પરાવાણી ૪૭

માનસ પ્રત્યક્ષ, લૌકિક પ્રત્યક્ષમાં અલૌકિક પ્રત્યક્ષની વાત - ભગવાનના સંબંધ વિનાના પરધર્મથી દૂર રહેવું

ભગવાન અને સત્પુરુષની છબી પોતાના મકાનમાં, ભગવાન અને સત્પુરુષના બાર મહિને ઘરમાં ચરણારવિંદ, પોતાના ઘરમાં પગલાં કરાવવા. અને ભગવાનની મૂર્તિને રોજ ભજન કરી કરી અને રાજી કરવા, એમના પૂજન કરવા, ધ્યાન ભજન કરવા એમને જમાડવા, આવી રીતે કરતો રહીશ તો એમાં વધારો ખર્ચો નહીં લાગે. આ નવરાશમાં થાય એવું છે. સવારે ઉઠતાંવેત નવરા, સાયંકાળે કામ-ધંધામાંથી છૂટે ત્યારે નવરા. આ નવરાશમાં આટલું કરી લેજે એટલે તારો મોક્ષ થાશે. શ્રીકૃષ્ણ ભગવાન કહે, વાહ ભીષ્મ તમે સારું બતાવ્યું. યુધિષ્ઠિર રાજા કહે, મને સમજાણું બરાબર. ભીષ્મ કહે, હજુ નથી સમજાણું. ત્રણવાના કહ્યા તોય તને નથી સમજાણું. તો કાં ? મને સમજાઇ ગયું છે. હું ઘરે જઇ બંગલામાં નરસિંહ ભગવાનની મૂર્તિ સ્થાપીશ, રામની મૂર્તિ સ્થાપીશ અને રોજ પૂજા કરીશ. રામ રામ કરીશ. એને થાળ ધરીશ. આ ભીષ્મ કહે, આ તારો આ કૃષ્ણ પડખે બેઠો છે ઇ તો જો, ઇ કોણ છે ? આ પ્રત્યક્ષ છે. તું એને પગે લાગ, એને ધરીને જમ. એની સલાહ લે, એનું ભજન કર. આ ખરી ઓળખાણ છે. ઓહો હો આ મારી ભૂલ બહુ જબરી છે. દર્શન કરનારા, એમની મૂર્તિને સંભારનારા એ માનસ પ્રત્યક્ષ.

માનસ પ્રત્યક્ષ થયા પછી એની મૂર્તિઓ પ્રગટ કરી. એના સ્વરૂપ પ્રગટ કર્યા, એના ગ્રંથો લખાણા, જોઇ લ્યો વચનામૃતો. સંવત 1876ના માગશર સુદી ચતુર્થીને દિવસે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીંબડી નીચે બિરાજમાન હતા. દેશ દેશના હરિભક્તોની સભા ભરાઇને બેઠી હતી. પોતે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. આ ત્રણેય બતાવ્યું લૌકિક પ્રત્યક્ષમાં અલૌકિક પ્રત્યક્ષ. સંવત 1876 એકડો, આઠડો, સાતડો, છગડો આ આંક, એ આંકમાં ભગવાન રહ્યા છે. માટે આંક એનું શરીર છે. આ ઇ પ્રત્યક્ષ શરીર શરીરી. સમય વિક્રમ સંવત. વિક્રમ એનું શરીર હતું કારણ કે રાજા ભગવાનનું શરીર છે, તેમાં ભગવાનનો વાસ વિશેષ છે. ચક્રવર્તીમાં વધારે વાસ લખ્યો છે. વિક્રમથી ઉપલબ્ધ સમય માટે વિક્રમ એટલો સમયનો તાત્પર્યકાળ, સમયમાં એકડા લાગુ પડ્યા એટલે વર્ષ. વર્ષમાં ખંડ લાગુ પડ્યા એટલે માગશર માસ. ઇ પરમેશ્વરનું શરીર થયું માર્ગશીર્ષ. માગશર મહિનો. બધું એનું શરીર છે પણ આમાં વિશેષ છે. તત્ત્વ, કાંઇક વધારે છે. એમાંય પણ દાદા ખાચરના દરબારમાં. એની માટે તો બધુંય ભગવાન છે. પણ હું હરતો ફરતો વિચરતો ત્યાં છઉં એટલે આપણને એમ થાય અત્યારે વાંચો તોય શ્રીહરિ ત્યાં બિરાજ્યા છે, બેઠા છે, બોલે છે, સાથે સંત બેઠા છે. અનેક દેશના હરિભક્તો બેઠા છે. બોલો આ તદાકાર થઇ જાય, ઇ તદાકાર થાય એટલે તરત શબ્દો પ્રગટ થવા માંડે, પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, બોલો ઇ શબ્દો પ્રગટ થવા લાગ્યા, સંતના શબ્દો પ્રગટ થાય. આપણે કાનથી સાંભળીએ, એ શબ્દ આકાશમાં લીન રહ્યો હતો તેને એના સાધન વડે પ્રગટ કર્યા. સાધન ક્યું ? આપણી જીભ. જીભથી થોડો પ્રગટ થાય. કારણ કે આમાં બ્રહ્માએ ગોઠવણ એવી કરી છે. પણ આપણે ગોઠવણ એવી કરી છે કે, કોણે ક્યાં ક્યાં જીભો મેલી એટલે બ્રહ્માંડમાં વ્યાપી જાય શબ્દ. આ રીતે શબ્દે એના વર્તમાન અર્થને ભાન કરાવી દીધું માટે અર્થ છે ઇ પ્રત્યક્ષ પ્રમાણ છે.

આ રીતે દિવ્ય માનસ પ્રત્યક્ષ એ દાદા ખાચરનો દરબાર, લીંબડી, નીચે ઓટો ને સભા ને સંત પુરુષો. એના થતાં વાક્યો એના થતાં અર્થો અને આપણા કાન સાંભળે. વચનામૃત વંચાય અને આપણે સાંભળીએ. ભગવાન એવા દિવ્ય મૂર્તિ એના બોલેલા શબ્દો કાનમાં લેવાણા. જોઇ લો કાનમાં શબ્દ પ્રત્યક્ષ થઇ ગયો. એ શબ્દમાં જરાક શબ્દ વચનામૃતમાં બેઠો. એની રેખાઓ વચનામૃતમાં બેઠી. એ રેખાઓ પ્રમાણે બોલનારો બોલે કે આ મહારાજ બોલ્યા’તા એ શબ્દ તેનાથી આ રેખા છે, તે રેલગાડીની ટિકિટ હાથમાં આવી એટલે ટિકિટ એમ બોલે કે તમને ડબ્બામાં બેસવા મળશે. અને ફલાણે સ્ટેશને ઉતરવા મળશે. ટિકિટ નો બોલે પણ ઓલી રેખા બોલે. રેખામાં શબ્દ રહ્યો છે. ખાલી લાક્ષણિક અર્થ થયો. શબ્દને ઠેકાણે લક્ષણા વાપરવી પડી. એનું નામ શું ? તો કે સત્યાર્થ હોય એની સાથે સંબંધવાળી બીજી ચીજો હાજરી આપે માટે લક્ષણ. સત્ય અર્થને અડખે પડખે રહી અને લક્ષ્યમાં લેવા જેવી ચીજ, ઇ ચીજ લેવાય એમાં આત્માનું જે જ્ઞાન થાય, અર્થબોધ થાય એમાં જે વૃત્તિ પહોંચી ગઇ ઇ લક્ષણા વૃત્તિ. આ રીતે લક્ષણાવૃત્તિથી પ્રત્યક્ષ પ્રમાણ શ્રીહરિ બિરાજે છે. માટે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એમનો શક પ્રત્યક્ષ પ્રમાણ ચાલ્યો આવે છે. ઇ પોતે પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રત્યક્ષ બિરાજે છે. એવા ભગવાન તે અમારી બુદ્ધિને, ઘી ને અને ઘી વાળો એવો આત્મા તેને સત્કાર્યમાં પ્રેરો. સારા સારા કામ કરાવો. ઇ સત્કાર્ય ક્યાં ? તો કે તમારા સંબંધી સત્કાર્ય. હું તમારા નિર્ગુણ કામકાજ કરું એનું નામ સત્કાર્ય. આવા સારા કાર્ય હું કરતો જાઉં.

સ્વામિનારાયણ ભગવાન કહે છે, એવા સત્કાર્યોમાં મેં તમને આજ્ઞાઓ કરી. દેવતાઓમાં હું વસેલો છઉં. દેવાલયોમાં વસું છું. દેવોમાં વસેલો શરીરી હું છું. તમારામાં વસેલો હું છું. દેવો એ શક્તિથી ઉપાસના કરી દેવત્વપણું પ્રાપ્ત કર્યુ છે એટલે સિદ્ધીમત્તાપણું, એનું નામ દેવત્વમ્. ત્યારે આપણામાં સિદ્ધીમત્તાપણું ઇ આપણું મુક્તત્વમ્. આપણામાં સિદ્ધી કઇ ? સ્વામિનારાયણ ભગવાનના સમયમાં સંત પુરુષો જીભથી બોલતા એ થતું અને અત્યારે આશીર્વાદ આપે છે ને થાય છે. હરિભક્તો પણ બળિયા ખરેખરા. ભગવાનને માથું આપનારા. અનન્ય શરણાગત. શ્રીહરિના બળવાળા ઇ આજ્ઞાને આશીર્વાદ દઇ દેય ઇ પ્રમાણે ફળીભૂત થાય છે ઇ એની શુદ્ધિ. પુરુષોત્તમ નારાયણ બળવાળા છે, બળિયા છે પણ એનું બળ ઓળખી, પોતાનામાં બળ લેવા શીખવું. જો લેતો નથી તો બળિયો તો છે પણ બળ વાપરી શકતો નથી. કદાચ વાપરવા જાય તો ઠઠ્ઠા જેવું થાય. કામ ના કરે પકડાય તો ખરું. કામ ન કરે માટે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહે છે, તમે જે દેવોનું દર્શન કરો તેમાં મને જો જો, તમારા ઇષ્ટદેવને જો જો.

મહારાજ કહે, જગન્નાથપુરીમાં અમે વસતા, એક મહિના સુધી જગન્નાથજીની મૂર્તિમાં રહી અને અંતર્યામી તરીકે ત્યાંના બ્રાહ્મણ એવા પૂજારીનો ભક્તિભાવ દેખતા. પુરાણમાં જગન્નાથની મૂર્તિ એની હકીકતો ઘણી લખી છે. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા થયો એણે ભગવાન પાસે માંગણી કરી. પ્રભુ આ પૂજા વાસ્તે મને કંઇક આપો. ભગવાને દર્શન દઇને કહ્યું, મેં મારી મૂર્તિ બ્રહ્માને આપી છે, બ્રહ્મા પાસેથી ઇન્દ્ર લઇ આવ્યો છે. ઇન્દ્ર પાસેથી સૂર્યે માંગણી કરી છે અને સૂર્ય ઇન્દ્રદ્યુમ્ના સરોવરથી જગન્નાથપુરીનું ગામડું ત્યાં થઇ અને આગળ સમુદ્ર પાસે જાય, ત્યાં એક દિવ્ય વડલો તેની શાખામાં મારી મૂર્તિ હાથ આવી જશે. સુર્યનારાયણ મેલી જશે. એ મૂર્તિને તમે સ્થાપો. આ રીતે એ મૂર્તિની સ્થાપના કરી. માટે જગન્નાથજીની મૂર્તિ દિવ્ય કહેવાય છે. બહુ લાંબી કથા છે. પુરુષોત્તમ ખંડ સ્કંધપુરાણમાં આ કથા છે. પહેલાં પહેલાં નરસિંહજીની મૂર્તિ હતી, ત્યારપછી વરાહ ભગવાનની મૂર્તિ થઇ, ત્યારપછી આ વડલાની શાખામાં રહેનારા નારાયણની મૂર્તિ થઇ અને એ મૂર્તિ સમુદ્રના વાવાઝોડા વડે કરીને મંદિરો સહિત પૃથ્વીના ઊંડાણમાં ચાલ્યા ગયા એટલે દટાઇ ગયા. એની ઉપર ચકરીઓ થઇ ગઇ. ત્યારપછી ફરીવાર શ્રીકૃષ્ણ ભગવાનની બલદેવની મૂર્તિ અને એમના ભગિની બેનની મૂર્તિ શ્રીકૃષ્ણ ભગવાને દર્શન દઇ પધરાવવા વાસ્તે કહ્યું કે, એ પધરાવેલા છે.

આ આખો ઇતિહાસ સ્કંધ પુરાણના પુરુષોત્તમપુરીના ખંડમાં લખેલો છે, માટે હું મૂર્તિમાં રહું છું. મૂર્તિમાં રહેનારો હોય એમાંય રહું છુ. વિષ્ણુ પંચાયતન એમાં હું રહ્યો છું. માટે દર્શન કરવું. એમાં હું છું એમ સમજી અને આદરથી દર્શન કરજો, એમ સ્વામિનારાયણ ભગવાને કહ્યું. વૃદ્ધને પગે લાગવું, વિપ્ર વેદ અને શાસ્ત્રોના જ્ઞાની એવો બ્રહ્મવેત્તા પુરુષ, બ્રાહ્મણ દેવ તથા તપસ્વી, સાધુ પુરુષ અને ગુરુ એ અંધારું ત્યજીને જ્ઞાન આપે. સાધુ સંન્યાસી, સાધ્વી, પતિવ્રતા નારી અને આદરણીય માનવા એને જરૂર નમસ્કાર કરવા. વશિષ્ઠ ઋષિ લખે છે કે, એમાં પ્રભુ રહ્યા છે. જે ભગવાનને વાસ્તે રહેલા છે, એમાં પ્રભુ રહ્યા છે. એમ જોઇ અને નમસ્કાર કરજો. આપણો રંગ જેણે કરીને રંગાણો અને ઇ રંગ વડે આપણે રંગાણા. રંગમાં રંગાણાપણું શું છે ? રંગનો ચળકાવ. ઇ ચળકાવ એટલે શું ? તો કે ચમત્કાર. ચમત્કાર એટલે શું ? તો કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત અને સાધુઓ એનામાં ધર્મનો ચમત્કાર, નિયમનો ચમત્કાર, ઉપાસનાનો ચમત્કાર, ઇષ્ટદેવના બળનો ચમત્કાર, ઇ ચમત્કાર છે ઇ એક જાતનો રંગ છે. રંગમાં રંગ ચમત્કારવાળો રંગ એટલે પોતાના ભક્તજનો એનું બળ, એ ભક્તજનોને ભગવાનનું બળ અને ભગવાનનું બળ છે એ એનો વર્ણ છે, એને શાંતિ લેવાનો આશ્રમ છે.

શ્રીહરિએ કહ્યું, મારી મૂર્તિમાં આવીને બેસો છો કે જ્યાં ત્યાં ? જેને તેને બીજા ત્રીજા ને સંભારી જ્યાં ત્યાં પડ્યા રહો છો ? વચનામૃતમાં ઇ હકીકત લખી છે, ત્યાં હરાયા ઢોરનો દાખલો લખ્યો છે. મારી મૂર્તિનો આશ્રમ, મારી મૂર્તિનો રંગ, ઇ તમારો વર્ણ, તમારો આશ્રમ, તમે ભક્ત છો અને લોક રીતિ પ્રમાણે વર્ણ ને આશ્રમ ગોઠવાણા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે. બ્રહ્મચારી, ગૃહસ્થ વગેરે એનો ધર્મ એ તમે ત્યજશો નહીં. મારી આજ્ઞા છે. માટે આજ્ઞાવાળો ધર્મ ઇ ભલે લૌકિક ધર્મ છે. તોય પણ ભાગવત્ ધર્મમાં સામેલ થઇ જાય છે. એવો મારો ભાગવત્ ધર્મ પાળજો. શાસ્ત્રે વિભાગ કરીને વિશેષ ધર્મો લખ્યા, એ વિશેષમાં એ તમને લોકમાં મળતું ન આવે તેવા રીત રિવાજ હોય તો એવા રીત રિવાજને તમે જે વર્ણ આશ્રમમાં રહ્યા હોય એમાં મળતા ન આવે તેને ગ્રહણ ન કરતાં. માટે વર્ણાશ્રમ ધર્મમાં મારો વર્ણ મારો આશ્રમ એનો ધર્મ ભાગવત્ ધર્મ. તમારા વર્ણ અને તમારો આશ્રમ એને ઘટતો એવો લૌકિક ધર્મ. તે બેયને ભેગા કરી અને ભાગવત્ ધર્મ કરી એને તમે પાળજો અને મારામાં અર્પણ કરજો એટલે મુક્તિ દેનારો, મોક્ષ દેનારો એ ધર્મ થશે. આ વર્ણાશ્રમનો ધર્મ કહ્યો. ઇ તો ભાગવત્ ધર્મમાં સામેલ કરી દીધો.

હવે પરધર્મ ક્યો રહ્યો ? એ સિવાયના બીજા ભાગવત્ ધર્મમાં સામેલ થયેલા જે ધર્મ એ ધર્મને પાળતા પાળતા ભગવાનને કદાચ કો’ક દિક ભૂલી જવાણું. અજાણે અને અજ્ઞાને હું કરું છું, ભગવાનને ભૂલી અને અહમ્ પદથી પોતા વડે આશ્રમ થઇ જાય એવી જાતનો ધર્મ એ કેવો થયો ? પરમેશ્વરને પડતા મેલી અને પર તરીકે હું થયો એવો મારો ધર્મ તે પરધર્મ. એટલે ભગવાનના સંબંધ વિનાનો ધર્મ એનું નામ પરધર્મ. કેનો ધર્મ ? આત્માનો ધર્મ શું છે ? સુખિયા દુઃખિયા ન થાવું. માયાનો ધર્મ શુ છે ? સુખ અને દુઃખવાળા થવું. બોલો માયાનો ધર્મ પોતે ગ્રહણ ન કરવો. આત્માએ નિર્લેપ રહેવું. માયા બંધન કરનારી છે. આત્મા બંધન વિનાનો છે. બંધન માયાનો ધર્મ છે. જ્યારે આત્માનો મુક્તતા ધર્મ છે. માટે પરધર્મ એટલે બંધન ધર્મ. બોલો માયાનો ધર્મ ગ્રહણ ન કરતાં. એટલે જન્મ મરણ થાય એવું ન લેતા. મારા સંબંધી કર્મને ગ્રહણ કરજો. મારા સંબંધ વિનાનો ધર્મ એ પરધર્મ. આવા ધર્મથી આઘું રહેવું. હવે લોકરીતિ પ્રમાણે અર્થ. આપણા હૃદયમાં મળી જાય એવો અર્થ. ઓલો તો બ્રહ્મવેત્તાને મળે એવો અર્થ થયો. હૃદયમાં મળે એવો અર્થ. અમારે સાધુને ભગવા કપડાં પહેરવા. માથે મહારાજે કહ્યું એવા રૂમાલ બાંધવા. એમાંથી કદાચ અત્યારે ગાંધી ટોપી લાલ રંગી માથે પહેરીએ તો કોણ ના પાડે છે ? પણ એમ નહીં કાં એને ભગવી કરીને પહેરવી. રૂમાલને ઠેકાણે ટોપી ભગવી કરી અને ઓઢી લેવી. ભાઇ ભગવું વસ્ત્ર છે ને ? પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે એમ નહીં મારી વિલક્ષણ ટોપી. રૂમાલની અંદર રહેનારી ઇ ટોપી ઓઢો તો વાંધો નહીં પણ આવડી આ બેયકોર અણીદાર જેવી ઇ ટોપી તમારે માથામાં ન નાખવી. પરંપરાથી નથી ચાલી આવી, હજુ સુધી એનો કલેશ થયો નથી. પછી કાળે કરીને ગમે એમ થાય પણ એ સ્વધર્મ ન કહેવાય. ધર્મ એટલે ક્રિયા. અમારી ક્રિયામાં એ ન આવ્યું. અમારા કર્મકાંડમાં, અમારા વસ્ત્રકાંડમાં, અમારા રીત રિવાજમાં એ ગ્રહણમાં ન આવ્યું.

ભગવાનને ધર્યા વિનાનું જ્યાં ત્યાં જ્યાં ત્યાંથી જેમ મળ્યું અને ભોજન કરી લીધું. એ પરધર્મ. પરે આપ્યું, પરે લીધું, પર ઠેકાણેથી મળ્યું અને પરદુઃખમાં થયું અને પર દુઃખમાં મોઢામાં મેલ્યું એવું કર્મ ચાલ્યા કર્યુ એ પરધર્મ થઇ ગયો. ભગવાન કહે છે, આ રીતે પરધર્મને ઓળખવો. પછી સાવ સ્થૂળ દશામાં અર્થ - હું બ્રાહ્મણ છું, મારે ક્ષત્રિય ધર્મ કેમ લેવાય ? એ પરધર્મ. દેશકાળ હોય તો એય લેવો પડે. ક્ષત્રિય હોય અને મારે ખેતી કેમ થાય ? એ પરધર્મ. પણ દેશકાલ હોય તો ખેતી કરવી પડે. ક્ષત્રિય હોય અને નોકરી કેમ થાય ? એ ક્ષુદ્ર ધર્મ, પણ દેશકાળ હોય તો કરવો પડે. આ રીતે પરધર્મ ગ્રહણ ન કરવા. પણ મને એમાં સામેલ કરી અને મારા શાસ્ત્રોમાં કહેલ હોય એની રીતે એ જ એની રીતિ એના રિવાજ પ્રમાણે ગ્રહણ કરજો. પર નો અર્થ શું કરવો ? અનેક જાતના પર અર્થ વપરાય છે. ત્યારે એનો અર્થ શાસ્ત્ર રીતિ પ્રમાણે પર છે ઇ સામી બાજુ છે.