પરાવાણી ૪૯

દ્રૌપદી, સતી સાવિત્રી આદિક પતિવ્રતા નારીની કથા - પતિવ્રતા નારીનો ધર્મ અને મહિમા

પાંચ પાંડવોના પત્ની દ્રૌપદીનું એક આખ્યાન મહાભારતમાં વ્યાસજીએ લખ્યું છે. એકવાર કુંતાજીએ પાંચ પાંડવો અને દ્રૌપદીને કહ્યું કે, આપણે પરીક્ષા કરીએ કે આપણે ધર્મમાં કેટલા છીએ. પછી એક આંબાનું ફળ હેઠું મેલ્યું. યુધિષ્ઠિરને કુંતાજીએ કહ્યું કે, આ ફળ વૃક્ષને ચોંટી જાય, તે માટે તમે તમારા ધર્મનું કંઇ પાનું બોલો. ધર્મરાજા કહે, હું કોઇ દિ’ ખોટું ન બોલ્યો હોવ તો આ ફળ જઇને વૃક્ષમાં ચોંટી જાય. તો હાથ એક ઊંચું થયું પણ ચોંટ્યું નહીં. તો સંદેહમાં પડી ગયા કે મારાથી કોઇ દિવસ ખોટું તો બોલાણું હશે. તો યાદ આવ્યું અશ્વત્થામાં મર્યો ત્યારે નરોવા-કુંજરવા તે વખતે અડધું ખોટું બોલાણું હતું. હાથી મર્યો કે અશ્વત્થામાં મર્યો એની મને ખબર ન પડી. એ ખોટું બોલ્યો. એટલી સ્મૃતિ આવી. આ રીતે ધર્મરાજાને પણ ખોટું બોલવું પડે કોક દિ’. પછી વારો આવ્યો ભીમનો. ભીમ કહે, મેં કુંતાજીનું વચન બરાબર પાળ્યું હોય તો ફળ ઊંચું ચડો. બે હાથ ઊંચું ચડ્યું પણ ચોંટ્યું નહીં. ત્યાં અર્જુન કહે, મેં શ્રીકૃષ્ણની પરિપૂર્ણ ભક્તિ કરી હોય, દરેક વચન પાળ્યું હોય તો આ ફળ ચોંટી જાઓ. તો ફળ ત્રણ હાથ સુધી ઊંચું ચડ્યું પણ ચોંટ્યું નહીં, તો અર્જુનને પણ થયું કે, કંઇક ખામી લાગે છે મારામાં. મેં કૃષ્ણનો ઘણીવાર તિરસ્કાર કર્યા છે અને કહ્યું છે કે, તમે શું જાણો ? આ તો મારું ગાંડીવ ધનુષ્ય કામ કરે છે નહિતર તમારા સારથીનો સોટો શું કામ કરે ? ત્યારે હવે ઓલા બે બાકી રહ્યાં સહદેવ અને નકુલ. એ કહે કે, અમે અમારાથી મોટેરા એવા આખા કુટુંબનું કોઇ દિવસ દિલ દુઃખી ન કર્યુ હોય અને આડે માર્ગે ન ગયા હોઇએ તો આ ફળ ઊંચું ચોંટી જાય. પણ છતાંય ફળ થોડું ઊંચું ચડ્યું પણ ચોંટ્યું નહીં. હવે દ્રૌપદીનો વારો આવ્યો. તો કુંતાજીએ કહ્યું કે, હવે બેટી તમે બોલો. તો દ્રૌપદી કહે કે, મેં મારા મનમાં પાંચ પાંડવો સિવાય છઠ્ઠા નરનો સંકલ્પ કર્યો હોય તો હું પતિવ્રતા ન કહેવાઉં અને મારું પતિવ્રતાપણું સાચું હોય તો ફળ ચોંટી જાઓ. એટલે ફળ એક હાથ ઊંચું તો થયું પણ એક મુઠ્ઠી જેટલું અધૂરું રહ્યું. તો કુંતાજી કહે, બેટી ! વાત તારી ખરી છે પણ ક્યારેક તારા સંકલ્પમાં ફેરફાર થયો લાગે છે. હવે જુઓ પતિવ્રતાપણાનું કેટલું બધું માહાત્મ્ય છે.

કુંતાજી કહે, યાદ કર દ્રૌપદી ! કોઇક દિવસ તો તારું મન આડાઅવળું થયું હશે. ત્યારે દ્રૌપદી કહે, હું માસિક ધર્મમાં હતી, ન્હાયાધોયા વગરની હતી, પાંડવો સભામાં બેઠા હતા તો પણ શિશુપાળે મને હાથ અડાડ્યો અને મારા ચોંટલાને પકડીને સભામાં લઇ આવ્યો. પાંડવો સભામાં બેઠા હતા એ જોઇ મને આંખમાંથી પાંપણ ભીની થાય એટલા આંસુ નીકળ્યા અને પાંડવો સામે મેં જોયું પણ કોઇ પાંડવ ઊભા ન થયા. ત્યાં ભીમ ઊભો થવા ગયો ત્યાં યુધિષ્ઠિરે તેને રોકી લીધો. ભીમે કહ્યું, આપણા પાંચ-પાંચ પતિઓના હોવા છતાં કોઇ પરપુરુષ આપણી પત્નીને હાથ અડાડે તો આપણે પાંચેય કેવા કહેવાઇયે ?

તો યુધિષ્ઠિર કહે, ભીમ અત્યારનો ધર્મ જુદો છે માટે બેસી જા. થોડુંક કામ છે એ નિમિત્તે કરવાનું. ત્યારે દ્રૌપદીને મનમાં એમ થયું કે આવા સમયે મારું રક્ષણ કરનારો કોઇ નહીં. ત્યારે મને એટલો સંકલ્પ થયો હતો કે મારી લગ્ન માટે માંગણી ઘણે ઠેકાણેથી આવતી હતી પણ અર્જુન બાણથી માછલાને વીંધનારો થયો અને મત્સયવેધ થયો એટલે મારા પિતાશ્રીએ મને આયા આપી. નહિતર શિશુપાલની પણ માંગણી હતી, બીજા મોટા-મોટા રાજાઓની પણ માંગણી હતી. એ માંગણી પ્રમાણે એણે મને જો ત્યાં આપી હોત તો મારે આજ આ ટાણું ન આવ્યું હોત અને હું રાજની રાણી હોત, જંગલમાં રખડનારી ન હોત. એ સમયે આટલું મન ડગી ગયું હતું.

ત્યારે કુંતાજી બોલ્યા, બેટી સાચું બોલી. ત્યારે દ્રૌપદી હાથ જોડી અને કુંતાજીના પગમાં માથું નમાવી બોલી, હે માતા ! મારું પાપ બળી જજો. અને ત્યારે કુંતાજીએ કહ્યું, બેટી ! તારું પાપ બળી ગયું. જા તું નિષ્પાપ થઇ. ત્યાં તો તરત જ ઓલી કેરી ફટ દઇને વૃક્ષમાં ચોંટી ગઇ. ત્યાં તો આખી સભામાં તાળીઓ એવી પડી કે ધન્ય છે પતિવ્રતાને. આવી પતિવ્રતા દુનિયામાં હોય તો દુનિયાના તમામ જીવપ્રાણી માત્રનું કલ્યાણ કરી નાખે.

સતિ સાવિત્રીના ધણીને યમરાજા પોતે લઇને ચાલ્યા ત્યારે સાવિત્રીએ કહ્યું, આપ એને લઇ જાઓ પણ હું ય સાથે આવીશ. હું એની પત્ની છું. તો યમરાજા કહે, તારી આવરદા હજી બાકી છે પણ તારા પતિની આવરદા પુરી થઇ છે માટે લઇ જાઉં છું. તો કહે, ભલે લઇ જાઓ પણ હું મારા પતિ વિના બીજે ન રહી શકું. ત્યાં તો યમરાજા આકાશમાર્ગે આગળ ચાલ્યા તો સાવિત્રી પણ પોતાના તપના બળથી આકાશમાર્ગે ઊંચે ચાલી. આ જોઇને યમરાજાને એમ થઇ ગયું કે, આ સતિ તો બહું જબરી લાગે છે. તો યમરાજાએ ફરી કહ્યું, તું માંગ એ આપું પણ પાછી વળ. તો સાવિત્રી કહે, મારું બધું તો મારા પતિ જ છે માટે તેનો આત્મા આપો. આ રીતે યમરાજા પણ સતિ સાવિત્રી પાસે હાર્યા.

પતિવ્રતા તો એવી જોઇએ જે પોતાના ધણીને તારે, કુળકુટુંબને તારે, પણ જો તેના મનમાં ખાંડાપણું આવી જાય તો ત્યાં ધર્મ ખાંડો થઇ જાય.

હવે ત્રીજી એક કથા કહું. ભોજરાજા નામનો એક રાજા પ્રસિદ્ધ છે. તે યજ્ઞમાં હોમ-હવન કરતો. ભોજરાજાની પત્ની, તેનો છોકરો એ યજ્ઞના માંડવામાં બેઠેલા. કુંડમાં અગ્નિ હતો. ભોજરાજાને ઝોલું આવ્યું. ભોજરાજા લાંબો થયો. તેની પત્ની રાણી તેણે પોતાનો સાથળ ભોજરાજાના માથાને ઓશીકા તરીકે આપ્યો અને ભોજરાજાને ઊંઘ આવી ગઇ. તેનું છોકરું પાછળ રમતું હતું તે યજ્ઞકુંડથી ત્રણ-ચાર ફૂટ આઘું હતું. એ રમતું-રમતું કુંડની પાળી પાસે આવ્યું અને અગ્નિમાં લડી પડ્યું. એ અગ્નિમાં લડ્યું પણ અગ્નિ ટાઢો થઇ ગયો. સતિને એમ થયું કે મારા ધણીનું મસ્તક હું જરીક પણ હલાવું તો એમને ઊંઘમાં વિક્ષેપ થાય. અને છોકરાને લેવા જાઉં તો ધણી જાગી જાય તો મારી પતિવ્રતાની ભક્તિ ખંડિત થઇ જાય. અને ધણી હશે તો બધુંય હશે. મારો ધર્મ હશે તો બધુંય હશે. છોકરું બળવું હશે તો ભલે બળી જાય પણ મારા ધણીની ઊંઘ બગડવા ન દઉં. ધન્ય છે પતિવ્રતાને. ભોજરાજાને સ્વપ્નમાં દેખાણું મારો છોકરો અગ્નિના કુંડમાં પડી ગયો. અને તરત માથું ઊંચું કરી એને જ્યાં અગ્નિકુંડમાંથી લેવા જાય છે ત્યાં અગ્નિ જેમ તાજું ચંદન લીપેલું હોય એમ અગ્નિ ઠંડો થઇ ગયો. તો ભોજરાજાએ પૂછ્યું, હે અગ્નિ ! આનું કારણ શું ? તારો બાળવાનો સ્વભાવ છે. તો ઠંડો કેમ થયો ? તો અગ્નિ કહે, તારી નારીનું પતિવ્રતાપણું મેં જોયું એટલે મેં બાળવાનો સ્વભાવ મેલી દીધો અને છોકરાને સજીવન રાખ્યો.

આવા દાખલા દુનિયાના ઘણાંય છે. અયોધ્યાનો કુરુરાજા એણે આખી અયોધ્યા બ્રાહ્મણોને અર્પણ કરી દીધી અને હિમાચળમાં તપ કરવા ચાલ્યા ગયા. એ રાજા અને રાણી બેય ચાલ્યા ગયા અને આગળ એક નદીને કાંઠે ઉભા રહ્યા. તરસ્યા થયા. ત્યારે પત્ની એ દાસી છે એટલે એણે એમ કહ્યું, હું ક્યાંયથી પાણી લઇ આવું અને તમે અહીં બેસો. અને રાણી આગળ ચાલી. રેતી ઉપર પગ મૂકયો અને પગમાં સણસણાટી બોલી. રેતી ખૂબ જ ગરમ હતી એટલે પગમાં ફોડફોલા થઇ ગયા. ખરેખરો તડકો હતો. પછી રાણી બેઠા બેઠા ધીરે ધીરે આગળ ચાલ્યા. ત્યાં તો રેતીનો જ્યાં જ્યાં સ્પર્શ થયો ત્યાં બધેય અગ્નિ બાળવા લાગ્યો. એટલે તરત રાણીએ સૂર્યનારાયણ સામે જોઇને કહ્યું, તું આટલો બધો તીખો થઇ ગયો છે ? પડ હેઠો. અને ત્યાં તો સૂર્ય આકાશમાંથી ઘણઘણાટી કરતો નાનો નાનો થાતો થાતો પૃથ્વી ઉપર ભફ દઇને સામે પડ્યો. ત્યાં તો કુરુરાજાને એમ થયું આ શું ? આ તો દુનિયાને પ્રકાશ આપનારો દેવ એને રાણીએ હેઠો પાડ્યો. આ શું થયું ? ત્યાં તો સૂર્યનારાયણ ગુસ્સે થયેલા રાણીની આગળ થરથરતો બે હાથ જોડીને ઉભો હતો. ત્યારે રાજાએ રાણીને કહ્યું, રાણી આ તે શું કર્યુ ? આ તો આખી દુનિયાને દર્શન દેનારો, પ્રકાશ દેનારો સૂર્યદેવ એને તે કેમ હેઠો પાડ્યો ? ત્યારે રાણી કહે, રાજા આ મારા પગની પાની તો જુઓ. એમાં માલિકોર ફોડલા પડી ગયા છે. એમાં પાણી ભરાઇ ગયા છે. હવે આવી સ્થિતિમાં હું કેમ ચાલુ અને તમારે માટે ક્યાંથી પાણી લાઉં ? માટે મારો પતિ મરી જાય એના કરતાં આ સૂર્યનારાયણ ભલે મરી જાય. આ સૂર્યનારાયણ તડકો દેનારો મારા ધણીની સેવામાં આડો શું કામ આવ્યો માટે મારે તેને મારી નાખવો છે. એટલે રાજા કહે છે, હે રાણી ! હજી તો હું જીવતો છું માટે હવે આ સૂર્યનારાયણને છુટો કર. ત્યાં સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઇને રાણી પાસે આવીને કહે, તમે જેમ કહો તેમ કરું. ત્યાં રાજા સૂર્યને કહે, હવે તમે પાણી ભરી આવો. ત્યાં સૂર્યએ પાણી ભરી રાજા અને રાણી બેયને પાણી આપ્યું. ત્યાં સંધ્યા થઇ અને શાંતિ પણ થઇ. તો રાણી કહે, હવે આ મારા પગની પાનીમાં ફડફોડા કે દિ’ મટશે ? ત્યાં સૂર્યનારાયણે ત્યાં હાથ ફેરવ્યો અને અશ્વિનીકુમારને સંભાર્યા. તો તરત જ ફોડલા મટી ગયા અને સારું થઇ ગયું. પછી રાણીએ સૂર્યને કહ્યું કે, આજ પછી જો કોઇ પતિવ્રતાને દુઃખ પહોંચાડ્યું છે ને તો તારો ઘાણ નીકળી જવાનો છે. આ રીતે સૂર્યનારાયણ પણ પતિવ્રતા નારીથી ડરે છે.

માટે, પતિવ્રતા નારીએ ધર્મ પાળવો તો આવો પાળવો. વધારે પાળવો. ન રહી શકે તો અડધો પાળવો. અડધો પણ ન રહી શકે તો પોણો પાળવો પણ પાળવો ખરો. પછી ઘરમાં દાળ કે શાક ન હોય ત્યારે ખીજાવું નહીં કે આ ઘરમાં દાળ કે શાક કાંઇ નથી તો શું કરવું ? આવી રીતે પતિને કોઇપણ રીતે કારણ વગર ખીજાવું નહીં. આવી રીતનું પતિવ્રતાપણું ન રાખવું.

પુરાણોમાં લખ્યું છે કે, બાળકના છઠ્ઠે દિવસે છઠ્ઠીની પૂજા જો સારી રીતે થાય તો એ છઠ્ઠીની દેવી એટલે મંછાદેવી એ બારેય મહિના આખું વર્ષ બાળકની રક્ષા કરે છે. બાળક ક્યાંય દબાય ન જાય, કોઇ જંતુ કરડે નહીં, કંઇ ખારું-ખાટું ખવાય ન જાય, કોઇ રીતે એ છોકરું મરવા ન દે પણ છઠ્ઠીની સારી પૂજા કરી હોય તો. આ જાણી રાખવા જેવુ છે.