું. સહજાનંદ સ્વામી, ભક્તિ ધર્મના પુત્ર તમારો જય થાવ, એમ કહેવું. સંતોને પગે લાગવું, કથાઓના અધ્યાયો, એના અધ્યાયના પ્રકરણો જેવા જેવા સંબંધવાળા હોય એ કથાઓને પૂરતી રીતે વાંચવા. એના સંબંધો તોડીને જો આગળ જોવાઇ જાય તો સાંભળનારને અનુસંધાન છૂટી જાય.
સાંભળનારા અને વાંચનારા બેય જણાએ શું કરવું ? સાંભળવામાં આળસ ન આવે માટે ઉત્તમમાં ઉત્તમ ઉપવાસ, બીજે નંબરે ફળાહાર, ત્રીજે નંબરે એકટાણું, ચોથે નંબરે બે ટાણા અને પાંચમે નંબરે ત્રણ ટાણા. આ કથા સાંભળનારને આળસ ન આવે માટે. બીજું આમાં લખ્યું છે. વધારે ભોજન કે વાયડુ ભોજન કથાનો રસ, આનંદ આવતો હોય આપણે ભગવાનમાં બે ઘડી બેઠા અને કાન એમ કહી દે કે હાલ જનોઇ ચડાવ. ક્યાંય જાવું પડે, નદીઓને કાંઠે. હવે જો ઇ ભાઇબંધ આડો આવ્યો શું ? ઓલું ભોજન કર્યુ વધારે એ. માટે એવો સંયમ પળાવવો ચોવીસ જણાંને, કથામાં આડા ન આવે, કથામાં ભેગા રહેજો, પછી ભલે તોફાન કરો, નવારશું-ધોવારશું, પણ મારી કથામાં આળસ ન કરવી. કથા સંભળાય એવું સાધન રાખવું કાં કે ઉપવાસ રાખતા આળસ આવતી’તી, માથું ચડ્યું, સૂઇ રહ્યો, પણ તંઇ તો ઉપવાસ કરવાનું કામ શું ? કથાનો લાભ ગયો, એવો ઉપવાસ શું કામનો ? એના કરતાં રોટલી ઠબકારવી બે ત્રણ સારી સારી, ઘી ચોપડીને. જો લખ્યું છે. ભોજનને હું ઉત્તમ ગણું છું જો કથા સંભળાવવામાં મદદ કરે. ઉપવાસને અમે ઉત્તમ નથી ગણતાં જો કથામાં વિઘ્ન લાવે. મોટું પૂજન કરવું સાંભળનારાએ. ભક્તજનોએ રેશમી વસ્ત્ર લાવવા, કાનમાં કુંડળ પેરાવવા સોનાના. સોનાના કડા પેરાવવા હાથમાં. શક્તિ પ્રમાણે વસ્તુ, અલંકાર, દક્ષિણાઓ આપવી. ગૃહસ્થ ધર્મને યોગ્ય જો વાંચનારો હોય તો એને ગૃહસ્થની રીત પ્રમાણે બ્રાહ્મણને આપવું. એની ઘરવાળી બે કપડાં પેરે, ઘરેણું પેરે, એમ કંઇક રોટલા પાણી ખાય. બ્રાહ્મણ ક્યાંક ખરડું કરીને જાતો હોય તો પાંચ દિ’ ઘરે બેઠો ખાય અને બેસે. સાત્ત્વિક જો હોય ને તો વસ્ત્રો આપવા, દૂધપાક જમાડવા, આની વાસ્તે હોમ-હવન કરાવવા. ભાવનાથી કથા સાંભળશે, એક, બે, પાંચ કથા પણ યાદ રાખશે અને એને રોજ સંભારશે તો સ્વામિનારાયણ ભગવાન કહે છે એને મોક્ષ કરવાને વાસ્તે હું બંધાયેલો છું, છેવટે મારા ધામમાં લઇ જઇશ. આટલું બધું આમાં બિરુદ આપે છે. અમુક તિથિઓ, અમુક દિવસો, અમુકવાર અને અફસોસના ને કોઇ મરણ થઇ ગયું અને કથા ચાલુ કરવી હોય તે દિ બંધ રાખી દેવી. ચાલુ કથા થઇ ગઇ અને પછી સૂતક આવ્યું તો ઇ સૂતકને આઘું રાખવું, કથામાં આડું ન લાવવું. યજ્ઞ ચાલુ થઇ ગયો. યજ્ઞમાં જોડલું બેઠું છે અને એમાં કોઇ સૂતક વચ્ચે આવી ગયું, ત્રણ દિવસનો યજ્ઞ હોય ઇ નાહી-ધોઇ અને ઉપવાસ કરી લ્યે એટલે પવિત્ર, અડવામાં હવે નહીં અડાય એમ નહીં. એની શુદ્ધિ શાસ્ત્રે લખી છે.
માટે યજમાને કથા ચાલુ થયા પછી વચ્ચે આવેલા સૂતક એને મેલી અને નાહીં લેવું. જન્મ સૂતક બચ્ચાની મા એને એકલાને બહુ ઝાઝું લાગુ પડે છે. ઇ વિભાગો લખ્યાં છે દસ દિવસ, પંદર દિવસ એમ. બીજાઓને જન્મ સૂતક કથા સાંભળવા વગેરેમાં નડતું નથી. મરણ સૂતક એટલે દેહ શુદ્ધિ કરવી પડે ઇ સૂતક છે, એ તેર દિવસનું બરાબર લાગે છે. બારમો દિવસ ગયો તેરમે દિવસે કંઇ નહીં. આ સૂતકની હકિકતો લખી છે, સાત દિવસ, પંદર દિવસ, મહિનો, બે મહિના, છ મહિના. સત્સંગી જીવન અમારે જામનગરમાં એક વર્ષ સુધી વંચાણું. એમાં જેટલા સિદ્ધાંતો છે ઇ બધાય વંચાતા જાતા હતા.
સમાપ્તિને દિવસે શું કરવું ? એની વિશેષ હકિકતો લખી છે. પણ પછી પોતે પહોંચી શકે તેટલી દક્ષિણા મેલવી. વાંચનારે જે દાખડો કર્યો ઇ એના દાખડાને ગામને સીમાડે ઓલી કોર જઇને આમ સાહ નાખે, બળજો ગામ. કાંઇ આપ્યું નહીં એનું નામ વૃથાશ્રમ અને એમ થઇ જાય ઓહોહો મને બહુ ભરી દીધું ઇ સાચો પરિશ્રમ. એમ આપવું. આવી રીતે જે કથા સાંભળે છે, વાંચે છે અને ભગવાનને સંભારે છે તેનો આ જન્મે મોક્ષ જરૂર થાય છે. આના એક સો ને આઠ પાઠ કરાવવા. પૂનાવાળા શેઠિયાઓએ જૂનાગઢમાં બેસાડ્યા હતા ઘણા વર્ષો પહેલા એને કેવાય પુરશ્ચરણ એટલે ફરી ફરીને વાંચવું, વંચાવવું. દરરોજ પુરશ્ચરણ કરનારને ભોજન આપવા, દક્ષિણાઓ આપવી, વસ્ત્રો આપવા, પુરશ્ચરણ ફળાહાર કરાવવા, છેવટે એનું મોટું પૂજન કરાવો ત્યારે બે હજાર હોમ કરાવવા. શા માટે ? કોઇ શત્રુના દુઃખ હોય તો શમી જાય. બાળક ના હોય તો પુત્ર પરિવાર વાળા થાય. રોગ હોય તો મટી જાય. દારિદ્રય હોય તો ભાગ્ય સારું થાય. ચિંતાઓ હોય તો બધી શાંત થઇ જાય. બે ય છેડા સાજા ન રહેતા હોય તો સાજા રહે, કેના ? દાણા પાણીના. જેટલું કમાતો હોય એટલું વયું જતું હોય, ગમે એટલું કમાય પણ ઘરમાં બરકત ન દેખાય એનું કારણ શું ? ગરુડ પુરાણમાં એમ અધ્યાયમાં લખ્યું છે ઉત્તરાર્ધમાં. તો કે ગમે તે કુળ કુટુંબનું અડખે પડખે શ્વાસ મેલનારો અવગતિયો છે. પછી પાંચ નંબર લખ્યા એમાં. પહેલો શ્વાસ ક્યાં નડે ? તો કે પહેલાં ખેતરમાં નડે. દાણા, પાણી, મોલ સારા ન થવા દેય. બીજે નંબરે ક્યાં નડે ? તો કે નાના નાના છોકરા ગર્ભમાંથી બળી જાય. એનો શ્વાસ ત્યાં નડે. ત્રીજે નંબરે ક્યાં નડે ? પશુઓ, ઘરમાં સમૃદ્ધિઓ સારી ન હોય, કુળ- કુટુંબનો ક્ષય થવા માંડે. ચોથે નંબરે ક્યાં નડે ? તો કે મિલકતો બધી કોતરી લેય, લઇ ખાય જાય. પાંચેય તો કે થઇ રહ્યું એકલો થઇ ગયો એવું કરી નાખ્યું. પાંચમે ગરુડ પુરાણના બે ભાગ છે. એમાં ત્રીસ અધ્યાય વંચાય છે મરણ પછી એમાં લખેલું છે.