ભક્તિનું માહાત્મ્ય - ભક્તિના ફળરૂપે ધામની પ્રાપ્તિ
તમામ સૃષ્ટિને ભગવાને મળવા માટે બધી સગવડો આપી છે. અનેક જીવ જાત ભગવાનને ઓળખી શકતી નથી પણ મનુષ્ય ઓળખે છે. માટે ભગવાને મનુષ્યોમાં પોતાની ઓળખાણ રાખવા મનુષ્ય જેવા થવું, મનુષ્યની પેઠે રમવું, ખાવું, પીવું, ઊંઘવું, કામકાજ કરવા, મનુષ્યોને આનંદ આવે એ પ્રમાણે ભગવાન માણસોની ભેગા ભળીને, તેને પોતાના તરફ વાળીને પોતામાં હેત કરાવીને, પોતાની ઓળખાણ અપાવીને હું પરબ્રહ્મ છું મને ભજજો એ રીતે એના જીવમાં ઘડ્ય બેસાડે છે. જીવને ભગવાન જોઇએ છે પણ ભગવાન ઘરમાં રહે, આવે, બેસે, ભેળા રહે, ભેળા કામકાજ કરે, એવી લાયકાત મેળવતા નથી. જો ખરી લાયકાત મેળવે તો ભગવાન ઘરેથી ક્યાંય ના જાય. ત્યાં ને ત્યાં રોકાય, દેખાય ના દેખાય વાત જુદી છે પણ કાયમ સંભાળ રાખવા માટે બેઠા જ હોય છે. સુરા ખાચરને ત્યાં પહેલાં ગયા હતા મહારાજ, ખટવાંગ રાજાને ત્યાં ગયા હતા, એ રાજાઓની પહેલી ઓળખાણ હતી પણ જાણ્યું કે, આ ભક્તોના ધાર્યા પ્રમાણે હું રહેવા માંડીશ તો કદાચ એના ધાર્યા પ્રમાણે એ મારા તરફથી છેટા પડી જાય. માટે એવે ઠેકાણે રહેવું નથી. દાદા ખાચરના, એભલ ખાચરના કુટુંબને જોયું કે આ મારાથી જુદા પડે એવા નથી, તો એને ઘરે આખી જિંદગી રોકાણા, લોજ-માંગરોળ આવ્યા, ગયા, ફર્યા, માણાવદરમાં રહ્યા, જેતપુરમાં ગાદી કરી. પરબતભાઇને ઘરે રહ્યા, વીસનગર, વડનગરમાં રહ્યા, આખા, પીપલાણામાં રહ્યા, કુશળકુંવરબાઇને ત્યાં પધાર્યા, દંઢાવ્ય દેશમાં વજીબાને ત્યાં ગયા. કચ્છમાં પધાર્યા. માતાજી સાથે પોતાની ઓળખાણ કરાવી. ઘણાં ઘણાં ભક્તો સાથે ભગવાન ફર્યા, પણ એ બધાય ઠેકાણે જરૂર કાંઇક ભગવાનને એક આની ઓછું લાગ્યું. જીવુબા, લાડુબા ને ત્યાં સોળ ને બદલે અઢારઆની એક અંગ દેખ્યું. તમામ કુટુંબને જો એવી રીતે આત્મનિવેદીપણું હોય તો ભગવાન ત્યાંથી દૂર જતાં નથી અને આત્મનિવેદીપણામાં કંઇક ખામી હોય તો ભગવાન પાસે આવતા નથી.
રામચંદ્ર ભગવાન અરણ્યમાં ફર્યા, બધે રહ્યા પણ હનુમાનને આત્મનિવેદીપણું થયું તો રામ ભેગા ગયા અને હનુમાનજીને આશીર્વાદ દઇ દીધો કે ‘‘હનુમાન તું ત્યાં હું અને હું ત્યાં તું’’. રામકથા થાય ત્યાં આપણે બેય. શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવને અને અક્રૂરને પાસ કર્યા, બાકી બધાને એક કોર મેલી દીધા. બ્રાહ્મણોને પાસ ના કર્યા. બ્રાહ્મણિયું ભક્તાણિયું હતી; જમાડ્યા તો ઇ ખરી ભક્તાણિયું ખાટી ગઇ, ભાગવતમાં લખ્યું. ત્યારે કપિલદેવજી થયા માતાજીને જ્ઞાન મળ્યું. દત્તાત્રેય થયા, ઘણાં અવધૂતો એની નીચે હતા, કેટલાય અવધૂતો ભજી ભજીને ચાલ્યા ગયા. નવનાથ, યોગેશ્વરો, ભરતજી, બુદ્ધ ભગવાનનાં ઘણાં ચેલા હતા પણ જડભરત જેવો કોઇ ના થયો. સ્વામિનારાયણ ભગવાનને ઘણા શિષ્યો હતા, શતાનંદસ્વામી, સ્વરૂપાનંદસ્વામી, સંતદાસજી, કૃપાનંદસ્વામી અલમસ્ત જોગી આકાશમાર્ગે ચાલે એવા ભગવાન વિના ઘડીયે ન ચાલે. દલુજી જોગી, પરબતભાઇ, ભગવાન વિના ઘડીયે ન ચાલે. એવા એવા ભગવાનનાં એકાંતિક ભક્તો થયા જે અક્ષરધામમાં ભેગા છે. સુંદરજી સુથારને દેખાડી દેવું હતું કે, જૂના વખતમાં દરબારો સાધુ થાતાં એમ મારા વચનમાં સાધુ થાય. તો ઘણાયને કાગળ લખ્યો કે, ભૂજ તમે બધાય ત્યાગી થઇને મારી પાસે આવજો. બધા ત્યાગી થઇને આવ્યા, મૂંછ મુડાવીને. આવ્યા પછી મહિનો’દિ રાખીને કહ્યું કે, હવે સૌ સૌના ઘરે વયા જાવ, મારે તો દેખાડી દેવું હતું કે, મારા વચનમાં કેવા ભક્તો છે ! ઘરબાર, રાજ ત્યાગ કરી દીધા, ઘર શું કામનું છે ?
એવી રીતના ભક્તો ભગવાન લેખે જો તન, મન, ધનથી ન અર્પણ થઇ શકે તો ઇ અડધા ભક્તો હોય, પા ભક્તો હોય, પોણા હોય, કોઇ પોતાના અર્થ સિદ્ધ કરવા ભક્તિ કરતા હોય. ઘણાય એવા છે, તે દેખાઇ આવે. ટાણું આવે ત્યારે ખબર પડે કે આ ભક્ત એના આ કામ માટે ભગવાનને નમતો હતો. આ ભક્ત હા જી હા કરતા હતા. આવા ભક્તો છે એ બધું ફના મકા કરી નાખે એવા નથી, ભગવાન વાળે એમ વળે એવા નથી, એને માયા દેખાય છે, આપણું શું થશે ? એ કહે એમ કરશું તો આપણું શું થઇ જશે ? તો બીજા ક્યે એમ કરો એમાં જેમ થવાનું હશે એમ થાશે પણ ભગવાન ક્યે એમ કરે એમાં અવળું નહીં થાય, સવળું થાશે કારણ કે નજર રાખનારા છે, રક્ષા કરનારા છે, ભગવાનને બધુંય છે, વિશ્વંભર છે, કાંઇ અધૂરું નથી, તૃપ્તિ છે, ભગવાન પોતાના મહિમામાં જીવે છે. પોતાની સમૃદ્ધિમાં ગરકાવ છે. પોતાની રચેલી આ બધી જીવાત્માની સૃષ્ટિઓની માલીકોરથી જોઇએ તેટલું લઇ લે છે, બાકી એને કંઇ કોઇ અધૂરાપણું નથી. લાખો ભક્તો ઓળખી ગયા, ચાલ્યા ગયા અને પડીએય ગયા, જુદાય પડી ગયા, હાલ્યાય ગયા. કંઇ એનો ભગવાનને અફસોસ નથી કારણ કે, એની દુનિયા બહુ જબરી છે. આખી સૃષ્ટિઓ કરતાં જબરી છે, આવા કરોડો તારોડિયા, સૂર્ય અને ચંદ્ર એ તો એના એક ખૂણામાં ક્યાંક પડ્યા હોય, રમતા હોય છે, એવા તો ભગવાનના ધામ છે.
આખી દુનિયાના સુખ ભગવાનની મૂર્તિમાં ભર્યા છે અને એ સુખને લેવા કોણ પાત્ર થાય ? એ તો રસિયામાં રસબસ રસિયો થાય તો એ પાત્ર થાય, બાકી તો બધાં કાગળીયા છે. ઠીક છે, ભગવાન પરીક્ષા કરે કે કોઇ રીતે જીવ આપણી ઓથે ઓળખાણથી બ્રહ્મલોકમાં જાય, ઉપાસના વધે, સારાવાના થાય, ખબરદાર થાય. એમ ભક્તને માટે ભગવાન વિચાર્યા કરે છે. નર હોય કે નારી હોય પણ એને એટલું સમજાય કે, આ મને મળ્યા એવા જે ભગવાન તે સાચા ભગવાન છે. એનામાં ચિહ્નો છે, એનામાં ચમત્કાર છે, એનામાં ભગવાનપણાંની બધી ક્રિયાઓ છે, દિવ્યતા છે, પ્રભુપણું છે, છે ને છે. આવું નક્કી થઇ ગયા પછી ભગવાન માટે શું શું ના થાય ? ગામ-ગરાસ તજે, ઘરબાર તજે, પુત્ર પરિવાર તજે, પતિ તજે, જે કંઇ પોતાને માન-મોટાઇ હોય એ બધું તજી દે. ભગવાન લેખે ખરેખરો નિષ્ફિકર પુરુષ મુક્ત જેવો થઇ જાય. ભગવાન આટલું બધું થવા નથી દેતા શું કામ ? જીરવી ના શકે માટે, થોડાક દિ’ જીરવે પણ પછી પાછો હોય એવો થઇ જાય, નાસીપાસ. એટલે કેફ ચડ્યો હોય એ ઊતરી જાય. હવે તે દિ’ એને ક્યાં સાચવવો ? જોગમાં હોય તંઇ કેફ ચડી જાય પણ પછી જોગમાંથી મટી જાય ને ચાર છ મહિના આઘો રહે તે દિ’ એનો કેફ ઊતરી જાય ત્યારે થઇ જાય ઢીલો ઢફ. એને સાચવવો ક્યાં ? ક્યાં ઢેફાં ભેગો નાખવો ? એટલે ભગવાન બધા જીવને સદતું સદતું કંઇક ભજન ભક્તિ કરાવે છે, એમ કરતા ખાટી ગ્યો, તો બ્રહ્મલોકમાં પહોંચી ગ્યો અને ન ખાટ્યો તો બે ચાર જન્મે પહોંચે પછી ધીરે ધીરે ત્યાં ભક્તિ કરે, ત્યાં ઘણાય લાખો છે સેવકો, એની હારે ભેગો રહે ને લહેર કરે. એટલે અહીંથી પરબારું ભગવાન કંઇ પણ એકદમ આખા જગતથી જુદાપણું થઇ જાય એવું કરતા જ નથી, બધાય ભગવાને માણસો ભેગાં રહીને કામ કર્યુ છે અને ઓળખાણો આપી છે પછી ધીરે ધીરે ભજતાં ભજતાં ઘણાય તરી જાય છે; માટે ભગવાનના આનંદોના, ભગવાનની કથાઓના, ભગવાનની લીલાઓના, એના ચમત્કારોનાં ગ્રંથ વાંચવા, બોલવા, શીખવા, એમાંથી સાર લેવો.
જન્મ્યા ત્યારે આપણું કંઇ નહોતું. ખાઇએ, પીએ છીએ એ શાક, ચા-પાણી, પાંદડું, દાણાં એ આપણાં કંઇ નથી. પંચભૂતનું શરીર આપણું નથી, કપડાં પહેરીએ એ આપણાં નથી, ખોરડું પાણાનું છે, શરીર ખોરાકનું છે, જીવ કર્મ-બંધન ભોગવે છે. આમાં ભગવાનનું શું ? ભગવાનને આપ્યું એટલું ભગવાનનું. આપવાનું શું હતું ? તમારું શું છે કે તમે આપશો ? ભગવાનનું આપેલું છે એમાંથી એમ કહેવું કે, ભગવાન આ તમે વાપરો, માત્ર પ્રસાદી મને આપો. એમ ભગવાનને સેવવા, એમ સેવે છે તો આ લોકમાં મહામુક્ત જેવો થઇ જાય છે અને જો નથી સેવતો તો રખડું રહી જાય છે. ઘણાંય ઘણાં અવતારોમાં ઘણાં ઠેકાણે જોગમાં આવ્યા ને રઇ ગયા, આઘા ભાગે, આઘા આઘા ભાગે એ રહી ગયા. તેની લખચોરાસી બહુ લાંબી છે, અબજો વર્ષો વયા જાય તોય પાછો જોગ ના થાય. એવી લખચોરાસીમાં વીતી ગયા છે, પાસે આવ્યો અને મહિમા સમજાય ગયો, દિવ્યતા સમજાઇ ગઇ, ભગવાનના જોગમાં આવી ગયો, ભગવાનના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ભગવાનના આનંદમાં ગરકાવ થઇ ગયો, સુખ લેવા શીખ્યો એને ભગવાન અહીંયા ય ભેગો રાખે અને ધામમાં ય ભેગો રાખે. માટે પ્રભુને જે જીતવા, એ પોતે જીતાય જાય પછી પ્રભુ જીતાય. પોતે ન જીતાય તો પ્રભુ યે ના જીતાય. માટે ભગવાન એ ભગવાન, મળ્યા એ મળ્યા, ભજ્યાં એ ભજ્યાં, ભજવા એ ભજવા, બીજાને ભજાવવા અને પોતે ખબરદાર રહેવું, અધૂરું કંઇ ના માનવું. જીવન વીસ, પચ્ચીસ, પચાસ વર્ષનું, સો વર્ષનું હોય એ પૂરું કરવું જોઇએ અને એ તો મટકું મારીએ એટલી વારમાં વયું જાય છે. જન્મ્યા, મૂછ ઊગી, ધોળાં થયા અને ભાગ્યાં. ઓહોહો આટલા બધા વર્ષ વયા ગયા ? થોડીવારમાં વયા ગયા ? તો થોડીવારમાં વયા જાય.
એક ઋષિની કથા લખી છે. વર્યો, પરણ્યો, પછી એને એમ કે હવે ભોગ એક સામટા કરી લઉં, પછી મેલી દેશું, પણ ઓલી એવી ચાલક ને ત્યાંથી ઉઠવા જ ન દે. એમ કરતાં કરતાં પુરાણમાં વ્યાસ ભગવાને લખ્યું કે, સાંજે સંધ્યા કરવાનું ટાણું થયું તો ક્યે હજુ વાર છે. રાત વય ગઇ, બીજો દિવસ થયો, સંધ્યા કરવાનું ટાણું થયું તો ક્યે હજુ વાર છે. એમ કરતાં કરતાં પાંચ દસ દિ’ ગયા, વીસ દિ’ ગયા, બે મહિના ગયા, પાંચ મહિના ગયા, વીસ વર્ષ કાઢી નાખ્યા એક ઠેકાણે ને એક ઠેકાણે. જ્યાં નાવું-ધોવું, સંધ્યાનું નામ લે તો ક્યે હજુ વાર છે. ઓલી માયાએ એવા રોકી રાખ્યા પછી નારદજી આવ્યા ને કહે, ઋષિરાજ કેમ છે ? તો ક્યે મારે નાવું-ધોવું છે, તમે રોકાવ. હું સંધ્યા વંદન કરી લઉં, પછી તમને જમાડું. તો ક્યે આ વીસ વર્ષ તારા ક્યાં ગયા ? નાવું ધોવું હતું સંધ્યા કરવી હતી તે ? હેં ! વીસ વર્ષ વયા ગયા ? પૂછ તો ખરા આવડી આ ને ? પૂછ્યું, તો કે હા વીસ વર્ષ તો ગયા, તમારી સંધ્યા હજુ નથી થઇ. જીવ આવી રીતે મોહમાં પડેલો છે, જિંદગી વઇ જાય તોય એની સંધ્યા પૂરી ના થાય, કોઇનું પૂરું થયું નથી ને પૂરું થવાનું નથી. ભગવાન કંઇક થોડું ઘણું ત્યાગ, વૈરાગ્ય થાવાનું મેલે તો જીવ મેલે. થોડોક તાવ મેલે, થોડુંક ઠોઠીયું મેલે, થોડુંક દાળદર મેલે, થોડુંક અપમાન મેલે, અશક્તિ મેલે, તઇ માલી કોર બેઠો બેઠો વિચાર કરે મારું હાળું આવ્યું ખરું, આવ્યું ખરું, આવ્યું ખરું, હાય હવે શું થશે ? હાય હવે શું થશે ? શું શું થવાનું ? ભગવાન ભજ ને તો કંઇ થવાનું નથી, થયું છે એ પણ ઉપાડી જવાનું છે અને પ્રભુ ભજીશ તો હું ઉપાડી જાઇશ. આ રીતે ભગવાન લઇ જાય છે. માટે નર કે નારી, રાજા કે પ્રજા, તાલેવાન કે ગરીબ, એના બધાયના ભગવાન છે. ભજે તેના ભગવાન, કાંઇ એમને ત્યાં પક્ષપાત નથી. સમજીને, વિચારીને, દેશ-પરદેશ જઇને પણ પ્રભુને મેલવા નહીં, એમ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ છે માટે એને ભજી લેવા.