સાચા પરમેશ્વરની સમજણ - પંચજ્ઞાનેન્દ્રિય - કર્મેન્દ્રિયને ભગવાનમાં જોડવાની વાત
દેહધારીને આળસ ઘણી છે. તે ધર્મ પાળવા, પળાવવામાં ખબરદાર રહેતો નથી. ભગવાન ધર્મ પાળવા, પળાવવામાં ખબરદાર છે, ભૂલ કરતો જીવાત્મા તેની ભૂલ ટળાવવા માટે ખબરદાર છે. એની દેખરેખ એવી છે કે ઇ નહેરનું પાણી બીજે ન વયું જાય, જંગલમાં જાય તો મોલ ન પાકે. એ કદાચ મનુષ્યરૂપે આપણી ભેગા રહેતા હોય અને દિલમાં પણ વસેલા હોય તો એની બે નજરું હોય. હવે તારે થર આવવાના છે તે બરાબર હું સંભાળું, એમાં ઓછું નહીં થવા દઉં અને અંતરથી ઇચ્છે છે કે મને સારું જ મળો, સારું જ મળો. તો હું ઉપર છું તે જુદો રહીને તને સારું બતાવું ઇ કરતો જાઉ. આ મારા બે કામ છે. પોતાની સમાનતા સમજી લે એવો જીવાત્મા તે પરમેશ્વરનું કહ્યું ન કરે. એમ સમજે કે મને શિક્ષા આપનાર છે, મારી ભૂલને ટાળનાર છે મને ભણાવનાર છે તો વિદ્યાર્થી કાંઇક એની પાસેથી ગ્રહણ કરે અને કહે એમ કરે છતાં જો એની નજર ચૂકાવે તો દંડનો પાત્ર થાય. આ આખી સૃષ્ટિ ઇ રીતે દંડની પાત્ર છે, પણ કૃપાની પાત્ર છે. એક લાકડી હાથમાં મારી અને વળી પાછા અક્ષરો, વિષયો શીખવાડે.
જો જો હવે શાસ્ત્રમાં શું શું લખે છે. બહુ પ્રાચીન સમયમાં બ્રહ્માના વખતમાં હિરણ્યગર્ભ નામના પુરુષ થયા છે. તેના વર્ણનો ઘણાય છે. આપણે લાંબો ગાળો ચાલ્યો ગયો એટલે તેને દેવતા તરીકે ઇશ્વર તરીકે માનીએ છીએ. હિરણ્યગર્ભ નામનો આપણા જેવો એક પુરુષ પહેલા પહેલા પ્રગટ થયો હતો તે ઇશ્વરથી પ્રગટ થયેલો હતો. એમણે ભૂત પ્રાણી માત્રને માટે સંકલ્પ કર્યો હતો કે મારા જેવા બધા થાવ. તમામને હું ઇશ્વર પાસે પહોંચાડી દઉં એવો મારો સમુદાય રચતો જાઉં તેની ભેગો રહેતો જાઉં. તેને પરમેશ્વર પાસે મોકલતો જાઉં અને જેને જેને રચું છું, ઇ સાત્ત્વિક સાત્ત્વિક મારી ભેગો હું લેતો જાઉં. રાજસ અને તામસ ભાગલાને તો પ્રગટ કરી કરી અને સાત્ત્વિક ભેગો ભેળવતો જાવ. તમોગુણીને રાજસમાં ભેળવું, રજોગુણીને સત્ત્વગુણીમાં ભેળવું, સત્ત્વગુણીને મારામાં ભેળવું અને હું પરમેશ્વર પાસે પહોંચાડી દઉં. આ હિરણ્યગર્ભનો સંકલ્પ. એ પહેલાં પહેલાં પ્રગટ થઇ અને આપણી સૃષ્ટિઓ, માવતરો કોણ કેટલા ? એ કરોડો અને અબજો વર્ષો પહેલાના હતા અને તેઓને ઉપજાવ્યા હતા. પછી જેવી જેની દૃષ્ટિ કોઇ બ્રહ્માનું નામ હિરણ્યગર્ભ કહે છે અને કોઇ ઇશ્વરનું નામ હિરણ્યગર્ભ કહે છે. પુરાણો બ્રહ્માને હિરણ્યગર્ભ કહે છે. કેમ તો કે હીર તો આપણો સાદો શબ્દ પણ થઇ ગયો છે. હિરના દોરા, હિરનું વણતર, હિરનું કપડું, બધા કપડાં કરતાં ઉત્તમ, બધા ધાતુઓ કરતાં સોનું ઉત્તમ. પણ એથીય ઉત્તમ વળી નવું નવું કાંઇક પૃથ્વીમાં હોય છે તો પ્રગટ થાય છે.
હિરમ - ચોખ્ખુ કુંદનપણું. જીવાત્માનું સચ્ચિદાનંદપણું એનું નામ હિરમ. એવો સચ્ચિદાનંદ જીવાત્મા જે આપણો ચોખ્ખો ચટ છે તેને પકડી અને પરમાત્મા પાસે નયતિ લઇ જાય એવો ગુરુદેવ તેનું નામ હિરણ્યગર્ભ. આપણા માવતર આપણને ભજન કરાવે અને પરમેશ્વર પાસે લઇ જાય તો જરૂર જાણવું કે આ માવતર હિરણ્યગર્ભ છે. એવા સત્પુરુષોને હિરણ્ય કહ્યા છે અને એની અંદર પરમેશ્વર વસેલા હોય છે. માટે હિરણ્ય જેના ગર્ભમાં છે, જેની અંદર બેઠા છે એવા પુરુષો એનું નામ હિરણ્યગર્ભ. એ હિરણ્યગર્ભ આપણે લાખો, હજારો, કરોડો છીએ. જે સંત પુરુષો થાય છે તે બધા હિરણ્યગર્ભો છે. ચોખ્ખા કુંદન જેવા છે, તેની અંદર ભેદ ભળેલો નથી, સાચા મોતી છે, સાચો સૂર્યનારાયણ છે ને સાચું બ્રહ્મનું તેજ છે એનું કિરણ છે, એ કિરણની સમીપે આવ્યા તો તેનો ફોટો પડી જાય. એમાં એવું સામર્થ્ય છે બ્રહ્મવેત્તા કોઇ પણ પુરુષ પૃથ્વીમાં ફરતા હોય ને તેની સમીપે લાખો મનુષ્યો જતાં હોય તેને ઠંડુ થાય. એના તોફાની મનનાં સંકલ્પો બે ઘડી સ્થિર થઇ જાય. લીનપણાને પામી જાય. ઘણા ઘણા ને નિંદ્રા નથી આવતી, ઉદ્વેગ થતાં હોય છે. એટલા મહિના ચાલ્યા જાય પણ કોઇ એવા મહાન પુરુષનો યોગ આવી જાય અને તેની છાયામાં જઇને પગે લાગે, નમસ્કાર કરે. તો તે કહે, પરમેશ્વર સંભારો, રૂડું થાશે આટલું જ કે છે તો એના આંતરિક ઉદ્વેગો મટી જાય છે.
એવા પુરુષો અત્યાર સુધી પૃથ્વીમાં ચાલ્યા આવે છે, પરમેશ્વર પ્રગટ કરે છે અને ઉદ્વેગવાળા જીવાત્માઓ તેને શરણે જાય છે અને તે પુરુષો એમ કહે છે કે જાવ તમારા ઘાટ સંકલ્પો, ઉદ્વેગ, શોક, અવિરામ, વિરહ, અગ્નિ, ઘણી જાતની તૃષ્ણાઓ એ બધી શાંત થઇ જશે, પરમેશ્વરની મૂર્તિને રાખો. આમ સંત પુરુષ ઉપદેશ દે છે હો બીજા કોઇ કહી શકતા નથી. બીજો કહે ભાઇ રામ રામ તો રસ્તે નીકળેલો કહે રામ રામ. તો કે ક્યું ગામ ? એટલે તરત જ એકબીજાના ગામના નામ લ્યે. રામ રામ કહીને ચાલતા થાય. સારું કર્યુ ભગવાનનું નામ લીધું અને બેય ભક્તોએ ભગવાન સંભાર્યા પણ માલિકોર ઉદ્વેગની શાંતિ ન થાય. કોર્ટ ખેલવા જતો હોય કે ક્યાંય શત્રુની ઉપર ચડાઇ કરવા જતો હોય અને સામ સામા મળે કે રામ રામ તો કે રામ રામ. જેમ પરશુરામને રામચંદ્રજી મળ્યા હતા તેમ રામ રામ. પણ બે ય જણા ઇ પરમેશ્વરના અવતારો હતા છતાં દુનિયામાં દેખાડી દીધું કે, મહાપુરુષો અને પરમેશ્વરની ભક્તિ કરનારાઓ તેનામાં પરબ્રહ્મનું તેજ વધતું જાય છે અને જેનું તેજ વધતું જાય છે એ મહાપુરુષ પરમેશ્વર તરીકે કહેવાય છે. કાંઇ શરીરની ઉપર ગેરંટી નથી લખાઇ ગયેલી કે આવા શરીરવાળો હોય તો જ ઇશ્વર. બ્રહ્મલોકમાં મોકલનારો એ સાચો પરમેશ્વર. બ્રહ્મદશામાં પોતાનું સ્વરૂપ દેખાડનારો ઇ સાચો પરમેશ્વર, અનેકને પોતામાં બ્રહ્મરૂપ મેળવીને અનેકને બ્રહ્મરૂપ દર્શન દઇ દે અને દર્શન કરાવી દે. અનેકના બ્રહ્મરૂપ એવા સ્વરૂપો બનાવી દે એ મોટો પરમેશ્વર.
જોઇ લ્યો હવે તમને થોડીક વાત કહું હિરણ્યગર્ભની વેદાંતની. આપણે એટલું સમજીએ છીએ કે, જ્યાં જુઓ ત્યાં પોલકાર ભર્યો જ છે. સાચી વાત. કોઇ ના ન પાડે. ક્યાં સુધી હશે એનો છેડો નથી. એમાં પવન ભર્યો છે. કારણ કે આપણે એવા તત્ત્વોને ઓળખવા શીખ્યા છીએ. પવન અને પોલકાર એ બેય ની વચ્ચે શબ્દો ભર્યા છે. પવનને ચામડી ગ્રહણ કરે, શબ્દોને કાન ગ્રહણ કરે, અને પોલકારને આંખો દેખે કે આ વચ્ચે કાંઇ આવરણ નથી, એના દર્શન શાસ્ત્રોમાં કંઇક થોડા થોડા વિવાદ છે, પણ ઉપર આકાશમાં કાળાશ દેખાય છે ઇ આંખ દેખે છે પોલકાર, ઇ થી ઉપર ગઇ તો તારોળિયા દેખાય છે પોલકાર. ધ્રુવ દેખાય છે પોલકાર. એથી ઉપર સ્વર્ગનો એક કેડો દેખાય છે મોટો ધોમ માર્ગ ધોળો ઉજળો એને આંખ દેખ છે ઇ પોલકાર. છે અંજવાળું તેજ, એ તેજ કેનું છે ? આંયા આંખેથી સૂર્યો ન દેખાય એટલે આઘા સૂર્યો છે ઇનો પ્રકાશ આવે છે, એ પ્રકાશ પૃથ્વી સુધી પહોંચ્યો નથી બહુ આઘો છે. એ પ્રકાશ આપનારા સૂર્યોમાં પ્રકાશ કોણે મેલ્યો ? પરમાત્મા એ. આપણી ટૂંકી દૃષ્ટિથી આપણે ત્યાં સુધી શાંતિ પામી જઇએ છીએ.
પરમેશ્વરનું આપેલું અંજવાળું છે. પરમેશ્વરે અંજવાળું કેટલું મેલ્યું ? આકાશમાં અંજવાળું ગોઠવ્યું, આકાશમાં સૂર્ય, ચંદ્ર ગોઠવ્યા. એ અંજવાળું નેત્રમાં આવ્યું, અહિંયા ગોઠવાણું, જીવાત્મામાં મેલ્યું, એમાં અંજવાળું થાય છે. અંજવાળા ભેગું અંજવાળું થાય ત્યારે બીજી વસ્તુ પ્રકાશિત થાય છે તેને આપણે દેખીએ છીએ કે આ ફલાણી ચીજ. એક નેત્રની રોશની આગળ પહોંચી. સૂર્ય કે ચંદ્રનું અંજવાળું કે દીવાનું અંજવાળું ત્યાં પહોંચ્યું. એમાં આપણી આંખના જેટલી મોટાઇ તો જોઇએ. કાંઇ જીણાશ છે એના કરતાં જરાક મોટાપણું જોઇએ. ઇ મોટાપણું એમાં રહ્યું, બે અંજવાળા ભેગા થયા અને એક મોટાપણું રહ્યું, ત્રણ ભેગા થયા. એને ઠેકાણે એક ચોથાની જરૂર પડી. લાલ, પીળું, કાળું, ધોળું એવું રૂપ પણ ત્યાં રહેવું જોઇએ. આ ચાની કીટલી આવે છે આપણે બધાય દેખીએ છીએ કે એમાં પીળું રૂપ છે, નાળિયેર જેવડી મોટી છે. પીળું રૂપ અને ગોળાઇ મોટી. ઇ બે ચીજ એમાં રહી ગઇ, આપણી આંખ ત્યાં જઇ અને તેને અડી અને આકાશના સૂર્યનો પ્રકાશ પણ તેને અડ્યો. ચારવાના ભેગા થયા ત્યારે કીટલી આપણે દેખી. ચારમાં એક ન હોય તો કીટલી ન દેખાય. એનું પીળું રૂપ છે, રૂપ જો નીકળી જાય તો જોઇ લ્યો. આંખથી વાયુ નથી દેખતા. ચામડીથી દેખાય. આંખ ન દેખે વાયુને. ગોળાઇને મહત્તા ન હોય તો ઇ પણ ન દેખાય. એનામાં દેખાવાની યોગ્યતા જોઇએ. ચાંદરડામાં ઘણાંય પરમાણુ આકાશમાં ઊડતાં હોય છે. પણ જરાક મોટા હોય તો દેખાય, ઇ થી જીણા, ઇ થી જીણા, ઇ થી જીણા, ઇ થી સો મો ભાગ છે એને કોઇ ન દેખે. એને મોટાઇ નથી. આપણી આંખ જેવડી મોટાઇ તો જોઇએ. ઇ બેય વાના હોય અને આંખમાં આવ્યા હોય પણ આંખમાં જ્યાં દેખવાની શક્તિ છે ઇ ઠેકાણે ત્યાં બરાબર આ સામે પડખે ઇ ઠેકાણે ન હોય તો ન દેખાય. બહુ મોટું અંધારું હોય અને ત્રણ ભેગાં થયાં. આંખેય ભેગી થઇ, મોટાઇ ભેગી થઇ, એનું રૂપેય ભેગું થયું તો ય અંધારામાં પડેલું મોટું માટલું હોય તો ઇ ન દેખાય. માટે અંજવાળું જોઇએ બહારનું. આ ચાર અંજવાળા ભેગા થયા પણ જો મન ઠેકાણે ન હોય તો જોયું હોય છતાં પણ એમ કહે કે મેં ન દેખ્યું, મારી ખબર ના રહી. ભાગવતમાં એના દાખલા આવી ગયા. બાણાવળી બાણ મારતો’તો, વીંધતો તો બરાબર, પડખે રાજાનું લશ્કર ચાલ્યું ગયું. કોક નીકળ્યો પાછળથી આંય લશ્કર નીકળ્યું ? તો કે મને કાંય ખબર નથી. પણ આ તું ધુળે ભરાઇ રહ્યો. તો કહે મારું તો મારા લક્ષ્યમાં તાન છે. અંદરની આંખ આ બહારની આંખની ભેગી ન મળી તો બહારની ચીજ નથી દેખાતી.
વેદાંત શાસ્ત્ર હવે શરૂ થાય છે. બહારની વાત પહેલી બતાવીને. માટે અંતરની આંખે જુઓ. કેમ ? કેવી રીતે થાય છે ? તું જીવાત્મા બેઠો છો એમાં પરમાત્મા બેઠા છે, બે જણા તો છો. એની માલિકોર અંજવાળું છે જેમ આ બહારનું અંજવાળું છે તેમ. સ્વામિનારાયણ ભગવાને આ અંજવાળાને બ્રહ્મ શબ્દ આપ્યો છે અને અંજવાળું કરનારને પરબ્રહ્મ શબ્દ આપ્યો છે અને અંજવાળું ધારણ કરનારને જીવાત્મા શબ્દ આપ્યો છે. એટલે ત્રણ તત્ત્વ નક્કી થઇ ગયા કે ત્રણ જણા ભેગા છે. ઇ કોઇ દિ’ આઘાપાછા થતાં નથી. તમે ગમે તેટલું એને ધબધબાવો ને, તો’ય ત્રણે ભેગા છે ઇ છૂટા ન થાય. ઇ કોઇ દિ’ ન થાય. યમપુરીમાં જાય તો આવડા આ ત્રણ જણા ભેગા ને ભેગા. તારું કર્મ તું ભોગવ. અમે તારી બરાબર નજર રાખશું અમે ભોગવશું નહીં, કુડમાં પડશું નહીં. તારી હારે જ છીએ. નિર્લેપ છીએ પણ તને કર્મ લાગશે, અમને નહીં લાગે. જીવપ્રાણી માત્રની સાથે આ રીતે સાક્ષી તરીકે અને સાક્ષીના દૃષ્ટા તરીકે પરમેશ્વર અને બ્રહ્મ રહ્યા છે. આ વસ્તુ નર-નારીઓ, જીવાત્માઓ, બાલ, યુવાન, વૃદ્ધ તેને મનુષ્યમાં સમજવાને માટે શાસ્ત્રોએ લખી છે કે, મનુષ્ય આટલું સમજી શકે. બીજા પ્રાણીને આટલી અક્કલ કદાચ નહીં હોય. હોય તોય ઇ એ જાણે એની ભાષામાં. પણ મનુષ્ય તો સમજે છે કે હું આત્મા છું. હું તો દેહની માલિકોર બેઠો છઉં, શરીરમાં બેઠો છઉં. એમાં મને સમજણ છે, સમજણરૂપી દીવો છે, દીવારૂપી જ્ઞાનના ફળાવા ફૂંટતા જાય છે. બાળક હોય ત્યારે એમ કહે મને રમત બહુ સારી આવડે છે હો જોઇ લ્યો. ઠિકરાની ગાયું ગોઠવી ગોઠવીને રમતમાં છોકરાવને હરાવી દે, થોડોક મોટો થાય અને જો ખરું દૂધ પીધેલું હોય ને તો બાધવામાં મૂઠી ચડાવીને કહે મને કોઇ ન જીતે, આવો પાંચ જણા હમણાં પછાડી દઉં બધાયને, જોઇ લો એનેય સમજણ છે. ઓલી રમતનીય સમજણ હતી પણ ખોટું હતું એવું જાણીને રમતો હતો, ઊભા થઇને ચાલ્યા જાય અને કાં કોઇ ઠેબું મારીને ઊડી જાય. ઊહ ! મારું રમકડું કેમ ઉડાડી દીધું ? એમ કરે જરા, પણ એનો અફસોસ ન થાય. અને ઓલો અહમ મમ થઇ ગયો કે મને કોઇ ન જીતે. હું હરાવી દઉં. તગડો છું, ખરેખરો. જો અહમ અને મમ લાગુ પડી ગયા મોટો થયો એટલે. અંજવાળામાં ડામરનું અંધારુ થોડું થોડું લાગવા માંડ્યું. ધોળામાં કાળું દેખાવા માંડ્યું. ઉજળાશમાં અંધારું દેખાવા માંડ્યુ. આ માલિકોરની આંખમાં અંધારું બેઠું, બહારનું તો હતું, અહમ અને મમ.
ગીતાજીમાં લખે છે, શાસ્ત્રોમાં લખે છે, અહિંયા શ્રીકૃષ્ણ ભગવાન અને ઉદ્ધવજી પૂછતાં જાય અને શ્રીકૃષ્ણ કહેતા જાય કે ઉદ્ધવ, ઊંચામાં ઊંચો ધવ એટલે ધણી તો આ હું તારી સમીપે બેઠેલો છું પણ તારામાં અજ્ઞાન હશે ત્યાં સુધી હું અડધો ધવ, પા ધવ, પોણો ધવ, બાજડો ધવ. પરબારો જીવાત્માની માલિકોર બેઠેલો ધવ એની તને ઓળખાણ નથી, ત્યાં સુધી તું એમ માને છે હું ઉદ્ધવ. આ રીતે અંધારુ માલિકોર થોડું થોડું અહમ્ અને મમ રૂપી થયું. ઓલો પરમેશ્વર બ્રહ્મ અને જીવાત્મા એ ત્રણનું ભેગાવડા પણું છે તે જીવાત્મા કાયમ ઇ બેયની સામે જોઇ રહ્યો છે, નાનકડો છે એને ઝાઝું કાંઇ વળગ્યું નથી પણ બહારનું થોડું થોડું વળગ્યું. ચાર જણા ભેગા થયાં મેં બતાવ્યા તે. રૂપ, રંગ, મોટાઇ, આંખની એમાં જોવાની રોશની એટલા ભેગા થયા એટલે બહારની ચીજને ગ્રહણ કરી કે આને હું ગ્રહણ કરું છું. વેદાંત શાસ્ત્ર ભણાવે ત્યારે ધોરિયાનું દૃષ્ટાંત આપે છે કે ગામડાના ધોરિયા, કૂવામાં કોશ જોડ્યો. કોશ આવ્યો બહાર પાણી ભરીને થાળામાં આવ્યો તો થાળા જેવું પાણી થયું. કૂવામાં હતું ત્યારે કૂવા જેવું હતું ગોળાકાર.
એમાંથી કોશ ભરાણો તો કોશના જેવું થયું, કોશમાંથી આવીને થાળામાં તો થાળા જેવું થયું, એમાંથી કુંડીમાં ગયું તો કુંડી જેવું થયું. પછી ધોરિયામાં ચાલ્યું તો ધોરિયા જેવું થયું. પાણીનો આકાશ બદલાણો, પાણી પોતે નથી બદલાણું. વળી ક્યાંક કો’ક નાની નીક આવી તો એમાં ગયું, એમાં વળી નાનું નાકું આવ્યું તો એના જેવું થયું. એના કરતાં કેરો આવ્યો તો એમાં ગયું કેરા જેવું થયું. પછી ઝાડવાના મૂળમાં ગયું તો મૂળ જેવું થયું. મૂળની માલિકોર ઝીણા ઝીણા જાવાના રેસા હોય છે એને ચાલવાના રસ્તા તો એના જેવું થયું અને પાંદડામાં ગયું તો પાંદડા જેવું થયું. ફળને પુષ્પ જેવું થઇ ગયું. ફળ જેવું થયું, ફળમાં રહ્યું, એની મીઠાશનો પાક થયો, ફળ હેઠું પડ્યું એટલે પાણી માંડ્યું સૂકાવા, તડકાનું કિરણ છે એને સૂકવવા માંડે, ખાઇ જાવ તોય પણ સૂકાઇ જાય. અમથુંય સૂકાઇ જાય. પાછું પૃથ્વીનું પૃથ્વી, જળ ઊડી જાય. પરમેશ્વર અંદર બેઠેલા છે એ મોટા જ્ઞાનનો ખજાનો છે, અંજવાળાનો ખજાનો પરમેશ્વર છે, એના અંજવાળા વડે આપણે દેખીએ છીએ હો, અંદરથી જો ભગવાન ઊડી જાય તો અંજવાળું બધું વયું જાય. જરીએ જરી અંજવાળું ભાગી જાય. કારણ કે એનું આપેલું અંજવાળું છે, એની પાસે રહેવાથી અંજવાળું છે. આ હિરણ્યગર્ભ તરીકે પરમેશ્વર જીવાત્માની સાથે બેઠા છે માટે અંજવાળું આપનારા છે, ઇ કો’કનું અંજવાળું કોશ આવ્યું એટલે પડખે બ્રહ્મમાં આવ્યું, બ્રહ્મનું અંજવાળું જીવમાં આવ્યું, એટલે થાળામાં આવ્યું, થાળાનું અંજવાળું જીવમાંથી કુંડીમાં ગયું, એટલે માંલિકોર અહમ્ અને મમ બુદ્ધિના સ્થાન છે, ત્રણ સ્થાન છે ત્રણ. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ચાર સ્થાન લખે છે.
એક ન્યાય શાસ્ત્ર ગૌતમનું છે, ઇ એક જ સ્થાન લખે છે. મન, એક જ કુંડી. કપિલ ભગવાન ત્રણ લખે છે મન, બુદ્ધિ અને અહંકાર. જ્યારે પુરાણોમાં ચાર લખ્યા. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. હવે જેમ હોય એમ લટકો કરો બે કરો કે એક કરો પણ માલિકોર એક કુંડી તો છે, આ એનું નામ મનજીભાઇ. આ એમાં અંજવાળું આવ્યું, અંજવાળું આવ્યું તો ખરું પણ કેવું ? આ મનજીભાઇ બેઠો બેઠો કહ્યા કરે છે, લે ઇ ગામનો ગામોતી આપણો ગુરુ. કારણ કે એની ગરજ બહુ વેઠવી પડે છે. આખી જિંદગી જ્યાં જાય ત્યાં ભેગીને ભેગી. એ શું કહે છે. આ માલિકોરથી પ્રગટ થયેલું જે અંજવાળું એના હું બે ભાગ પાડું છું. એક અંજવાળું સારામાં મોકલું ને એક અંજવાળું નરસામાં મોકલું અને જો ઇ અંજવાળું બે ભાગ ન પડે એવું હોય તો એકના ઉપર પરબારુ જવા દઉં. અને ઓલી આગલી ચીજ છે ને એના ઉપર હું આસિન મેલું આસિન. આ સારું આ નરસું ઇ મારા આસીન જાણવા. કોના ? મનજીના. આ સારું, આ નરસુ. એક ને આપણા જૂના બળદનું ગાડું સારું લાગે છે એક ને અત્યારના ઘોડાના મજાની ઘોડાગાડીઓ રાજાઓ પ્રમાણે સારી લાગે છે. તો વળી એક ને અત્યારે મોટરું સારી લાગવા માંડી, તો એક ને વળી બલૂન સારા લાગવા માંડ્યા, તો વળી બીજા કહેશે હવે આ મોટા બધાય મોટું, મોટું, મોટું ભેગું કરીને ચાલે છે ને હાલને મારે પગદંડી ઠીક છે. આપણા પગ બે આ જોવો એકમાં સારું, એકમાં નરસું. આ ગોઠવ્યું કે આ સારું. આ મોટી ચીજું બલૂન જેવું છે, તો કે ઇ તો બહુ ખર્ચો, આ મોટર જેવું તો કે ઇ તો ડ્રાઇવર રાખવો પડે, વળી હેરાનગતિ ને એને સાચવવી પડે. મેલને પડ્યું. ઓલો મન બેઠો બેઠો એમ કહે છે આ વાહન સારું, એમાંય જો ખેતર પાકી પડ્યું હોયને પાનસેર ખાંડી મગફળીનું, તો એંસી હજારની ગાડી લઉં હો. જેવી તેવી નહીં. ડામરના રોડ ઉપર ચાલે અને એમાંય પાછું ઓલું લઉં ઓલું આમ આમ ફરતું આકાશમાંથી પરબારું અગાસીમાં ઉતરે એવું લઉં. આ મનજીભાઇ કામ કરે છે, બીજો નથી કરતો. જેટલાં કાંઇ અહમ અને મમ ઇ મનજીભાઇ કામ કરે છે.
આ તો દાખલા દૃષ્ટાંતો એવા છે જે જલ્દી સમજાય બીજું શું ? જમવા બેઠા હોય ત્યારે મનજીભાઇ એમ કહે આ શાક સારું છે, આ નરસુ છે. આ ઠીક નથી ફાવતું. તમે મરચું કેમ બહુ નાખ્યું ? મને નથી ગમતું. તો બીજા કહે મરચા વિના ગળે ઉતરતું હશે ? વાયુ થઇ જાય વાયુ. મરચું તો જોઇએ. આ મનજીભાઇના બે ફડાવા એક ની એક વાતમાં. એક કે ગુરુને શરણે જાઇએ તો મોક્ષ થાય છે. બીજો કહે ગુરુ તો લૂંટી જાય છે. ગુરુને શરણે શું જાવું ? માલિકોર માલિકોર ભજન કરવા તો વળી પાંસરૂ થાય આપણું. હાલો ઇ મનજીભાઇએ કર્યુ તો એમાં શું છે ? એક કે છે શાસ્ત્રોને સાંભળી અને જ્ઞાન મેળવો. ત્યારે બીજો કહે કે, આપણા આત્મામાં ભર્યુ છે હવે જ્ઞાનને શું કરવું છે ? આપણે એટલું સમજી લઇએ કે આ બધુંય ખોટું છે, હું એક સાચો છું, ઇશ્વર સાચા છે લે ને મનમાં ને મનમાં ભજન કરું, એ પત્યું. આ એને બહુ દાખડો ન કરવો પડે અને ઇશ્વર તરફ એનું મન તો વળ્યું પણ એને એ ગમ્યું. આ ગમતી વાત. આ અંદર મનજીભાઇ છે ઇ એવી ગમતી વાત કરે છે. માટે અદ્વૈત વેદાન્તે ગમતી વાત કરી, આ ઓલું જળ કુંડીમાં આવ્યું છે હો કુંડીમાં. હજુ આમ હજુ આગળ ધોરિયામાં નથી ગયું, એમાંથી ગમતી વાત કરી. શું ગમતી વાત કરી ? મન કે છે ધોરિયામાં પાણી જાય, ત્યાં આગળ બીજું કાંઇ નાકું બાકું છે ? ઊંડો ઊંડો ધોરિયો આફરે એવું કાંઇ છે ? બાઘડ બાઘડ તો નથી વાગીને અડખે પડખે વયું જાય. તો કે બે બાઘડું છે બે. આ જુઓ આગળ આખું છે ને ઇ બાઘડું છે. ઇ ધોરિયામાં એના છિદ્રો છે. મનથી જ્ઞાનનો ધોરિયો નીકળ્યો એટલે આંખોમાં આવ્યો. ઓલું મન એમ ગોઠવી રાખે છે, આંખ વડે જોઉં તો ફલાણી ચીજ બહુ સારી. કેવી સારી ? તો કે નાક સુગંધવાળી, આંખ એમ કે છે કે રૂપવાળી. હાથ એમ કે છે કે કોમળ. જીભ એમ કે છે કે રસદાર, કઇ જીભ તો કેસર કેરી એના જેવી કોઇ નહીં જાવ. આ મનજીભાઇએ એને ગોઠવી. બધાય ભેગા થઇ ગયા. ઠોં ઠોં કરતો હોય શરદી લાગુ પડી ગઇ હોય, ખટાશ ખાવાની ના પાડી હોય અને ખાય તો ફોડકા થઇ જતા હોય એને આપીએ. કેસર કેરી બહુ સારી છે, ખાધા જેવી છે. સરસ છે અરે દળદાર લાવ્યો છું. આની અંદર ગોઠલી તો સાવ નાની છે. એવી પાકી છે કે જરીકે ખટાશ નથી ખા તો ખરો, પણ ઓને ભય છે મારે ખાવાલાયક નથી. ઇ મને આપશો મા. મને ગમતી નથી, મને એની ગંધ લઉં તો ફેફસું ભરાય જાય છે પવનથી. શ્વાસ ઉત્પન્ન થઇ જાય છે અને જીભમાં જો નાખું તો દાંત અંબાઇ જાય છે. ગમે એવી મીઠી હોય તોય ખટાશવાળી છે. ઉદરમાં જાય તો પચતી નથી. વાયુ કરી દે છે અને આખા શરીરમાં ફોડકા ઉત્પન્ન કરી દે છે માટે મારે ખાવી નથી. આ મનજીભાઇએ ગોઠવ્યું. શું કામ ? ઓલા બહારના ધોરિયા છે ને ઇ એવા રૂપમાં ઘડાયેલા છે. આ બે નેત્રોની બાઘડું એવી ઘડાયેલી છે. એણે નક્કી કરી રાખ્યું કે, આ મારા શરીરને અનુકૂળ નથી માટે મારે ના જોઇએ અને એકે અનુકૂળ કરી રાખ્યું કે આ મારે અનુકૂળ છે માટે સદા જોઇએ.
બોલો આ બહારની ચીજ. કુંડીએ પાણી આગળ વહેતું કર્યુ તે બે ધોરિયામાં ચાલ્યું. ચાલુ કર્યુ પણ ઇ એવા છે બંધાર ભેગો ભેગો છે. આગળ જાય પડખે પડખે ચાલ્યા જાય તો જ આગળ કામ કરે. આગળ ક્યારો આવ્યો મજાનો હો. આ જેટલે ઠેકાણે જોવાની ચીજું છે ઇ બધાય કેરા જ છે. ત્યાં જઇને આંખની વૃત્તિ ઠરે એટલે બેઠી. બેઠી એટલે એની હારે સંયોગ થયો. ઇ સંયોગ થયો એટલે સ્થિર થઇ આદિ વસ્તુમાં ઠહેરી, અટકી. અટકી, એની સાથે મનજીભાઇ થોડીક પોતાની સંકલ્પ અને વિકલ્પ આ એમ નહીં, ત્યાં કે ના ના એમ નહીં પણ આમ. આ એને ભેગું મેલ્યું ત્યાં ઓલા કેરા સુધી મન ગયું ભેગું. કે આ કદમનું ઝાડવું બહું સારું, આ આંબાનું ઝાડ બહું સારું, કલમી ઝાડ છે બહુ સારું, પણ પડખે ચંપો ઊગ્યો હોય તો ચંપાને ઉખાડીને નાખી દે. શું કલમનું ઝાડ મુળગુ જાય. કેરીનું ઝાઝું મૂલ્ય. ચંપો તો ખળ ચંપો એના ફૂલને શું કરવા છે ? ઇ મનજીભાઇએ એકની કિંમત ઓછી કરી એકની કિંમત વધુ કરી. કેરામાં તો પહોંચ્યા ઇ કેરો છે એનું નામ વિષયો. આ વસ્તુઓ બધી આખી દુનિયાની, આખી દુનિયાની ચીજો. અને ઇ વિષયોમાંથી જે નવું નીપજે એના નામ વૃક્ષો, જે કેરામાંથી જે થયું એ વૃક્ષો થયા. અહિંયા લખે આ ઠેકાણે જ્ઞાનમાં. કેરામાંથી શું શું થયું ? તોકે આંબામાંથી શું શું થયું ? બોલો ને. પાંદડા થયા, વૃક્ષ થયા, ફળ થયા, ફૂલ થયા. ઘણુંય થયું. જ્યારે આ ત્યાં સુધી પહોંચ્યા ત્યારપછી ચીજોને ગ્રહણ કરવા માંડ્યા. કોણ ?
નેત્રે કેરામાંથી સારું રૂપ જોયું. ત્યાંથી શબ્દ થતો હોય તો મજાનાં સિનેમાના ગાયનો કાને સાંભળ્યા. એના ફળમાંથી રસ મળતો હોય, ગુંદનો રસ કે પછી પાંદડાનો રસ કે ભાજીનો રસ ઇ જીભે લીધો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. ઇ માલિકોરથી વિષયો એટલે વૃક્ષમાં થયેલા પાંદડાને ફળને એને ગ્રહણ કર્યા. જો પાછા વળ્યા ત્યાંથી. ઓલો મનજીભાઇ ગયો છે એને લીધા. આ તાર ટેલિફોનનું દોરડું અહીંથી શબ્દ મેળે ત્યાં મુંબઇ જાય. મુંબઇથી જે બોલે ઇ આવે અહીં. અવળો ને સવળો જાય ભાગ્યો. આ અંદરથી જઇને ઠેઠ ત્યાં સુધી પહોંચીને ત્યાંથી એણે જે પાછો વાળ્યોને સારો ને નરસો એમ કરીને પાછો વાળ્યો, ઇ પાછો વાળ્યો ઇ આંખ સુધી આવ્યો, કાન સુધી આવ્યો, નાસિકા, જીભ સુધી આવ્યો, બધા સુધી આવીને પાછો મનજીભાઇને કહે છે જો હું આવ્યો. તો મનજીભાઇ કહે છે જો હું તને લઇ આવ્યો. માટે દસ જણા તમે ને એક હું માટે આપણે અગિયાર થઇ ને આપણે આ કામ કરીએ છીએ. આમાં દસ જણા અને એક અગિયારમો. આ અગિયાર જણા કામ કરીયે છીએ. પછી તો કે બારમાની જરૂર છે. ઓલો વચ્ચે બેઠો છે. તું આ લાવ્યો ખરો પણ બરાબર મજૂરી ન કરી, સારું ન લાવ્યો, નરસું લાવ્યો, અહંકાર બેઠો બેઠો એમ કહે છે આ ઠીક નહીં. ત્યાં માલિકોર ચિત્ત એમ બેઠું બેઠું ચિંતવે કે આ માળું ઠીક તો છે લેને હવે જરાક બે આની ઓછું હશે તો હાલશે, એ ચાલ્યું. ત્યાંથી વળી આગળ ગયું ત્યાં બુદ્ધિ નક્કી કરીને બેસે છે કે આ કામ છે ઇ ઠીક થયું અને ન પોતાને ગમ્યું તો આપણે શું કરીએ ? હવે પરમેશ્વરની મરજી હશે એમ થયું. જો જીવાત્મા પહોંચ્યો પાછો હતો ત્યાં. ત્રણ જણા હતા એમાં નાખ્યું. આ ભાઇબંધ આ રીતે અહીંથી બહાર નીકળે. ઓલા બેયનાં સાક્ષી સહિત નીકળે છે પણ એને બેયને પડ્યા મેલીને નીકળે છે અને એને ઠેકાણે બે બીજા લઇ લ્યે છે. અહંકારને મમકાર.
એની સાથે આગળ હાલ્યો ત્યાં નલિની ને નાલિની આ બે નાસિકાઓ અને એની ઉપર બે સૂર્ય ચંદ્ર હવે એને ભેગા લીધા. એથી આગળ ચાલ્યો ત્યાં વિષયો ભેગા લીધા. વિષયોથી આગળ ચાલ્યો ત્યાં તેના રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ સારા નરસા ઇ બધા ભેગા લીધા. એને લઇ પછી ક્યાં જાય ? કારણ કે ત્યાં ઇનો સીમાડો આવી ગયો. હવે ત્યાંથી આઘું જાવાનું નથી કયાંય અને જાવાનું હોય તો મનજીભાઇને પૂછવું પડે. આ આંબો બરાબર નથી. આ દુકાને બરાબર ખાવાની ચીજ ન મળી. હાલોને બીજે જાઇએ. પણ વાત તો એની એ. ઇ ફળ સુધીની. ત્યાંથી પાછો વળ્યો અંદર આવ્યો એટલે એને નક્કી થઇ ગયું કે, જો જો હો ખમનો અર્થ છે આકાશ, ખમનો અર્થ છે ઇન્દ્રિયો. ખમ ખાવાની ચીજ. આ બહું સારું એનું નામ સુખમ્. આ બહું નરસું એનું નામ દુઃખમ્, પોતે ને પોતે કરીશું, કોક બે ફેંટ મારી જાય આ બહુ ખરાબ, મને ગાલ ઉપર માર્યુ, પોતે પાંચ સામી મારી હોય તો કે મેં એને પાંચ ઠઠાડી બદલો વાળી લીધો, બમણો બદલો વાળ્યો. જો એ સુખમ્. એલા બેયને લાગ્યું, બેયને દુઃખ થયું, બેયના ગાલ સોજી ગયા એમાં સુખમ્ દુઃખમ્ બેય દુઃખ જ હતું. તો કે ના એણે બે ઠોઠ મારી ખરી પણ મેં એને પાંચ વળગાડી સામી, બદલો વળી ગયો. જો પાંચ વળગાડી ઇ સુખમ્ અને બે ઠોંઠ ખાધી ઇ દુઃખમ્. આ રીતે સુખ અને દુઃખ ઇ રૂપી ફળ, ઇ ફળને ભોગવનારો જીવાત્મા થાય છે પછી સારું કરે ને નરસું કરે. કાં તો અફસોસ કરવા માંડે ને રોવા માંડે અને કાં એમ કરવા માંડે છે કે ઓહોહો મારા જેવો તો કોઇ આનંદિ નથી. લહેરમાં આવી ગયો છું, ખરેખરો સુખી છું, મારા જેવો કોઇ સુખી નથી અને પછી માંડે આનંદથી એવી ને એવી વસ્તુઓ કમાવા. આમ આખી જિંદગી ચાલી જાય છે. શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, અરે ઉદ્ધવજી, આ આખી કૂવામાંથી નીકળેલી જ્ઞાનની વૃત્તિ, તેના કેટલા ફળાવા કૂટ્યા, આગળ જઇને પાછી વળીને જીવાત્મા સુધી પહોંચી ત્યારે તેમાંથી એનું એ જ્ઞાન સુખ સ્વરૂપ, દુઃખ સ્વરૂપ, એકનું એક જ્ઞાન એની અવસ્થા અંતર થઇ ગઇ. ઇ વસ્તુ પોતે પોતાના સ્વરૂપમાં સમજણ તરીકે હતી, ઇ સમજણ વડે ગ્રહણ કરાય, એવા રૂપમાં થઇ ગઇ. એનું એ દૂધ હતું તે છાસ ભેગું ભળ્યું એટલે દૂધ એમ કહે છે કે હવે હું દહીં થયું. ખાટું, બાળું, ધોળું તો છું પણ ખાટું બાળું છું. મારામાં ભેગ ભળી ગયો. ઇ ભેગ ભળ્યો ને ખાટું અને બાળું, ઇ આત્મ વડે પાછું વળ્યું અને બેઠું તંઇએ થયું. ત્યારે એના બે સ્વરૂપ શાસ્ત્રએ લખ્યા છે કે, સુખ ને દુઃખ થાય છે ઇ વખતે એની પૂર્વ અવસ્થામાં ત્યાં ધર્મ અને અધર્મ એટલે પુણ્યમ્ અને પાપમ્. ઇ બે રૂપ ત્યાં જમા થઇ જાય છે, પુણ્ય થયું એટલે સુખમ્ અને પાપ થયું એટલે દુઃખમ્.
આ પુણ્ય પાપની જમાવટ મિમાંશા શાસ્ત્ર કરે છે. જે કાંઇ યજ્ઞયાગ કરો તેનાથી પુણ્ય ઉત્પન્ન થાય છે, તેમાં બ્રાહ્મણ દેવ સંકલ્પ કરાવે છે કે સ્વર્ગને માટે અજેત, સ્વર્ગ મળેને યજ્ઞ કરું. યજ્ઞ કરનારો મરી જાય તે દિ’ સ્વર્ગ મળે. અત્યારે તો યજ્ઞ પૂરો થઇ ગયો તો અત્યારે ને સ્વર્ગને શું સાંધો ? ટેલિફોનના દોરડાની પેઠે કંઇક જોઇએ ને ? તો કે વચ્ચે પુણ્ય ઉત્પન્ન થયું તે. માટે ધર્મ ઇ પુણ્યમ અને ઇ લાંબો કાળ ટકનારું છે, એના ઉપર આખી સૃષ્ટિ ચાલે છે. શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, ઉદ્ધવજી એ ધર્મ એનું સ્વરૂપ સુખમાં ગયું, પણ શ્રીકૃષ્ણ કહે છે, ઉદ્ધવજી એ ધર્મ એટલે મારામાં હેત. જો આટલું આટલું કામ કર્યુ પણ ત્યાં જાવ પાછા વળો ત્યારે તમને સુખ માલૂમ પડ્યું ઇ વખતે તમને આવું ભાન રહેવું જોઇએ કે, મારા સાક્ષી અંતર્યામી બે જણા મારી ભેગા બેઠા છે. આ એણે જે મને દેખાડ્યું એનો રાજીપો તે આ મને સારાવાના રૂપી ગમતી વાત એનું નામ સુખમ એટલે પરમેશ્વરની ભક્તિ એટલે રાજીપો, એટલે એનો સ્નેહ, એની કૃપા. જો પરમેશ્વરનો ભક્ત હોય તો ત્યાં ગયો થકો તેને પુણ્ય તરીકે જુદું નહીં માને. પુણ્ય એટલે શું ? તો કે મારા ઇષ્ટદેવનો રાજીપો. હું આટલા કામ કરીને અહીં અંદર આવ્યો મને સારું ગમ્યું. હે પ્રભુ હું આટલું કમાઇને આવ્યો છું આ તમને આપું છું. તમારા સિવાય હું અંગીકાર નથી કરતો. ઇ જે આપ્યું, એનું નામ કૃષ્ણાર્પણમ્. ઇ કૃષ્ણાર્પણમ્ એ ઓલું બહારથી આવ્યું તો તે અપાઇ ગયું. ભગવાન કહે છે, શાબાશ ધન્ય છે, તું કમાણો ને મને આપે છે. મારો મોકલ્યો થકો ગયો હતો, બધા ઘણાય ભેગા લઇ ગયો. જ્યાં જેવું મળ્યું એને ઠીક માનીને લઇ આવ્યો. લઇ આવ્યા પછી એ બધા સૌ સૌના ઠેકાણે વિરામ પામતા ગયા. પામ્યા પછી ઝાડવાનું ફળ છે ઇ મોઢામાં મેલ્યું ને માલિકોર એમાંથી મીઠાશનો પાછો સ્વાદ આવ્યો, મનજીભાઇ પાસેથી આગળ આવ્યો, બુદ્ધિ સુધી આવ્યો, અહમ્ સુધી આવ્યો, એમાંથી ઊંડો ઉતર્યો ત્યારે પોતામાં આવ્યો, ત્યાં પોતામાં ઇ બે અને ત્રણ રૂપ થઇ ગયા. કાં તો પુણ્યમ્. આ મેં કર્યુ ઇ બહુ ઠીક કર્યુ એનું નામ ધર્મ. આ મેં કર્યુ ઇ મારા ઇષ્ટદેવને મારા અંદર બેઠેલા પરમાત્માને અર્પણ કરવા વાસ્તે કર્યુ છે, આનું નામ ભક્તિ. તમે રાજી થાવ, તમને અર્પણ કરું છું. ઇ અર્પણ રૂપી પોતાનું યજ્ઞ અને પરમેશ્વર રાજી થાય એનું નામ ભક્તિ. જો ઇ ની ઇ ચીજ ત્યાં ભક્તિરૂપે થઇ ગઇ અને પરમેશ્વરને અર્પણ ન કરે અને મેં ધર્મ રૂપે આ પુણ્ય મેળવ્યું, સારું કાર્ય કર્યુ તો એનું ફળ તો કે બે ઘડી કેફ ચડે કે ઓહોહો મેં બહુ સારું કર્યુ હો. ત્યાં બીજો કહે, ઓહોહો તું બહું સારું કામ કરનારો હો. ત્યાં તો માલિકોરથી આમ જરાક કરચલી પડી બધી મટી જાય. સુખિયો થઇ જાય બે ઘડી. ઇ જે સુખ, ઇ છેવટનું ફળ છે. ઘડીક અનુભવ કર્યોને વયું ગયું. ઓલું પુણ્યમ્ તો કે પુણ્યમ્ એમાંથી સુખ થયું અને સુખ થયું એટલે પુણ્યમ્ ખવાઇ ગયું. ફુલડું ખીલ્યું હોય એમાંથી સુગંધ નીકળ્યા કરે, સુગંધ પૂરો થઇ ગયો એટલે ફૂલડું સૂકાઇ જાય. જે ન સૂકાઇ એવી ચીજ કઇ ? આ એ બતાવી. ભાગવત્ ધર્મ એટલે પરમેશ્વરની પ્રીતિ, પ્રસન્નતા. જોયું ? આ ભક્તિ રૂપી શાશ્વત ફળ, જેટલા કામ કરો એનું નામ કર્મકાંડ. આ દાખલો વેદાંતનો.
જ્યારે અમે ભણીએ ત્યારે પેલું એક ગ્રંથ છે એમાં આ પેલી પ્રણાલી દેખાય ભણાવવાની, ત્યારપછી તો આના પ્રમાણો જુદા જુદા પાડે છે, અમારા ગઇઢીયા કહે છે કે, આ ગામમાં વડમાં અહિંયા ભૂતડું રહે છે એટલે આ મારગ ફેરવીએ છીએ. પણ ઇ કોણે દેખ્યું. આમ ગયઢા ગયઢા બોલતા હોય માટે ફરીને ચાલજો. ફલાણા દેશમાં ફલાણા ઠેકાણે વરસાદ બહુ પડે તો ફોરા પડતા હોય છે. ઉપર જમીન સારી હોય અને અંદર હેઠે રાબડા થઇ ગયા હોય, ઉપરથી ડફ દઇને બેસી જાય ખૂંચી જાય. ઇ તો આંખથીય દેખાય. જૂના કહેતા’ય આવ્યા છે આ ઐતિઇહ નામના પ્રમાણ ઉપર સૃષ્ટિ ચાલી જાય છે અને લગભગ કેટલાક તો સંભવ ઉપર ચાલી જાય છે કે સોમાં પચાસ તો હોય જ. એક, બે, ત્રણ, ચાર, નવ્વાણું સુધી હોય ત્યાર પછી સો થાય. સો રૂપિયા લીધા હોય આપણે સો આપીએ. આગલો માંગી શકે, તે સો આપ્યા પણ નવ્વાણું ન આપ્યા. નવ્વાણું આપીએ તો વળી માંગીએ કે અઠ્ઠાણું ન આપ્યો. કેમ એમ ? તો કે એની અંદર હતો. આપતો જ જા. એકડો આવે ત્યાં સુધી આપતો જા. જો અજ્ઞાન હોય તો આપતો જાય. જ્ઞાન હોય તો કહી દે કે સો આપ્યા. સો લીધા ને સો આપ્યા. હવે તમે નવ્વાણું માંગો છો તે સો લેતી વખતે તમે કહ્યું તું ? કે લે આ નવ્વાણું તો હું નવ્વાણું આપી દઉં. લે અઠ્ઠાણું તો અઠ્ઠાણું આપત. લે સતાણું તો સતાણું આપત, તો ઇ એક સો ને નવ્વાણું થાત. એક સો ને અઠ્ઠાણું થાત. એક સો ને સતાણું થાત. ઇ આપી દેત આનું નામ સંભવ નામના પ્રમાણ. આખી દુનિયા અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં, સંભવમાં ને સંભવમાં હેરાન થાય છે.
એક વેદાંત શાસ્ત્ર આમ કહે છે કે, કેમ એમ ? તો કે નિર્ગુણ ને નિરાકાર છે અને મિથ્યા છે, નાશ પામનારું છે. એને એવું સૂજ્યું. ખોટું છે. જીવાત્મા ક્યાં જાય છે કે હાથમાં આવતો નથી. બીજું વેદાંત એમ કહે છે કે એમ નહીં. શ્રુતિઓ વર્ણન કરે છે. પરમેશ્વર, જીવાત્મા, બ્રહ્મ અને માયા આ બધા નક્કી છે, નિત્ય છે, ઝીણા છે, જાડા છે. આ લોકના છે અને પરલોકના’ય છે. ઇ એય પરમેશ્વરના વાક્યો અને ઓલા’ય પરમેશ્વરના વાક્યો પણ એમાં બળાબળના પ્રકરણો હોય છે કે આટલા આટલા બળવાળા વાક્યો હોય તો ઓલા વાક્યો હટી જાય છે અને શબ્દને તોડી નાખે છે. એના ઘણાંય રસ્તાઓ છે. શરૂઆતમાં કેમ છે ? મધ્યે મધ્યે શું છે ? અને છેવટે શું લખ્યું છે ? પછી એમાં લખનારો અને બોલનારો કઇ વાત ઉપર ભાર દે છે ને કઇ વાતને ઉડાડી દે છે. તો ઇ ચિન્હો બરાબર શબ્દના અર્થો બતાવે, આ વેદાંત શાસ્ત્રના રસ્તા છે. ઓલો મીમાંસા શાસ્ત્ર એક કોર બોલે છે કે, કોક વખાણ કરતાં હોય એનામાં હોય નહીં કાંય પણ વખાણ બહુસારા હોય ઇ પ્રશંસા. લાખો ઠેકાણે એક નો એક શબ્દ હોય, કાં તો નિંદામાં હોય ને કા પ્રશંસામાં હોય. કાં એની સિદ્ધી અડખાં પડખાના પ્રકરણો કરી દેતા હોય. કેવી સિદ્ધી કરી દે ? અડખાં પડખાના પ્રકરણો કરી દે. અત્યારે આંહિ પારાયણ વંચાય છે, શુભ મુહૂર્ત છે, કંકોત્રીઓ મોકલાવી છે. જે ગામડેથી ભક્તજનો આવતા હશે કહેતા હશે કે અહિંયા સમઢીયાળામાં પારાયણ છે, સાંભળવા જઇએ છીએ અને પૂજાનો ને દર્શનનો લાભ લેશું, કથાનો લાભ લેશું. એની અડખાં પડખાંના માણસો છે એને સિદ્ધી થઇ ગઇ કે માળું સમઢીયાળામાં પારાયણ છે ખરું. કેમ એમ ? તો કે સિદ્ધિ કરનારા માણસો જાય છે. બાકી પૈસો ખર્ચીને ચાલીને કોણ જાય ? આ જોઇ લ્યો આપણે બધા છે. માંસ, મદિરા નહીં કરનારા અહિંયા બેઠા છીએ અને પરમેશ્વરની ભક્તિ કરીએ છીએ. પણ એવો કોઇ હોય તો એને અંદર આવવું મુશ્કેલ પડે. ઇ કહે આપણે બાપુ આઘા રહેશું. હું શું કામ આભડછેટ કરાવું. ઇ જાતિથી સાબિત થઇ જાય કે આ કોણ છે ? તો કે બ્રાહ્મણ છે. તો કે એના ઘરનું પાણી ખપે. એવી રીતે ઇશ્વરે પરમેશ્વરે પ્રશંસા કરી છે કે ધર્મ એટલે ભાગવત ધર્મ, ભાગવત ધર્મ એટલે પરમેશ્વર લેખેના કામકાજ, એનું નામ ક્રિયા એટલે કર્મકાંડ, ઇ કર્મકાંડને ઇશ્વરમાં જોડવો માટે વ્યાપક એવી સર્વત્ર મોટામાં મોટી સૃષ્ટિ કે જે નિત્ય અને શાશ્વત સૃષ્ટિ એનું નામ જ્ઞાન, વિજ્ઞાન અને આનંદ. એનું નામ સચ્ચિદાનંદ પરમેશ્વર. એ સર્વત્ર વ્યાપક પૂર્ણ બ્રહ્મ ભરેલા છે પણ આંખથી ન દેખીએ એટલે એને એક શાસ્ત્ર કહે છે નિરાકાર.
એક શાસ્ત્ર એમ કહે છે કે, અભ્યાસ કર્યા પછી દેખાય છે માટે સાકાર. કેવા સાકાર ? તો કે તમને કોક’દિ દેખાય છે માટે તે દિ’ સાકાર. કોકને દેખાણા હશે માટે સાકાર, એથી જૂનામાં જૂનાને દેખાણા હશે માટે સાકાર. આ સૃષ્ટિ જ્યારથી નોતી રચી ત્યારે તેણે પુરુષસુક્તના મંત્રમાં લખ્યું છે કે તેણે એક પુરુષ ઉત્પન્ન કર્યો, એ પોતાના સ્વરૂપનાં જેવું સામું સ્વરૂપ કર્યુ. માટે એની પહેલા પણ એની મૂર્તિ સાકાર. અત્યારના આદમી જેવા દેખાય છે એવો એ છે. માટે આ આદમી છે દેવ જેવા, દેવ આદમી છે ઋષિ જેવા, ઋષિ આદમી છે પિતૃ જેવા, પિતૃ આદમી છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશરૂપી આદમી છે વૈરાટ અને ભૂમા જેવા, વૈરાટ અને ભૂમા એ આદમીઓ છે પ્રધાનપુરુષ અને વાસુદેવ જેવા, વાસુદેવ અને પ્રધાનપુરુષ એ આદમીઓ છે પ્રકૃતિપુરુષ જેવા, પ્રકૃતિપુરુષ વાસુદેવ અને પ્રધાન એ પણ આદમીઓ છે. માટે જે આદમીમાંથી છૂટા પડ્યા, નીકળ્યા છે અને કામકાજ કરે છે, ઇ પણ આદમીઓ છે, ઇ છે બધા મુક્ત આદમીઓ અને મુક્ત છે ઇ જેની સામું જોઇને બેઠા છે, ઇ પણ એક મોટો આદમી છે. ઇ મોટો આદમી એનું નામ પરમાત્મા. આ રીતે પરમાત્માની આપણા આદમીપણાથી ઠેઠ સુધી સિદ્ધી થઇ જાય. જો એ આદમી ન હોય તો આવા આદમી ન બનાવે. સૃષ્ટિ સૃષ્ટિમાં આવા પુરુષો છે. માટે જરૂર પરમ પુરુષ આપણા જેવા છે.
શ્રીહરિએ પોતાની મૂર્તિ જેવી મૂર્તિ કરવા વાસ્તે અક્ષરધામના મુક્ત જેવો આત્મા થવા માટે અક્ષરબ્રહ્મલોકના મોટા લોકમાં, ધરામાં ઇ મુક્ત પુરુષને સ્નાન કરાવે એટલે તરત જ એ આત્મા વિકાસ પામ્યો, મૂર્તિમાન થયો, મુક્તના જેવો થયો. મુક્ત સમાન મુક્ત થયો. તેને પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં પ્રવેશ કરાવ્યો, તેથી મૂર્તિ સમાન મૂર્તિ ઘડાઇ ગયો, ઇ મૂર્તિ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ આપણે જોનારા મુક્ત પુરુષોને માટે થઇ. તે મૂર્તિ સમાન મૂર્તિ થઇ. આ રીતે મુક્તને પુરુષોત્તમ નારાયણ પોતાની મૂર્તિ સમાન મૂર્તિ બનાવી દે છે. ઐશ્વર્ય સમાન ઐશ્વર્ય આપે છે, સર્વ સ્વરૂપ પુરુષોત્તમ નારાયણના છે, એની અનંત શક્તિઓ એ તમામ મળી ગઇ. સ્વામી સેવક ભાવ પુરુષોત્તમ નારાયણે કાયમ રાખ્યો અને સેવકને એવુ જ્ઞાન આપ્યું હું શ્રીહરિ તમારો સ્વામી છું તમે સેવક છો આ વાતને ભૂલી ન જવી. સર્વજ્ઞપણું છે, પણ સર્વજ્ઞપણામાં માયીક સૃષ્ટિ દેખાતી નથી, માટે માયિકનું જ્ઞાન એ બ્રહ્મ-પરબ્રહ્મના વિજ્ઞાનની છાયાની માલિકોર દબાઇ ગયું ઇ અજ્ઞાન તરીકે એને નડતું નથી, ઊડી જાય છે. માટે સાર્વજ્ઞપણું, પરબ્રહ્મ સાર્વજ્ઞપણું, વિશિષ્ટ સાર્વજ્ઞપણું એ બરાબર મુક્ત પુરુષોને પ્રાપ્ત થઇ જાય છે, આપણે આપણા જીવાત્માનું રોજ પ્રત્યક્ષ કરીએ છીએ, આત્માનું પ્રત્યક્ષ નથી થતું સ્થૂળ દૃષ્ટિથી. આત્માનું સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ. જીવ, માયા, ઇશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચના સ્વરૂપો. જીવાત્મા જ્ઞાનઘન, આ જીવાત્મા એટલે કોણ ચીજ છે ? સાકર એટલે શેરડીનો રસ. લોટ એટલે ઘઉંના દાણાની ચીજ. એમ જીવાત્મા ક્યાં ક્ષેત્રનો દાણો ? કઇ શેરડીની સાકર ? જ્ઞાનક્ષેત્રની સાકર, વિજ્ઞાનક્ષેત્રની સાકર, જ્ઞાન વિજ્ઞાન ઇ બહુ વ્યાપક મોટું તત્ત્વ છે, સર્વત્ર રહ્યું છે અને જ્ઞાન વિજ્ઞાનને ધારી રાખનારા પુરુષોત્તમ નારાયણ સર્વત્ર છે, જો પૃથ્વી છે એના રજકણ ઊડે છે, જવ છે એની રિછડીઓ આકાશમાં ઠંડક આપે છે, અગ્નિ તેજ છે તે બ્રહ્માંડોમાં અજવાળા આપે છે, એથી ઝીણો વાયુ છે, આ બ્રહ્માંડના જીવોને અને બ્રહ્માંડની બહાર રહેનારા ઇશ્વરો એ તમામને પ્રાણ અને શક્તિ એટલે જીવાડવાની શક્તિ આપે છે.
વાયુ કરતા પાતળો આકાશ - પોલકાર. પોલકાર સર્વત્ર છે. ઝીણામાં ઝીણી ચીજમાં પણ પોલકાર બેઠેલો છે, માટે વેદાંત શાસ્ત્ર ખાટી જાય છે, બીજા શાસ્ત્ર હલકા થઇ જાય છે. ન્યાય શાસ્ત્ર કહે, પરમાણુમાં છિદ્ર નથી. વેદાંત કહે તારા પરમાણુમાં હજાર છિદ્રો છે, તો નાશ થઇ જાય. ભલે ને થઇ જાય. એમાં અમને શી હાની છે ? તો સૃષ્ટિ ક્યાંથી થશે ? તો નાશ થયા પછી જે રહેશે એમાંથી થશે. પરમાણુ બધા નાશ પામ્યા પછી કોણ રહે છે, તો કે ચેતન. ચેતન કોણ ? તો કે સર્વત્ર રહેનારો. બધે પહોંચી વળનારો, એવો ચેતન કોણ ? બ્રહ્મ. તો કે બ્રહ્મમાંથી સૃષ્ટિ થઇ ? વેદાંત કે હા. જ્યારે બ્રહ્મમાં સૃષ્ટિ થવા માંડે ત્યારે બ્રહ્મના રૂપ રૂપાંતર થઇ ગયા. ઇ રૂપ રૂપાંતર બ્રહ્મને નડ્યા. બ્રહ્મના શરીરમાં ભાત ભાતની ચીજો થઇ, નાટક રચાણું, આ માયાનું નાટક, માટે બ્રહ્મને લેપ લાગી જાય. તો કે ન લાગે ન. બ્રહ્મની માલિકોર બેઠેલા પરબ્રહ્મમાં છે ઇ લેપ લાગવા દેતા નથી. ઇ નિર્લેપ છે, એનામાં શક્તિ એવી છે એ ચીજ પ્રગટ કરે પણ એ ચીજ એને ન અડે, ઇ પોતે ચીજને અડે પણ ચીજનો લેપ પોતાને ન થાય, પોતાનો લેપ ચીજને લગાવી દેય. માયા પુરુષોત્તમ નારાયણનું શરીર છે પણ ભગવાન વિશેષ રૂપે જુએ કે આ માયા મારું શરીર તો છે પણ સૃષ્ટિ ઉપજાવનારી થાવ, એટલે માયામાં બ્રહ્મનો અંશ બિરાજે અને માયામાં રૂપ રૂપાંતર થવા માંડે. એની વિકૃતિઓ થવા માંડે એટલે પરિણામો થવા માંડે એટલે દૂધમાંથી દહીં થયું એવું દેખાવા માંડે, એના સાત્ત્વિક ભાવમાંથી શાંતિઓ પ્રગટ થઇ, રાજસ ભાવમાંથી પ્રવૃત્તિઓ પ્રગટ થઇ, તામસ ભાવમાંથી સુષુપ્તિ પ્રગટ થઇ માટે આરામ ઝંઝાળ અને છેવટે થકાવટ. આ ત્રણ ગુણ, ત્રણના કામકાજ. આરામમાં હોય ત્યારે આત્મા સ્વ સ્વરૂપમાં બેઠો છે, ઝંઝાળમાં હોય ત્યારે પોતાના ખજાનાની નોટોના થોડકા બહાર ઇન્દ્રિયો અંતઃકરણ ને આપી આપી અને વ્યાપાર કરે છે, એટલે ઝંઝાળ થયો, થાકી જાય કે હવે મને ઊંઘ આવે છે પરાણે, પાછો વળે એટલે પોતાના સ્વરૂપમાં બેસી જાય એટલે સુષુપ્તિમાં વયો જાય. સુષુપ્તિમાં જાય એનો અર્થ શું ? પોતે જ્ઞાન સ્વરૂપમાં છે કે જ્ઞાન સ્વરૂપમાં ટાઢક પામી ગયો, એને ઠંડક થઇ ગઇ, ઢીમ જેવો થઇ ગયો, ઢીમ જેવો. ઢીમ થઇ જાય એટલે ઠંડક થઇ જાય અને પોતે ઢીમ જેવો થઇ ગયો એનું નામ સુષુપ્તિ. એમાં ગરમી આવી, ઉકળાટ થયો અને સાલું ઉકળ્યું રસ રૂપે થયો એનું નામ જંજાળ, અને આ જંજાળમાંથી વિરામ વ્યક્તિને ગ્રહણ કરનાર થયો એ સંતોષી, સુખિયો, આનંદના સાગરમાં ડૂબેલો.
એમ જ્યારે પોતાના સ્વરૂપના આનંદમાં મગ્ન હોય ત્યારે પોતાનો સ્વયમભાવ, પોતાનું યથાર્થપણું, પોતાના જ્ઞાનના પ્રવાહો, પોતાની સમજણના અડખાં પડખાંના ફંડા, એના સ્વરૂપને દેખતો દેખાતો આનંદ માને છે, શું આનંદ માને છે ? હું મને ઓળખું છું, હું જ્ઞાની છું, હું સમજણવાળો છું, હું મને ઓળખું છું, હું અહંકાર રહિત છું, છતાં હું એમ મને ઓળખું છું. શાસ્ત્રે છૂટ મેલી છે. સાંખ્યશાસ્ત્ર કહે છે કે, હું હોય ત્યાં સુધી માયા. વેદાંત શાસ્ત્ર કહે છે કે, આ ભગવાન પણ પ્રયોગ કરે છે, પોતાના જ્ઞાન વડે, પોતાના વ્યવહાર પૂરતો અહમ્ એ ભગવાનનો જ શબ્દ છે. કાંઇ માયાનો છે ને થોડી વાત છે, ભગવાન પાસેથી ઉછીનો લઇ અને માયાએ પોતાના દીકરાને આપ્યો, માયાથી દીકરો ઉત્પન્ન થયો એનું નામ મહત્ત્વ.
મહત્ત્વને માયાએ ખોરડા વ્હેંચી આપ્યા કે મારે મિલકત છે એમાંથી થોડી ઘણી તું રાખ, તારા છોકરાને કામ આવશે. માયામા ત્રણ ભાવ પડેલા છે, હું મારાપણું, અહમ્ અને મમ અને બેયનું મિશ્ર ખાતું. આ હું, આ મારું અને તારું મારું સહિયારું. હું મારું અને તારું મારું સહિયારું. આ માયામાં પડેલા છે. માયામાં હું છે એ અહંકારનુ સ્વરૂપ. માયામાં મારું છે ઇ મિલકતનું સ્વરૂપ, અને તારું મારું સહિયારું ઇ માયામાં પડ્યું છે એ એમ કહે છે હું ભલેને જડ રહી, અજ્ઞાની રહી, પાણા જેવી રહી પણ તને જીવાત્માને મારા બંધનમાં નાખી દઉં તો તું અને હું બેય સહિયારા. બોલો માયામાં આ ત્રીજો ભાગ પડ્યો છે. ઇ ત્રણ ભાગ માયાએ પોતાના પુત્રને મહતત્ત્વને આપ્યા. એટલે મહત્ત્વને એક દીકરો થયો અહમ્, એને ત્રણ આપી દીધા. ત્યારે અહમ્ એમ કહેવા માંડ્યો મારા બાપની મિલકત છે, મારા માતાજીએ આપી છે એટલા માટે હું પોતે અહમ્. તારું નામ શું તો કે અહમ્. તો કે એમ કાં કર્યુ ? તો કે જનકની ગાદી એ બેઠા છે માટે અહમ્, મારા મા બાપના જે મિલકતો વગેરે મળ્યા હવે એનું નામ હું રાખું. અહંકારે અહમ્ એ પોતાનું નામ રાખી લીધું. એમાં મમતા સાથે ભાઇબંધી રાખી અને હું અને તું સહિયારા, હું અહંકાર. એની સાથે મમતા ઇ બેયની વચ્ચે આવી ગઇ આત્મા. એને કે છે તુ આપણામાં સહિયારો. અહમ્ માંય તે અને મમ માં ય તે, એટલે આત્મા કહે આ ઠીક થયું, પરબારું, આ સાથે ભાઇબંધી થઇ તો કાંઇક નવીન રાજ્ય મળ્યું. પણ કાંઇ એમ નથી સમજતો કે મારી પોતાની ગાદી વઇ ગઇ. મારું પોતાનું સાચું નાણું ભૂલી જવાણું. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આત્માની અંદર કાયમ રહ્યા છે. એ પ્રભુને ભૂલી જવાણા અને અહમ્ અને મમ ઇ બેયને લઇ લેવાણા. અને એને લઇ વચ્ચે હું આભડછેટ વાળો થયો એટલે અહમ્કાર અને મમ્કાર મારામાં ઘુસી ગયો.
પછી ભગવાન કહે, બેય આભલાના અંદરગાળે બેય કોર આભલો. એક કોર આભલામાં જીવાત્મા જોવા માંડ્યો, બીજી કોરના આભલામાં માયા જોવા માંડી. માયાનું પ્રતિબિંબ આભલાના વચલા ગાળામાં રહ્યું. જીવાત્માનુ પ્રતિબિંબ ઇ આભલાના વચલા ગાળામાં જઇ અને બેઠું. આ બે બિંબ થયા ભેગા, બિંબ અને પ્રતિબિંબ એક જ છે, ત્યાં જુદા નથી. છતાં શાસ્ત્રે સમજાવા વાસ્તે પ્રતિબિંબ એટલે સામું બિંબ. બિંબનું બિંબ. જીવાત્મા પોતાના અંતર્યામી એવા પરબ્રહ્મ પરમાત્માને લઇ, અંતર્યામીને ભેગા લઇ અને આભલામાં બેઠો. કેફ તો જબરો છે પણ રોજ રોજ ટેકો હોય એટલે ઘડીક વાંહો વાળીને ય બેસી જાય, એમ માળો વાંહો વાળીને બેસી ગયો. કેમ એમ ? તો કે આગળ જોવાની પ્રદર્શની બહુ સારી થઇ, ખીલી માયા ખીલી. એની પ્રદર્શની જોવા માટે એની સામે મુખ કર્યુ તો આમ ભગવાન તરફથી મુખ અવળું થઇ ગયું. ઓલી પ્રદર્શની દેખાડનારી માયા ઇ આખા ઝંઝાળના જેટલા વિષયો, જેટલા રૂપ, રંગ, રાગ, વિલાસ ઉપજાવ્યા હતા એ બધાય પોતાના આભલામાં મેલ્યા. જીવાત્મા જોતો જોતો થાકતો જ નથી. આખી જિંદગી વઇ ગઇ, જોવા જ માંડ્યો. એટલે કહેવા માંડ્યો. માયા મારી, માયાના તત્ત્વો મારા, માયામાંથી આવતા વિષયો મારા, એનો નિયામક હું. માયા એમ કહે છે કે મને કોઇ સંચાલન કરનારો કે દેખનારો નતો માટે આ રાજ્ય તારું જા, ગ્રહણ કરી લે. માળો આત્મા રાજી થઇ ગયો. લઇ લીધું રાજ્ય હાથમાં, માયા કે ઠીક થયું, બંધન સારું થયું. આપણે એકલા હતા તે બેકલા થયા. માયા ખુશ થઇ.
પછી કોલ કરાર કર્યા કે તારે મારી સામું જ જોતું રેવું હો, હવે પાછું વાળીને જોઇશમાં. માયા જાણતી હતી કે જો મારું સામું જોવું પડ્યું મેલ્યું ને હવે પાછળ જોવા માંડશે. તો એમાં અંતર્યામી પ્રભુ બેઠા છે, એવું દર્શન થઇ જશે. જેવું દર્શન થયું કે ભાન થઇ રહેશે એ હું જુદો પડ્યો મને મેલીને વયો જશે. માટે કોલ કરાર કર્યા. હું જ્યાં સુધી હોઉં ત્યાં સુધી તું પાછું વાળીને જોઇશ નહીં. પાછળ બેઠા છે એની સામું જોઇશ નહીં. આત્મા કહે બહુ સારું. આ રીતે તમામ જીવાત્માઓ માયાની સામે દૃષ્ટિ કરીને સંસારી થયા છે અને સુખ દુઃખને ગ્રહણ કરનારા થયા છે. બહારની ચીજો ઇન્દ્રિયો અંતઃકરણમાં લઇ જાય. બહારની ચીજો કે બાહ્ય વસ્તુઓ માટે બાહ્ય આકારો અને ઇન્દ્રિયોની વૃત્તિમાં ધારણ થઇ જાય માટે ધાર્યા આકારો એ અંતઃકરણમાં પહોંચ્યા એટલે ભોજ્ય આકારો અને એના ફળરૂપ સુખ અને દુઃખને માનતો થકો અહમ્ બદ્ધ, અહમ્ સંસારી, અહમ્ દુઃખી, અહમ્ સમકાલીન, અહમ્ સપરિજનઃ, અહમ્ સંપન્ન, અહમ્ સશક્ત, અહમ્ શ્રેષ્ઠ વિજ્ઞાતા, અહમ્ સંચાલક, અહમ્ વ્યવહારે અતિ નિપુણ, સર્વમ્ જાનામી, સર્વમ્ કરોમી, સર્વમ્ વેદમી, સર્વમ્ પ્રવર્તયામી, આમ મનન કરનારો બંધનમાં પડેલો છે. માયાએ તને આપી દીધું, માયાએ બહુ સત્કાર કર્યો, આત્મા રાજી થયો પણ સત્કારે બંધનમ્ ઇ ન સમજ્યો કે આ મારો સત્કાર થયો ઇ સત્કાર બંધન છે.
કોઇ બહુ મોટી પૂજા કરે, ભેટ સામગ્રી આપે, બૃહસ્પતિના પ્રકરણોમાં લખેલા છે, દેવતાઓ પૂજા કરે બૃહસ્પતિની ઘણી વસ્તુઓ આપે, પછી દેવો એમ કહે કે હવે આટલું અમારું કામકાજ કરી દેજો એટલે બૃહસ્પતિ મસ્તક નમાવીને એમ કહે હા બહું સારું. ઓલી વસ્તુ પ્રાપ્ત થઇ તેને બંધન નામનો એક સંસ્કાર ઉત્પન્ન કર્યો એ સંસ્કારે આત્માને બંધન દીધું. આત્મા બંધાણો પણ ઇ રાજીપો છે. ઇ રાજીપાએ બંધનને ઓળખવા ન દીધો. શું લાભ થયો ? લાભ છે ઇનો ભાઇબંધ છે બંધન પણ લાભ બંધનથી ઓળખાણ પડાવા દેતો નથી એટલે લાભે ન બંધનમ્. આ જીવાત્મા લાભમાં બંધન નથી માનતો, હોય તો ખરેખરું બંધન પણ જે દિ’ ગેરલાભ થાય તે દિ’ એમ થઇ જાય કે આ મારું મને નડતર થઇ, હવે બંધન થઇ ગયું, હવે નીકળી જાઉં, તે દિ’ છૂટો થાય છે. તે સિવાય છૂટો થતો નથી. ખરો આફત આવે તે દિ’ નીકળે. આપણે કહીએ ભગવાન ભજે તો ન ભજે પણ ક્યાંક ચાલ્યો જાતો હોય રસ્તે અને આડું આરણ્ય આવ્યું અને વચ્ચે બે પાંચ. લાકડીઓ વાળાને ડંડાવાળા કે સોનાની બંડી અને આ સોનાની આ કંઠમાં પહેરેલી માળા હાથમાં બીજા ત્રીજા ઇ બધા કાઢી દે, નહિંતર લાકડી ઉપડશે તો કે ભાઇ’સાબ કાઢી દઉં છું. એમાંય જો એવા મળે કે પાંચ સાત એવી લાકડી મારીશને તારી કડ ભાંગી નાખીશ. ભગવાન ભજવા મંડ, સાધુ સન્યાસી થઇ જા તો કે ભાઇ’સાબ ભજી લઉં છું. હવે સાધુ થઇ ગયો. ઓલો મહાકાળે’ય એવો છે હો ઠોઠ મારે એવો. શંકરની પાસે સાત કરોડ ગણ શિવ પુરાણમાં લખ્યા છે. ઇ સાત કરોડ યમરાજાના દૂતના જેવા ભાઇબંધો છે. જેને છેવટે પોતે ભગવાનને શરણે લઇ જાય. જો ભગવાનનું ભજન કરવા માંડે તો ઇ દૂત આઘો જાય, નહિં તો એને ગળે બાંધીને ઉતારી જાય છે. શંકરના સાત કરોડ દૂત, વરુણનાં દૂત તો પછી. પદ્મપુરાણમાં હકીકત લખી, યમરાજાના દૂત એટલે જમદૂત. ઇ જમદૂતોની ભરતી કેમાંથી થાય છે ? તો એનો જન્મ થાય છે ? કે ત્યાં વસ્તી છે ? ઇ આવે છે ક્યાંથી ? એના જવાબમાં લખ્યું છે. જે ભગવાનની ભક્તિ કરતાં નથી એવા જીવાત્મા, એને તો બાદ કર્યો પણ જેની પાસે ધર્મ કાર્ય કરેલું નથી, જેના બાળબચ્ચાં પાછળ પરમેશ્વરને સંભારે એવા નથી, સત્કાર્યો કરે એવા નથી એટલે બીજો નંબર પણ નીકળી ગયો. પરલોક વાસ્તે પોતે પુણ્ય કાર્ય કરી અને પોતે ગયેલા નથી. ઝાઝાના આશીર્વાદ મેળવ્યા નથી. ઇ આશીર્વાદ શૂન્ય છે.
માટે જેનામાં પુણ્ય નથી, જેણે પરલોકને વાસ્તે સત્કર્મ કર્યા નથી. જેના સંતાને પાછળ સારી ક્રિયા કરેલ નથી. જેણે પોતે ભક્તિ કરી નથી અને ખાસ મુદ્દો તો આ વાત ઉપર છે કે, ભગવાનના અને સંતના અને ભગવાનના ભક્ત એવા માવતરના જેણે આશીર્વાદ મેળવ્યા નથી, આ મોક્ષમાં જતાં નથી. ભક્તિ કરનારો મોક્ષમાં જાય, આશીર્વાદનો પાત્ર મોક્ષમાં ગયા પછી પરમેશ્વરના સુખને મેળવે. પુણ્યનો પાત્ર સ્વર્ગમાં પહોંચે. સત્કર્મ કરનારો સારા જન્માંતર ગ્રહણ કરે. પાછળ સત્કર્મ કરે એવા સંતાનવાળો કોઇ પણ પરલોકમાં જાય, કોઇ પણ જન્મ લ્યે, પોતાના કર્મને અનુસારે કદાચ મનુષ્યમાં, પશુઓમાં કે દેવતાઓમાં તો ત્યાં તેને પાછલું સંતાન સત્કર્મ કરે તેનું પુણ્ય પ્રાપ્ત થાય અને ત્યાં સુખિયો થાય છે એ પુણ્ય કોઇ ને કોઇ રૂપે મળે છે. શાસ્ત્ર લખે કોઇ ગાય વિગેરેનો જન્મ હોય તો એને સારા ઘાસ, સારા ખાણ ખાવાના, સારી રક્ષા કરે એવો ઘરધણી, એવા સારા સંજોગો તેને પ્રાપ્ત થાય છે. પાછળ સંતાનોએ કરેલા સત્કર્મનું ફળ તેને મળે છે. ગોલોકમાં ગયો તે પોતાના પુણ્યથી ગયો, એની પાછળ સંતાન સત્કર્મ કરે. સત્કર્મ ક્યા ? માર્કન્ડેય પુરાણમાં અઢાર દાન લખ્યા છે એ માંયલા. એ માંયલા એટલે શું ? દરેક સત્કર્મમાં પરમેશ્વર પ્રસન્નોસ્તુ. શ્રીહરિ રાજી રહો. એમ ભગવાનની પ્રસન્નતાનું ધ્યેય રાખી અને આપે, ભગવાન રાજી થાય એ ભગવાનની પ્રસન્નતા ઉપજાવનારું થયું માટે પ્રસન્નતા સર્વજ્ઞ એવા પરમેશ્વરની પાસે ગયેલો આત્મા એ જે પ્રદેશમાં રહેતો હોય, ત્યાં ભગવાન વરસાવે છે. એ પ્રસન્નતા મળી એટલે દેવલોકમાં રહેતો હોય એટલે દેવ હોય, તો પણ મહાસુખિયો થાય છે. એના સુખ કરતાં હજારો અને લાખો ગણો સુખિયો થઇ જાય છે અને પાછલી સંતાન એમ સંકલ્પ કરે કે મારા પૂર્વજો અસદ્ગતિમાં ગયા હોય આપણે મનુષ્યની રીત પ્રમાણે મનુષ્યથી હલકા જન્મ એનું નામ અસદ્ગતિ. શાસ્ત્ર જ્ઞાનીઓની રીત પ્રમાણે, સત્પુરુષોની દૃષ્ટિએ બ્રહ્માના સત્યલોક સુધીના જે કોઇ દેવતાઓ, મનુષ્ય વગેરે બધી અસદ્ગતિ અને બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેત્તા પરમેશ્વરના એકાંતિક ભક્તજનો તેની દૃષ્ટિએ પ્રકૃતિ પુરુષની સૃષ્ટિ સુધીના, મહાવિષ્ણુ સુધીના, ભુમાપુરુષ સુધીના, પ્રકૃતિપુરુષ પ્રધાનપુરુષ સુધીના તમામ જન્મ એ બધી અસદ્ગતિઓ છે. પરબ્રહ્મ એવા પુરુષોત્તમ નારાયણ તેના બ્રહ્મલોકની આગળ પ્રકૃતિપુરુષના, પ્રધાનપુરુષના, મહાવિષ્ણુના, ભુમાપુરુષના, વૈરાટનારાયણના, ઇશ્વરોના, મહાલક્ષ્મીજીના એવા એવા ધામ, નિવાસો, ઇશ્વરકોટિઓ એ બધા નિરય.
ભગવાન સંબંધી સંપત્તિ જ્યાં નથી તેનું નામ નિરય એટલે નરક. એનું નામ નરક. નિરય બહુ વિચારીને વિદ્વાનોએ શબ્દ આપ્યો છે. છે પર્યાય, કેનો ? નરકનો. નરક પણ સ્વયં ઇ ચીજમાં શબ્દ વપરાઇ જાય છે. જ્યારે નિરય એટલે પરમેશ્વરની સંપત્તિ વિનાના સ્થળમાં પણ વપરાય. મેદાન પડ્યું હોય, કોઇ જાતની સંપત્તિ ન હોય, તો એ મેદાનને એમ કહેવાય સંપત શૂન્યમ્, ઇ સંપત શૂન્યમ્ એનું નામ નિરયમ્. જ્યારે મહાવિષ્ણુના ધામમાં કાંઇ સંપત્તિ ઓછી નહીં હોય. સૂર્યનારાયણને કેટલી સંપત્તિઓ છે ? વર્ણન કોણ કરે ? વર્ણન કરવા બેસે તો એનો પાર ન આવે. આપણે તો મગજમાં કેટલું લઇએ. એમ જાણીએ કે આવા લાખો સૂર્ય છે એની લાખો સંપત્તિઓ છે. પણ છતાં નિરયમ્. જ્યાં ભગવાન કોઇ દિ’ હાથમાં આવે નહીં. જેની સમીપે જવાય નહીં. એનુ નામ નિરય. જેના ખોરડામાં ભગવાન કે સંત નથી એ ઘર કેવું તો કે નિરય. એને નિરય સમાન લખ્યું છે.
યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું, ભીષ્મપિતાને મારું જલ્દી કલ્યાણ થાય એવું કંઇક બતાવોને ? ભીષ્મપિતા કહે છે, યુધિષ્ઠિર તારે પડખે શ્રીકૃષ્ણ ભગવાન છે, તારે ત્યાં કલ્યાણ છે. તારો ભાઇ ઇન્દ્ર છે, તારા ભાઇને ત્યાં કલ્યાણ છે. હવે તારે કલ્યાણમાં શું વાંધો છે ? તો કે મારો સંશય. મને સંશય છે એ નરક છે, નિરય છે, સંશયવાળો આત્મા ઇ નાશ પામેલો છે. હા અને ના મળેલો, કાં ઘડીકમાં હા અને ઘડીકમાં ના એમાં એકેયમાં ફળ ન મળે. ફળ મળે કેવું ? તો હાલ ઘોડી હામાપર. તે કાઠિયાવાડમાં છે. ત્યાં બ્રાહ્મણ ઘોડી પર બેસીને ચાલ્યા. ઓલા ઢોલ વાગે ને ઘોડી હાંકે, ઢોલ ઝાઝો વાગે એની કોર ઘોડી હાલે. તો બીજા ગામમાં વાગે વળી એની કોર ચલાવે. કાં આની કોર ચલાવે. એમ કરતાં કરતાં કલાક વીતી ગઇ, બેય ગામ પહોંચાણું નહીં. બેય ઠેકાણે ઢોલ વાગતા બંધ થઇ ગયા. ત્યાં ઝાંપે પહોંચ્યા. બદરાણું બંધ થઇ ગયું. તો કે હાલ ઘોડી હામાપર. હવે હામાપરના બ્રાહ્મણ હતા તે ગયા હામાપર પાછા. આ રીતે આ જીવાત્મા પરમાત્માની પાસે જાય પણ એને નિરય. વિધિ એટલે આજ્ઞાઓ, વિધિવાક્ય એટલે વિધાન કરવું, શું કામ કરવું ? કોઇ પૂછે તમે શું કરો છો ? તો કે હું વ્યાપાર કરું છું ? શું કરો છો ? તો કે નવરો છું. પણ એમ કહેતા હોય તો હું ભગવાન ભજું છું. તો અમથું અમથું’ય રાજી થવાય. ભગવાનના બે નામ તો લે સાંભળનાર અને બોલનાર. એ કાંય ન લે, તો એના હૃદયમાં નિરયમ્. ભગવાનની પ્રાપ્તિ ત્યાં નથી. શુભ વિધિ ત્યાં નથી.
પૃથ્વીમાં બ્રહ્મ દેવતાઓ થયા, ભગવાનો થયા, આચાર્યો થયા, શાસ્ત્રો રચનારા થયા તેમણે આ હકીકતો જોઇને લખી કે પૃથ્વીમાં ભગવાનના અવતારો થાય છે, પધારે છે, આપણી ભેગા રમે, જમે છે અને બધું સહન કરે અને છેવટે એમ કહી દે કે તારું કલ્યાણ હું કરીશ હો, તું મુંજાઇશ નહીં. હું કહું એમ કર. બધા પરમેશ્વરે આમ કહ્યું છે. જે સેવક છે એને એમ કહ્યું છે કે, હું કહું એમ કર. ઓલો કેય છે કે પણ આ સારું નરસું બેય મને લાગુ પડી જાય. ભગવાન કહે, ના હું લાગું પડ્યો છું, હવે સારું નરસું તને લાગુ પડવાનું છે ? હું આડો ઊભો છું ને. બોલો ઇ આપણને મળે, આપણા ઉપર કૃપા કરે છે. માટે આપણે ત્યાં નિરય તે નથી. ત્યારે આપણી પાસે શું છે ? આપણા શાસ્ત્રોમાં છે પણ અજાણ્યું રહી જાય છે. સમય - સમ અને અય ઓલો નિર અને અય. આપણે કહીએ કે, તમારો સમય છે. સમ અને અય. ભગવાન જેને મળે એનું નામ સમય અને ન મળે એનું નામ નિરય. ન મળે તે નિરય અને મળ્યા તો સમય, આપણો સમય છે, ભગવાન ભજી લઇએ છીએ માટે ભગવાનના અવતારો, બ્રહ્મવેત્તાઓ, સત્પુરુષો, એકાંતિકો, એમની ભેગા ભગવાન વિચરે છે, રહે છે, આવે છે, હળે મળે છે, બોલે છે, જમે છે, ભેગા રહી અને એમ કહે છે, અફસોસ કરીશ નહીં તું સંદેહથી તું પાપ ચોંટાડનારો હોઇશ તો હું ઉખેડનારો છું, પાપ ઉખેડી નાખીશ. એટલું નક્કી કરી લેને કે આ ભગવાન છે, નિર્લેપ છે, એને યોગે હું પણ નિર્લેપ છું. ભગવાન આપણામાં ભક્તિ પ્રવર્તાવવા માટે અનેક પ્રકારના જન્મ અવતાર લ્યે છે, આપણી ભેગા ફરે છે, ઇતિ અને સ્મૃતિઓ રચે છે, આપણી ભેગા રહીને જે ક્રિયા કરે છે, એ મોક્ષ દેનારી થાય છે અને તેને પુરાણ તરીકે લખાય છે, એ ભગવાનની લીલાઓ કહેવાય છે.
માણસના નિંદાના ભય થકી ભગવાનની ભક્તિ ત્યાગ ન કરવી. શાસ્ત્ર લખે છે કે, હાથી હાલ્યો જાતો હોય તો શિયાળિયું માંડે રોવા, કુતરા માંડે રોવા તો હાથી સામું ગણકારે’ય નહીં, ભગવાનનો ભક્તિવાળો હાથી જેવો છે જબરો. ભગવાનના મંદિરોના ઉત્સવ કરવા, ઉત્સવમાં હાજરી દેવી, ભજન કરવું, નર-નારીઓએ એક બીજાને અડવું નહીં, એ મોટી મર્યાદા છે. ભગવાનની સમીપે મંદિરોમાં એક બીજાના સ્પર્શ ન કરવા, ધીરજ રાખવાથી ઇન્દ્રિયો જીતાય. આંખ વડે જોઇને ચાલીયે તો ઠેસ ન વાગે. મનથી સંભાળીને રહીએ તો ઇન્દ્રિયો તોફાન ન કરે અને વિષયને પચાવીએ તો ઇન્દ્રિયો અંતઃકરણ સહિત સાત્ત્વિકપણું થઇ જાય. ભગવાનને ચડેલા એવા તુલસી, એની કરેલી કંઠી કંઠમાં પહેરજો. જેના કંઠમાં કંઠી હશે તેને નારદ પંચરાત્ર લખે છે કે, જમરાજાનો દૂત એની પડખે ઊભો નહીં રહે, એના પાપો બળી જશે. રામાનુજના ગ્રંથોમાં લખ્યું છે કે, જેને ઝાડવા બગીચામાં ઉગ્યા હોય, ઇ ઝાડવાને કંઠી બાંધવી તુલસીની. અને એને મોટું તિલક કરવું, એને ચાંદલો કરવો, ઇ વૃક્ષને દીક્ષા આપવી તો વૃક્ષ પણ ધામમાં જશે. રામાનુજ આચાર્યના બ્રહ્મસરમાં લખ્યું છે કે, કબીર સંપ્રદાયમાં લખ્યું છે કે, તમારા નામ પાડો એની પાછળ રામ નામ રાખજો. લ્યો દાળ રામ, લ્યો ભાત રામ, લ્યો રોટી રામ, એની હારે રામ લગાડવું. એમ લ્યો સ્વામિનારાયણ, લ્યો ઇષ્ટદેવ શ્રીહરિ. એમ ભગવાનના ભજન કર્યા કરવા, વિજાતિઓએ ગાયત્રીનું પૂજન કરવું ષોડ્શોપચારથી, કંઠમાં તુલસીની માળા પહેરવી, તુલસીની કંઠી વિનાના હોય એને જમરાજાના દૂતો ખોળે છે, કેની પાસે કંઠી નથી ? એને પકડો, ઉપાડો. ભોજનમાં, શયનમાં, મળ-મૂત્ર ત્યાગ કરવામાં પણ કંઠી કંઠમાંથી ન કાઢવી, કંઠ ખાલી ન રાખવો, લલાટમાં ભગવાનના ચરણની રેખાનું તિલક કરવું, તેની મધ્યે ભગવાનની પ્રસન્નતાનો ચાંદલો કરવો. મહારાજ લખે છે કે, લક્ષ્મીજીનો ચાંદલો કરવો, એને ઉર્ધ્વપુંડ્ર એટલે ઊભું તિલક કહેવાય. બ્રાહ્મણ, ક્ષત્રિય એ વૈશ્યને આવું તિલક કરવાને માટે કૂર્મપુરાણમાં લખ્યું છે, નારદ પુરાણમાં લખ્યું છે, સ્મૃતિઓમાં લખ્યું છે, શાંડિલ્ય સ્મૃતિઓમાં લખ્યું છે, વિષ્ણુ પુરાણમાં લખ્યું છે, જેના લલાટમાં ભગવાનના તિલક ચાંદલા નથી એનું કપાળ અમંગળ જાણવું. બ્રાહ્મણોએ તેલ માથામાં નાખ્યું હોય અને ચોટલી વિનાના હોય તો તો અતિ અમંગળ. દક્ષિણમાં એને મંગળ ગણે છે. એક ઋષિના બ્રાહ્મણો ચોટલી વિનાના છે, એને મંગળ ગણે છે, પણ શાસ્ત્રોએ ના પાડી તે મંગળ નથી.
આચારદ્વિપમાં લખ્યું છે કે, વૈષ્ણવ સર્વમાં શ્રેષ્ઠ છે. પરાશર સ્મૃતિમાં લખ્યું છે કે, યજ્ઞોપવિત જનોઇનું રક્ષણ કરો એટલું કંઠીનું રક્ષણ કરજો. બાવડામાં ભગવાનના શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરજો. એટલે પોતાની મૂર્તિમાં ભગવાનની મૂર્તિ વસાવજો. પોતાના શરીરને ભગવાનના ચિહ્નવાળા કરજો, તિલક ચંદન વડે, કુમકુમ વડે કરજો, એની વચ્ચે ચાંદલો રાધા અને લક્ષ્મીજીની પ્રસાદીના કુમકુમ વડે કરજો. ‘રાધ’ એટલે પુરુષોત્તમ નારાયણે કહેલી આજ્ઞા. ‘લક્ષ્મ’ એટલે ભગવાને બતાવેલું ચિન્હ. લક્ષ્મ જેને છે એનું નામ લક્ષ્મીન. ભગવાને કરેલી આજ્ઞા અને ભગવાને બતાવેલા ચિન્હ, એવી જાતની રેખાવાળું તિલક કરજો. મહારાજ કહે, પાતળી સળી હોય એવું તિલક મેં પસંદ કર્યુ છે, આ મારી આજ્ઞા. તિલક વાંસના પાંદડા જેવું થાય, ઘડિયાળના પટ્ટા જેવું થાય અને ભેંસ ભડકે એવા મોટા શિંગડા જેવું ય થાય. પછી તો ઘણી જાતના તિલક લખે છે, પણ પાતળી સળી જેવું ચંદનનું તિલક અને તેની વચ્ચે કુમકુમનો ચાંદલો એ બરાબર કરજો. શાસ્ત્રે મર્યાદા બાંધી છે, જેના હાથનું પાણી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને ખપે એવા કુંભકાર, કોળી વર્ગ, સગર વર્ગ, સુથાર હોય, લુહાર હોય, દરજી હોય, એને સત્શુદ્ર એટલે સાચા સારા, પવિત્ર સેવક. જે મલીન હોય એનું નામ અસત્ શુદ્ર એટલે કચરો વાળતા હોય, ઉકરડા ઉઠાવતા હોય, ઢોર ઢસડતા હોય. જેના ચામડા સાથે વ્યવહાર હોય એ મલીન, મલીનને માટે તિલકની ના પાડી છે, કેમ એમ ? તો કે ધર્મશાસ્ત્રે કાયદો કર્યો. હવે સાંભળો એક હકીકત કહું, કાશીમાં એક મોટો પ્રશ્ન ઉદ્ભવેલો હતો બ્રાહ્મણ મહાસંમેલનમાં. આપણી આ સભા છે એવી તો ત્રણગણી સભાઓ પંડિતોની ભરાણી હતી અને એમાં પ્રશ્ન થયો કે, ભાઇ તમે બધા વર્ગને તિલક-ચાંદલો કરાવો છો અને બધા વર્ણને ‘શ્રીકૃષ્ણ ત્વં ગતિર્મમ’ આવો મંત્ર આપો છો, આ અહંકાર શું કામ બેસાડી દીધો અવૈદીકોને ? ઘાંચીને, મોચીને, બીજાને ત્રીજાને એને શું કામેને અહંકાર દો છો ?
એ વખતે સભામાં આચાર્યો બેઠા હતા. લક્ષ્મણ શાસ્ત્રી ઉપાધ્યાય, રાજશ્રી શાસ્ત્રીના બાપ. એ સભામાં પોતે વૈષ્ણવ તરીકે ઊભા થયા અને આચાર્યની ખુરસીઓ ઉપર હતી અને હું આ વખતે સાંભળતો હતો તે દિ’ અવસ્થા મારી ભણવાની હતી, પંડિતાઇની નોતી, પણ આ મેં નક્કી કાનોકાન સાંભળ્યું. લક્ષ્મણ શાસ્ત્રીએ કહ્યું, વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય મૌન સહિત મંત્ર આપે છે, પોતાના ચારેય વર્ણના શિષ્યને આપે, કેમ કે આચાર્યને પરમેશ્વરે અધિકાર આપ્યો છે કે તમે આચાર્ય મારા સ્થાન ઉપર છો, મેં વેદ રચ્યા છે એમ તમે જેમ રચના કરીને તમારા શિષ્યને આપજો ઇ વેદના જેવો ચડિયાતો મંત્ર ગણાશે માટે શુદ્રોને પણ મંત્રો આચાર્યો આપે છે ઇ બરાબર છે અને વેદ જો આનાથી વિરુદ્ધ હોય તો ઇ વેદ પોતે અવૈદિક થાય. પણ પરમેશ્વરનું વાક્ય અવૈદિક થાતું નથી. માટે આચાર્યોના વાક્ય ઇ વૈદિક છે આ રીતે પરમેશ્વર કહે છે. મારા આચાર્ય જે વર્ણાશ્રમના ધર્મને પાળે, પળાવે, વચન આપે, ચિહ્ન ધારણ કરવાને માટે કહે તે બધું વૈદિક છે પણ અવૈદિક નથી. મારા એકાંતિક ભક્તજનો તે તિલક-ચાંદલો બધાય કરે. તે સ્વામિનારાયણના સેવક છે અને મોટો રૂપાળો તિલક-ચાંદલો જબરજસ્ત કરે છે. કેમ એમ ? તો કે શિક્ષાપત્રીમાં લખ્યુ છે કે, અસત્ શુદ્ર હોય તો ઇ ચાંદલો તિલક ન કરે. અમે હવે અસત્માંથી નીકળી ગયા. ચામડું મેલી દીધું, ઢોર મેલી દીધા.
શાસ્ત્રો લખે છે કે, ત્રણ કુટુંબની પેઢી બરાબર બ્રાહ્મણનો ધર્મ પાળતો આવતો હોય તો ઇ તે દિ’ બ્રાહ્મણ રૂપમાં થઇ જાય છે, ભલે જાતથી બ્રાહ્મણ નથી પણ કર્મથી બ્રાહ્મણ છે, માટે અધિકારને વાસ્તે યોગ્ય થાય છે માટે એને શાસ્ત્ર બાધ કરતું નથી. ભગવાનની પૂજા સ્વતંત્ર કરી શકે એને ના ન પડાય. ઇ ધ્યાનમાં બેસે અને ધ્યાનમાં સમાધિમાં જઇ શકે. એને ના ન પડાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને સ્નાનનો ધર્મ કહ્યો પણ એ જો ચંડાળ સ્નાન કરે તો એ ના ન પડાય. નારાયણ એવા વિષ્ણુને મહેશ એવા શંકર એ બેય બ્રહ્મમાંથી પ્રગટ થયા. બેયના અંતરાત્મા પરમેશ્વર છે માટે બેય ને બ્રહ્મરૂપે પ્રતિપાલન કર્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે, વેદમાં, શાસ્ત્રોમાં, રુદ્રીમાં, મંત્રોમાં, સ્મૃતિઓમાં, પુરાણોમાં ઇ બેયનું એકાત્મપણું છે એટલે શું ? એની અંદર જે રહ્યા છે. તે આની અંદર રહ્યા છે. વિષ્ણુમાં છે તે શિવમાં છે, શિવમાં છે તે વિષ્ણુમાં છે. બેયનું એકાત્મપણું એટલે છે એની અંદર રહેલો આત્મા એક છે માટે મેં બેયને પસંદ કર્યા છે. આમ એકાત્મપણું જાણવું. આમ શું કામ કહ્યું ? દ્વેષ કેને થાય ? અલ્પ જ્ઞાનીને, એકાત્મ જ્ઞાનીને દ્વેષ થાતો નથી. આપત્તકાળના ધર્મ તે ઝીણા ઝીણા આપત્તકાળમાં માથું દુખ્યું કે મારે નાવું નથી. એમ ચાલે ? ગરમ પાણીથી નાવ, પેટમાં દુખે અને કહે મારે પંજરીની પ્રસાદી જમવી નથી. ભઇ જમીશ તો ઊલટું પેટ મટી જશે.
રોજ સવારમાં સૂર્યોદય પહેલા જાગવું, ભગવાનનું સ્મરણ કરવું, નાવું-ધોવું, દાતણ ઊઠીને છાતીમાં છાંટા ન ઊડે અને જ્યાં ત્યાં થૂંકવું ન પડે માટે એક ઠેકાણે બેસીને કરવું. પવિત્ર વસ્ત્રો પહેરવા, શુદ્ધ આસને બેસવું, ઉત્તર મુખે, ઉગમણે મુખે બેસીને ભગવાનની પૂજા પાઠ કરવા, તિલક- ચાંદલા કરી લેવા. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. વખત પ્રમાણે માળા ફેરવવી, બ્રાહ્મમુહૂર્ત ત્રણ વાગ્યાથી આરંભીને, ચાર વાગે આરંભીને તે બ્રાહ્મમુહૂર્તમાં પરમેશ્વરનું કામકાજ કરી લેવું. સૂર્યોદય પહેલાં સુધી બધી ભગવાનની ભક્તિ કરી લેવી. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હું આ તમને મોક્ષના સાધનરૂપી ધર્મ સોંપું છું. અમરીશ રાજાની પેઠે તમે મને સર્વ અર્પણ કરતાં રહેજો, તમારી સંપત્તિ, તમારું શરીર, તમારી ઇન્દ્રિયો અંતઃકરણ, તમારી ચીજ સંપત્તિ મને અર્પણ કરીને વાપરજો, માનસી પૂજામાં તો બધુંય આપજો, ઉપરથી ભલે થોડું આપો. વશિષ્ઠ ગૌતમ વગેરેનો આ મત છે. અમરીશ રાજાએ આ રીતે પોતાના ખજાના વગેરે ભગવાન લેખે કરી રાખ્યા હતા. ભગવાનની મૂર્તિની પૂજા કરવી, મૂર્તિઓ આઠ પ્રકારની હોય છે, એમાંય પણ શાલિગ્રામ મળે તો વધારે સારુ, એમાંય પણ દ્વિભુજ એવા હરિકૃષ્ણ મહારાજ મળે તો સર્વોપરિતા, એમની પૂજા કરવી. ધ્યાન, આહ્વાન, આસન, પગ ધોવા, પૂજાનું જળ, આચમનનું જળ, પંચામૃતથી નવરાવવા, દૂધ-દહીંથી નવરાવવા, અભિષેક કરાવવો, વસ્ત્ર આપવા, યજ્ઞોપવિત આપવું, અલંકાર પહેરાવવા. ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ ભગવાનને આપવા, આરતી કરવી, પ્રદક્ષિણા, દંડવત્, સ્તુતિ, નમસ્કાર કરવા. આ બધા કલ્યાણના સાધન છે. માટે બધા કરજો.
વરાહ પુરાણમાં લખ્યું છે કે, એકેય અપરાધ ભગવાનનો ન થવા દેવો. તો શું ? દર્શન કરવા ગયા અને બે જણા ઊભા ઊભા મહેમાન મળ્યા અને વાતો કરવા મંડ્યા. ભગવાન કહે, માળા આવ્યા મારે ત્યાં સામા અને વાત કરે પોતાની. પ્રભુની મૂર્તિ હોય ત્યાં ડખો ન કરવો, અશુદ્ધ શરીરે ન જાવું. ભગવાનને એક હાથે લાંબી લચક સલામ ન કરવી. તે જો પ્રમાદથી થઇ જાય તો એનું પ્રાયશ્ચિત કરી લેવું. ભગવાનના કીર્તન બોલવા, એના સ્તોત્રના પાઠ કરવા. મહારાજ કહે છે કે, મારી શિક્ષાપત્રી વાંચજો. નૈવેદ્ય, અન્ન, જળ મને ધરીને જમજો, હું તમારું કલ્યાણ કરીશ, મારી સેવાભક્તિ કર્યા કરજો, તમારાથી થાય એટલી કરજો, હું વધારે ગણીશ. મારા સંબંધ વડે કરીને તમે નિર્ગુણ એમ સમજજો. જે દિ’ થી સમજાય તે દિ’ થી સમજજો કે આ ભગવાનની પ્રસન્નતા, ભગવાનની પ્રસાદી જમીએ છીએ, ભગવાનની મૂર્તિનો યોગ રાખીએ છીએ અને સત્સંગ મળ્યો છે. જ્ઞાન કરવું, જીવને સાધુ બનાવવો. શરીરને સાધુ બનાવવો. આ આપણે બધાય સાધુ થયા માટે આપણી મુક્ત સ્થિતિ થઇ ગઇ. આ રીતે સંપત્તિ, ઇન્દ્રિયો, અંતઃકરણ, જ્ઞાન અને આત્મા એની અંદર રહેનારા સાક્ષી એ બધાને સાધુ બનાવવા અને અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે એમ પહોંચાડી દેવા. આજથી સમજી લેવું કે આપણે મુક્ત છીએ, નિર્ગુણ છીએ, માયા આપણને લેપ કરનારી નથી. આ વાત બરાબર સમજી લેવી તો બધી ક્રિયા નિર્ગુણ થઇ જશે. ભગવાનને ધર્યા વિનાનું પાણી ન પીવું, એક પાંદડું પણ મોઢામાં ન નાખવું. ગઢપણ આવે તો બીજાને પૂજા કરવા પૂજા દઇ દેવી.
ભગવાનના મંદિરમાં સાયંકાળે જાજો. રોજ ઊંચે સ્વરે મારું કીર્તન કરજો, ધૂન કરજો. એક મુહૂર્ત પણ ખાલી જાવા દેશો માં. મારી કથા-વાર્તા રોજ કરજો, રોજ કથા-વાર્તા કરનાર હોય તેનાથી કથા સાંભળજો, ગાવણા કરજો, વાજિંત્ર વગાડજો, ઉત્સવ વગેરેમાં ધામધૂમ કરજો. અરે રોજ રોજ ગાવણા કરજો, વાજિંત્ર વગાડજો, મારી મૂર્તિને રાજી કરી દેજો. હું અંદર બેઠો થકો રાજી થઇશ અને તમને આશિષ આપીશ. બુદ્ધિ પ્રમાણે શાસ્ત્રનો અભ્યાસ કરજો. દાખડો ખૂબ કરવો, કદાચ ન આવડ્યું તો કાંઇ નહીં. આપણો દાખડો ભગવાન જોવે છે કે આણે મહેનત બહુ કરી, એનું ફળ આપે છે, બુદ્ધિ યોગ આપે છે, જેનામાં જેવા ગુણ હોય એ ગુણને અનુસારે એની સાથે વ્યવહાર કરવો, બોલાવવા, કામકાજ સોંપવા, આ વાત એમ જ છે તો એ કામ સાંગોપાંગ પાર ઉતરે. અધુરાને સોંપે તો વચ્ચેથી બધું ભાંગી પડે.